ઈસુ અને અંજીરનું ઝાડ"ઈસુએ નથનિયેલને સૌ પ્રથમ અંજીરના ઝાડ તળે જોયો હતો"
(યોહાન ૧, ૪૮)

અંજીરના ઝાડનો ઉલ્લેખ ચારેય શુભસંદેશમાં જોવા મળે છે. પણ ફક્ત પ્રથમ બે શુભસંદેશકારોએ – માથ્થી અને માર્કે – અંજીરનું ઝાડ સુકાઈ ગયાની વાત કરી છે. વિલિયમ બારકલે જેવા બાઇબલના પંડિતની ર્દષ્ટિએ સમજવામાં કે ખુલાસો કરવામાં સૌથી અઘરી વાત ઈસુ અને અંજીરના ઝાડની છે. હવે, એક પત્રમિત્ર યુવાને ઈસુ અને અંજીરના ઝાડની વાત પત્ર દ્વારા સમજાવવાની મને વિનંતી કરી છે. પ્રશ્ન પરથી મને લાગે છે કે, પ્રશ્ન પૂછનાર યુવાન ખ્રિસ્તી છે. પણ મારા બધા વાચકો કદાચ ઈસુ અને અંજીરના ઝાડની વાતથી પરિચિત ન હોય. એટલે સૌ પ્રથમ ઈસુ અને અંજીરની વાત ટૂંકમાં રજૂ કરું છું.

ઈસુના સમયમાં યરુશાલેમ નગરીમાં પાસ્ખા તહેવારના દિવસો હતા. યહૂદીઓનો પાસ્ખાનો તહેવાર એપ્રિલ મહિનાની વચમાં આવે છે. એક સવારે ઈસુ એમના શિષ્યો સાથે બેથાનિયાથી યરુશાલેમ જવા નીકળ્યા છે. ઈસુને ભૂખ લાગી. એટલે ઈસુ પાંદડાં ફૂટ્યાં હતાં. એવા એક અંજીરના ઝાડ પાસે અંજીર ખાવાની આશાએ ગયા. જુએ છે તો પાંદડાં સિવાય તેના પર કશુંય નહોતું. માર્કે કારણ બતાવ્યું છે કે, તે “અંજીરની મોસમ નહોતી.” પણ ઈસુએ ઝાડને કહ્યું, “તને હવે કદી ફળ નહીં આવે” (માથ્થી). “હવે પછી કોઈ તારાં ફળ નહિ ખાય” (માર્ક). માથ્થીકૃત શુભસંદેશ મુજબ “અને એકાએક અંજીરનું ઝાડ સુકાઈ ગયું”. માર્કકૃત શુભસંદેશ મુજબ, બીજા દિવસે અંજીરનું ઝાડ સુકાઈ ગયું.” માર્કકૃત શુભસંદેશ મુજબ, બીજા દિવસે એ જ રસ્તે થઈને જતા ઈસુના શિષ્ય પીતરે જોયું અને ઈસુને કહ્યું, “ગુરુજી! જુઓ આપે જે અંજીરના ઝાડને શાપ આપ્યો હતો તે સુકાઈ ગયું” (જુઓ, માથ્થી ૨૧, ૧૮-૨૨ અને માર્ક ૧૧, ૧૨-૧૪, ૨૦-૨૪).

અહીં, મોસમ ન હોય ત્યારે અંજીર ન આપવા બદલ ઈસુ અંજીરના ઝાડને શાપ આપે અને એ ઝાડ જડમૂળથી સુકાઈ જાય એ વાત આપણને અજંપો આપે છે. કારણ, ઈસુ અને અંજીરના ઝાડની વાત ઈસુના સમગ્ર જીવન અને સંદેશ સાથે બંધબેસતી લાગતી નથી. ઈસુએ ઘણા ચમત્કારો કર્યા છે. પણ કદી કોઈ ચમત્કાર ખુદ પોતાના લાભ માટે કર્યો નથી. ઈસુના જાહેરજીવનની શરૂઆતમાં ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા હતા. ત્યારે એમની કસોટી કરનારે ઈસુને કહ્યું હતું કે, “જો તું ઈશ્વરનો પુત્ર હો તો આ પથરાઓને રોટલા થઈ જવાનું કહે.” ત્યારે કોઈ ચમત્કાર કરી પોતાની ભૂખ ભાંગવાને બદલે ઈસુએ કહેવતરૂપ વાત કરી હતી કે, “માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે” (માથ્થી ૪, ૩-૪).

અહીં, ઈસુ અને અંજીરના ઝાડની બાબતમાં અંજીરની મોસમ ના હોય ત્યારે તેના પર અંજીર શોધીને, તેના પર અંજીર ના મળતાં એને શાપ આપવાની વાત બિલકુલ બરાબર લાગતી નથી. એટલે આ સમગ્ર વાતને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ.

