ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચેરોમન સૂબાના દરબારમાં રાજસિંહાસન પર બેઠેલા પિલાતને ઈસુએ ચોખ્ખું કહ્યું, "મારું રાજ્ય
આ દુનિયાનું નથી. તમે જો હોત તો મારા સેવકો મને યહૂદીઓના હાથમાં પડતો અટકાવવા લડ્યા
હોત, પણ મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહિ" (યોહાન ૧૮, ૩૬).

બાઇબલના સંત માથ્થીકૃત શુભસંદેશમાં નોંધવામાં આવ્યું છે તેમ પ્રભુ ઈસુએ ઈશ્વરના રાજ્યની ઘોષણાથી પોતાના જાહેર જીવનની શરૂઆત કરી છે. સામાન્ય રીતે કોઈ રાજ્યની વાત કરીએ ત્યારે આપણે રાજા જેવા કોઈ રાજ્યકર્તા, સર્વભૌમ સત્તા, ચોક્કસ સરહદો, ચોક્કસ પ્રજાનો ખ્યાલ રાખીએ છીએ. પરંતુ ઈસુએ ઉદબોધેલા ઈશ્વરના રાજ્યની વાતમાં રાજ્યની તદ્દન ભિન્ન વિભાવના છે.

ઈશ્વરનું રાજ્ય કોઈ ભૌતિક રાજ્ય નથી. પ્રભુ ઈસુએ છેક પોતાના જીવનના અંતે આ વાતની સ્પષ્ટતા કરી છે. રોમન સૂબાના દરબારમાં રાજસિંહાસન પર બેઠેલા પિલાતને ઈસુએ સ્પષ્ટ કહ્યું, "મારું રાજ્ય આ દુનિયાનું નથી. તેમ જો હોત તો તો મારા સેવકો મને યહૂદીઓના હાથમાં પડતો અટકાવવા લાગ્યા હોત. પણ મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહિ" (યોહાન ૧૮, ૩૬).

આપણા સામાન્ય દુન્યવી ખ્યાલથી ઈશ્વરના રાજ્યનો ખ્યાલ ભિન્ન છે. 'ઈશ્વરનું રાજ્ય' આ દુનિયાનું રાજ્ય ન હોય તો આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે, ઈશ્વરનું રાજ્ય વળી શું છે? પોતાના ત્રણ વર્ષના જાહેર જીવન દરમિયાન ઈસુએ ઘણી વાર ઈશ્વરના રાજ્યની વાત કરી છે અને કેટલાંક દાખલાઓ અને ર્દષ્ટાંતકથાઓ દ્વારા આપણને ઈશ્વરના રાજ્યનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે. ત્રણ વર્ષના જાહેર જીવન દરમિયાન ઈસુએ વિવિધ પ્રંસગે આપેલા સંદેશ અને ર્દષ્ટાંતો તપાસીને આપણે ઈશ્વરના રાજયનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકીએ છીએ.

ઈશ્વરનું રાજ્ય તો આપણે 'બ્રિટિશ રાજ્ય' કહીએ એવા કોઈ ચોક્કસ રાજ્ય કે રાજાની હકૂમત નીચેનો પ્રદેશ નથી. 'ઈશ્વરનું રાજ્ય' આધ્યાત્મિક રાજ્ય છે. એટલે જ પિલાત આગળ ઈસુએ કહ્યું છે કે, "મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહિ."

ઈશ્વરના રાજ્ય અંગેનો ઈસુનો પ્રથમ સંદેશ હૃદયપલટાનો છે. "હૃદપલટો કરો, કારણ, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે!" (માથ્થી ૩, ૨; ૪, ૧૭). હૃદયપલટો કોઈ ભૌતિક બાબત નથી, પણ તદ્દન અધ્યાત્મિક બાબત છે. હૃદયપલટો એટલે માનવ અને ઈશ્વર વચ્ચેના આંતરિક સંબંધની વાત. એ સંબંધના પાયામાં પ્રેમ છે. ઈશ્વરનો માનવ માટેનો અનહદ પ્રેમ અને માનવનો ઈશ્વર માટે જાતનું સમપર્ણ કરો પ્રેમ. હૃદયપલટામાં માનવ ઈશ્વરના પ્રેમથી પ્રેરાઈને પોતાની જાતને ઈશ્વરના ચરણકમળમાં સમર્પી દે છે.

આ સંદર્ભમાં બોનાપાર્ટ નેપોલિયનના શબ્દો ધ્યાનાકર્ષક છે. નેપોલિયને એક વાર કહ્યું હતું કે, "સિકંદર, સીસર, ચાર્લીમેઈલ (ચાર્લ્સ ધ ગ્રેટ) અને મેં અમારી સૈન્યશક્તિથી સામ્રાજ્યો સ્થાપ્યાં; પણ ઈસુ ખ્રિસ્તે પ્રેમ પર પોતાનું રાજ્ય બાંધ્યું. એટલે આજે કરોડો લોકો એમને અનુસરે છે." નેપોલિયને સાચું જ કહ્યું છે. કારણ, ઈસુએ પ્રબોધેલું ઈશ્વરનું રાજ્ય એ પ્રેમનું રાજ્ય છે.

એક વાર યહૂદી પ્રજાના એક આગેવાન શાસ્ત્રીએ ઈસુ આગળ એકરાર કર્યો હતો કે, "ઈશ્વર ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો, અને માનવબંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે."

"એને આવો સમજણભર્યો જવાબ આપતો જોઇને ઈસુએ કહ્યું, 'તું ઈશ્વરના રાજયથી બહુ દૂર નથી'" (માર્ક ૧૨, ૩૩-૩૪).

