Bible_English

“સત્ય વળી શું?”



નવા કરારમાં સંત યોહાનકૃત શુભસંદેશમાં પોન્તિયસ પિલાતે ઈસુને પૂછ્યું,
"સત્ય વળી શું?"(યોહાન ૧૮, ૩૮).

વિશ્વસાહિત્યનો એક અમર પ્રશ્ન છે: સત્ય વળી શું? બે હજાર વર્ષ પહેલાં યહૂદી આગેવાનોએ ઈસુ ખ્રિસ્તને કેદ પકડીને દેહાંતદંડની માગણી સાથે રોમન સૂબા પોન્તિયસ પિલાતના દરબારમાં ખડા કર્યા હતા. ઈસુની ઊલટતપાસમાં પિલાતે ઈસુને પૂછ્યું હતું, "સત્ય વળી શું?".

બાઇબલમાં નોંધાયેલા આ ઐતિહાસિક પ્રંસગનો કોઈ ખ્યાલ રાખ્યા વિના થોડા દિવસ પહેલાં એક વડીલ હિન્દુભાઈએ મને એ જ પ્રશ્ન પૂછ્યો હતો: "સત્ય વળી શું છે?" અમદાવાદ ખાતે 'ગોપી અન્નક્ષેત્ર ટ્રસ્ટ'ના વડીલ વૈકુંઠમાં મેં આશરે અઢીસો વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટિઝન્સ)ને એક પ્રવચન આપ્યું હતું. "ઘડપણ અને આનંદ" વિશે બોલતાં મેં કહ્યું હતું કે, વૃદ્ધાવસ્થામાં આનંદ માણવા માટે અને સુખી રહેવા માટે વડીલોએ પોતાના જીવનની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્ય હકીકતોનો સ્વીકાર કરવો રહ્યો. મારા પ્રવચનને અંતે એક વડીલ ભાઈએ મને પૂછ્યું, "સાહેબ, આપ વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરીને સત્યને વળગી રહેવાથી આનંદ માણી શકાય એવી વાત કરો છો. પણ સત્ય વળી શું?"

આ પ્રશ્નના જવાબમાં મેં ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો"નો દાખલો આપીને માનવજીવનમાં સત્યનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પ્રવચનને અંતે ગાંધીજીની જેમ સત્યને પંથે ચાલીને જીવનનો આનંદ માણવા અંગે સવિસ્તાર સમજાવવાનો અવકાશ નહોતો. વળી, સત્યના ઊંડાણમાં ઊતરવા માટે પ્રથમ વાર જ મળેલા વડીલ પ્રેક્ષકગણ સાથે હજી મને ઊંડો પરિચય થયો નહોતો અને મને લાગ્યું પણ ખરું કે ખુદ મારે સત્ય વિશે વધુ ચિંતન-મનન કરવાની જરૂર છે.

હું માનું છું કે,સ સૌ માનવો સત્યના શોધકો છે. ગાંધીજી એ સત્યની શોધ કરતા રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, સત્ય એ ઈશ્વર છે. સત્ય વિશે પ્રભુ ઈસુની ઘણી ઉક્તિઓ છે. ગાંધીજીની જેમ ઈસુએ પણ સત્યને ઈશ્વર તરીકે ઓળખાવ્યું છે. પોતાની ઊલટતપાસ કરતા રોમન સૂબા પોન્તિયસ પિલાતને ઈસુએ કહ્યું, "હું જન્મ્યો છું જ એટલા માટે, અને હું જગતમાં આવ્યો છું જ એટલા માટે કે, સત્યની સાક્ષી પૂરું. જે સત્ય પરાયણ છે તે મારી વાત સાંભળે છે" (યોહાન ૧૮, ૩૭). ઈસુની આ વાત કઈ છે?

મારી ર્દષ્ટિએ સત્યને ઊંડાણથી સમજવા માટે ઈસુની ઓળખ આપણને મદદરૂપ થઈ શકે છે. ઈસુએ પોતાના જાહેર જીવન દરમિયાન એક વાર પોતાના શિષ્યોને કહ્યું હતું, "જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય. તમે સત્ય જાણવા પામશો, અને સત્ય તમને મુક્તિ આપશે" (યોહાન ૮, ૩૧-૩૨).

એક વાર પોતાના જાહેર જીવનના લગભગ અંતે પોતાના શિષ્યો આગળ ઈશ્વર પિતાની પ્રાર્થના કરતાં ઈસુ બોલ્યા હતા: "હે પિતા, એમને (શિષ્યોને) તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર; તારો સંદેશ એ જ સત્ય છે" (યોહાન ૧૭, ૧૭). આમ, ઈસુએ સ્પષ્ટપણે ઈશ્વરપિતાને તથા ઈશ્વર પિતાના સંદેશને 'સત્ય' અને પોતાની જાતને 'સત્યના સાક્ષી' તરીકે ઓળખાવી છે.

ઈસુની આટલી જ વાત હોત તો આપણે ઈસુને ગાંધીજી, સૉક્રેટિસ તથા સત્યની ખોજ કરનાર સૌ મહાત્માઓની હરોળમાં જ કેવળ બેસાડી શકત. પરંતુ પોતાના ઈશ્વર પિતાને સત્ય તરીકે અને પોતાની જાતને સત્યના સાક્ષી તરીકે ઓળખાવવાથી ઈસુ એ મહાત્માઓથી આગળ વધી ગયા છે. તેમણે દુનિયાના ઇતિહાસમાં કોઈ સંત કે મહાત્માઓએ કર્યો ન હોય એવો દાવો કર્યો છે. 'હું જ માર્ગ છું. હું જ સત્ય છું અને હું જ જીવન છું" (યોહાન ૧૪, ૬).

