પાછું ના જુઓ

પાછું ના જુઓ



ઠજે માણસ હળ ઉપર હાથ મૂકીને પાછું જુએ છે, તે ઈશ્વરના રાજ્યને લાયક નથી” (લૂક ૯, ૬૨).

વર્ષો પહેલાં મારાં સ્વજનો અને ઘર છોડીને જેસુઈટ એટલે ‘ઈસુસંઘ’ નામના સંન્યસ્ત સંઘમાં જોડાવા માટે હું ગુજરાત આવ્યો, ત્યારે મારાં એક ફોઈ, સિસ્ટર ઈસાબેલા, મારા પર અવારનવાર પત્ર લખતાં. એમના એક પત્રમાં એમણે ઈસુના શબ્દો ટાંકીને લખ્યું, “જે માણસ હળ ઉપર હાથ મૂકીને પાછું જુએ છે, તે ઈશ્વરના રાજ્યને લાયક નથી” (લૂક ૯, ૬૨).

ઈસુનું આ વાક્ય તે વખતથી મારા સ્પરણપટ પર કોતરાઈ ગયું છે. એક ખેડૂતના પુત્ર તરીકે મને હળ ચલાવતાં બરાબર આવડે છે. એટલે હું સારી રીતે જાણું છું કે હળ પર હાથ મૂકીને કોઈ પાછળ જોશે તો હળ યોગ્ય ચાસ પાડવાને બદલે હળ સાથે બાંધેલી ધૂંસરી ખેંચનાર બળદના પગને નુકસાન કરી શકે છે. જાનવરના પગ પર હળથી જખમ થાય તો પછી તે જાનવર ખેતરમાં ખેડાણના કામમાં ન આવી શકે.

આ વાત બરાબર જાણતો હોવાથી ઈસુના પેલા વાક્યની મારા પર ઊંડી છાપ પડી. “જે માણસ હળ ઉપર હાથ મૂકીને પાછું જુએ છે, તે ઈશ્વરના રાજયને લાયક નથી” વાક્ય મારા માટે પ્રેરણાબળ બની રહ્યું છે. અરે, ખરેખર જીવનમાં મેં જોયું છે કે, ઈસુના પ્રસ્તુત વાક્યની દરકાર કર્યા વિના હળ પર હાથ મૂકીને પાછળ જોનારા લોકો ઈશ્વરના રાજ્યને લાયક ઠર્યા વિના બહાર ફેંકાઈ ગયા છે.

ઇતિહાસમાં હળ પર હાથ મૂકીને પાછું જોનાર અને પાછું ના જોનાર લોકોના ઘણા દાખલાઓ જોવા મળે છે. અહીં રમતગમતક્ષેત્રની એક વાત લઈએ. ઈંગ્લેન્ડના રોજર બાન્નીસ્ટર નામના એક દોડવીરે મે, ૧૯૫૪માં એક માઈલનું અંતર ચાર મિનિટથી પણ ઓછા સમયમાં કાપવાનો રેકોર્ડ સર્જ્યો. એના થોડા સમયની અંદર ઑસ્ટ્રેલિયાના જોન લાન્ડીએ પણ એ નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ત્યાર પછી બંને દોડવીરો વચ્ચે એક સ્પર્ધા કેનેડામાં યોજવામાં આવી. આખી દોડમાં છેક છેલ્લે સુધી જોન લાન્ડી તો રોજર બાન્નીસ્ટર કરતાં થોડાક આગળ હતા. પણ વિજયની હદ ઓળંગતા પહેલાં જોન લાન્ડીએ પળમાત્ર માટે પોતાના પ્રતિસ્પર્ધી ક્યાં છે તે જોવા માટે પાછું જોયું. તે જ પળમાં કેવળ એકાદ કદમ પાછળ રહેલા એમના હરીફ રોજર બાન્નીસ્ટર જોન લાન્ડથી આગળ નીકળીને વિજયરેખા ઓળંગી ગયા. વિજયરેખા પરથી નજર ચૂકાવીને પોતાના હરીફ તરફ પળભર માટે પણ ર્દષ્ટિ ફેંકવાથી જોન લાન્ડી વિજયમાળા ખોઈ બેઠા.

આવી બાબતોને બરાબર સમજનાર ઈસુ ખ્રિસ્તના એક શિષ્ય સંત પાઉલે બાઇબલના એક પત્રમાં કરેલી વાત અહીં ખૂબ મનનીય છે. “જે ધ્યેયને માટે ખ્રિસ્ત ઈસુએ મારો કબજો લીધો છે તેને કબજે કરવા હું ધપી રહ્યો છું. ભાઈઓ, એ મને હાથ લાગ્યું હોય એમ હું માનતો નથી, પણ એટલું ખરું કે, જે પાછળ છે તેને ભૂલી જઈને જે આગળ છે તેને પ્રાપ્ત કરવા મથી રહ્યો છું; ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વરે જે ઈનામ મેળવવાનું સ્વર્ગમાંથી આહવાન કર્યું છે તે મેળવવા, ધ્યેયને લક્ષમાં રાખીને, હું આગળ ધપી રહ્યો છું” (ફિલિપ્પી ૩, ૧૨-૧૪).

