ઈસુનો પુણ્યપ્રકોપઆ બધું હઠાવી લો અહીંથી. મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું"
(યોહાન ૨, ૧૬).

ઈસુ એક ખૂબ સંવેદનશીલ માનવ હતા. એમની સંવેદનશીલતાની તીવ્રતા આપણે શુભસંદેશમાંના કેટલાક પ્રસંગોમાં ખાસ નોંધી શકીએ છીએ. એમની સંવેદના કોઈક વાર ગુસ્સામાં પ્રગટ થઈ છે. પણ ઈસુના ગુસ્સા અને સામાન્ય માનવીના ગુસ્સામાં આપણે કેટલાક નોંધપાત્ર તફાવતો જોઈ શકીએ છીએ.

એક વાર યરુશાલેમ ખાતે લોકોને પવિત્ર મંદિરનો દુરુપયોગ કરતા જોઇને ઈસુ રોષે ભરાયા હતા. ચારેય શુસંદેકારોએ એ પ્રસંગની નોંધ કરી છે. એમાં શુભસંદેશકાર યોહાને વર્ણવેલો પ્રસંગ અહીં પ્રસ્તુત છે. "યહૂદીઓનો પાસ્ખા તહેવાર પાસે આવ્યો હતો. એટલે ઈસુ યરુશાલેમ ગયા. ત્યાં મંદિરમાં તેમણે બળદ, ઘેંટા અને કબૂતરના વેપારીઓ અને શરાફોને બેઠેલા જોયા. ઈસુએ દોરડીઓનો ચાબખો બનાવીને તે બધાંને ઢોર અને ઘેંટા સાથે મંદિરમાંથી કાઢ્યા અને શરાફોના સિક્કા વેરી નાખ્યા તથા તેમના ગલ્લા ઉથલાવી પાડ્યા. પછી તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું, 'આ બધું હઠાવી લો અહીંથી. મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું.'

"તેમના શિષ્યોને શાસ્ત્રનાં વચનો સાંભરી આવ્યાં, 'તારા ઘર માટેની લગન મને સ્વાહા કરી જશે" (યોહાન ૨મ ૧૩-૧૭).

યહૂદી લોકો માટે યરુશાલેમ ખાતેનું મંદિર પવિત્રમાં પવિત્ર ધામ હતું (અને આજે પણ છે). પાસ્ખા જેવા યહૂદીઓના મોટા તહેવારોના પ્રંસગે સમગ્ર યહૂદિયામાંથી જ નહિ પણ આસપાસના શમરુન, ગાલીલ, ફિનિકિયા, પેરિયા અને દસનગર જેવા પ્રાંતોમાંથી પણ યહૂદી લોકો યરુશાલેમ મંદિરમાં પૂજાવિધિ અને પ્રાર્થના માટે આવતાં.

યરુશાલેમ મંદિરમાં પુરોહિતો માટે, યહૂદી સ્ત્રી-પુરુષો માટે તેમ જ અન્ય ધર્મોના લોકો માટે અલગ અલગ જગ્યાઓ હતી. એમાં અન્ય ધર્મોના લોકો માટે ફાળવાયેલી જગ્યા પપર યહૂદી પુરોહિતોના મળતિયા વેપારીઓ અને શરાફો પોતપોતાનો ધંધો કરતા હતા. વેપારીઓ અર્પણ વિધિ માટે ઢોર, ઘેંટા અને કબૂતર વેચતા હતા તો શરાફો નાણાં બદલી આપવાનું કામ કરતા હતા. કારણ, મંદિરમાં દાન કરવા માટે કે મંદિરના અન્ય કોઈ કામકાજ માટે યહૂદી નાણાં વપરાતાં હતાં. મંદિર બહાર બધો વેપારધંધો રોમન નાણાંથી ચાલતો હતો. એટલે લોકો પાસે રોમન સિક્કાઓ હતા. રોમન સિક્કાઓ બદલી યહૂદી સિક્કાઓ આપવામાં શરાફો અને શરાફો દ્વારા પુરોહિતોને સારી કમાણી થતી હતી.

પ્રાર્થના અને પૂજાવિધિઓ માટેના પવિત્ર ધામ મંદિરને વેપારધંધાથી લોકો અપવિત્ર કરતા હતા. આ જોઇને ઈસુ રોષે ભરાયાં. તેમણે દોરડીઓનો ચાબખો બનાવીને મંદિરની અન્ય ધર્મોના લોકોની જગ્યામાંથી બધા વેપારીઓ અને એમનાં જાનવરોને મંદિર બહાર હાંકી કાઢ્યાં.

