પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મઈસુએ કહ્યું, "પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના
રાજ્યમાં દાખલ નહિ થઈ શકે" (યોહાન ૩, ૫).

નાનું બાળક કે પુખ્ત વયનો માનવ – ગમે તે ઉંમરના માનવને ખ્રિસ્તી ધર્મમાં દાખલ થવા માટે એક ખાસ સંસ્કાર છે: સ્નાનસંસ્કાર જે જળદીક્ષા (બૅપ્ટિઝમ). સ્નાનસંસ્કાર દ્વારા એક વ્યક્તિ અધિકૃત રીતે ખ્રિસ્તી ધર્મસભાનો સભ્ય બને છે, ખ્રિસ્તી બને છે. સ્નાનસંસ્કાર દ્વારા પાણી અને પવિત્ર આત્માથી માનવનો નવો જન્મ થાય છે.

માથ્થીકૃત શુભસંદેશને અંતે ઈસુ પોતાના શિષ્યોને આદેશ આપે છે, "તેમ જાઓ, અને બધી પ્રજાના લોકોને મારા શિષ્ય બનાવો, અને તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાનસંસ્કાર કરાવો" (માથ્થી ૨૮, ૧૯). આમ, ઈસુએ સ્નાનસંસ્કારની સ્થાપના કરી છે.

"પાણી અને પવિત્ર આત્માથી જન્મ" જન્મ લેવાની વાતમાં સ્નાનસંસ્કારની સૂચના હોઈ શકે છે. પણ ઈસુ સ્નાનસંસ્કારની વાત નહિ, પણ ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાની વાત કરે છે. અ વાત સમજવા માટે યહૂદી લોકોની માન્યતા અને ગ્રંથો આપણને મદદરૂપ થાય છે. અહીં આપણે ધ્યાનમાં રાખીએ કે, ઈસુ યહૂદી ધર્મના એક આગેવાન ફરોશી નિકોદેમસ સાથે વાત કરે છે. નિકોદેમસ સાથે યહૂદી ધર્મ અને સંસ્કૃતિથી ખૂબ વાકેફ છે, તેમ જ જૂનો કરાર બરાબર સમજે છે. આજે પણ વિધિવત રીતે પાણી છાંટીને અમુક લોકોમાં માનવને અને ચીજવસ્તુને શુદ્ધ કરવાની પ્રથા છે, તેમ ઈસુના સમયમાં યહૂદી લોકો સ્વચ્છ પાણી છાંટીને માનવોને પવિત્ર કરવાની વિધિ કરતા હતા.

દાખલા તરીકે, હઝકિયેલના ગ્રંથમાં પયગંબર પ્રભુની વાણી સંભળાવે છે, "હું તમારા ઉપર પાવક જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુક્ત કરીશ, હું તમને નવું હૃદય આપીશ અને તમારામાં નવો પ્રાણ પૂરીશ... હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ" (હઝકિયેલ ૩૬, ૨૫-૨૭). પયગંબર યોએલ ઇસ્રાયલના લોકોને પ્રભુની વાણી સંભળાવતાં કહે છે, "પછી આખી માનવજાતમાં હું મારા પ્રાણનો સંચાર કરીશ, ...તે દિવસે ગુલામ સ્ત્રી-પુરુષોમાં પણ મારા પ્રાણનો સંચાર કરીશ" (યોએલ ૩, ૧-૨).

આમ, જૂના કરારના જુદા જુદા ગ્રંથમાં જળ છાંટીને લોકોને શુદ્ધ કરવાની અને એમનામાં પ્રભુના આત્માનો સંચાર કરીને નવું જીવન આપવાની વાત આવે છે. જળ અને આત્મા દ્વારા નવું જીવન પ્રાપ્ત કરવાના જૂના કરારના ખ્યાલો કે માન્યતાઓની પરિપૂર્તિ કે પરિપૃષ્ટિ સ્નાનસંસ્કારક યોહાનના સંદેશમાં આપણે જોઈ શકીએ છીએ. યોહાનનો સંદેશ છે કે, "હૃદયપલટો કરો અને સ્નાનસંસ્કાર પામો, એટલે તમને પાપની માફી મળશે" (માર્ક ૧, ૪), સ્નાનસંસ્કાર માટે પોતાની પાસે આવતા લોકોને યોહાન કહેતા હતા કે, "હું તમને હૃદયપલટાને અર્થે પાણીથી સ્નાનસંસ્કાર કરાવું છું, પણ જે મારા પછી આવનાર છે, તે તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાનસંસ્કાર કરાવશે" (માથ્થી ૩, ૧૧).

