અમારા વિશે જાણો

અમારા વિશે જાણો

અમારા વિશે જાણો (કેથલિક ઈન્ફર્મેશન સર્વિસ સોસાયટી)

કેથલિક ઈન્ફર્મેશન સર્વિસ સોસાયટી (સી.આઈ.એસ.એસ.) ની અમારી સેવોઓ અંગે અમને અવારનવાર અભાર અને ખુશી વ્યક્ત કરતા પત્રો મળતા રહે છે. એમનાં જુલાઈ 1987માં સી.આઈ.એસ.એસ. દ્વારા શરૂ કરેલા ઈસુ ખ્રિસ્ત અને બાઈબલ અંગેના પત્રવ્યવહારના નિઃશુલ્ક અભ્યાસક્રમને લગતા ઘણા પત્રો હોય છે. છેલ્લાં વીસેક વર્ષથી 34000થી વધારે વિધાર્થીઓ અને ધાર્મિક જિજ્ઞાસુઓએ પત્રવ્યવહાર દ્વારા ચાલતા અમારા વિવિધ અભ્યાસક્રમોનો ફાયદો ઉઠાવ્યો છે. અહીં નમૂનારૂપે અમારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના પત્રોમાંથી ચારેક દાખલાઓ આપીએ છીએ.

પત્રવ્યવહાર અભ્યાસક્રમોઃ

  • આવો ઈસુને મળોઃ (પ્રથમ અભ્યાસક્રમ)
  • ઈશ્વર આપણી સાથે છેઃ (બાળકો માટે નો અભ્યાસક્રમ)
  • ખ્રિસ્તી દર્શનઃ (બીજો અભ્યાસક્રમ)
  • બાઈબલ સ્વાધ્યાય ભાગ-1 (જૂનો કરાર)
  • બાઈબલ સ્વાધ્યાયઃ ભાગ-2 (નવો કરાર)

મુખ્યત્વે અખબારી જાહેરખબર દ્વારા લોકો અમારો નિઃશુલ્ક અભ્યાસક્રમ વિશે જાણીને અમારો સંપર્ક સાધે છે અને પત્રવ્યવહાર દ્વારા ચિલતા વિવિધ અભ્યાસક્રમમાં જોડાય છે. અમારો અભ્યાસક્રમ કરી રહેલા ને અગાઉ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા ભલામણ કરાયેલા ઘણા નવા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાય છે.

જનસંપર્કનાં કાર્યોઃ
વર્ષ દરમિયાન ગુજરાતની ધર્મસભાને લગતા 20 થી 30 સમાચારો લખીને બેંગ્લોરથી ચાલતી સમાચાર સંસ્થા સાઉથ એશિયન રિલિજિયસ ન્યૂસ (સ્ટાર ન્યૂસ)ને મોકલું છું. સી.આઈ.એસ.એસ.ના સ્થાપના વર્ષ 1984 થી માંડીને આજ સુધી મોકલેલા સમાચારો પર દષ્ટિપાત કરાય તો એમાં ગુજરાતની ધર્મસભાના ઈતિહાસરૂપે આછી ઝલક મળી રહેશે.

અમદાવાદ શહેર તથા બહારનાં પણ અખબારો, સમાયિકો અને પત્રકારો-લેખકો માટે પણ સી.આઈ.એસ.એસ. કાર્યાલય કેથલિક ખ્રિસ્તીઓ ને ધર્મસભા વિશે વખતો વખત જરૂર પ્રમાણે માહિતી પૂરી પાડે છે. કેથલિક ધર્મસભા વિશે જાહેર અખબારો-સામયિકોમાં લેખો તથા સમાચારો લખવા માટે અમારી પાસેની જરૂરી માહિતી પૂરી પાડીએ છીએ.

પ્રકાશનોઃ
સી.આઈ.એસ.એસ.ના પ્રારંભથી વિવિધ અભ્યાસક્રમો માટેની પુસ્તિકાઓની લાખો નકલો છપાઈ છે ને તેની માગણી કરનાર લોકોને સમગ્ર ગુજરાતમાં તે મોકલવામાં આવે છે.