ઇસ્રાયેલમાં તેમ જ લેબેનોન જેવા અન્ય દેશોમાં અંજીરના ઝાડ પરથી અંજીર ખાવાનો લહાવો મેં માણ્યો છે. અંજીરનું ઝાડ દસ-પંદર ફૂટ ઊંચું હોય છે અને એનાં ગીચ પાંદડાં વીસ-પચ્ચીસ ફૂટ વિસ્તારમાં છાંયડો પાથરે છે. ભારે તડકામાં અંજીરનું ઝાડ માનવો અને જાનવરો માટે શીતળ છાયા પાથરે છે. ભારે તડકામાં અંજીરનું ઝાડ માનવો અને જાનવરો માટે શીતળ છાયા પાથરે છે. યોહાનકૃત શુભસંદેશમાં આપણે વાંચીએ છીએ તેમ, “ઈસુએ નથનિયલને સૌ પ્રથમ અંજીરના ઝાડ તળે જોયો હતો” (યોહાન ૧, ૪૮).

અંજીરના વૃક્ષની એક વિશેષતા એ છે કે, તે વર્ષમાંબેવાર અંજીર આપે છે. મેના અંતે કે જૂનમાં અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાઓમાં. જાણકારો કહે છે કે અંજીરના ઝાડ પર પાંદડાં ફૂટે અને અંજીર આવવા માંડે, આ બંને પ્રક્રિયા એકસાથે થાય છે. બેથાનિયાથી યરુશાલેમ જતાં રસ્તે ઈસુએ જે અંજીરનું ઝાડ જોયું હતું તેનાં પર પાંદડાં હતાં, પરંતુ (કાચું) અંજીર પણ નહોતું.

વગડાનાં ફૂલો, આકાશના પંખીઓ અને બદલાતી મોસમની વાત કરનાર ઈસુનાં ર્દષ્ટાંતોમાંથી આપણે સ્વીકારવું જોઈએ કે, ઈસુ પ્રકૃતિના એક ઉત્તમ નિરીક્ષક હતા. એટલે ફળ વગરના વાંઝિયા અંજીરના ઝાડને નજીકથી જોઇને ઈસુને લાગ્યું હશે કે, એ અંજીરનું ઝાડ હવે ખલાસ થવામાં છે. ઈસુએ એ વાત પોતાના શિષ્યોને કહી હોય અને શિષ્યોએ બીજે દિવસે ઈસુનું નિરીક્ષણ સાચું પડેલું જોયું હશે. બાઇબલના અમુક પંડિતોના આવા ખુલાસાથી આપણને સંતોષ નથી. આપણે બીજો યોગ્ય ખુલાસો શોધવો જોઈએ.

આપણે જાણીએ છીએ કે, બાઇબલના જુના અને નવા કરારમાં પયગંબરો પોતાના ર્દષ્ટાંતબોધ ચોક્કસ કાર્ય કે પ્રવૃત્તિ દ્વારા લોકોને સમજાવે છે. દાખલા તરીકે, ઇસ્રાયલી એમની બેવકૂફી સામે વફાદારીનો સંદેશ આપવા માટે પયગંબર એક વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ વરસાવે છે. એ રીતે બીજા દેવો તરફ વળીને મૂર્તિપૂજા કરતાં ઈસ્રાયલીઓને એમની બેવફાઈમાં પણ એમના ઉપર પ્રેમ રાખતા ઈશ્વર પ્રભુ પ્રત્યે પાછા વળવાનો સંદેશ આપે છે (જુઓ હોશિયા ૩, ૧-૫).

નવાં કરારમાં યરુશાલેમ ખાતે પાઉલના બંધન, ધરપકડ અને કેદની આગાહી આગબાસ નામે એક પયગંબરે ચોક્કસ પ્રવૃત્તિ દ્વારા કરી હતી. આપણે ‘પ્રેષિતોનાં ચરિતો’માં યહૂદિયાથી કૈસરિયા આવેલ પયગંબર આગબાસ વિશે વાંચીએ છીએ કે, “તે અમને મળવા આવ્યો અને પાઉલનો કમરબંધ લઈને પોતાના હાથપગ બાંધીને બોલ્યો, ‘પવિત્ર આત્માનાં આ વચન છે. જે માણસનો આ કમરબંધ છે, તેને યરુશાલેમમાં યહૂદીઓ આ પ્રમાણે બાંધશે, અને વિધર્મીઓને હવાલે કરશે” (પ્રે.ચ. ૨૧, ૧૧). અહીં પયગંબર આગબાસ પાઉલનો કમરબંધ લઈને પોતાના હાથપગ બાંધવાની પ્રવૃત્તિ નિર્દેશ કરે છે કે પાઉલ માટે યરુશાલેમમાં બંધન અને કેદ નિશ્ચિત છે.

આ રીતે, મોસમ ન હોય ત્યારે અંજીર શોધવા અંજીરના ઝાડ પાસે જવાની અને એના વિનાશની ભવિષ્યવાણી ભાખવાની ઈસુની વાતને આપણે ર્દષ્ટાંત તરીકે લઈ શકીએ. ઈસુ અને ફળ વિનાનાઅંજીરના ઝાડની વાતને પ્રતીકાત્મક ર્દષ્ટાંતબોધ તરીકે લઈએ ત્યારે બાઈબલના પંડિત વિલયમ બારકલે કહે છે તેમ, એમાંથી આપણને બે પાઠ મળે છે.

