English |
વિશ્વને પ્રેમ, સહિષ્ણુતા અને માનવતાનો મહાસંદેશ આપનાર ખ્રિસ્તીધર્મ ઈસુખ્રિસ્ત દ્વારા પ્રસ્થાપિત થયો. તેનો ઉદ્દભવ પશ્ચિમ એશિયામાં થયો. પરંતુ તેનો પ્રસાર અને પ્રચાર મહદ અંશે યુરોપ અને અમેરિકામાં થયો. સેમેટીક ધર્મો પૈકી ખ્રિસ્તીધર્મમાં અહિંસા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઈસુએ પોતાના સમગ્ર જીવન દરમ્યાન અહિંસાનો ઉપદેશ આપ્યો અને તેને જીવનમાં આચરી પણ દર્શાવ્યો. તેમણે હિંસાના ત્યાગ પર સવિશેષ ભાર મૂક્યો છે. મન, વચન અને કર્મથી માનવે અહિંસક બનવું જોઈએ.
બાઈબલના ન્યૂ ટેસ્ટામેન્ટ અંતર્ગત શુભસંદેશમાં ઈસુ અહિંસા વિશે ઉપદેશ આપતા સંબોધે છે કે, “આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત” એમ કહેલું છે તે તમે જાણો છો. એથી ઊલટું હું તમને કહું છું કે તમારું બૂરુ કરનારનો સામનો કરશો નહિ. બલ્કે, જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તેની આગળ બીજો ધરવો. કોઈ તારા પહેરણ માટે દાવો કરવા તાકે, તો તેને તારો ડગલો સુધ્ધાં આપી દેવો. અને જે કોઈ તને એક કોસ ચાલવાની ફરજ પાડે તેની સાથે બે કોસ ચાલવા. જે કોઈ તારી પાસે માગે તેને આપ અને જો કોઈ ઊછીનું લેવા આવે તો મોં ન ફેરવીશ.” (માથ્થી, ૩૮–૪૨).
ઈસુના આ ઉપદેશમાં ભારોભાર અહિંસાનો ખ્યાલ રહેલો જોવા મળે છે. ઈસુની અગાઉ એવી ન્યાયપ્રથા હતી કે કોઈકે જો કોઈની આંખને ઈજા પહોંચાડી હોય તો ઈજાગ્રસ્તે પણ ઈજા પહોંચાડનારની આંખને ઈજા કરવી અને જો દાંતને ઈજા પહોંચાડી હોય તો ઈજાગ્રસ્તે સામેવાળાના દાંતને જ ઈજા પહોંચાડવી અર્થાત જેવા સાથે તેવા થવું એમ ફલિત થાય છે. હિંસા સામે હિંસા પણ મર્યાદિત. બીજી રીતે કહીએ તો અપકારની સામે અપકાર. ઈસુએ આ ચાલી આવતી માન્યતાને સદંતર બદલી નાખી. હિંસા સામે હિંસા નહિ પણ અહિંસા. અપકાર પર અપકાર નહિ પણ ઉપકાર. મહાત્મા કન્ફ્યુશિયસના મતે ઉપકારનો બદલો ઉપકાર પરંતુ અપકારનો બદલો અપકાર નહિ પણ ન્યાય વડે નિર્ધારિત સજા હોવી જોઈએ. આ સંદર્ભમાં ઈસુ તો અપકારની સામે પણ ઉપકાર અર્થાત હિંસાની સામે અહિંસા આચરવાનું જણાવે છે. અહિંસા વિશેના ઈસુના ઉપદેશ વિશે ફાધર વાલેસનું મંતવ્ય જાણવા યોગ્ય છે – “બોધ સાદો છે પણ સાધના અઘરી છે, હજી શ્વાસ ઊંચો છે ને ગુસ્સાના ધડામથી છાતી ફૂટી જવાની છે એમ લાગે છે – અને સામે હાથ ઉગામવાને બદલે વધુ જુલમ કરવા સગવડ કરી આપવાનું કહે છે, બમણા જોરથી એને તમાચો મારવાને બદલે એ સુખેથી બીજો મારે માટે કોરો ગાલ ધરવાનું કહે છે. નિસ્પૃહી સલાહ છે પણ વિરલ સિદ્ધિ છે. ઓછા માણસો ગુસ્સો ને ક્રોધ કાબૂમાં રાખી શકે. હિંસાનો પ્રતિકાર હિંસાથી ન થાય, પણ ઉલટું : સહન કરવું, માફી આપવી, ચલાવી લેવું, બીજો ગાલ ધરવો, ડગલો આપવો, બે કોસ ચાલવું – એમાં ઉગારો છે. એમાં અંતિમ વિજય છે. હિંસક માણસ અહિંસક માણસને મારવા જાય ત્યારે એના હાથ ઢીલા પડે. અહિંસાની સામે હિંસા બુઠ્ઠી પડે.” (ગિરિપ્રવચન)
