માબાપનો ધિક્કાર કે ત્યાગ?"કોઈ માણસ મારી પાસે આવે, પણ પોતાનાં માબાપનો, બૈરીછોકરાંનો અને
ભાઈબહેનો, અરે, પોતાની જિંદગીનો સુધ્ધાં ત્યાગ કરવા તૈયાર ન હોય, તો તે
મારો શિષ્ય ન થઈ શકે" (લૂક ૧૪, ૨૬).

ઈસુની આ જ વાત શુભસંદેશકાર માથ્થીએ જરા જુદી રીતે કરી છે. "જે મારા કરતાં માબાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી; અને જે પુત્રપુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી" (માથ્થી ૧૦, ૩૭).

હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં કોઈ માનવ ગુરુની દીક્ષા લેવા સાથે પોતાનાં માબાપ અને અન્ય સગાંસંબંધીઓ સાથેનો બધા જ પ્રકારનો સંબંધ તોડી નાખે છે. એટલે એક હિન્દુ સંન્યાસીને દીક્ષા લીધા પછી પોતાનાં માબાપ અને ઘર જોડે કોઈ લેવાદેવા નથી. એટલે હિન્દુ સાધુ કે સંન્યાસી દીક્ષા પછી પોતાનાં માબાપ પાસે ઘરે જતા નથી. ગામના દીકરા તરીકે ગામમાં પણ જતાં નથી. એમણે ઘર-સંસારની માયાનો પૂરેપૂરો ત્યાગ કર્યો છે.

મારા હિન્દુ મિત્રો જાણે છે કે, હું પણ દીક્ષા લીધેલ એક ખ્રિસ્તી બ્રહ્મચારી છું. એટલે સ્વાભાવિક રીતે મારા હિન્દુ મિત્રો મારી પાસે એક હિન્દુ ધર્મગુરુ જેવો વર્તનનો આગ્રહ રાખે છે. એક હિન્દુ સંન્યાસીની જેમ મેં મારાં માબાપ અને ઘરનો ત્યાગ કર્યો છે. પરંતુ મેં મારાં માબાપ અને ઘર સાથેનો પ્રેમનો સંબંધ તોડ્યો નથી. એટલે વર્ષ – બેવર્ષમાં એકાદ વાર મારાં વૃદ્ધ માને અને ભાઈ-બહેનોને મળવા ઘરે જાઉં છું. મારાં ભાઈ-બહેનોનાં ઘરમાં અઠવાડિયું ખુશી—મજાથી રહું છું.

હું એક ધર્મગુરુ હોવા છતાં વર્ષે વર્ષે ઘેર જાઉં છું એ વાત મારા અમુક હિન્દુ મિત્રોને રુચતી નથી. એટલે બાઇબલમાં માબાપ અને સગાંસંબંધીઓનો ત્યાગ કરવા અંગે ઈસુએ કરેલી વાતને લઈને હું એમને ખ્રિસ્તીદર્શન સમજવું છું.

માબાપનો, બૈરીછોકરાંનો અને ભાઈબહેનો, અરે, જિંદગીનો સુધ્ધાં ત્યાગ કરવાની ઈસુની વાત એમણે આપેલા પ્રેમના સંદેશ સાથે સમજવાની જરૂર છે. ઈસુએ માનવને પોતાના પડોશીઓ ઉપર અને પોતાના દુશ્મન ઉપર પણ પ્રેમ રાખવાનો આદેશ આપ્યો છે. યહૂદી ધર્મ અને માનવજીવનના બધા કાયદાકાનૂનોને ઈસુએ બે આજ્ઞામાં સમાવ્યા છે. એક વાર ઈસુની પરીક્ષા કરી જોવા શાસ્ત્રના એક પંડિતે ઈસુને પૂછ્યું, "ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે?"

ઈસુએ કહ્યું, "તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો. એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે, અને એના જેવી જ એક બીજી છે, તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો" (માથ્થી ૨૨, ૩૭-૩૯).

