English |
પ્રભુ ઈસુએ એકવાર પોતાના શિષ્યોને કહ્યું, “માટે તે લોકોથી ડરશો નહિ” (માથ્થી ૧૦, ૨૬). ઈસુ પોતાના બાર શિષ્યોને લોકો વચ્ચે ઉપદેશાર્થે મોકલતા હતા અને તેમને ક્યાં અને કેવી રીતે ઉપદેશ આપવો એ અંગે ચોક્કસ શિખામણ આપતા હતા. તે પ્રંસગે ઈસુએ એક શ્રેષ્ઠ ગુરુ અને દીર્ધર્દષ્ટા તરીકે શિષ્યોને ચેતવણી આપી હતી કે લોકો તેમનો વિરોધ કરશે અને તેમને સતાવશે.
ઈસુની દલીલ એ હતી કે, “શિષ્ય ગુરુથી અદકો નથી કે નોકર તેના માલિકથી ચડિયાતો નથી... જો ઘરના વડીલને (એટલે કે, ઈસુને) લોકોએ સેતાન કહ્યો છે, તો તેના ઘરનાંને શું નહિ કહે!” (માથ્થી ૧૦, ૨૪-૨૫). ઈસુના વિરોધીઓએ એમના પર આરોપ મૂક્યો હતો કે, “આ માણસ તો અપદૂતોના સરદાર સેતાનની મદદથી જ અપદૂતો કાઢે છે” (માથ્થી ૧૨, ૨૪). આવો વિરોધ હોવા છતાં ઈસુ કદી પોતાના નિર્ધારિત રસ્તેથી ચલિત થયા નહોતા.
ઈસુના શિષ્યો પર ભલે લોકો આરોપ મૂકે, ભલે તેમની સતામણી કરે, પણ ખરા શિષ્યોએ લોકોથી ડરવાની બિલકુલ જરૂર નથી. ખરેખર તો ઈસુના શિષ્યોએ લોકોથી સાવધ રહેવાની અને ચેતતા રહેવાની જરૂર છે.
આ સંદર્ભમાં બાઇબલના પંડિત માર્ક લિન્કે નોંધેલો એક પ્રંસગ અહીં યાદ કરી શકીએ. એક ધર્મગુરુ દેવળમાં સદાચાર અંગે બોધ આપવા માટે તૈયાર થઈને મંચ પર ચડ્યા. તેમણે પોતાની સામે રાજાને બેઠેલા જોયા. તેમણે મનોમન પોતાની જાતને કહ્યું, “ભલા આદમી તમે જે વાત કરવાના છો તે અંગે સાવધ બનો. રાજા તમારી સામે બેઠા છે.” તેમણે તૈયાર કરેલી વાતથી રાજાને માઠું લાગી જાય એવી પૂરી શક્યતા હતી. કારણ, રાજા સદાચારના રસ્તે ચાલતા નહોતા.
બીજી પળે એ ધર્મગુરુ ફરી સભાન બનીને સ્વગત બોલ્યા, “ભલા આદમી, તમે સાવધાન બનો. તમે શું બોલવાના છો એ હિંમતથી નીડરપણે બોલજો. કારણ, રાજાઓના રાજા અહી આ દેવળમાં હાજર છે.”
પ્રભુ ઈસુ આ દુનિયાના પટ પર ઉપદેશ આપતા હતા ત્યારે તેઓ કોઈનાથી ડરતા નહોતા. તેઓ પોતાના વિરોધીઓને પણ નીડરપણે પોતાની વાત સંભળાવતા હતા.
એકવાર કેટલાક લોકોએ ઈસુને કહ્યું, “તમે અહીંથી નીકળીને ચાલ્યા જાઓ, કારણ, હેરોદ તમને મારી નાખવા માગે છે.”
નીડરતા અને હિંમતથી ઈસુએ તેમને કહ્યું, “એ શિયાળવાને જઈને કહો કે, ‘આજે અને આવતીકાલે તો હું અપદૂતો કાઢવાનું અને લોકોને સાજા કરવાનું ચાલુ રાખવાનો છું’”” (લૂક ૧૩, ૩૨). રાજા હેરોદ અન્તિપાસ શિયાળની જેમ લુચ્ચો અને ખૂની હતો. તેણે સ્નાનસંસ્કારક યોહાનનો શિરચ્છેદ કરાવ્યો હતો. કારણ, હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો અને યોહાને તેને કહ્યું હતું કે, ભાઈની સ્ત્રી સાથે રહો છો એ અધર્મ છે’ (માર્ક ૬, ૧૬-૧૮). ઈસુ ખૂની રાજા હેરોદથી પણ ડરતા નહોતા.
પ્રભુ ઈસુ નીડરતાથી આખાબોલા માનવ તરીકે જીવ્યા. તેઓ મોં જોઈને ચાંલ્લો કરનાર માનવ નહોતા. એટલે તેમના યહૂદી ધર્મના ધર્મગુરુઓથી માંડી સમાજના અને રાજકારણના ઘણા આગેવાનો ઈસુના દુશ્મન બન્યા હતા અને કેટલાક તો તેમને મારી નાખવા તાકતા હતા. પરંતુ ઈસુ હંમેશાં નીડરતાથી પોતાનું કામ (એટલે કે ઈશ્વર પિતાએ એમને સોંપેલું કામ) પૂરી નિષ્ઠા અને ખંતથી કરતા હતા. પોતાના વિરોધીઓ અને દુશ્મનો ભલે ગમે તે કહેતા પણ ઈસુ હંમેશાં પોતાના ઈશ્વર પિતાની ઇચ્છા મુજબ જ ચાલતા.
એકવાર ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું પણ ખરું કે, “જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂર્ણ કરવી અને તેનું કામ પાર પાડવું એ જ મારો આહાર છે” (યોહાન ૪, ૩૪). ઈસુ આ દુનિયા પરનું પોતાનું સમગ્ર જીવન પોતાના ઈશ્વર પિતાની ઇચ્છા મુજબ નીડરતથી જીવ્યા એટલું જ નહી, અનુયાયીઓને પણ નીડરતાથી ઈશ્વર પિતાની ઇચ્છા મુજબ જીવવાનો અનુરોધ કર્યો.
સતામણી હોય, વિરોધ હોય, સામે મૃત્યુ હોય તોપણ ઈસુના શિષ્યોએ કદી ડરવાનું નથી. ઈસુએ સ્પષ્ટ કહ્યું છે કે, “જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહી. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખો” (માથ્થી ૧૦, ૨૮).
પ્રભુ ઈસુના સાચા અનુયાયીઓ ઈસુએ ચીંધેલા રસ્તે ચાલીને તેમના શુભસંદેશની ઘોષણા કરવામાં કદી ડરતા નથી. ઈસુના પગલે પગલે ચાલવામાં તેઓ બધી મુશ્કેલીઓ અને સતામણીઓનો સામનો કરવા અને મૃત્યુને ભેટવા સુધ્ધાં તૈયાર છે. ઈસુના વિરોધીઓ ખ્રિસ્તીઓ સામે ધર્માંતરનો હોબાળો મચાવે તોપણ તેઓ ઈસુના સંદેશનો ફેલાવો કરવાના કામમાં પોતાની ફરજ સમજીને મંડ્યા રહે છે. કારણ, તેઓ જાણે છે કે, ઈસુનાં પ્રેમ, માફી, સેવા, દયા અને શાંતિ જેવા સંદેશનો પ્રચાર ફેલાવો કરવાનું કામ ઈશ્વરદત્ત છે. ઈસુની જેમ નીડરતાથી કરવાનું એ કામ છે. ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાનું એ કામ છે.