માર્ગ, સત્ય અને જીવન"હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું, જે કોઈ પરમપિતા
પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે" (યોહાન ૧૪, ૭).

મારા કાર્યાલયનું નામ કૅથલિક ઇન્ફરમેશન સર્વિસ સોસાયટી છે, જે સી.આઈ.એસ.એસ.ના ટૂંકા નામથી પણ ઓળખાય છે. એના મુદ્રાચિહ્નમાં ઈસુનું આ વાક્ય છે: "હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું." અહીં સર્વસામાન્ય ખ્યાલ કે માન્યતાના ત્રણ શબ્દો ખાસ નોંધપાત્ર છે: "માર્ગ, સત્ય અને જીવન. આ સર્વસામાન્ય ખ્યાલોને લઈને બીજા કોઈ મહાત્માએ કદી કહ્યું ન હોય એવી મોટી વાત ઈસુએ કરી છે. માનવ ઈતિહાસમાં ઈસુ સિવાય બીજા કોઈએ કહ્યું નહિ કે, "હું જ માર્ગ છું, હું સત્ય છું અને હું જ જીવન છું."

આપણે જાણીએ છીએ કે, ઈસુ અને તેમના બારેય શિષ્યો યહૂદીઓ હતા. તેઓ યહૂદી ધર્મ મુજબ જીવન જીવતા હતા. યહૂદી ધર્મગ્રંથની બધી વાતો તેઓ બરાબર જાણતા હતા. આ ત્રણ સર્વસામાન્ય ખ્યાલ યહૂદી ધર્મગ્રંથમાં ઠેરઠેર આવે છે. એટલે આપણે આજે સમજીએ એના કરતાં વધારે સારી રીતે ઈસુની આ વાત એમના શિષ્યો સમજી શકતા હતા.

આપણે આ ત્રણેય ખ્યાલો કે માન્યતાઓ એક એક લઈને સમજવા પ્રયત્ન કરીએ. ઈસુએ કહ્યું, "હું જ માર્ગ છું." યહૂદી ધર્મગ્રંથ એટલે બાઇબલના જૂના કરારમાં 'માર્ગ'ના ઘણા ઉલ્લેખ જોવા મળે છે. 'અનુસંહિતા'ના ગ્રંથમાં મોશે લોકોને કહે છે, "તમારે જો જીવતા રહેવું હોય, સુખી થવું હોય અને જે ભૂમિનો તમે કબજો લેવાના છો તેમાં દીર્ધકાળ ટકવું હોય, તો તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે ચાલજો" (અનુસંહિતા ૫, ૩૩). મોશે ફરી ઇસ્રાયલી પ્રજાને કહે છે, "મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે લોકો વંઠી જવાના છો, મેં તમારા માટે ઠરાવેલો માર્ગ છોડી દેવાના છો" (અનુ સંહિતા ૩૧, ૨૯).

વળી, યશાયા ગ્રંથમાં તેમ જ સ્તોત્રસંહિતામાં પણ માર્ગના કેટલાય ઉલ્લેખ આપણને મળે છે. "તમે આડાઅવળા જશો કે તરત પાછળથી એવી વાણી સંભળાશે કે, 'આ રહ્યો માર્ગ. એ પર ચાલો" (યશાયા ૩૦, ૨૧). ફરી, "એમાં થઈને એક રાજમાર્ગ જતો હશે અને તે 'પવિત્ર માર્ગ' કહેવાશે. એના ઉપર કોઈ અપવિત્ર માણસ આવશે નહિ કે કોઈ અધર્મી રખડશે નહિ" (યશાયા ૩૫, ૮). 'સ્તોત્રસંહિતા'ની એક પ્રાર્થનામાં ઈશ્વર પ્રભુને માર્ગ બતાવવાની એક વિનંતી છે:

"મારગ બતાવ મને તારો પ્રભુજી,
રહે અભયને પંથે ચલાવી." (સ્તોત્રસંહિતા ૨૭, ૧૧)

ઈશ્વર અને મુક્તિનો રસ્તો શોધનાર ભક્તને ઈસુ રસ્તો ચીંધતો નથી, માર્ગ બતાવતો નથી. પણ ઈસુ કહે છે કે, "હું જ માર્ગ છું."

ઈસુએ કહ્યું, "હું જ સત્ય છું." 'સ્તોત્રસંહિતા'ના કર્તાએ કેટલીય પંક્તિઓમાં ઈશ્વર પ્રભુને સત્ય કહ્યા છે. દાખલા તરીકે, સ્તોત્રસંહિતાના લેખક ઈશ્વર પ્રભુને સંબોધીને કહે છે,

"તારી કરુણા મારી આંખો આગળ રહે સદાય
તારા સત્યના માર્ગ પર હું ધરી રહ્યો છું પાય." (સ્તોત્રસંહિતા ૨૬, ૩)

સંત યોહાન પોતાનાં લખાણમાં ૨૫ વખત 'સત્ય' શબ્દ વાપરે છે. અને એમાં પ્રભુ ઈસુનો નિર્દેશ છે. પરંતુ યોહાનકૃત શુભસંદેશ ચૌદમા અધ્યાયની છઠ્ઠી પંક્તિમાં જ ઈસુ સ્પષ્ટપણે કહે છે કે 'હું જ સત્ય છું.'