અહીં ઈસુ આપણને સ્પષ્ટ કહે છે કે, ઈશ્વર અને ઈસુ ઉપરનો પ્રેમ માનવબંધુ ઉપરના પ્રેમ દ્વારા વ્યક્ત થવો જોઈએ. પ્રેમ ફક્ત શબ્દોમાં નહિ, પણ પ્રવુત્તિમાં, સેવામાં પ્રગટ થવાની જરૂર છે. સેવામાં વ્યક્ત થતો પ્રેમ જ ખરો પ્રેમ છે. ઈસુના પ્રેમના આ આદેશથી કોઈ મુક્ત નથી, કોઈ બાકાત નથી. માનવે બીજા ઉપર પ્રેમ રાખવાનો હોય, દુશ્મનોને દુઆ આપવાની હોય તો એવો ખરો પ્રેમ કોઈને ધિક્કારી ન શકે. તેથી માબાપ કે અન્ય સગાંસંબંધીઓને પ્રેમના વર્તુળમાંથી બાકાત ન રાખી શકાય. પરંતુ માનવના ઈશ્વર અને ઈસુ ઉપરના પ્રેમને આડે કોઈ પ્રેમ-સંબંધ આવતો હોય, માબાપ પ્રત્યેનો માનવનો પ્રેમ ઈશ્વર અને ઈસુ ઉપરના પ્રેમને રોકતો હોય કે અવરોધરૂપ બનતો હોય તો એવો પ્રેમ બરાબર નથી. કારણ, ઈશ્વર અને ઈસુ પ્રત્યેનો પ્રેમ અગ્રિમ છે.

માબાપ, સગાંસંબંધીઓ, માલમતા અને સાધનસંપત્તિ પ્રત્યેનો પ્રેમ ઈસુના કોઈ શિષ્યના જીવનમાં કદી અગ્રિમતા લઈ ન શકે. ઈશ્વર અને ઈસુ પ્રત્યેનો માનવનો પ્રેમ જ સર્વોપરી પ્રેમ છે. ઈશ્વર અને ઈસુ પ્રત્યેના માનવના બિનશરતી પ્રેમમાં બીજા બધાં માનવો અને સાધનસંપત્તિ પ્રત્યેનો પ્રેમ સમાઈ જાય છે. પણ સૌથી વધારે પ્રેમ તો ઈશ્વર અને ઈસુ માટે અનામત હોવો જોઈએ.

લૂકકૃત શુભસંદેશમાં ઈસુના શિષ્ય થવા માટે માબાપનો ત્યાગ કરવાની વાત આવે છે. એના અમુક અનુવાદમાં "માબાપ, બૈરીછોકરાં"નો ધિક્કાર કરવાની તૈયારી હોય તો જ ઈસુના શિષ્ય બની શકાય એવી વાત છે. બાઇબલમાં 'ધિક્કાર કરવા'નો અર્થ ઓછો પ્રેમ કરવો એવો થાય છે.

માથ્થીકૃત અને માર્કકૃત શુભસંદેશમાં ઈસુએ માબાપને માન આપવાની કરેલી વાતને ઈશ્વરના આદેશ તરીકે રજૂ કરવામાં આવી છે. "ઈશ્વરનો આદેશ છે કે, 'તારાં માતાપિતાને માન આપવું' અને 'જે કોઈ માતાપિતાને શાપ આપે તેને મોતની સજા કરવી'. છતાં તમે કહો છો કે, એક વાર માણસ પોતાનાં માતાપિતાને કહી દે કે, 'મારું જે કંઈ તમને મળવાનું હતું તે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે.' એટલે પછી તેણે પોતાનાં માતાપિતાની સેવા કરવાની જરૂર રહેતી નથી." (માથ્થી ૧૫, ૪-૬; માર્ક ૭, ૧૦-૧૨). અહીં ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને માનવની રૂઢિને વળગી રહેવાની વાતને ઈસુએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આથી સ્પષ્ટ થાય છે કે, ઈસુ માબાપ, બૈરીછોકરાં, ભાઈબહેનનો ત્યાગ કરવા કે ધિક્કાર કરવાનું કહેતા નથી; પણ એમના ઉપર પ્રેમ રાખવા જણાવે છે. પરંતુ એ પ્રેમ ઈશ્વર પ્રત્યેના પ્રેમને આડે આવવો ન જોઈએ અને ઈશ્વર અને ઈસુ પ્રત્યેનો પ્રેમ બીજા બધા પ્રેમ કરતાં સૌથી વધારે હોવો જોઈએ.

Changed On: 16-02-2018
Next Change: 01-03-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.