ઓનોસિફરસ, પાઉલનો વફાદાર મિત્ર
ફાધર વર્ગીસ પોલ

 

આપણે ઓનોસિફરસ વિશે સંત પાઉલના તિમોથી પરના બીજા પત્રમાંથી જાણીએ છીએ. એ પત્રમાં પાઉલ લખે છે : “ઓનોસિફરસના કુટુંબ ઉપર પ્રભુ દયા કરો, કારણ, એણે ઘણીવાર મારામાં ફરી ઉત્સાહ પ્રેર્યો છે; મારી જંજીરોથી એ શરમાતો નથી, બલકે, એ રોમ આવ્યો ત્યારે એણે શોધીને મારો પત્તો મેળવ્યો હતો. પ્રભુ કરે ને એને તે દિવસે પ્રભુની કૃપા મળી રહે. એફેસસમાં એણે મારી કેવી સેવા કરી હતી એ તું સારી પેઠે જાણે છે” (૨ તિમોથી ૧, ૧૨-૧૮).

 

આ ટૂંકા વર્ણનમાંથી આપણે ઓનોસિફરસ વિશે એમના કુટુંબ પર પાઉલના આશીર્વાદ વિશે તથા એમના કુટુંબ માટે પાઉલની પ્રાર્થના વિશે સારી પેઠે જાણીએ છીએ. પાઉલનું વર્ણન બતાવે છે કે ઓનોસિફરસ પાઉલના એક વફાદાર મદદરૂપ મિત્ર હતા. પાઉલની સેવા કરવામાં તેમણે કશું બાકી રાખ્યું નહોતું. બંધનમાં રહેતા પાઉલમાં પણ ઉત્સાહ પ્રેરે એવા એમના વાણીવર્તન હતા.

 

ઓનોસિફરસની સેવાચાકરીથી પાઉલ ખૂબ પ્રભાવિત થયા છે કે એ જ પત્રને અંતે પણ પાઉલ ઓનોસિફરસના કુટુંબને સલામ પાઠવે છે: “અને ઓનોસિફરસનાં કુટુંબીજનોને વંદન કહેજો” (૨ તિમોથી ૪, ૧૯). અહીં ઓનોસિફરસનાં કુટુંબીજનોને સલામ પાઠવવાથી આપણે માની લઈએ રે ઓનોસિફરસ કાં તો હજી પાઉલની સેવામાં મંડયા રહે છે કે કાં તો ઓનોસિફરસ મૃત્યુને શરણે થયા છે.

 

બાઈબલના પાત્રો વિશેના પોતાના પુસ્તકમાં બાઈબલના પંડિત હરબર્ટ લોકિયર ઓનોસિફરસના સ્વભાવની ચાર લાક્ષણિક વિશિષ્ટતાઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે. એક, ઓનોસિફરસ એક ખૂબ ઉત્સાહી માણસ હતા. પાઉલ એમના વિશે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “એણે ઘણી વાર મારામાં ફરી ઉત્સાહ પ્રેર્યો છે.” કેદખાનામાં કે ઘરના બંધનમાં જંજીરો પહેરેલા પાઉલ માટે ઓનોસિફરસ જેવા ઉત્સાહી અને નિષ્ઠાવાન મિત્ર મળે તે ખરેખર જીવનમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે અને પાઉલ એની ખૂબ કદર કરે છે.

 

બે, ઓનોસિફરસ પાઉલ બંધન અને દુ:ખમાં એમની સાથે એક બન્યા છે. એટલે પાઉલ એમના વિશે લખી શકે છે, “મારી જંજીરોથી એ શરમાતો નથી”. એક સારા મિત્ર તરીકે ઓનોસિફરસ પાઉલને અને એમના બંધનવાળી પરિસ્થિતિથી સારી પેઠે વાકેફ છે. પરિસ્થિતિનો સમગ્રપણે સ્વીકાર કરીને તેઓ પાઉલનું જીવન આનંદમાં રહે તે માટે પોતાનાથી બને તે બધું ઉત્સાહથી કરતા હતી. એટલે એમનું વાણીવર્તન પાઉલ માટે પ્રેરણારૂપ અને આશ્વાસનદાયક હતું.

 

ત્રણ, ઓનોસિફરસ પહેલેથી જ પાઉલના વફાદાર અને નિષ્ઠાવાન મિત્ર હતી. એટલે તેઓ રોમ પહોંચ્યા ત્યારે તેમણે પાઉલનો શોધી શોધીને પત્તો મેળવ્યો. રોમ જેવા મહાનગરમાં આજના જેવા જનસંપર્કના માધ્યમો વિશે કોઈ એક માણસને શોધી કાઢવાની વાત સહેલી નથી. પણ ઓનોસિફરસ જુના મિત્રને જોરે રોમ પહોંચ્યા ત્યારે શોધી શોધીને પાઉલનો પત્તો મેળવ્યો હતો. અહીં આપણને પાઉલ માટેનો ઓનોસિફરસના પ્રેમ અને એમની ધીરજનો આપણને ખ્યાલ આવે છે.

 

ચાર, ઓનોસિફરસ ખીબ સેવાભાવી અને માયાળુ માણસ હતા. એટલે પાઉલ એમના ગુણોની કદર કરવા સાથે એને માટે પ્રાર્થના કરે છે કે, “પ્રભુ કરે ને એને તે દિવસે પ્રભુની કૃપા મળી રહે.” અને અગાઉ એફેસસ ખાતે પણ ઓનોસિફરસ પોતાની કેવી સેવા કરી હતી તેની પાઉલ યાદ કરે છે: “એફેસસમાં એણે મારી કેવી સેવા કરી હતી એ તું સારી પેઠે જાણે છે.”

 

છેલ્લે, ઓનોસિફરસના કુટુંબીજનોનો ઉલ્લેખ અને એમના માટેના પાઉલના આશીર્વચન બતાવે છે કે પાઉલ ઓનોસિફરસને જ નહિ પણ એમનાં કુટુંબીજનોને પણ મારી સારી રીત ઓળખતા હતા. પોતાના પ્રેષિત સેવા કાર્ય દરમિયાન એફેસસ ખાતે પાઉલે ઓનોસિફરસ અને એમના કુટુંબની મહેમાનગિરી માણી હશે.

 

ઓનોસિફરસ લાંબા ગાળે પાઉલના નિષ્ઠાવાન અને સ્નેહી મિત્ર રહ્યા છે અને રોમ ખાતે પાઉલની સંતોષપ્રદ રીતે સેવાચાકરી કરી છે.

 

(છેલ્લે બદલ્યાની તારીખ : ૦૧-૧૨-૨૦૦૯)
(ફરી બદલવાની તારીખ : (૧૬-૧૨-૨૦૦૯)
ફાધર વર્ગીસ પોલ કોપીરાઈટ ૨૦૦૯

 
Copyright © 2005-2006. Bible Website.
Site best viewed at 800 X 600 pixels resolution with IE 5.0 or later.
Powered by M J Web Solutions Pvt. Ltd.