English |
ભારતના એક વખતના વડાપ્રધાનની એક સંબંધી બહેને ૧૯૮૪માં આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. એક પ્રસિદ્ધ કરોડપતિની એ પુત્રી હતી. તેમણે કેમ આત્મહત્યા કરી? તેમની માલિકીની શહેરી જમીન અદાલતને ગુજરાત સરકાર માટે છોડી દેવાનો હુકમ છોડ્યો અને પોતાની સંપત્તિ ગુમાવી દેવાના દુઃખમાં તેમણે આત્મહત્યાનું પગલું લીધું હશે.
જો એક જાણીતી વ્યક્તિએ પોતાની સંપત્તિને સર્વસ્વ માનીને તેને ગુમાવવાથી પોતાના જીવનને હોમી નાખ્યું હોય તો તેમણે પોતાની સંપત્તિને જ જીવનનું સર્વસ્વ માની હશે. સંપત્તિને જ જીવનનું સર્વસ્વ માનવા સામે બાઇબલ લાલબત્તી ધરે છે. ભૌતિક સંપત્તમાં પોતાનાં તનમનને પરોવી રાખનારને ઈસુ ખ્રિસ્ત મૂરખ કહે છે. બાઇબલમાં એ પ્રસંગ ઈસુને મોઢે આપણે સાંભળીએ.
એકવાર એક ધનિકે ઈસુ પાસે જઈને વિનવણી કરી, “ગુરુજી,મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે.”
ઈસુએ પૂછ્યું, “ભલા માણસ, મને તમારો ન્યાયધીશ કે ભાગ વહેંચનારો કોણે નીમ્યો?”
પછી પ્રશ્ન પૂછનાર ભાઈને તથા પોતાની આસપાસ ભેગા થયેલા લોકોને ઉદ્દેશીને ઈસુએ કહ્યું, “જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો, કારણ, માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનનું સારસર્વસ્વ નથી” (લૂક ૧૨, ૧૪-૧૫).
આ વાતને પોતાના શ્રોતાજનો અને અનુયાયીઓના મનમાં બરાબર ઠસાવવા માટે પ્રભુ ઈસુએ એક સુંદર ર્દષ્ટાંતબોધ પણ પોતાના શ્રોતાજનોને સંભળાવ્યો છે. “એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો, ‘મારે શું કરવું? મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી.’ તેણે વિચાર્યું, ‘હું આમ કરીશ. હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમતા એકઠી કરીશ, અને પછી મારા જીવને કહીશ કે, અરે ભલા જીવ, વર્ષો સુધી ચાલે એટલી મતા તારી પાસે ભરેલી છે. હવે આરામ કર, અને ખાઈપીને મજા કર.’ પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂરખ, આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે, પછી તેં જે બધું ભેગું કર્યું છે તે કોને જશે?’ “જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી તેની આવી દશા થાય છે” (લૂક ૧૨, ૧૬-૨૧).
આજે લોકોમાં મૂર્ખામી કહેવાય એવા બે પ્રકારનું વિચિત્ર વલણ આપણે જોઈ શકીએ છીએ. એક, કૌટુંબિક સાધનસંપત્તિને નામે પિતા-પુત્ર વચ્ચે કે ભાઈઓ વચ્ચે સંઘર્ષ. ભારે કૌટુંબિક સાધનસંપત્તિ ધરાવતા લોકો વાંચે અંદરોઅંદર સંઘર્ષો અને વિખવાદો જુએ છે ત્યારે સંપત્તિ વિનાના લોકો પ્રભુનો આભાર માનતા હશે કે સંપત્તિને નામે થતા ઝગડામાંથી પ્રભુએ પોતાને બચાવી લીધા છે.
બે, અમુક લોકોનું એક જ વલણ છે, એક જ ધગશ છે: પોતાને માટે સંપત્તિ ભેગી કરવી. તેમને જેટલી સાધનસંપત્તિ મળે એનાથી તેઓ કદી સંતૃપ્ત નથી. વધુ ને વધુ સાધનસંપત્તિ ભેગી કરવાના તેમના મોહનો કદી અંત નથી. વધુ સંપત્તિ ભેગી કરવાના અથાગ પ્રયત્નમાં તેઓ બીજી બધી બાબતોની અવગણના કરે છે. કેવળ સંપત્તિને જ તેઓ પોતાના જીવનનું સર્વસ્વ માને છે.