અન્ય ધર્મોના લોકો માટે ઈસુએ આ રીતે મંદિરમાં જગ્યા કરી આપી, એટલું જ નહી પણ બધા લોકોને તેમણે કહી દીધું કે, "મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું."

યહૂદી આગેવાનોએ આ બધું કરવા પાછળ ઈસુના અધિકાર અંગે પૂછ્યું તો ખરું, પરંતુ તેઓ તેમને આવું કરતાં રોકી શક્યા નહોતા.

ઈસુની સંવેદનશીલતા સ્પષ્ટપણે પ્રગટ કરી આપતો એક બીજો પ્રસંગ એક સભાગૃહમાં બન્યો હતો. યહૂદી લોકો ખૂબ મોટા તહેવારોમાં યરુશાલેમ મંદિરે જતા હતા. પરંતુ દર અઠવાડિયે વિશ્રામવારને દિવસે યહૂદીઓ પ્રાર્થના અને પવિત્ર ગ્રંથનું વાચન કરવા માટે પોતપોતાના સ્થાનિક સભાગૃહોમાં ભેગા મળતા હતા.

એક વિશ્રામવારે ઈસુ બધા યહૂદી લોકોની જેમ સભાગૃહમાં ગયા હતા. તે પ્રસંગે ઈસુના કેટલાક વિરોધીઓ અને નિંદકો ઈસુ પર નજર રાખતા હતા. ઈસુ બરાબર જાણતા હતા કે, પોતાને ઉતારી પાડવા માટે કે કોઈ ગુનામાં પોતાને ફસાવવા માટે અમુક લોકો પોતાની પાછળ પડ્યા છે. આ લોકોના હૃદયની કઠોરતા જોઈને ઈસુ રોષે ભરાયા અને એમને ખૂબ દુઃખ પણ થયું.

શુભસંદેશકાર માર્ક, માથ્થી અને લૂકે સભાગૃહમાં થયેલા ઉપરોક્ત પ્રસંગનું વર્ણન કર્યું છે. માર્કે પોતાના શુભસંદેશમાં લખ્યું છે: "એક પ્રસંગે ઈસુ સભાગૃહમાં ગયા ત્યારે ત્યાં એક માણસ એવો હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ ઉપર આરોપ મૂકવાના ઉદ્દેશથી એ લોકો જોયા કરતા હતા કે, તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ. ઈસુએ પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, 'ઊઠ, અને આગળ આવ!' પછી તેમણે તે લોકોને કહ્યું, 'શાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે શું કરવાની છૂટ છે? ભલું કરવાની કે બૂરું? જીવ બચાવવાની કે લેવાની?'

"પણ તે લોકો મૂંગા રહ્યા. એટલે તેમના ઉપર રોષભરી નજર ફેરવીને, અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈસુએ પેલા માણસને કહ્યું, 'તારો હાથ લાંબો કર.' તેણે હાથ લાંબો કર્યો. તેનો હાથ સાજોનરવો થઈ ગયો. ફરોશીઓ બહાર જઈને તરત જ હેરોદના મળતિયાઓ જોડે ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચવા લાગ્યા" (માર્ક ૩, ૧-૬).

ઈસુએ વિશ્રામવારને દિવસે સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકોની આગળ સુકાઈ ગયેલા હાથવાળા માણસને ઊભો કર્યો હતો અને પૂછ્યું હતું કે, શાસ્ત્ર પ્રમાણે આ માણસને સાજોનરવો કરવો યોગ્ય છે કે નહિ? ઈસુ યહૂદી કાયદો બરાબર જાણતા હતા કે, વિશ્રામવારના પવિત્ર દિવસે કોઈ પણ પ્રકારના કામ કરવાની સખત મનાઈ છે. પણ બધાં ધર્મો માનવનું ભલું કરવા માનવને પ્રેરે છે. ધમોનું લક્ષ્ય જ માનવની ભલાઈ છે. પરંતુ સભાગૃહમાં ભેગા થયેલા એ યહૂદી લોકો માનવહૃદયના ધર્મને ગણકારતા નહોતા. સુકાઈ ગયેલા હાથવાળા એટલે કે એમની વાંચે ઊભા રહેલા માંદા માણસને જોઇને એમના હૃદયમાં હમદર્દીની ભાવના જાગતી નહોતી, સંવેદના થતી નહોતી, લાગણી જાગૃત થતી નહોતી. એટલે એ લોકો ઈસુના પ્રશ્નનો જવાબ આપવાને બદલે મૂંગા રહ્યા હતા.

