જીવનદાયી રોટીહું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો
નહીં થાય, અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહિ થાય" (યોહાન ૬, ૩૫).

સંત યોહાનકૃત શુભસંદેશના છટ્ઠા પ્રકરણમાં ઈસુ અક્ષય રોટી કે જીવનદાયી રોટીની વાત કરે છે. પ્રથમ ત્રણ શુભસંદેશકારો માથ્થી (૧૩, ૧૩-૨૧), માર્ક (૬, ૩૦-૪૪) અને લૂકે (૯, ૧૦-૧૭) પણ ઈસુની અક્ષય રોટીની વાત નોંધી છે. ઈસુના સમગ્ર શિક્ષણ કે સંદેશની એક મુખ્ય વાત આ પ્રકરણમાં છે. પણ ઈસુએ કરેલી જીવનદાયી રોટીની વાત એમના ઘણા શ્રોતાજનોને ગળે ઊતરતી નહોતી. કારણ, ઈસુએ કહ્યું હતું, "હું તમને સાચેસાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવપુત્રનો દેહ ખાધો નથી અને તેનું લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવન જ નથી" (યોહાન ૬, ૫૩).

યોહાને નોંધ્યું છે કે, "આ સાંભળીને તેમના ઘણા શિષ્યો બોલી ઊઠ્યા, 'આ તો ગળે ઊતરવું કઠણ છે! આવું તો કોણ સાંભળી શકે?" (યોહાન ૬, ૬૦). અને "આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા, અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા" (યોહાન ૬, ૬૬).

આ પથ એટલે કે જીવન દાયી રોટી અંગેની ઈસુની વાત સમજવા પ્રયત્ન કરીએ ત્યારે કેટલીક મૂળભૂત બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે. ઈસુના જાહેર કરવાની શરૂઆતથી ઈસુ સાથે રહેવા અને એમનું શિક્ષણ પામેલા એમના વહાલા શિષ્ય યોહાન આપણને ઈસુનો આ સંદેશ આપે છે. બીજું, બાઇબલના પંડિતો કહે છે તેમ ઈસુનાં કથન અને વચન પર લાંબા ગાળાનું ઊંડું ચિંતનમનન કર્યા પછી યોહાન ઈસુનો આ સંદેશ આપણને આપે છે.

ઈસુના મૃત્યુના આશરે સિત્તેરેક વર્ષ પછી લખાયેલા આ શુભસંદેશના હેતુ વિશે ખુદ યોહાને નોંધ્યું છે કે, આ ગ્રંથ એટલા માટે લખાયો છે કે "ઈસુ એ ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે, એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને બળે તમે તેમના નામે જીવન પામો" (યોહાન ૨૦, ૩૧).

આ સંદર્ભમાં વર્ષો પહેલાં જીવનદાયી રોટી વિશે ઈસુએ કરેલી વાત અક્ષરશ: યોહાનની યાદશક્તિમાં રહી છે એમ માનવાની જરૂર નથી. એટલે અહીં આપણો પ્રયત્ન યોહાનની જેમ જીવન દાયી રોટીની વાત દ્વારા ઈસુ સમગ્ર માનવજાતને શો સંદેશ આપે છે એ જ સમજવાનો છે.

"હું જ જીવનદાયી રોટી છું." ઈસુની આ ઉક્તિ શું કેવળ કાવ્યમય અભિવ્યક્તિ જ છે? બાઇબલના પંડિત વિલિયમ બારકલે કહે છે અને આપણે જાણીએ છીએ કે, આપણા જીવનને પોષવા માટે રોટી જોઈએ, ખોરાક જોઈએ. ખોરાક વિના આપણે આપણું જીવન ટકાવી ન શકીએ, પણ જીવન શું છે? શું જીવન કેવળ હયાતી છે? ના. જીવન કેવળ હયાતી કે અસ્તિત્વ માત્રથી કંઈક વધારે છે. અધ્યાત્મિક રીતે જોઈએ તો જીવનમાં ઈશ્વરની હાજરી છે. ખરા જીવનમાં ઈશ્વરની હાજરીની ઓળખ છે. ઈશ્વર સાથેના સંબંધનો સ્વીકાર છે. એ હાજરીમાં, એ ઓળખમાં, એ સંબંધમાં ઈસુ છે. બાઇબલ જણાવે છે કે, ઈસુ દ્વારા જ માનવજીવન અસ્તિત્વમાં આવે છે. એટલે માનવ સ્વીકારે કે ન સ્વીકારે દરેક માનવમાં ઈસુ હાજર છે.