અહીં વિશ્વસાહિત્યની એમ અમર કૃતિ ‘પયગંબર’માં લેખક ખલીલ જીબ્રાને બાળકો અને વડીલો અંગે કરેલી વાત ખાસ આપણા ધ્યાનને પાત્ર છે. ખલીલ જીબ્રાન વડીલોને કહે છે, “તમે બાળકો જેવા થવા ભલે પ્રયત્ન કરો, પણ તેમને તમારા જેવાં કરવા મહેનત કરશો નહી; કારણ કે, જીવન પાછા પગલે ચાલતું નથી, અને ભૂતકાળ પાસે થોભી શકતું નથી.”

આપણી રોજબરોજની જિંદગીમાં, ઈસુએ કહ્યું છે તેમ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જોવાનું નથી. આપણા ધ્યેયને જ નજર સમક્ષ રાખીને એને સિદ્ધ કરવા માટે આપણે હંમેશાં મંડ્યા રહેવાનું છે. આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલ ધ્યેય દૂર હોય, એને પ્રાપ્ત કરવાનો રસ્તો અઘરો હોય, વચ્ચે અડચણો તથા પારાવાર મુશ્કેલઓ આવતી હોય તોપણ આપણે આપણા રસ્તાથી ચલિત થયા વિના આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઝઝૂમવાનું છે.

આપણી જિંદગીમાં કદી આપણે પીછેહઠનો વિચાર કર્યા વિના આગળ વધવું જોઈએ. આ સંદર્ભમાં ઑસ્ટ્રેલિયન લોકોનું વંશચિહ્ન નોંધપાત્ર છે. એમના વંશચિહ્નમાં બે પ્રાણીઓનાં ચિત્રો છે. ઈમૂ પક્ષી અને કાંગારું પ્રાણી. બંને વિશિષ્ટ ઑસ્ટ્રેલિયન પ્રાણીઓ છે. એમાં ઈમૂ પક્ષી છએક ફૂટ ઊંચું દોડતું પક્ષી છે. એની વિશેષતા એ છે કે તે પાછળ ચાલી શકતું નથી. ઈમૂ પાછળ ચાલવા મથશે તો તે પડી જશે. પણ તે ખૂબ ઝડપથી આગળ દોડી શકે છે. એ જ રીતે કાંગારૂની પણ એક વિશેષતા છે. એને લાંબી અને મોટી પૂંછડી છે. એની લાંબી અને મોટી પૂંછડીને કારણે પણ પાછળ ચાલી શકતું નથી. આ બંને પ્રાણીઓને પોતાના વંશચિહ્નો તરીકે પસંદ કરીને ઑસ્ટ્રેલિયાના લોકો ઇચ્છે છે કે પોતે કદી પાછળ જવા ન જોઈએ, પણ જિંદગીમાં હંમેશાં આગળ અને આગળ ધપતા રહેવા જોઈએ.

ઈસુના સંદેશમાં પણ આ જ વાત છે. ઈસુએ પોતાની વાત ખૂબ ચિત્રાત્મક રીતે રજૂ કરી છે. ઈસુના સમયમાં તેમ જ આપણા સમયમાં પણ ખેડૂતો હળ ચલાવે છે. જોકે આજે મોટા ભાગના ખેડૂતોએ પોતાના ખેતર ખેડવા માટે હળને બદલે ટ્રેક્ટર વાપરવા માંડ્યું છે. છતાં નાના અને પછાત ગણાતાં ગામડાંઓના ખેડૂતો આજેપણ હળ વાપરે છે. દૈનિક જીવનના હળ ચલાવવાના સામાન્ય અનુભવનો પાઠ લઈને ઈસુ પોતાના શિષ્યો અને સૌ શ્રોતાજનોને સમજાવે છે કે, ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવાના ધ્યેય આગળ બીજી બધી બાબતો ગૌણ છે. સત્ય, પ્રેમ, શાંતિ, ન્યાય અને માફી જેવી બાબતો જ્યાં આદર્શ છે તે ઈશ્વરનું રાજ્ય સ્થાપવાના ધ્યેયને લક્ષ્યમાં રાખીને આપણે આપણા જીવનને સાર્થક કરવાનું છે.

Changed On: 01-01-2018
Next Change: 16-01-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.