એક વાર ઈસુ પોતાનાં વિરોધીઓને સ્પષ્ટપણે કહે છે કે, "હું સત્ય બોલું છું એટલે તમે માનતા નથી. તમારામાંથી કોણ મારામાં પાપ પુરવાર કરી શકે એમ છે? જો મારું સત્ય હોય, તો તમે કેમ માનતા નથી?" (યોહાન ૮, ૪૫-૪૬).

છેલ્લે, સૂબા પિલાતના દરબારમાં ઈસુની ઊલટતપાસ વખતે પિલાતના એક પ્રશ્નના જવાબમાં ઈસુએ કહ્યું, "હું જન્મ્યો છું જ સત્ય માટે. અને જગતમાં આવ્યો છું જ એટલા માટે કે, સત્યની સાક્ષી પૂરું. જે સત્યપરાયણ છે તે મારી વાત સાંભળે છે."

"પિલાતે તેમને કહ્યું, 'સત્ય વળી શું?" (યોહાન ૧૮, ૩૭). પિલાત ઈસુની વાત સમજતા નથી. પણ ઈશ્વર પર વિશ્વાસ રાખનારાઓ જાણે છે કે, અહીં ઈશ્વર પિતાને જ સત્ય કહે અને પોતે ઈશ્વર પિતા સાથે એક હોવાનો દાવો એકરાર કરે છે.

ઈસુએ કહ્યું, "હું જ જીવન છું." યોહાનકૃત શુભસંદેશમાં 'જીવન'નો ખ્યાલ કે માન્યતા ખૂબ મહત્વની છે. શુભસંદેશના બીજા ગ્રંથોની સરખામણીમાં યોહાન સૌથી વધારે વખત એટલે કે ૩૬ વખત 'જીવન' શબ્દ વાપરે છે. જીવન ઈસુની અમૂલ્ય ભેટ છે. ઈસુ કહે છે, "હું સાચો ગોવાળ છું. મારાં ઘેટાંને હું ઓળખું છું, અને ઘેટાં મને ઓળખે છે; જેમ મને મારા પિતા ઓળખે છે ને હું મારા પિતાને ઓળખું છું. અને ઘેટાંને ખાતર હું મારા પ્રાણ પાથરું છું" (યોહાન ૧૦, ૧૪-૧૫). અહીં ઘેટાં એટલે ઈસુને અનુસરનાર લોકો. એક બીજા પ્રસંગે પોતાના વિરોધીઓને ઈસુ કહે છે, હું તેમને (ઘેટાંને - અનુયાયીઓને) ઓળખું છું, અને તેઓ મારી પાછળ પાછળ આવે છે. હું તેમને શાશ્વત જીવન અર્પું છું" (યોહાન ૧૦, ૨૭-૨૮). પણ અહીં સંત યોહાનના શુભસંદેશમાં ૧૪, ૬માં ઈસુ કહે છે કે, ઈસુ પોતે જ જીવન છે, "હું જ જીવન છું."

વિલિયમ બારકલે કહે છે કે, માનવનાં સૌ સંશોધનો આખરે જીવન માટે છે. માનવ જ્ઞાન શોધે છે, કેવળ જ્ઞાન માટે નહીં પણ એ શોધ વધુ સારું જીવન પ્રાપ્ત કરવા માટે છે. બાઇબલના જૂના કરારમાં પણ ઈશ્વરદત્ત જીવન અંગે કેટલાંક ઉદાહરણો જોવા મળે છે. સ્તોત્રસંહિતાના સ્તોત્ર ૧૬, ૧૧ પંક્તિ આમ કહે છે:

"તમે, પ્રભુ હે, મને ચીંધશો જીવન કેરો પંથ,
તમ સાંનિધ્ય માંહે મને આનંદ, બસ, આનંદ."

જૂના કરારનો એક બીજો ગ્રંથ 'સુભાષિતો' કહે છે, 'શિખામણ સાંભળનારા જીવનને માર્ગે છે" (સુભાષિતો ૧૦, ૧૭).

માનવજાત માટેના ઈશ્વરના પ્રેમસ્વરૂપે માનવ બનેલો ઈસુ ખુદ જીવન છે અને સર્વ માનવોને જીવન બક્ષે છે. ઈસુએ કહ્યું છે કે, "હું એટલા માટે આવ્યો છું કે એમને (માણસજાતને) જીવન મળે અને ભરપટ્ટે મળે" (યોહાન ૧૦, ૧૦).

ટૂંકમાં, મુક્તિ માટે ઝંખનાર સૌ શોધકોનું એક જ પરમ લક્ષ્ય છે. એ પરમ લક્ષ્ય દરેક માનવમાં કાર્યરત ઈશ્વર છે. ખ્રિસ્તી લોકો એ પરમ લક્ષ્યને આપણા અસ્તિત્વના માર્ગ, સત્ય અને જીવન તરીકે ઓળખે છે. એ છે પ્રભુ ઈસુ, જેમણે કહ્યું છે કે, "હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું."

Changed On: 01-06-2018
Next Change: 16-06-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.