સ્નાનસંસ્કારક યોહાન પોતાના પછી આવનાર તરીકે જેનો ઉલ્લેખ કરે છે તેનો સ્પષ્ટ નિર્દેશ આપણને સંત યોહાનના શુભસંદેશમાં મળે છે. કારણ, સ્નાનસંસ્કાર યોહાને ઈસુની સાક્ષી પૂરી છે કે, "મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઊતરતો અને એના (ઈસુ) પર બેસતો જોયો છે" (યોહાન ૧, ૩૨). હૃદયપલટાને અર્થે પાણીથી સ્નાનસંસ્કાર કરાવનાર સ્નાનસંસ્કારક યોહાને એકરાર કર્યો છે કે, "જેણે મને પાણીથી સ્નાનસંસ્કાર કરાવવાને મોકલ્યો હતો, તેણે મને કહ્યું હતું, 'જયારે તું પવિત્ર આત્માથી જે સ્નાનસંસ્કાર કરાવવાનો છે તે એ છે' મેં નજરોનજર એ જોયું છે" (યોહાન ૧, ૩૩-૩૪).

હવે, આપણે ઈસુએ નિકોદેમસને કહેલી મૂળ વાત પર અપ્રત આવીએ. પાણી અને પવિત્ર આત્માથી નવો જન્મ લેવાની વાત લઈએ. પાણી શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. એટલે પાણી શુદ્ધતા કે પવિત્રતાનું પ્રતીક છે. આપણા જીવનમાં ઈસુની હાજરીથી સભાન બનીએ. ઈસુ પર પ્રેમ રાખીએ. ઈસુ પરનો પ્રેમ કેવળ શબ્દોમાં નહિ, પણ આપણા સમગ્ર આચારવિચારમાં પ્રગટ કરીએ ત્યારે આપણા પાજીવનનો નાથ ઈસુ બને છે. જ્યાં ઈસુ હોય ત્યાં આપણા પાપની માફી હોય છે. ઈસુથી ભરેલા હૃદયમાં પાપ માટે કોઈ સ્થાન નથી. એ જ રીતે, પવિત્ર આત્મા ઈશ્વરનું શક્તિસ્વરૂપ છે. પવિત્ર આત્મા ઈશ્વરી શક્તિનું પ્રતીક છે. ઈસુ સાથે પવિત્ર આત્મા આપણને પવિત્ર જીવન જીવવાની શક્તિ આપે છે. આખરે ઈસુ અને પવિત્ર આત્મા બે નથી પણ એક જ છે. એક જ શક્તિસ્વરૂપ છે. એ શક્તિ પ્રેમની શક્તિ છે.

નિકોદેમસે ઈસુ પાસેથી નવા જન્મની વાત સાંભળીને એમને પૂછ્યું હતું, "માણસ ઘરડો થયો હોય ત્યારે જન્મ શી રીતે લઈ શકે? તે ફરી વાર પોતાની માના ગર્ભમાં જઈને જન્મ લઈ શકે ખરો?" (યોહાન ૩, ૪). ઈસુ નિકોદેમસને સમજાવે છે કે, ફરી વાર માના ગર્ભમાં જઈને નવો જન્મ લેવાનો નથી, પરંતુ પ્રેમના ગર્ભમાં જઈને નવો જન્મ લેવાનો છે. પ્રેમના ગર્ભનો જન્મ એટલે માનવે પોતાના પરમેશ્વર પ્રભુ ઉપર પોતાના પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ રાખવો અને એ જ રીતે માનવ પોતાના માનબંધુ ઉપર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો (જુઓ માથ્થી ૨૨, ૩૭-૩૯).

સ્નાનસંસ્કાર દ્વારા નવો જન્મ લઈને ખ્રિસ્તી બનવા આગ્રહ રાખનાર અન્ય ધર્મોના લોકોને હું કહું છું કે, સૌ પ્રથમ તેમણે પોતાનામાં વસેલા ઈસુને ઓળખવાના છે. ઈસુએ ચીંધેલા ગર્ભમાંથી નવો જન્મ લેવાનો છે. આમ, નવો જન્મ લઈને ઈશ્વરપ્રેમ અને બંધુપ્રેમથી ઈસુએ ચીંધેલા માર્ગે ચાલનાર માનવ ઇચ્છાથી ઈસુનો શિષ્ય બની ગયો છે, ખ્રિસ્તી જ બની ગયો છે. પરંતુ આ ખ્રિસ્તી જીવન સહેલું નથી. એમાં ઘણી મુશ્કેલીઓ અને વિટંબણાઓ છે, વિરોધો છે, ધિક્કારનો સામનો કરવો પડ્યો. આવાં બધાં પરિબળો સામે ટકી રહી શકનાર માનવને જ સ્નાનસંસ્કાર આપી ખ્રિસ્તી બન્યાની મહોર મારી શકાય.

ઈસુએ ચીંધેલા રસ્તે પાણી અને પવિત્ર આત્માની નિકોદેમસે નવો જન્મ લીધો હતો. એટલે જ તેઓ ઈસુના દફન માટે 'આશરે અઢી મણ બોળ અને અત્તરનું મિશ્રણ લઈને આવ્યા' અને બીજો સાથે "તેમણે ઈસુના શબને લઈને યહૂદીઓની દફનવિધિ અનુસાર ઈસુને દફનાવી દીધા" (જુઓ યોહાન ૧૯, ૩૯-૪૨). પ્રેમના આ નિ:સ્વાર્થ કર્મથી નિકોદેમસ પુરવાર કરે છે કે એમનો નવો જન્મ થઈ ચૂક્યો છે.

Changed On: 16-04-2018
Next Change: 01-05-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.