English |
એકવાર ઈસુએ પોતાના બાર શિષ્યોને તાલીમ આપતાં કહ્યું, “એવું ન માનશો કે
હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું. હું તો શાંતિ ઉતારવા નહિ પણ ભાગલા
પાડવા આવ્યો છું”” (માથ્થી ૧૦, ૩૪).
પ્રભુ ઈસુનું ત્રણ વર્ષનું જાહેરજીવન તપાસીએ તો એક વાત ખાસ નોંધી શકાય છે. ઈસુએ પોતાના બાર શિષ્યોને પોતાના અંતેવાસીઓ થવા પસંદ કર્યા હતા અને તેમની સાથે પોતાનો ખાસો સમય ગાળ્યો હતો. ઈસુના જીવનમાં પોતાના શિષ્યની તાલીમને અગ્રિમતા હતી.
એકવાર ઈસુએ પોતાના બાર શિષ્યોને તાલીમ આપતાં કહ્યું, “એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું. હું તો શાંતિ ઉતારવા નહિ પણ ભાગલા પાડવા આવ્યો છું. કારણ, બાપ અને બેટા વચ્ચે, મા અને દીકરા વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું. હા, માણસનાં કુટુંબીજનો જ તેનાં દુશ્મન બનશે” (માથ્થી ૧૦, ૩૪-૩૬).
ઈસુના શિષ્યોએ એમની વાત બરાબર સમજી હશે. એટલે જ શિષ્યોએ ઈસુની વાતનો ખુલાસો માગ્યો નથી કે વિરોધ પણ નથી કર્યો. પણ આજે ઘણાં લોકો ઈસુની ‘શાંતિ નહિ પણ ભાગલા પાડવા’ આવ્યાની વાત સમજતા નથી. ઈસુને ‘શાંતિના દૂત’ તરીકે સ્વીકારનાર અમુક ખ્રિસ્તી લોકો પણ ઈસુના આ શબ્દોને બરાબર સમજતા નથી. તો ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તીઓનો વિરોધ કરનાર લોકો તો ઈસુના આવા સંદેશને લઈને ઈસુ ખ્રિસ્તને લોકો વચ્ચે ભાગલા પાડનાર સરદાર તરીકે ચીતરે એમાં નવાઈ નથી.
તો પછી “શાંતિ ઉતારવા નહિ પણ ભાગલા પાડવા”ની વાતથી ઈસુ ખરેખર શું કહેવા માગે છે? “કોઈ તારા ગાલ પર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે” કે “અપરાધ કરનાર ભાઈને સિત્તેર વખત સાત વાર માફી આપવી” એમ કહેનાર ઈસુ લોકો વચ્ચે સંઘર્ષ અને ભાગલા પાડવાની વાતથી પોતાના શિષ્યોને શું સમજાવતા હશે?
મને લાગે છે કે, “શાંતિ ઉતારવા નહિ પણ ભાગલા પાડવા”ની પોતાની વાતથી ઈસુ પોતાના બાર શિષ્યોને નરી વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. તેઓ અગાથી પોતાના શિષ્યોને ચેતતા રહેવાની સલાહ આપે છે. શિષ્યોનું કામ ઈસુના સંદેશની ઘોષણા કરવાનું છે. શિષ્યો ભલે પ્રભુ ઈસુનો સંદેશ લોકોને સંભળાવતા હતા. છતાં લોકો તો ઈસુનો સંદેશ સ્વીકારવાના નથી. અમુક લોકો ખૂબ ઉમળકાથી ઈસુનો સંદેશ સ્વીકારશે અને ઈસુએ ચીંધેલા પ્રેમ, શાંતિ, માફી, સેવા અને કરુણાના રસ્તે ચાલશે. પરંતુ બધા લોકો નહિ. ઈસુના સંદેશનો વિરોધ કરનારા લોકો પણ હશે.
એક કુટુંબના સભ્યોમાં અમુક જણ ઈસુનો સંદેશ સ્વીકારીને ઈસુના શિષ્ય બને છે અને એમણે ચીંધેલા રસ્તે ચાલે. પરંતુ એ જ કુટુંબના અન્ય સભ્યો ઈસુનો સંદેશ સ્વીકારવાને બદલે એનો વિરોધ પણ કરે. એ રીતે ઈસુના સંદેશને કારણે એક જ કુટુંબના સભ્યોમાં ભાગલા પડે અને બંને પક્ષો વચ્ચે સંઘર્ષ પણ થાય. આ એક વાસ્તવિકતા છે.
