English |
ચીનના ફિલસૂફ કન્ફુશ્યસે કહ્યું છે કે, "નમ્રતા બધા ગુણોનો મજબૂત પાયો છે." અંગ્રેજી કવિ લોર્ડ ટેનીસને પણ કન્ફુશ્યસ જેવી જ વાત કરી છે: "ખરી નમ્રતા સર્વશ્રેષ્ઠ ગુણ છે, બધા ગુણોની માતા છે."
આપણને ખરી નમ્રતાનો પદાર્થપાઠ આપનાર તો પ્રભુ ઈસુ છે. તેમણે પોતાના જાહેર જીવન દરમિયાન હમદર્દીથી લોકોને કહ્યું, "ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલા, તમે બધા મારી પાસે આવો! હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ, હું હૃદયનો રાંક અને નમ્ર છું; અને તમારા જીવનને શાતા વળશે. વળી, મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે, અને મારો બોજો હળવો છે" (માથ્થી ૧૧, ૨૮-૩૦).
ઈસુએ પોતે નમ્ર હોવાની પોતાની ઓળખ આપી, એટલું જ નહિ પણ પોતાના દુન્યવી જીવન દરમિયાન નમ્રતાનો પદાર્થપાઠ આપનાર નમ્રતાની મૂર્તિ તરીકે પણ પોતાની અસ્મિતા વિકસાવી.
કોઈ રાજમહેલ કે કોઈ યશસ્વી લોકના ભવ્ય રહેઠાણમાં નહિ, પણ બેથલેહેમ ખાતે એક ગમાણની ખૂબ નમ્ર પરિસ્થિતિમાં ઈસુનો જન્મ થયો હતો. એ જ રીતે, તેઓ નમ્રતાથી ક્રૂસ પરના નામોશીભર્યા મૃત્યુને ભેટ્યા હતા.
ઈસુની જીવનભરની નમ્રતાનું બાઇબલમાં સંત પાઉલે ફિલિપ્પીના ધર્મસંઘ પરના પત્રમાં ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. "પોતે ઈશ્વરસ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહિ, બલકે, તેમણે પોતાને શૂન્યવત્ બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. માનવરૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી, અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને – વધસ્તંભ ઉપરના મૃત્યુને – સુધ્ધાં તેમણે વધાવી લીધું" (ફિલિપ્પી ૨, ૬-૮).
યહૂદી સમાજના તિરસ્કૃત પાપીઓ, જકાતદારો, રક્તપિત્તિયાઓ અને વેશ્યાઓ જેવા લોકોના સંપર્કમાં રહીને ઈસુએ પોતાની નમ્રતા પ્રગટ કરી છે. નમ્રતાને લગતાં ર્દષ્ટાંતબોધો દ્વારા પણ ઈસુએ નમ્રતાની હિમાયત કરી છે.
લગ્ન સમારંભમાં મહેમાનોને મુખ્ય મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈને ઈસુએ કહ્યું, "તમને નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ જ બેસવું, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, 'ભાઈ, આગળ આવો.' એટલે બધા જમનારાઓમાં તમારું માન પડશે. કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે" (લૂક ૧૪, ૧૦-૧૧).
લૂકકૃત શુભસંદેશમાં ઈસુએ નમ્રતાનું એક બીજું પણ ર્દષ્ટાંત આપ્યું છે. એમાં યહૂદી સમાજના એક મોભાદાર ફરોશીની તથા સમાજમાં તિરસ્કૃત ગણાતા એક જકાતદારની વાત છે. ફરોશી અને જકાતદાર બંને પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા. "ફરોશીઓ ઊભાં ઊભાં આ પ્રમાણે પ્રાર્થના કરી, 'હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી, અથવા આ જકાતદાર જેવોય નથી, એ બદલ હું તારો પાડ માનું છું. હું અઠવાડિયે બે વાર ઉપવાસ કરું છું. અને મારી પૂરેપૂરી આવકનો દસમો ભાગ ધર્માદામાં આપું છું.'
"પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુધ્ધાં હિંમત ચાલી નહીં. તે છાતી ફૂટતો ફૂટતો બોલવા લાગ્યો 'હે ભગવાન, હું પાપી ઉપર દયા કર.' હું તમને કહું છું કે, ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહિ, કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે" (લૂક ૧૮, ૧૦-૧૪).
આ બંને ર્દષ્ટાંતો દર્શાવે છે કે માણસની મોટાઈ એની નમ્રતામાં છે. ફરોશી અને જકાતદારની પ્રાર્થના બતાવે છે કે, નમ્રતા વિના પવિત્રતા નથી. એટલે જ આધ્યાત્મિક સાહિત્યના કર્તા થોમાસ કેમ્પીસ સૌ લોકોને કહે છે કે, 'બધી બાબતોમાં તારી જાતને નમ્ર બનાવ.'
ઈસુ આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં આપણને નમ્રતાનો એક પદાર્થપાઠ આપતા ગયા છે. શુભસંદેશમાં ફક્ત સંત યોહાન એ પ્રસંગ વર્ણવે છે. ઈસુ પોતાના બાર શિષ્યો સાથે છેલ્લું ભોજન લઈ રહ્યાનો એ પ્રસંગ છે.
"ઈસુએ ભોજન ચાલુ હતું ત્યાં જ ભાણા પરથી ઊઠીને ઝભ્ભો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કૂંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પીતર પાસે આવ્યા ત્યારે તે બોલી ઊઠયો, 'પ્રભુ, આપ મારા પગ ધૂઓ છો?'
"ઈસુએ કહ્યું, 'હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી. પણ પાછળથી તને સમજાશે.'
"પીતરે તેમને કહ્યું, 'મારા પગ આપે કદાપિ ધોવાના નથી!'
"ઈસુએ કહ્યું, 'મારે જો ન ધોવાના હોય તો તારે ને મારે કોઈ સંબંધ નથી.'
"સિમોન પીતરે તેમને કહ્યું, 'તો પ્રભુ, એકલા પગ નહિ, પણ હાથ અને માથું પણ ધોજો!'
"ઈસુએ કહ્યું, 'જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ ધોવાની જરૂર નથી; તે અંગેઅંગ શુદ્ધ જ છે. અને તમે પણ શુદ્ધ જ છો, જોકે બધા નહિ.' તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે, એટલે તેમણે કહ્યું હતું કે, 'તમે બધા શુદ્ધ નથી.'
"બધાના પગ ધોયા પછી અને પોતાનો ઝભ્ભો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, 'સમજ પડે છે, મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો, અને એ યોગ્ય છે, કારણ, હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે: "મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવું" (યોહાન ૧૩, ૪-૧૫).
ઈસુનો વિદાયસંદેશ નમ્રપણે સેવા કરવાનો છે. નમ્ર બનવાનો એક ચોક્કસ માર્ગ ઈશ્વરે દરેક માનવ પર વરસાવેલાં અનુગ્રહ-આશિષો માટે ઈશ્વરનો અને સૌ લોકોનો આભાર માનવામાં છે.
પણ આપણે તો ગર્વિષ્ઠ માનવો છીએ અને આપણે આપણી જાતને સર્વશ્રેષ્ઠ માનવો ગણીએ છીએ. વળી, આપણી સંસ્કૃતિ આપણને મહત્વાકાંક્ષા સેવવા અને બીજાના ભોગે આગળ વધવા અનુરોધ કરે છે. એટલે ઈસુએ પોતાના આચારવિચાથી ચીંધેલો પાઠ ખૂબ અઘરો પાઠ છે. ઈસુએ બતાવ્યું છે કે, નમ્રતાનો પાઠ કોઈ ડરપોક ને નબળા માનવ માટે નથી, પરંતુ નમ્રતાનો પાઠ ઈસુની જેમ બધું જ હોડમાં મૂકીને ઈશ્વરના ભરોસે જીવનાર હિંમતવાન સાહસી લોકો માટે છે.