એટલે લોકોના હૃદયની કઠોરતા જોઇને ઈસુ રોષભરી નજરે બધા લોકોને જુએ છે. પણ ઈસુના હૃદયમાં સંવેદના છે. પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસ માટે લાગણી છે. હમદર્દી છે. એટલે પોતાના વિરોધીઓ અને નિંદખોરોની કટુતા ગણકાર્યા વિના ઈસુ પેલા માંદા માણસને સાજો કરે છે. "તારો હાથ લાંબો કર", ઈસુએ પેલા માણસને કહ્યું. તેણે હાથ લાંબો કર્યો. અને તેનો સુકાઈ ગયેલો હાથ બિલકુલ સાજોનરવો થઈ ગયો હતો.

પોતાના વિરોધીઓ એટલે ફરોશીઓ અને શાસ્ત્રીઓ જેવા યહૂદી આગેવાનોની દુશ્મનાવટની પરવા કર્યા વિના ઈસુ પોતાના નિર્ધારિત રસ્તે મંડ્યા રહે છે. કાણને કાણો કહેવામાં ઈસુને કોઈ વાંધો નથી. એટલે અનેક વાર ઈસુએ યહૂદી આગેવાનો એવા શાસ્ત્રીઓ અને ફરોશીઓને "દંભીઓ", "મૂર્ખાઓ" અને "આંધળા નાયકો" કહ્યા છે (જુઓ માથ્થી ૨૩, ૧-૩૬).

ઈસુ વિશ્રામવારને દિવસે સભાગૃહમાં ભેગા મળેલા લોકોના વર્તનથી રોષે ભરાયા અને યરુશાલેમ મંદિરનો દુરૂપયોગ કરતા લોકો પર ગુસ્સે થયા. દંભી ફ્રોશીઓ અને શાસ્ત્રીઓ પર ક્રોધ કર્યો. પરંતુ ઈસુના ગુસ્સા કે ક્રોધમાં કેટલીક બાબતો ખાસ નોંધી શકાય છે. સામાન્ય માનવના ગુસ્સાની સરખામણીમાં ઈસુના ગુસ્સા અંગે ત્રણ બાબતો ખાસ ધ્યાનપાત્ર છે.

એક, ઈસુએ કદી પોતાને માટે ગુસ્સો કર્યો નહોતો. જયારે જયારે ઈસુએ ગુસ્સો કર્યો છે ત્યારે ઈસુએ કશુંય મેળવવાનું નહોતું. ઈસુ તો યહૂદી આગવાનોના દંભ, મૂર્ખામી તથા આંધળાપણા સામે રોષે ભરાયા હતા. ઈસુએ માનવમાત્ર પર પ્રેમ રાખ્યો. પોતાનાં શિષ્યો અને અનુયાયીઓ પર અઢળક પ્રેમ રાખ્યો. સત્ય અને ન્યાય માટેની એમની લગનીથી ઈસુએ કોઈક વાર ગુસ્સો કર્યો છે. એમાં ઈસુનો કોઈ સ્વાર્થ નહોતો.

બે, ઈસુએ ગુસ્સો કર્યો હોય, રોષે ભરાયા હોય, ક્રોધ કર્યો હોય, એવા બધા જ સમયસંજોગોમાં ઈસુએ કદી પોતાની જાત પરનો કાબૂ ગુમાવ્યો નહોતો. ઈસુ સંપૂર્ણપણે પોતાના ગુસ્સાના પણ નાથ રહ્યા છે. યોગ્ય સંદર્ભમાં ગુસ્સો કર્યો પણ ઈસુએ કદી માનવો સાથે પોતાના સંબંધને તોડ્યો નહોતો. એક વાર પીતર ઉપર ગુસ્સો કરીને ઈસુએ પીતરને કહ્યુ, "હટ સેતાન! તું મારા માર્ગમાં આડખીલીરૂપ છે. તું દુનિયાદારીની ર્દષ્ટિએ જ જુએ છે, ઈશ્વરની ર્દષ્ટિએ જોતો નથી". આમ, પીતર પર ગુસ્સો કરવા છતાં ઈસુ અને પીતર વચ્ચેનો સંબંધ અંખડ રહ્યો હતો.

ત્રણ, લોકોના ધિક્કારથી, દુશ્મનાવટથી ઈસુ કદી ગુસ્સે થયા નહોતા. ઈસુ સામાન્ય લોકો સાથે તેમ જ તેમના દુશ્મનો તથા વિરોધીઓ સાથે પપન ખૂબ ખંત અને ધીરજથી વર્ત્યા હતા. ભારે દુઃખ આપીને પોતાને ક્રૂસ ચઢાવનાર લોકોને માફી આપીને ઈસુ મૃત્યુને ભેટ્યા હતા.

Changed On: 01-04-2018
Next Change: 16-04-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.