સામાન્ય માનવ કલ્પી ન શકે એવી આ વાત હતી. ઈસુએ પોતાની જાતને માર્ગ, સત્ય અને જીવન તરીકે ઓળખાવી છે. ઈશ્વરમાં આસ્થા રાખનાર યહૂદી પ્રજા માટે પોતાની જાતને સત્ય તરીકે ઓળખાવવાની ઈસુની વાત આ સમયે ઘોર ઈશ્વરનિંદા હતી. એટલે યહૂદી આગેવાનોએ ઈસુ પર આરોપ મૂક્યો કે ઈસુ માનવ જેવા માનવ હોવા છતાં ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરે છે.

શુભસંદેશકાર યોહાને નોંધ્યા પ્રમાણે યહૂદી લોકોના વિશ્રામવારને દિવસે, એટલે કોઈ પણ પ્રકારનું કામ કરવાની મનાઈ છે તે પવિત્ર દિવસે, ઈસુએ માંદા માનવને સાજોનરવો કરવાનું કામ કર્યું હતું; એટલું જ નહી પણ સાજા થયેલા માનવને એ જ વિશ્રામવારે પોતાની પથારી ઉપાડીને ઘરે જવાનું કહ્યું હતું. આમ, પથારી ઉપાડવાનું કામ કરવાનું કહીને ઈસુએ માંદા માનવને સાજા કરવાના કામ સાથે બીજાને વિશ્રામવારને દિવસે કામ કરાવવાનો ઘોર અપરાધ પણ કર્યો હતો. આ પ્રસંગનો પ્રતિભાવ દર્શાવતાં યોહાને લખ્યું છે કે, "આથી તો યહૂદીઓ તેમને મારી નાખવાને વધારે તાકવા લાગ્યા, કારણ, તેઓ કેવળ વિશ્રામવારનો ભંગ જ નહોતા કરતા, પણ ઈશ્વર પોતાનો પિતા છે એમ કહીને પોતે ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરતા હતા" (યોહાન ૫, ૧૮).

હકીકતમાં ઈસુના વિરોધીઓને મન ઈસુએ ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરીને ઈશ્વર વિરુદ્ધ અક્ષમ્ય ગુનો કર્યો છે અને એટલા માટે જ ઈસુના વિરોધીઓએ એમને ક્રૂસે ચઢાવીને મારી નાખ્યા.

એક વાર પોતાના વિરોધીઓનો સામનો કરતાં ઈસુએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, "હું ઈશ્વરનો મોકલ્યો અહીં આવ્યો છું. હું પોતે થઈને નથી આવ્યો, પણ તેણે મને મોકલ્યો છે" (યોહાન ૮, ૪૨). એ જ પ્રસંગે ઈસુએ વધુમાં પોતાના વિરોધીઓને પડકારતાં કહ્યું હતું કે, "હું સત્ય બોલું છું એટલે તમે માનતા નથી. તમારામાંથી કોણ મારામાં પાપ પુરવાર કરી શકે એમ છે? જો મારું કહેવું સત્ય હોય, તો તમે કેમ માનતા નથી?" (યોહાન ૮, ૪૫-૪૬).

ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખનાર લોકો માટે ચાર શુભસંદેશકારોએ તેમ જ બાઇબલના બીજા લેખકોએ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ઈસુના ઈશ્વરપિતાના સત્ય છે; ઈસુ, ઈશ્વરપિતાના પુત્ર, સંપૂર્ણ માનવ તરીકે સતત ઈશ્વરપિતાના સંપર્કમાં રહે છે, ઈશ્વરપિતાની સાક્ષી પૂરે છે. ઈશ્વરપિતાની વાણી સંભળાવે છે; એટલંમ જ નહિ પણ ઈસુએ સમગ્ર માનવજાત આગળ પોતે ઈશ્વરપિતા સતાહે એક હોવાનો, ખુદ સત્ય હોવાનો એકરાર કર્યો છે.

હું માનું છું કે, દરેક માનવના હૃદયમાં આ સત્યને પામવાની તાલાવેલી છે. એટલે જ હું માનવને અંતરાત્માથી સત્યનો શોધક અને સત્યનો ઉપાસક કહું છું. એટલે મારે મન ધર્મ એટલે માનવના અંતરતમ સત્યને પામવાની વ્યવસ્થા છે. ધર્મ એટલે અંતરતમ સત્ય પરની માન્યતા છે. બધા માનવો અને બધા ધર્મો આ અંતરતમ સત્યની ખોજ કરે છે. આ અંતરતમ સત્યને જુદા જુદા માનવો અને જુદા જુદા ધર્મો ઈશ્વર, ભગવાન, અલ્લાહ જેવાં જુદાં જુદાં નામે ઓળખે છે અને ઓળખાવે છે.

છેલ્લે, સત્યની શોધમાં સૉક્રેટિસના શબ્દો સંભારીએ: "પણ મારા પ્રિયતમ અગાથોન, સત્યનો તમે ઇન્કાર કરી ન શકો, પણ તમે કોઈ પણ મુશ્કેલી વિના સૉક્રેટિસનો ઇન્કાર કરી શકો છો" ("But my dearest Agathon, it is truth which you cannot contradict; you van without any difficulty contradict Socrates.") – Socrates in "Plato Symposium'.

Changed On: 01-07-2018
Next Change: 16-07-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018