છેલ્લાં દસેક વર્ષથી આણંદથી પ્રગટ થતા મધ્યાંતર અને અમદાવાદના સમભાવ અખબારોમાં સાપ્તાહિક કટાર લખવાની સાથોસાથ અન્ય સામયિકો ને છાપાઓમાં મારા આશરે 600 લેખો પ્રગટ થઈ ચૂક્યા છે. ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદ દ્વારા પ્રકાશિત થયેલાં બે પુસ્તકો સહિત અન્ય ત્રણ જાણીતી પ્રકાશન સંસ્થાઓ દ્વારા મારાં કુલ 21 પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યાં છે. એક્ષપ્રેસ અભિયાન જેવાં કેટલાંક અખબારોને સામયિકો મારાં પ્રકાશિત પુસ્તકોમાંથી લેખો નિયમિત પ્રગટ કરતાં રહે છે.

વ્યાવસાયિક પત્રકારત્વની તાલીમઃ
છેલ્લાં દસેક વર્ષથી સી.આઈ.એસ.એસ. દર વર્ષે પત્રકારત્વના 3 વિદ્યાર્થીઓને લઈને તેમને વ્યવસાયિક તાલીમ આપે છે. એમાં સમાજના છેવાડાના લોકોને વિશેષ પસંદગી આપીને વ્યવસાયિક પત્રકારત્વક્ષેત્રે સક્ષ્મ બનાવવાનો અમારો ખાસ પ્રયાસ છે. સી.આઈ.એસ.એસ. માંથી તાલીમ લઈ ચૂકેલા કેટલાક યુવાનો આજે પત્રકારત્વ ક્ષેત્રે સારું કાર્ય કરી રહ્યા છે. તેમાં ગુજરાત સરકારના માહિતી ખાતામાં કામ કરતા શ્રી રાજુ પીટર ક્રિશ્ચયન તથા મઘ્યાંતર દૈનિકમાં ચીફ ન્યૂસ રિપોર્ટર તરીકે કામ કરતા શ્રી અશોક પરમારનાં નામો નોંધપાત્ર છે.

ખ્રિસ્તી લેખકો-પત્રકારોને પ્રોત્સાહનઃ
સી.આઈ.એસ.એસ.ની શરૂઆતથી સંગઠનો અને તાલીમ દ્વારા પત્રકારોને વ્યવસાયિક રીતે સક્ષમ કરવાનું અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનું બીડું પણ અમે ઝડપ્યું છે. પરિણામે, આજે ગુજરાત કેઠલિક પ્રેસ એસોસિયેશન (જી.સી.પી.એ) અને ગુજરાત ક્રિશ્ચિયન પ્રેસ કાઉન્સિલ (જી.સી.પી.સી.) બન્ને આ દિશામાં સક્રિય છે.

ઉપસંહારઃ
અમે માનીએ છીએ કે અમારી કેથલિક માહિતી સેવા સંસ્થા દ્વારા ગુજરાતમાં નોંધપાત્ર કાર્ય થઈ રહ્યું છે. અમારા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ વચ્ચે કોમી એખલાસની ભાવના કેળવવાનો અમારો પ્રયાસ છે. 34,000 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સી.આઈ.એસ.એસ.ના પત્રવ્યવહાર દ્વારા ચાલતા અમારા અભ્યાસક્રમો અભ્યાસ કરવાથી અમે માનીએ છીએ કે પોતાના જીવનમાં ઉચ્ચ મુલ્યે કેળવવામાં આવ્યા છે અને સાથોસાથ ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી લોકો સામેનાં ઘણાં પૂર્વગ્રહો, ગેરસમજો દૂર થયાં છે. આ રીતે ખ્રિસ્તીઓ સામેના વિરોઘને ઘટાડી ધાર્મિક એખલાસ કેળવવામાં સી.આઈ.એસ.એસ.એ નોંધપાત્ર કામ કર્યું છે.

અમે જાણીએ છીએ કે પાંચ કરોડથી વધારે જનતામાં અમારું કામ સિંધુમાં એક બિંદુ સમાન છે. પરંતુ અમારું ધ્યેય છે કે વાંચતા લખતા સૌ લોકોને ઈસુનાં પ્રેમ, સેવા, કરુણા, માફી જેવાં મૂલ્યોથી વાકેફ કરીને સમગ્ર માનવજીવનને જીવવા જેવું બનાવવું એટલું જ નહીં, આ રીતે માનવજીવનમાં ખરાં માનવમૂલ્યોનું સિંચમ કરીને વિશ્વ બંધુત્વ અને ભાઈચારાની ભાવના ફેલાવવી.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.