English |
બાઇબલમાં નવા કરારમાં પ્રભુ ઈસુની આગળ વ્યભિચાર કરતાં પકડાયેલી એક બાઈને લાવ્યાની વાત ખૂબ પ્રસિદ્ધ છે. પરંતુ લોકો વ્યભિચાર અંગેનો ઈસુનો બોધ ખાસ જાણતા નથી.
“વ્યભિચાર કરવો નહિ” ની વાત ચારેય શુભસંદેશમાં આવે છે. ખ્રિસ્તી ધર્મની નૈતિકતાના પાયારૂપ દસ આજ્ઞાઓમાં એક છે વ્યભિચાર કરવો નહિ. પ્રભુ ઈસુના ખૂબ જાણીતા ગિરિપ્રવચનમાં વ્યભિચાર નહિ કરવાની વાત આવે છે.
ગિરિપ્રવચનમાં ઈસુએ કહ્યું, “વ્યભિચાર કરવો નહીં, એમ કહેલું છે તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે, જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે” (માથ્થી ૫, ૨૭-૨૮).
પરિણીત પુરુષ કે સ્ત્રી લગ્ન બહાર અન્ય વ્યક્તિ સાથે બંનેની સહમતીથી લગ્નેતર લૈંગિક સંબંધ બાંધે તેને આપણે ‘વ્યભિચાર’ કહીએ છીએ. યહૂદી લોકો લગ્ન બહાર સ્ત્રી-પુરુષોના જાતીય સંબંધનો સખત વિરોધ કરતા આવ્યા છે.
યહૂદી લોકો એક જ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવવાને બદલે મૂર્તિ બનાવી વિધર્મીઓના દેવોની પૂજા કરતા હોય તો તેને પણ વ્યભિચાર ગણવામાં આવતો. એટલે “વ્યભિચાર કરવો નહિ” તે જૂના કરારના સમયથી યહૂદીઓ માટે એક પ્રચલિત આજ્ઞા હતી. વ્યભિચાર કરનાર માણસને યહૂદી લોકોમાં પથ્થરેપથ્થરે મારી નાખવાની પ્રથા હતી. આજેપણ વ્યભિચાર કરતાં પકડાયેલી વ્યક્તિને કેટલાક આરબ દેશોમાં મૃત્યુદંડ આપવામાં આવે છે.
યહૂદીઓમાં પતિને પોતાની પત્ની પર અન્ય સાધનસંપત્તિની જેમ માલિકીનો અધિકાર હતો. યહૂદી પતિ પોતાની પત્નીને પોતાની માલિકની વસ્તુ ગણતો. લગ્નસંબંધમાં પણ સ્ત્રીને પુરુષ સાથે યહૂદી ઘરમાં સમાન અધિકાર કે સત્તા નહોતી. એટલે સામાન્ય યહૂદી માટે વ્યભિચાર એટલે સ્ત્રી પર એના પતિની સત્તાને છીનવી લેવાની વાત છે.
પણ પ્રભુ ઈસુની ર્દષ્ટિમાં વ્યભિચાર લગ્ન કરેલાં સ્ત્રી-પુરુષના લગ્ન બહારનો જાતીય સંબંધ જ નથી. એટલે ઈસુ કહે છે કે, “જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે.”
અહીં ઈસુની વાતને બરાબર સમજવાની જરૂર છે. કોઈ પુરુષ કોઈ સુંદર સ્ત્રીને જુએ અને સ્વાભાવિક રીતે તે સ્ત્રી કમનીય લાગે, તેના પ્રત્યે કુદરતી લાગણી થાય એની વાત નથી. એ તો કેવળ પુરુષમાત્રની જન્મજાત વૃત્તિ છે, સહજ ઇચ્છા છે.
ઈસુ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખવાની વાતનો નિષેધ કરે છે. મનથી વ્યભિચાર ન કરવાની વાત કરે છે. સભાનપણે કોઈ સ્ત્રી પ્રત્યે પુરુષ પોતાની કામવાસનાને જગાડે છે, તે સ્ત્રી સાથે સંભોગ કરવાની ર્દષ્ટિથી તેને જુએ છે, તેની વાત ઈસુ કરે છે. કોઈ સ્ત્રી સાથે જાતીય સંબંધ રાખવાની તીવ્ર ઈચ્છા સેવે છે તેવા વિલાસી પુરુષની વાત ઈસુ કરે છે.