ઈસુએ કરેલી ઈશ્વરના રાજ્યની ઘોષણામાં ઈશ્વર પ્રત્યેના પ્રેમ અને માનવ પ્રત્યેના પ્રેમ – આ બંને પ્રેમને સાથે જોડવામાં આવ્યા છે અને બંને પ્રેમનો મહિમા કરવામાં આવ્યો છે. ઈશ્વરપ્રેમ અને માનવપ્રેમ વચ્ચેના સંબંધને પ્રસ્થાપિત કરવામાં જ ઈસુ ખ્રિસ્તની નવીનતા છે. એમનો એ આગવો સંદેશ છે.

ઈસુના સંદેશ મુજબ ઈશ્વરના રાજ્યનું એક લક્ષણ બાળસહજ સાદાઈ છે. નાનાં બાળકોનો દાખલો આપીને ઈસુએ આ વાત સુપેરે સમજાવી છે. એક વાર ઈસુ ખ્રિસ્તના શિષ્યો વચ્ચે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો કોણ છે એની ચર્ચા જાગી. તે વખતે ઈસુએ પોતાના શિષ્યોને એક પ્રાયોગિક પાઠ આપ્યો.

સંત માથ્થી, સંત માર્ક અને સંત લૂક – ત્રણેય શુભસંદેશકારોએ નોંધ્યું છે તેમ, "ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું, 'ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાયો, ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે" (માથ્થી ૧૮, ૨-૪).

બાળકોને આગળ ધરીને ઈસુ આપણને ઈશ્વરના રાજય વિશે શું કહે છે? બાળકો નિષ્કલંક અને નિરાભિમાની હોય છે. એમની સરળતા અને સાદાઈથી આપણે બધા પ્રભાવિત થઈએ છીએ. આ સંદર્ભમાં સુપ્રસિદ્ધ અંગ્રેજી કવિ અને તત્વચિંતક સાહિત્યકાર રાલ્ફ વાલ્ડો એમર્સને નોંધેલો એક પ્રંસગ ખાસ યાદ કરીએ.

એક દિવસ એમર્સન લંડન પાસેના એક ગામથી રેલગાડીમાં જતા હતા. ઠંડીના એ ગાળામાં બહાર બરફ વરસતો હતો અને ભારે ઠંડીને કારણે બધા મુસાફરો ખિસ્સામાં હાથ નાખીને સ્મશાનવત્ શાંતિ રાખીને બેઠા હતા. ત્યાં ગાડી આગલા સ્ટેશને રોકાઈ અને એક ખૂબસૂરત સ્ત્રી એના ત્રણેક વર્ષના એક ગોળમટોળ સુંદર બાળકની સાથે ગાડીમાં પ્રવેશી.

ગાડીમાં ચડતાંવેંત એ નાના બાળકે મુસાફરો પાસે જઈને તાળીઓ પાડીને અવાજ કર્યો. કોઈ મુસાફરને અડીને એમનું ધ્યાન ખેચ્યું. આમતેમ દોડીને અને કૂદાકૂદ કરીને તે બાળકે સૌને જાગૃત કર્યા. બાળક કોઈક મુસાફર આમે હસી મુસાફરના મોં પર સ્મિત લાવ્યો. કોઈક મુસાફરે તો એની સાથે વાતેય કરવા માંડી. થોડા જ સમયમાં ગાડીમાં સ્મશાનસમી નીરવતાને બદલે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ ગયું.

નિર્દોષ અને નિરાભિમાની બાળક સાથે આપણે ઈશ્વરની હાજરી અનુભવી શકીએ. ઈશ્વરનું રાજ્ય સૌ પ્રથમ આપણા હૃદયમાં પ્રવર્તે છે. આપણે હૃદયથી બાળક જેવાં બનીએ, બાળક જેવા નિર્દોષ અને નિરાભિમાની બનીએ, ધિક્કાર અને અદેખાઈથી મુક્ત બનીએ. બાળકની જેમ પ્રેમાળ અને ક્ષમાશીલ બનીએ, ત્યારે આપણા હૃદયમાં ઈશ્વરનું રાજ્ય પ્રસ્થાપિત થાય છે. પરંતુ ઈશ્વરનું રાજ્ય કોઈ માનવના હૃદયમાં ઢંકાયેલું રહેતું નથી. ઈશ્વરનું રાજ્ય માનવાના હૃદયમાંથી ધીમે ધીમે એના કુટુંબ અને સમાજમાં પ્રવર્તમાન બને છે.

એટલે જ ઈસુએ ઈશ્વરના રાજ્યને જમીનમાં વાવેલા બી સાથે સરખાવ્યું છે. ઈસુએ કહ્યું, "ઈશ્વરનું રાજ્ય તો આવું છે: કોઈ માણસ જમીનમાં બી વાવે છે. પછી તો તે રોજ રોજ રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે. દરમિયાન બી ઊગી નીકળી મોટું થતું જાય છે. આ શી રીતે બને છે, તેની એને ખબર નથી પડતી. ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે: પહેલાં ફણગા, પછી કણસલાં, અને ત્યાર પછી કણસલાં ભરેલા દાણા. પણ ફસલ બરાબર પાકે છે એટલે તરત જ ખેડૂત દાતરડું ચલાવે છે, કારણ, કાપણીનો સમય આવી પહોંચ્યો હોય છે" (માર્ક ૪, ૨૬-૨૯).

ખેતમાં વાવેલાં બીની જેમ ઈશ્વરનું રાજ્ય સતત વિકસતું રહે છે. ઈશ્વરના રાજ્ય એ માનવનું સર્જન નથી. એટલે એના વિકાસનું રહસ્ય પણ માનવ જાણતો નથી.

Changed On: 16-06-2018
Next Change: 01-07-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.