આવી યુક્તિ સામે જ ઈસુ ખ્રિસ્તે બે હજાર વર્ષ પૂર્વે લોકોને ચેતવણી આપી છે: “અરે મૂરખ, આજે રાતે જ તારે તારો જીવ દેવો પડશે, પછી તેં જે બધું ભેગું કર્યું છે તે કોને જોશે?”
માનવ દેશ-પરદેશની બેન્કમાં નાણાં જમા કરે અને બેન્ક-લોકરોમાં સોનું, હીરા અને જર-ઝવેરાત સંગ્રહી રાખે ત્યારે એ બધી સંપત્તિ કોના માટે છે, શું કામ માટે છે, એવી બધી બાબતો અંગે એ વિચાર કરતો હોય તો સારું.
જેનો સૂર્ય કદી અસ્ત થતો નહોતો તે બ્રિટિશ સામ્રાજ્ય આજે કયાં છે? ફ્રાન્સની ક્રાન્તિ કે વિપ્લવ માટે ચિનગારીરૂપ બનેલા ૪૦૦ ખંડવાળા વેર્સાયી રામહેલની આજે કેવી પરિસ્થિતિ છે? ભારતમાં જ ગરીબ પ્રજાના ભોગે સુખસમૃદ્ધિ અને એઆરામમાં મહાલનારા રાજા-મહારાજાઓ આજે ક્યાં છે? એમનાં રાજમહેલો અને સાધનસંપત્તિનું શું થયું?
ગ્રીસના મકદોનિયથી માંડી ભારતની સરહદ સુધી હજારો કિલોમીટરની ભૂમિ યુદ્ધમાં જીતી લેનાર મહાન સમ્રાટ સિકંદરની વાત આપણે સૌ જાણીએ છીએ. તેઓ કેવળ ૩૩ વર્ષની ઉંમરે (ઇસવીસન પૂર્વે ૩૫૬-૩૨૩) મૃત્યુને શરણે થયા હતા. પરંતુ મૃત્યુ પહેલાં તેમણે પોતાના અંગરક્ષકોને આદેશ આપ્યો હતો તેમ તેમની કફનપેટીની બહાર બે ખુલ્લા હાથ દેખાય એ રીતે એમના મૃદેહને સ્મશાને લઈ જવામાં આવ્યો હતો. સમ્રાટ સિકંદરે કહ્યા મુજબ લોકોએ જાણવું જોઈએ કે, સમગ્ર દુનિયાને યુદ્ધસંગ્રામમાં જીતી લેનાર સિકંદર આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે પોતાની સાથે કશુંય લઈ જતા નથી, સાવ ખાલી હાથે જાય છે.
આપણી વચ્ચે એક બાજુ અઢળક સંપત્તિના કરોડપતિઓની અદેખાઈ કરતા અને સંપત્તિને જ જીવનનું સર્વસ્વ માનતા લોકો છે, તો બીજી બાજુ પોતાની મર્યાદિત સંપત્તિથી સંતોષ માનતા અને પોતાની મર્યાદિત સંપત્તિને પોતાની અને બીજા જરૂરિયાતમંદોની ભલાઈ માટે વાપરતા લોકો પણ છે. બીજા પ્રકારના લોકો માટે સંપત્તિ કરતાં માનવનો જીવ વધારે કીમતી છે. એમને મન પોતાના જીવનની જેમ બીજાનો જીવ પણ મહત્વનો છે.
ઈસુનાં સંદેશ અને ર્દષ્ટાંતકથા ધ્યાનથી વાંચીએ તો આપણને ખબર પડશે કે, ઈસુ માનવની સાધનસંપત્તિને કદી વખોડી કાઢતા નથી, પરંતુ તેમણે સાધનસંપત્તિ પ્રત્યેના લોકોના અમર્યાદિત મોહ અને આસક્તિને તથા સાધનસંપત્તિના દુરૂપયોગને વખોડી કાઢ્યાં છે. સાધનસંપત્તિ અંગે પ્રભુ ઈસુનો બોધ સ્પષ્ટ છે, માનવે પોતાની તેમ જ બીજાની ભલાઈ માટે સાધનસંપત્તિ વાપરવી જોઈએ.
પ્રભુ ઈસુનું કહેવું છે કે, આજે કે આવતકાલે માટીમાં ભળી જનાર માનવી બીજાના ભોગે સાધનસંપત્તિ સંગ્રહી રાખતો હોય તો એ માનવી ખરેખર મૂરખ છે.