ભારતના અને ગુજરાતના સુજ્ઞ લોકો ઈસુની ભાગલા પાડવાની વાત બરાબર સમજી શકે છે. આપણા કવિ કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ, ઇસવીસન ૧૮૬૭-૧૯૨૩)નું જીવનચરિત્ર બતાવે છે કે, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાથી તેમને નાતબહાર મૂકવામાં આવ્યા હતા અને તેમને ખૂબ વિરોધ વેઠવો પડ્યો હતો. અંતે બાહ્ય દબાણને વશ થઈને તેઓ પોતાની જ્ઞાતિમાં પરત ગયા હતા. જોકે તેમનું બાકીનું જીવન બતાવે છે કે, તેઓ પોતાના હૃદયધર્મથી એટલે કે એમનાં મૂલ્યો અને વલણથી ખ્રિસ્તી જ રહ્યા હતા.
ઈસુની ભાગલા પડવાની અને સંઘર્ષની વાત સમજવા માટે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું જીવન પણ આપણને મદદરૂપ નીવડી શકે છે. ગાંધીજીને કોઈ સંઘર્ષ કે ભાગલાના સરદાર ન કહી શકે. પરંતુ આપણે એમને “શાંતિના દૂત”નું બિરુદ આપી શકીએ. છતાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની એકતાના ગાંધીજીના સંદેશથી એમના અનુયાયીઓમાં ભાગલા પડ્યા હતા અને સંઘર્ષ પણ થયો હતો. અંતે સંઘર્ષની પરાકાષ્ઠાએ ગાંધીજીના વિરોધીઓએ “શાંતિના દૂત”ને ગોળીથી વીંધી નાખ્યા હતા. ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહથી લોકો વચ્ચે શાંતિનો માર્ગ કાઢ્યો હતો. પરંતુ સંઘર્ષ સર્જાયો અને ભાગલાના દાવાગ્નિમાં શાંતિના દૂતનું જીવન હોમાઈ ગયું.
ઈસુ પ્રેમ, શાંતિ, માફી અને સેવાના રસ્તે પોતાને અનુસરવા બધાંને ખુલ્લું આમંત્રણ આપે છે. અમુક લોકો એમના આમંત્રણને સ્વીકારે છે અને એમણે ચીંધેલા રસ્તે ચાલવા માથે છે. તો બીજા લોકો એમનો અને એમના અનુયાયીઓનો વિરોધ કરે છે. ઈસુના આમંત્રણમાં કોઈ બળજબરી નથી. કોઈ લાલચ નથી, કોઈ છૂપો હેતુ નથી. માનવે પોતાની પૂરી સ્વતંત્રતાથી ઈસુના આમંત્રણનો પ્રતિસાદ આપવાનો છે.
ઈસુએ સ્પષ્ટ કહ્યું છે કે, “કોઈ માણસ બે માલિકની સેવા નહિ કરી શકે. એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકીસાથે સેવી નહિ શકો.” વળી, “કોઈ નોકર બે માલિકની સેવા નહિ કરી શકે. એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકીસાથે સેવી નહિ શકો” (માથ્થી ૬, ૨૪).
આમ, સંઘર્ષ પેદા કરનાર કે ભાગલા પાડનાર ઈસુ નથી. માનવની સ્વતંત્ર પસંદગીના પરિણામે સંઘર્ષ પેદા થાય છે. ભાગલા પાડનાર ઈસુ નથી પણ માનવ જ છે. ઈસુ અને એમનો સંદેશ સંઘર્ષ અને ભાગલા પાડનાર નિમિત્ત બને છે. એટલે ઈસુ પોતાના શિષ્યોને અગાઉથી ચેતવણી આપે છે કે, એમને કારણે સંઘર્ષ અને ભાગલા થશે.
ઈસુના સંદેશથી સ્પષ્ટ થાય છે કે, એમના શિષ્યોએ સંઘર્ષ અને ભાગલાથી કદી ડરી જવાનું નથી. સંઘર્ષ જીવનનો ભાગ છે. સંઘર્ષથી માનવનું ઘડતર થાય છે, એનો વિકાસ થાય છે. શિષ્યો સામે ઈસુને અનુસરવાનો પડકાર છે, સંઘર્ષનો પડકાર છે, ભાગલા પાડવાનો પડકાર છે, પોતાનું જીવન ઈસુના ચરણકમળમાં સ્પર્શી દેવાનો પડકાર છે. ઈસુએ સાચું કહ્યું છે કે, “જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી” (માથ્થી ૧૦, ૩૮).