"આવો અને જુઓ""એટલે તેઓએ જઈને જોયું કે તેઓ ક્યાં રહેતા હતા, અને બપોરના ચાર થવા
આવ્યા હતા, એટલે તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા" (યોહાન ૧, ૩૯).

બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને સંદેશ વિશે ચાર શિષ્યોએ 'શુભસંદેશ' લખ્યો છે. એમાં સંત યોહાને લખેલો શુભસંદેશ બીજા ત્રણ શુભસંદેશકારોએ, એટલે માથ્થી, માર્ક અને લૂકે લખેલા શુભસંદેશથી તદ્દન અલગ પ્રકારનો છે. સંત યોહાનની ર્દષ્ટિ અને ઈસુને રજૂ કરવાની રીત તેઓને અન્ય ત્રણ શુભસંદેશકારોથી તદ્દન ભિન્ન બનાવે છે.

સંત યોહાનના શુભસંદેશની શરૂઆતથી આપણે આ વાતનો ખ્યાલ આવે છે. પ્રથમ અધ્યાયમાં બે શિષ્યોને પોતાની પાછળ આવતા જોઈને ઈસુ પૂછે છે: "તમારે શું જોઈએ છે?"

એ શિષ્યોએ ઈસુને જણાવ્યું કે, તેમને ઈસુ ક્યાં રહે છે તે જાણવું છે. એટલે ઈસુએ તેમને કહ્યું, "આવો, અને જુઓ."

ઈસુ પોતાના જાહેરજીવનની શરૂઆતથી જ જાણે છે કે, કોઈ માનવને તર્કવિતર્કથી કે ધારદાર દલીલથી પોતાની તરફ આકર્ષવાનો કોઈ અર્થ નથી. એટલે પોતાની પાછળ આવનાર બે માનવો સાથે કોઈ વાદવિવાદમાં ઊતર્યા વિના ઈસુ સાદીસીધી રીતે કહે છે, "આવો, અને જુઓ."

ઈસુની પાછળ જનાર બે શિષ્યો મૂળે સ્નાનસંસ્કારક યોહાનના શિષ્યો હતા. એક દિવસ યોહાન પોતાના શિષ્યો સાથે ઊભા હતા ત્યારે ઈસુ તેમની નજીક થઈને જતા હતા. યોહાને ઈસુ ઉપર નજર ઠેરવીને કહ્યું, "જુઓ પેલું ઈશ્વરનું ઘેટું!"

સ્નાનસંસ્કારક યોહાનના શિષ્યોને જિજ્ઞાસા થઈ હશે કે, રસ્તે જતા એક જણને પોતાના ગુરુ 'ઈશ્વરનું ઘેટું' કેમ કહેતા હશે? એટલે તેઓ જિજ્ઞાસા અને આતુરતાથી ઈસુ પાછળ ગયા હશે. તેમને જાણવું હતું કે, આ ઈસુ ખરેખર કોણ છે? એટલે ઈસુને મળતાં તેઓ "આપ કોણ છો?" એમ પૂછવાને બદલે એમને પૂછે છે: "ગુરુજી, આપ ક્યાં રહો છો?"

ઈસુને જોતાં જ યોહાનના બે શિષ્યોને ખ્યાલ આવ્યો હશે કે, તે કોઈ જેવાતેવા માનવ નથી પણ જેને પોતાના ગુરુએ 'ઈશ્વરનું ઘેટું' કહ્યા છે તે ખરેખર એક પ્રભાવશાળી વ્યક્તિ છે. એટલે તેઓ ઈસુને 'ગુરુજી' કહીને સંબોધે છે અને ઈસુને ઓળખવાની જિજ્ઞાસા અને આતુરતાથી તેમને પૂછે છે કે, "આપ ક્યાં રહો છો?"

સાચે જ પોતાનાં વાણી-વર્તનથી ઈસુ એક ગુરુ પુરવાર થાય છે. ઈસુ એ બે શિષ્યોને કોઈ બોધ આપતા નથી, બડાશ મારતા નથી. પણ સરળતા અને નિખાલસતાથી કહે છે, "આવો, અને જુઓ." ઈસુનું એ આમંત્રણ છે. એ આમંત્રણમાં કોઈ વશીકરણ નથી, કોઈ બળજબરી નથી, કોઈ દબાણ પણ નથી. ઈસુનું આમંત્રણ સરળ છે. તમારી ઇચ્છા હોય તો ખુશીથી આવો.

ઈસુનું "આવો, અને જુઓ"નું નિખાલસ આમંત્રણ સ્વીકારીને સ્નાનસંસ્કારક યોહાનના બે શિષ્યો ઈસુ પાછળ જાય છે. ઈસુના આમંત્રણના પ્રતિભાવરૂપે શુભસંદેશકાર યોહાન નોંધે છે. "એટલે તેઓએ જઈને જોયું કે તેઓ ક્યાં રહેતા હતા, અને બપોરના ચાર થવા આવ્યા હતા, એટલે તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા" (યોહાન ૧, ૩૯).

અહીં એ બે શિષ્યોએ ઈસુને પ્રથમવાર મળ્યાના સમયની નોંધ લીધી છે, એ ખાસ નોંધપાત્ર બાબત છે. આપણા જીવનને સ્પર્શે એવી કોઈ ખાસ અગત્યની બાબત હોય તો આપણને એવી બાબતો અંગેની બધી વાતો લાંબા સમય સુધી યાદ રહેતી હોય છે. દાખલા તરીકે, વર્ષો પછી પણ ઘણાને યાદ છે કે, ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી કેવી રીતે ક્યાં, ક્યારે અને કોના ગોળીબારથી મરી ગયાં હતાં.

