English |
દરેક ખ્રિસ્તી માનવને કંઠસ્થ હોય અને રોજેરોજ બોલાતી હોય એવી એક પ્રાર્થના છે “હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાઓ...”. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને ખાસ શીખવેલી એ પ્રાર્થનામાં એક ભાગ છે: “અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધીઓની માફી આપો” (માથ્થી ૬, ૧૨).
એક વાર એક ખ્રિસ્તી યુવાને મને કહ્યું હતું કે, “ફાધર વર્ગીસ, હું અંત:કરણથી ‘હે અમારા પરમપિતા’ની પ્રાર્થના બોલી શકતો નથી. કારણ, એમાં ‘અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો’ એ ભાગ હું બોલી શકતો નથી. એટલે મેં એ પ્રાર્થના બોલવાનું છોડી દીધું છે.”
ખરી વાત છે. માફી આપી શકતા ન હોય, ક્ષમા આપવાની ઇચ્છા ન હોય એવા કોઈ ખ્રિસ્તી માનવનો અંતરાત્મા “હે અમારા પરમપિતા...” પ્રાર્થના દિલથી બોલતાં અસ્વસ્થ બનશે. એને ક્ષમા કરીને ક્ષમા મેળવવાની વાત ખૂંચશે.
આવી પરીસ્થિતિમાં ક્ષમા કરવા અંગે ઈસુનો બોધ તપાસીએ. ઈસુએ શુભસંદેશમાં પોતાના શિષ્યોને ઘણીવાર ક્ષમાની વાત કરી છે. એક દિવસ ઈસુ ખ્રિસ્ત અને એમના પટ્ટશિષ્ય પીતર વચ્ચેની વાતચીતમાં પીતરે ઈસુને પૂછ્યું, “પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે, તો મારે કેટલીવાર ક્ષમા કરવી? સાતવાર?” (માથ્થી ૧૮, ૨૧).
યહૂદી ધર્મગુરુની પરંપરા મુજબ એક ભાઈએ પોતાના ભાઈને વધુમાં વધુ ચાર વખત ક્ષમા કરવી પૂરતી છે. એટલે પીતર ‘સાત વાર’ ક્ષમા કરવાની વાત કરે છે ત્યારે યહૂદી પરંપરાને પણ વટાવી જઈને સામા માનવને સાત વાર ક્ષમા કરવાની પોતાની ઉદારતા અને ઉત્સુકતા બતાવે છે. ઈસુએ ક્ષમાને આપેલું મહત્વ સમજી જઈને પીતર ઈસુને યોગ્ય પ્રતિસાદ આપવા મથે છે.
પરંતુ ઈસુએ પીતરને કહ્યું, “મારો જવાબ એ છે કે, સાત વાર નહિ, પણ સિત્તેર વખત સાત વાર.” મતલબ છે કે, ઈસુના અનુયાયીઓએ યહૂદી પરંપરાને પણ પડકારે એ રીતે કોઈ મર્યાદા વિના ક્ષમા આપવી જોઈએ.
બાઇબલના જૂના કરારના ‘ઉત્પત્તિ’ ગ્રંથમાં એક પાત્ર લામેખ પોતાના ઉપર ઘા કરનાર એક જુવાનને મારી નાખીને વેર વાળવાની બડાશ મારતાં કહે છે, “જો કાઈનનું વેર સાત ગણું લેવાશે તો લામેખનું જરૂર સિત્તોતેર ગણું લેવાશે” (ઉત્પત્તિ ૪, ૨૪). જૂના કરારમાં ‘સિત્તોતેરગણું’ની વાત હોય તો ઈસુ પોતાના શિષ્યોને “સિત્તેર વખત સાત વાર”નો બોધ આપે છે. ઈસુના અનુયાયીઓ ક્ષમા કરવાની કે માફી આપવાની બાબતમાં કોઈ મર્યાદા બાંધી ન શકે.
ઈસુના શિષ્યે કોઈ દબાણને વશ થઈને નહિ પણ ખુશીથી માફી આપવી જોઈએ. “સિત્તેર વખત સાત વાર” માફી આપવાની વાત એટલે માનવે પોતાના દિલથી અને આનંદથી આપવાની માફીની વાત છે.
પોતાની વાત શિષ્યોના મનમાં બરાબર ઠસાવવા માટે ઈસુએ ઈશ્વરના રાજ્યોનો એક સુંદર ર્દષ્ટાંતબોધ આપ્યો છે.
“ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું નહોતું એટલે રાજાએ તેને અને તેનાં બૈરીછોકરાંને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, ‘જરા ખમી જાઓ, માબાપ! હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ.’ આથી માલિકને દયા આવી, અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતાં જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, ‘મારું લેણું ચૂકતે કર.’ પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, ‘જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ.’ પણ તેણે માન્યું નહિ, અને જઈને દેવું વાળતાં સુધી તેને જેલમાં નંખાવ્યો.
“આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું, અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું, રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, ‘બદમાશ! તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી, તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી?’ અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાળતાં સુધી તેને રિબાવવાનો હુકમ કર્યો” (માથ્થી ૧૮, ૨૧-૩૫).
ર્દષ્ટાંતબોધને અંતે ઈસુ ફરી ભારપૂર્વક પોતાના શિષ્યોને જણાવે છે કે, “જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહિ કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે.”
ઈશ્વર પિતાની ક્ષમા અને માનવનું પાપ બંને અભેદ્યપણે સંકળાયેલા છે. ક્ષમાનો ઇન્કાર કરવાનું પાપ માનવ માટેની ઈશ્વરની ક્ષમાને આડે આવે છે. ઈશ્વર માનવને ક્ષમા આપવા માટે હંમેશાં તૈયાર છે, તત્પર છે. પરંતુ ક્ષમા આપ્યા વિનાના હૃદયમાં ઈશ્વર જઈ શકતો નથી. ક્ષમાનો ઇન્કાર કરતો માનવ ઈશ્વરની વિરુદ્ધ પોતાના જીવનને દોરે છે. સામેના માનવને ક્ષમા કરવાના ઇન્કારથી માણસ પોતાની જાતને જેલમાં પૂરી દે છે.
અસીમ પ્રેમથી ઈશ્વરપિતા આપણને માફી આપે છે. પરંતુ ક્ષમા આપવા ઈન્કાર કરનાર માનવ એ માફી સ્વીકારી શકતો નથી. કારણ, એ માનવે પોતાની જાતને પોતે સર્જેલા ક્ષમાના ઈન્કારના કારાવાસમાં પૂરી દીધી છે. હવે એણે પશ્ચાત્તાપી દિલે ઉદારતાથી સામેવાળાને ક્ષમા આપીને કેદખાનાથી બહાર નીકળવાનું છે અને નમ્રતાથી ઈશ્વરપિતાની માફીનો સ્વીકાર કરવાનો છે.
ઈસુના પ્રથમ બાર શિષ્યો અને એમને અનુસરતા ઘણાબધા અનુયાયીઓ મૂળ યહૂદી ધર્મ પાળનારા લોકો હતા. ઈસુ તેમને બધાને “સિત્તેર વખત સાત વાર” ક્ષમા આપવાની વાત દ્વારા યહૂદી ધર્મથી પર એક નવી દુનિયામાં, હા ઈશ્વરના રાજ્યમાં, લઈ જવાની વાત કરે છે. પ્રેમના એ રાજ્યમાં પોતાના ભાઈ કે બહેનને જેટલી વાર માફી આપવી પડે તેટલી વાર, કોઈ મર્યાદા વિના, માફી આપવા ઈસુ પોતાના શિષ્યો અને અનુયાયીઓને આમંત્રે છે.