એક, નિરુપયોગિતા વિનાશને નોતરે છે. અને બે, ચોક્કસ પ્રવૃત્તિ કે કાર્ય વિના બધી વાતો ને માન્યતાઓ નિરર્થક અને ખરાબ ઠરે છે.

અંજીરના ઝાડની ઉપયોગિતા એના ફળ અંજીરમાં છે. ફળની આશા રાખી શકાય એવા સમયે અંજીર વિનાનું અંજીરનું ઝાડ નિરુપયોગી છે. નકામું છે. એટલે જ દ્રાક્ષની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપનાર માલિક એમાં યથાસમયે અંજીર ન મળતાં વાડીના માળીને એ અંજીરનું ઝાડ કાપી નાખવા જણાવે છે (જુઓ લૂક ૧૩, ૬-૯).

પ્રતીકાત્મક રીતે જોઈએ તો, ઈશ્વર વર્ષોથી ઇસ્રાયેલી પ્રજાને તૈયાર કરતા રહ્યા મુક્તિદાતાના આગમન માટે. પણ જયારે એ ઈશ્વરપુત્ર મુક્તિદાતા ઈસુ આવ્યા ત્યારે ઇસ્રાયેલી પ્રજાએ મુક્તિદાતાને આવકાર્ય નહીં. ઊલટું, એને ક્રૂસે ચઢાવી મારી નાખવા તૈયાર થયા. આ રીતે યહૂદી લોકો પોતાને માથે વિનાશને નોતરી રહ્યા છે.

એ જ રીતે, ધર્મની મોટી મોટી વાતો અને મંદિરની ભવ્ય પૂજાવિધિઓ જયારે ગરીબોની મદદ, વિધવાનું રક્ષણ, દલિતોના ઉદ્ધાર જેવાં નક્કર કાર્યમાં પરિણમતી ન હોય ત્યારે તે બધું નકામું છે. અંજીરના ઝાડને પાંદડાં હતાં. સામાન્ય રીતે પાંદડાં અને અંજીરનું ફળ સાથે આવે છે. પણ જયારે ફક્ત પાંદડાં જ આવે ત્યારે અંજીર વિનાનું ઝાડ નકામું છે, નિરૂપયોગી છે. ધરતી માટે એ ભારરૂપ છે.

બેં, ઈશ્વરના દરેક સર્જનનો ચોક્કસ હેતુ છે. ઈશ્વરે સર્જેલી કોઇપણ વસ્તુ નકામી કે નિરૂપયોગી નથી. સૌનું પોતપોતાનું કામ છે, મિશન છે. અસાધ્ય રોગથી પથારીવશ પડેલા રોગી પણ નિરૂપયોગી નથી. કારણ, તે પોતાના દિલના આનંદથી પોતાની સેવચાકરી કરતા લોકોને આનંદિત કરી શકે છે. પોતાને માટે અને બીજાને માટે પ્રાર્થના કરી શકે છે. મૂંગા દર્દી પણ પોતાના હાવભાથી આસપાસના લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે છે.

માનવ જ એવું પ્રાણી છે કે, જે સર્જહારના પોતાના માટેના હેતુથી વિમુખ થઈ શકે છે. યહૂદી પ્રજા ઈશ્વર પરની પોતાની શ્રદ્ધાની ઘોષણા કરતી હતી. પણ આગેવાનો પોતાની શ્રદ્ધાને આધારે જીવતા નહોતા. એટલે જ ઈસુએ લોકોને કહ્યું હતું કે, તમે ધાર્મિક આગેવાનો કહે તેમ કરજો. પણ તેમનાં કાર્યોને અનુસરતા નહી. કારણ, તેઓ કહે છે કે કંઈ અને કરે છે કંઈ.

ગાંધીજીએ બાઇબલનો અભ્યાસ કર્યો હતો અને ખ્રિસ્તી ધર્મનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે પ્રિટરિયામાં ઘણા રવિવારે દેવળમાં જઈને પૂજાવિધિઓમાં ભાગ લેતા હતા. છેલ્લે ખ્રિસ્તીઓ સામે એમની ફરિયાદ હતી કે ખ્રિસ્તીઓ બાઇબલના શિક્ષણ મુજબ જીવતા નથી.

અંજીર વિનાનું અંજીર ઝાડ વિનાશ પામ્યું હતું. એટલે પોતાની શ્રદ્ધાને અનુરુઓ જીવ્ન્ન ફળ પેદા કરવા માટે ઈસુ અન્જીર્નના ઝાડનું ર્દષ્ટાંત આવા દરેક માનવને અનુરોધ કરે છે અને ચેતવણી પણ આપે છે.

Changed On: 16-03-2018
Next Change: 01-04-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.