યહૂદી ધર્મગુરુઓ બરાબર જાણતા હતા કે પુરુષ પોતની આંખનો દુરુપયોગ કરીને પોતાની કામવાસનાને જાણીજોઈને ઉત્તેજિત કરી શકે છે. એટલે તેઓ કહેતા હતા કે “આંખ અને હૃદય પાપની ચાકરડીઓ છે.” પુરુષ કોઈ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધવા અને સંભોગ કરવા મનથી નક્કી કર્યા પછી એ માનસિક નિર્ણયના ફળરૂપે વ્યભિચાર કરે છે. એટલે ઈસુ કેવળ બાહ્ય આચારને જ નહિ પણ કામવાસનાને જગાડવાની માનસિક પ્રવૃત્તિને તેમ જ વ્યભિચાર કરતાં પહેલાં વ્યભિચાર કરવાના નિર્ણયને ગુનો ઠરાવે છે.
યહૂદી ધર્મમાં સ્ત્રીને અને સાધનસંપત્તિને સરખી રીતે મૂલવામાં આવતી હતી. એટલે જ બાઇબલના મહાપ્રસ્થાન ગ્રંથમાં કહેવામાં આવે છે કે, “તમારા માનવબંધુના ઘરનો લોભ સેવવો નહિ; તેની પત્નીનો કે તેની દાસીનો કે તેના બળદનો કે તેના ગધેડાનો કે તેની કોઈપણ વસ્તુનો લોભ સેવવો નહિ” (મહાપ્રસ્થાન ૨૦, ૧૭).
પણ ઈસુની ર્દષ્ટિમાં તો સ્ત્રી, પુરુષ જેટલો જ સમાજ દરજ્જો ધરાવે છે. માનવ તરીકે સ્ત્રી અને પુરુષ સમાન છે. એટલે જૂના કરાર અને યહૂદીઓની પારંપરિક માન્યતાઓથી પર જઈને ઈસુ સ્ત્રીને પુરુષની બધી સાધનસંપત્તિથી ભિન્ન અને શ્રેષ્ઠ ગણે છે. એટલે ઈસુની ર્દષ્ટિએ કોઈ સ્ત્રીને સંપત્તિ તરીકે ગણવી કે પુરુષના કામવાસનાને સંતોષવાના સાધન તરીકે લેખવી તે સ્ત્રી પરનો અત્યાચાર છે. સ્ત્રી સામેનો મોટો ગુનો છે.
આ ર્દષ્ટિએ એક પુરુષ પોતાની પત્ની સાથે પણ વ્યભિચાર કરી શકે છે. લગ્નજીવનમાં પણ સ્ત્રીને કેવળ પુરુષની કામવાસનાને સંતોષવાની વસ્તુ તરીકે ગણવામાં આવે અને એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો તે પત્ની જોડેનો પતિનો વ્યભિચાર છે. આ જ વાત વર્ષો પહેલાં એમિલ બ્રુનર નામના લેખકે પોતાના ગ્રંથ “ધ ડીવાઇન ઈમ્પરેટિવ”માં કરી છે. તેમણે કહ્યું છે કે, “કોઈપણ સ્ત્રીને લૈંગિક વસ્તુ ગણવી અને તેના વ્યક્તિત્વ તથા હક્કોની અવગણના કરવી અને જો તે સ્ત્રી પત્ની હોય તો પણ તે પાપ છે.”
જે પુરુષ પોતાની નજરથી અને મનથી કોઈ સ્ત્રીને કામવાસનાને સંતોષવાની વસ્તુ ગણે તે પુરુષ કદી સ્ત્રીને આદરમાન આપી શકતો નથી. જયારે કોઈ પુરુષ નજરથી અને મનથી લૈંગિક વિકારને ઉત્તેજિત કરે છે ત્યારે તેનું હૃદય વ્યભિચારશાળા બને છે. એટલે જ ઈસુએ કહ્યું છે કે, “જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે.” પ્રભુ ઈસુનો આ બોધ એમના સમયની જેમ આપણા આધુનિક જમાનાના લોકો માટે પણ ખૂબ પ્રસ્તુત છે.