ઈસુએ અહિંસાનું પાલન પોતાના જીવનમાં કરી બતાવ્યું. તેમના વિરોધીઓએ જયારે તેમની ધરપકડ કરીને કેદ કર્યા એવામાં તેમના એક સાથીએ પોતાની તલવાર કાઢી, વડા પુરોહિતના નોકર ઉપર ઘા કરી, તેનો કાન ઉડાવી દીધો. ત્યારે ઈસુએ તેને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાન કરી દે. જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે.” (માથ્થી ૨૬, ૫૧-૫૨). આમ ઈસુએ પોતાને બચાવનાર સાથીની હિંસાના કૃત્યને વખોડ્યું હતું. ઈસુની પર રાજદ્રોહનો આક્ષેપ મૂકીને તેમને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. તેમની મશ્કરી કરવામાં આવી. તેમને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. તેમની મશ્કરી કરવામાં આવી. તેમને કોરડાનો માર મારવામાં આવ્યો. મસ્તક ઉપર કાંટાવાળો તાજ પહેરાવવામાં આવ્યો. તેમને હાથે અને પગે ખીલા ઠોકવામાં આવ્યા અને ક્રોસ ઉપર જડી દેવામાં આવ્યા. આટલું ભયંકર અપમાન કરી દેહકષ્ટ આપનારાઓ તરફ ઈસુએ ક્રોધ કે તિરસ્કાર ન દર્શાવ્યો. મૃત્યુ વખતે તેમના અંતિમ શબ્દો હતા, “હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી” (લૂક ૨૩:૩૪). પરમેશ્વરની દસ આજ્ઞામાંથી પાંચમી આજ્ઞા છે કે, “ખૂન કરવું નહિ.” ઈસુ જણાવે છે કે, “પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે.” આમ ખ્રિસ્તીધર્મમાં ક્રોધને પણ હિંસાનું કૃત્ય ગણાવ્યું છે.
અહિંસાની ચર્ચા કરતાં ટોલ્સટોયે એડીન બેલોના વિચારો પણ રજૂ કર્યા છે. બેલો (૧૮૦૩-૧૮૯૦) શાંતિવાદી અને ગુલામોની મુક્તિના જાણીતા અમેરિકન હિમાયતી અને ચર્ચના ધર્મગુરુ હતાં. હિંસા વડે અનિષ્ટનો પ્રતિકાર નહિ કરવા (નોન-રેજિસ્ટન્સ) અંગે તેમણે પચાસ વર્ષ સુધી ઝુંબેશ ચલાવી હતી. નવ હજાર વાર્તાલાપ આપ્યા અને પાંચ હજાર લેખો લખ્યા. બેલો જણાવે છે કે, “અપ્રતિકાર રક્ષ છે, પ્રતિકાર સંહારે છે. જો કોઇપણ વ્યકિત અનિષ્ટનો પ્રતિકાર અનિષ્ટ વડે ન કરતી હોત તો આપણી દુનિયા આજે વધુ સુખી હોત. આ સિદ્ધાંતને વળગી રહેનાર ભલે ને કોઈ એકાદ જ હોય અને ભલે ને તેને વધસ્થંભે ચડાવી દેવામાં આવે, પણ એ પ્રેમનો વિજય હશે. એ વિજ્ય હિંસક પ્રતિકારમાં રહેંસી નાખેલા સીઝરના વિજય વડે લોહિયાળ મુકુટ કરતાં વધુ ભવ્ય હશે. શાંતિ યોજનાર શાંતિને પામે. જે અનિષ્ટ છે તેનો હિંસા વડે પ્રતિકાર નહિ કરવાના ભગવાન ઈસુના સિદ્ધાંતને માથે ચડાવનાર દરેકને સેવા પ્રેમનો વારસો પ્રાપ્ત થાઓ, જે અવિનાશી છે અને જે સર્વવિજયી છે. (સાભાર, ટૂંકાવીને ‘પ્રબુધ જીવન’ મે, ૨૦૧૯).