ઈસુને પ્રથમવાર મળનાર અને ઈસુના આમંત્રણથી એમને ઘેર જઈને એમની સાથે એ દિવસ ગાળનાર બે શિષ્યોને વર્ષો પછી પણ યાદ રહે છે કે, "બપોરના ચાર થવા આવ્યા હતા" ત્યારે તેઓ ઈસુને ત્યાં પહોંચ્યા હતા અને "તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા હતા."

આપણને જિજ્ઞાસા થાય કે, ઈસુને મળવા જનાર એ બે શિષ્યો કોણ હશે. શુભસંદેશકારક યોહાન આપણી જિજ્ઞાસાનો ૫૦ ટકા સંતોષકારક જવાબ આપે છે. "યોહાનનું બોલવું સાંભળીને જે બે જણ ઈસુની પાછળ પાછળ ગયા હતા તેમાં એક સિમોન પીતરનો ભાઈ આંદ્રિયા હતો." યોહાને પોતાના શુભસંદેશમાં આપેલી સમયની વાત અને બે શિષ્યો પૈકીના એક જણનું નામ જેથી વિગતોથી આપણે તારવી શકીએ કે, ઈસુને મળનાર બીજો જણ ખુદ યોહાન પોતે હશે.

ઈસુને મળ્યા પછીના બંને શિષ્યોના પ્રતિભાવ ખાસ નોંધવા જેવા છે. ઈસુને મળ્યા પછી બંને શિષ્યો ઈસુથી એટલા બધા પ્રભાવિત થયા કે તેઓ ઈસુની ઘોષણા કરે છે અને બીજા લોકોને ઈસુ પાસે લઈ આવે છે. એમનો આ પ્રતિભાવ ખૂબ સ્વાભાવિક છે. આપણને કંઈ કીમતી વસ્તુ મળે કે આપણને કોઈ સારા માણસની ઓળખાણ થાય તો એ વાત આપણે આપણાં સગાસંબંધીઓ અને મિત્રોને ખૂબ ખુશી અને ઉત્સાહથી કરીએ છીએ.

હું વર્ષો પહેલાં 'દૂત' માસિકનો તંત્રી હતો ત્યારે મારાં લખાણોથી પ્રભાવિત થઈને ગોધરાથી એક અજાણ્યા વાચકે મારાં લખાણોની કદર કરતો એક સરસ પત્ર લખ્યો. અંતે એમણે ઉમેર્યું હતું કે, "ફાધર વર્ગીસ, હું આપને મારા આધ્યાત્મિક ગુરુ બનાવવા ઇચ્છું છું."

મેં એ ભાઈને તરત જ પત્ર લખ્યો કે, હું કોઈને મારા શિષ્ય તરીકે સ્વીકારી શકતો નથી. કારણ, હું પોતે એક શિષ્ય છું. હું પ્રભુ ઈસુનો શિષ્ય છું. તમને ઇચ્છા હોય તો તમે પણ મારી જેમ પ્રભુ ઈસુના શિષ્ય બની શકો છો. હું મારા ગુરુ મિત્ર તરીકે પ્રભુ ઈસુથી એટલો બધો પ્રભાવિત થયો છું કે, હું ઇચ્છું છું કે સત્ય શોધનાર સૌ પ્રભુ ઈસુને પોતાના ગુરુ તરીકે સ્વીકારે.

ઈસુને ગુરુ તરીકે સ્વીકારવાની વાત આવે ત્યારે એક મલયાલમ પુસ્તક "વિતક્યપેટા વચનમ્" માં મેં વાંચેલી ડૉ. રાધાકૃષ્ણનની વાત યાદ આવે છે. ડૉ. રાધાકૃષ્ણન ભારતના પ્રબુદ્ધ અને જાણીતા ફિલસૂફ હતા. એમના તત્વચિંતનનાં લખાણોથી પ્રભાવિત થઈને ડૉ .સુધાકરે એમને પોતાના ગુરુ બનવા વિનંતી કરી.

પણ ડૉ. રાધાકૃષ્ણને ડૉ. સુધાકરને કહ્યું, "હું તમને એક મોટા ગુરુ બતાવું."
ખૂબ જિજ્ઞાસા સાથે ડૉ. સુધાકરે પૂછ્યું, "એ ગુરુ કોણ?"
ડૉ. રાધાકૃષ્ણને કહ્યું, "એ ગુરુ ઈસુ ખ્રિસ્ત છે."
એ જ દિવસે ડૉ. સુધાકરે ઈસુ ખ્રિસ્તને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને એક શિષ્ય તરીકે પોતાનું જીવન ઈસુને શરણે સોંપ્યું.

ઈસુ ખ્રિસ્તના જીવન અને સંદેશથી પ્રભાવિત થઈને એમના આમંત્રણ "આવો, અને જુઓ"નો સ્વીકાર કરનાર અને ઈસુ ખ્રિસ્તને પોતાના ગુરુ બનાવનાર લોકો આજે દુનિયાભરમાં જોવા મળશે. તેમને કોઈ ધર્મની વાડાબંધી નડતી નથી. તેઓ બરાબર જાણે છે ઈસુ ખ્રિસ્ત કોઇપણ ધર્મની વાડાબંધી પર છે. એટલે ઈસુનું આમંત્રણ સૌ માટે ખુલ્લું છે: "આવો, અને જુઓ."

Changed On: 01-03-2018
Next Change: 16-03-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.