યોહાનકૃત શુભસંદેશનું છઠ્ઠું પ્રકરણ વારંવાર વાંચીએ ત્યારે આપણે એક વાત ખાસ નોંધી શકીએ. યોહાને ઈસુ પરની શ્રદ્ધા પર ખૂબ ભાર મૂક્યો છે. ચાવીરૂપ વાક્યમાં ઈસુ કહે છે. "...જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહિ થાય." કડી ૪૦માં ઈસુ કહે છે કે, "...જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે." ફરી કડી ૪૭માં ઈસુ કહે છે, "હું તમને સાચેસાચ કહું છું કે, જે કોઈ શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામ્યો છે."

'ધ ન્યૂ સ્ટડી બાઇબલ ન્યૂ ઇન્ટરનેશનલ વર્ઝન'ના સંપાદક કેન્ન્થ બારકર બાઇબલની એક પાદટીપમાં જણાવે છે કે, ઈસુના આ વાર્તાલાપમાં દેહ અને લોહી ઈસુ ખ્રિસ્તના માનવપણાનો નિર્દેશ કરે છે, જે ક્રૂસ પર મરી જનાર ખ્રિસ્તી જીવનનો સ્રોત છે. ઈસુ કહે છે કે, પોતાની જાતને ઈશ્વરને અર્પેલા બલિ તરીકે શ્રદ્ધાથી અપનાવવાની છે.

ઈસુ કહે છે કે, "જ્યાં સુધી તમે માનવપુત્રનો દેહ ખાધો નથી અંને તેનું લોહી પીધું નથી, ત્યાં સુધી તમારામાં જીવન જ નથી." બાઇબલના પંડિત વિલિયમ બારકલે કહે છે કે અહીં ઈસુનો દેહ એટલે એમનું સંપૂર્ણ માનવપણું. ઈશ્વર ઈસુમાં સંપૂર્ણ ઈજ્વ્ન બન્યો છે. સંત પાઉલના શબ્દોમાં "આપણી પાસ ઈશ્વરના પુત્ર ઈસુ જેવા મહાન વડાપુરોહિત છે, ...જેમને આપણા જેવી બધી કસોટીઓનો અનુભવ થયો છે – સિવાય એક પાપનો" (હિબ્રૂઓ ૪, ૧૪-૧૫).

જેમ માનવપુત્ર દેહ, એમનું માનવપણું સૂચવે છે તેમ યહૂદી વિચારસરણીમમા લોહી માનવનું જીવન સૂચવે છે. જે માનવના શરીરમાંથી લોહી વહી જાય છે તે જીવન જ ખોઈ બેસે છે. યહૂદી લોકોને મન લોહી ઈશ્વરની માલિકીનું છે.

ટૂંકમાં, આપણને ઈસુ પોતાનો દેહ ખાવા અને લોહી પીવાની વાતથી પોતાની જાત સંપૂર્ણપણે આપણને સોંપે છે. માનવ ઊંડી શ્રદ્ધાથી ઈસુનો સ્વીકાર કરી શકે છે. ઈસુનાં મૂલ્યો, આદર્શો અને વલણો પોતાના જીવનમાં અપનાવીને માનવ ઈસુમય બની શકે છે. એટલે ઈસુનો દેહ ખાવા અને એમનું લોહી પીવાની વાતમાં શ્રદ્ધાથી ઈસુને અપનાવવાની વાત છે. શ્રદ્ધાથી ઈસુમય જીવન ગાળવાની વાત છે.

Changed On: 16-05-2018
Next Change: 01-06-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.