બાઇબલનાં સાર અને હાર્દઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર
આપી દીધો. જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે,
પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે" (યોહાન ૩, ૧૬).

બાઇબલમાં નવા કરારના સંત યોહાનકૃત શુભસંદેશમાં મને વારંવાર વાંચવા ગમે એવાં બે વાક્યો છે. બાઇબલ પ્રેમીઓ અને પંડિતો એ બે વાક્યોને સમગ્ર બાઇબલનો સારાંશ ગણે છે. તેઓ કહે છે કે, બાઇબલનો સાર અને બાઇબલનું હાર્દ એ બે વાક્યોમાં સમાયેલાં છે.

એક બે વાક્યો છે, એક, "ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે, પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે" (યોહાન ૩, ૧૬) અને બે, "કારણ, ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોક્લ્યો છે, તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહિ, પણ તેની મારફતે જગતનો ઉદ્વાર કરવા" (યોહાન ૩, ૧૭).

થોડાં વર્ષ પહેલાં આ બે વાક્યો પર ખૂબ ચર્ચાવિચારણા થઈ હતી. બાઇબલના વાંચકોને લાગ્યું કે આ બે વાક્યો તેમને માટે ખૂબ અર્થપૂર્ણ છે. એનું એક કારણ હતું, એક પ્રસંગ હતો.

અવકાશયાત્રીઓના ડિઝાઇનર એટલે કે, નકશીવાળા આકૃત્તિઓ તૈયાર કરનાર ફ્રાન્ક ડેનટોને પોશાકની બે નળીઓ માટે બે અલગ અલગ નંબરો આપ્યા ('J' ૩: ૧૬ અને ૩:૧૭). ડેનટોનના જણાવ્યા મુજબ તેમણે દોરેલા પોશાકની નળીઓ માટે ક્ખાસ હેતુથી એ બે નંબરો આપ્યા હતા. એ બે નંબરો આપવામાં એમને બાઈબલમાંથી પ્રેરણા મળી હતી.

બાઇબલના વાચકોને એ બે નંબરો જોતાં તરત જ ખબર પડે કે એમાં 'J' અક્ષર નવા કરારમાં ચોથા શુભસંદેશના લેખક સંત યોહાન (Jhon) માટેનો ઉલ્લેખ છે, અને આંકડા નંબર ૩ યોહાનકૃત શુભસંદેશના ત્રીજા અધ્યાયનું સૂચન કરે છે અને છેલ્લા આંકડાઓ ૧૬ અને ૧૭ એ ત્રીજા અધ્યાયના સોળમાં અને સત્તરમા વાક્યોના સૂચક આંકડાઓ છે.

અવકાશયાત્રીઓના પોશાક સાથે જોડેલી પ્રથમ 'J' ૩:૧૬ નંબરવાળી નળીનો ચોક્કસ હેતુ છે. જયારે અવકાશયાત્રી આકાશયાનમાંથી બહાર નીકળીને આકાશયાન બહાર 'ચાલે' કે આકાશયાનના એક ભાગમાંથી બીજામાં જાય ત્યારે આકાશયાત્રીને એ નળી દ્વારા જીવવા માટેના પ્રાણવાયુ કે ઑક્સિજન મળે છે. આકાશયાત્રી કે કોઈ પણ માનવ પ્રાણવાયુ વિના પોતાનું જીવન ટકાવી રાખી ન શકે. માનવ માટે પ્રાણવાયુ જીવન છે.

બાઇબલનું ઉપરોક્ત વાક્ય કહે છે અને ખ્રિસ્તી લોકો ર્દઢપણે માને છે કે, ઈશ્વરપિતાનો પુત્ર ઈસુ ખ્રિસ્તને આ દુનિયા પર મોકલવાનો એક જ હેતુ છે. એ હેતુ એટલે માનવ એનામાં શ્રદ્ધા રાખીને "શાશ્વત જીવન પ્રાપ્ત કરે."

એ જ રીતે આકાશયાત્રી પોશાકથી બીજી નળી માટે ફ્રાન્કના ડનટોને આપેલો બીજો નંબર 'J' ૩:૧૭ પણ ખૂબ સૂચક છે. બીજી નળીનો હેતુ આકાશયાત્રી આકાશયાનથી છૂટો પડી ના જાય; પણ નળી આકાશયાત્રીને આકાશયાન જોડે બાંધી રાખે. એ નળી વિના આકાશયાત્રી આકાશયાનથી બહાર નીકળે ત્યારે એનાથી છૂટો પડી શકે છે, બહિર્આકાશમાં હંમેશ માટે ખોવાઈ શકે છે. પરંતુ આકાયાનની બહાર નીકળેલા આકાશયાત્રી જાણે છે કે, પોતાને આકાયાન જોડે બાંધી રાખતી નળી એને માટે જીવાદોરી છ, એ કદી આકાશયાનથી છૂટો પડી ન જાય. એ નળી દ્વારા એનો ઉદ્વાર છે.

એ જ રીતે ઉપરોક્ત બે વાક્યો બાઇબલનો સારાંશ આપવા સાથે ઈસુ ખ્રિસ્ત અને આપણી આ ફાની દુનિયા અંગે સાચો ખ્યાલ પણ આપે છે. ઈસુ આ દુનિયામાં આવ્યા જેથી આપણે એમના દ્વારા ઈશ્વર પિતાનો પ્રેમ અનુભવીએ અને એ પ્રેમનો સ્વીકાર કરીએ. એ જ રીતે, આપણે ઈસુ મારફતે ઈશ્વર પર અને માનવો પર પ્રેમ રાખીને આ ઉદ્વાર પામીએ..

ઈસુ વિનાની દુનિયાને આપણે કલ્પી ના શકીએ. કારણ, ઈસુના જન્મથી છેલ્લાં બે હજાર વર્ષમાં ઈસુનાં જીવન અને સંદેશની અસર સમગ્ર દુનિયા પરની સમગ્ર માનવજાતમાં વ્યાપકપણે અનુભવાઈ છે. એટલે જ વિશ્વસાહિત્યના એક તેજસ્વી સિતારા રશિયાના ફિયોદોર દોસ્તોયેવ્સ્કીએ લખ્યું છે કે, "માનવજાતને ઈસુ ખ્રિસ્તનો નવો કરાર મળ્યો ના હોત તો આ દુનિયા પર કેવળ બે માનવો જ બાકી રહે એટલે સુધી બધા માનવો લડીલડીને અરસપરસ કાપાકાપી કરી નાખત. અને છેલ્લે રહેલા બે માનવો પણ સામસામાની ખૂનખાર લડાઈમાં કોઈ એકબીજાને મારી નાખત અને એમાં બચેલો માનવ જાતે આત્મહત્યા કરી બેસત."

પરંતુ ઈશ્વરે પ્રેમથી સર્જેલા માનવોને એમનાં અત્યાચારો અને અનિષ્ટોમાં છોડી દીધા નથી. ઈશ્વરે પ્રેમથી પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને દુનિયા પર મોકલીને સમગ્ર માનવજાતનો ઉદ્વાર કર્યો છે. એ જ વાત બાઇબલના સંક્ષેપરૂપે સંત યોહાનકૃત શુભસંદેશમાં આપણે વાંચીએ, "ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે, પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ, ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે, તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહિ, પણ તેની મારફતે જગતનો ઉદ્વાર કરવા" (યોહાન ૩, ૧૬-૧૭).

Changed On: 01-05-2018
Next Change: 16-05-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.