બારણું ખખડાવનારનો અવાજ"જો, હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું. જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે
તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ, અને તે મારી સાથે જમશે" (દર્શન ૩, ૨૦).

પ્રભુ ઈસુનાં અનેક ચિત્રો ઈન્ટરનેટ પર જોવા મળે છે. એમાં મને ખાસ ગમતું એક લોકપ્રિય ચિત્ર છે. બાઇબલના એક સંદેશને આધારે ઘણા કલાકારો એક જ વિષય પર અનેક ચિત્રો દોર્યાં છે. બાઇબલમાં એક વાક્ય છે, "જો, હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું. જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ, અને તે મારી સાથે જમશે" (દર્શન ૩, ૨૦). બાઇબલના આ જ વાક્યના સંદેશને સમજવા અને સમજાવવા માટે દેશવિદેશના કલાકારોએ પોતપોતાની ચિત્રકલા અજમાવી છે. બાઇબલ થોડું ઘણું વાંચનાર જાણે છે કે, હું બાઇબલના છેલ્લા પુસ્તકના એક સંદેશની વાત કરું છું.

બારણું ઉઘાડવાની આ વાત મને એક ખૂબ જાણીતી વાર્તાની યાદ દેવડાવે છે. અલી બાબા અને ચાલીસ ચોરની વાત ઘણા બધા લોકો જાણે છે. એક દિવસ ઘરે રસોઈ કરવા માટે અલી બાબા જંગલમાં સૂકાં લાકડાં વીણતા હતા. ત્યાં ઘોર જંગલમાંથી અલી બાબાએ ચાલીસ ચોરની વાતચીત સાંભળી.

ચોરો પોતાના ખજાનો સંઘરી રાખેલી ગૂઢ જગ્યા પર આવ્યા હતા. ખજાનો સંઘરી રાખેલી રહસ્યમય ગુફાનું બારણું ખોલવા અને બંધ કરવા માટે એક ગુપ્તમંત્ર હતો. અલી બાબાએ એ ગુપ્તમંત્ર સાંભળ્યો. "ખુલ જા સીમ સીમ" એમ કહેતાં રહસ્યમય ગુફાનું બારણું ખૂલે છે અને "બંધ હો જા સીમ સીમ" કહેતાં ગૂઢ બારણું બંધ થાય છે.

જયારે બધા ચોરો "બંધ હો જા સીમ સીમ" બોલીને ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે અલી બાબાએ એ જ ગૂઢમંત્ર બોલીને રહસ્યમય ગુફાની અંદર પ્રવેશ કરી લીધો. આશ્ચર્યનું આશ્ચર્ય! રહસ્યમય ગુફાના અંતરમાં ઘણી ઓરડીઓ હતી. એક ઓરડીમાંથી દરવાજો બીજી ઓરડીમાં અને બીજીમાંથી ત્રીજી ઓરડીમાં એમ દરવાજો ખોલતા રહ્યા. તેમણે એકેક ઓરડીમાં વધુ ને વધુ સાધનસંપત્તિનો ખજાનો સંગ્રહી રાખેલો જોયો.

પેલા ચિત્રમાં બારણે ઊભીને ટકોર મારતા માનવની જેમ પ્રભુ ઈસુ આપણા હૃદયનું બારણું ખખડાવે છે. કારણ, ઈસુ જાણે છે કે, ઈશ્વરે આપણા હૃદયમાં ભરેલા ખજાનાઓની સરખામણીમાં ચાલીસ ચોરોએ એમના રહસ્યમય ગુફામાં સંગ્રહી રાખેલાં હીરામોતી અને સોનાની કોઈ વિસાત નથી. આપણા હૃદયમાં છે પ્રેમ, શાંતિ, માફી, સંવેદના, સેવા, નીતિન્યાય, દયા, કરુણા, આનંદના ખજાનાઓ. હૃદયનો એ ખજાનો આપણાં હૃદયમાં હંમેશ માટે પડ્યા રહે એમાં ખુદ આપણને કે બીજા કોઈને ફાયદો નથી. ઊલટું, એ વિરલ મોતીહીરા અને સોનાના ખજાનાઓ ખોળી કાઢવામાં આવે એમાં આપણી અને બીજાની ભલાઈ છે સૌનું કલ્યાણ છે. એ વાત બરાબર જાણનાર જ આપણા હૃદયનાં બારણાં ખખડાવે છે. એમનો આનંદપ્રદ અવાજ આપણા કાનમાં ગુંજ્યા કરે છે: "જો, હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું."

ધર્મ, કોમ, નવજાત, વેશ કે દેશની કોઈની વાડાબંધી વિના નરસૈયો, મીરાં, ફ્રાન્સિસ અસીસી અને મધર થેરેસા જેવાં સંતોએ પોતાના હૃદયના દ્વારે ટકોરા સાંભળ્યા છે અને એની આગળ પોતપોતાનાં હૃદય ખુલ્લાં મૂક્યાં છે. પ્રેમ, શાંતિ, માફી, સેવા, સંવેદના, આનંદ, દયા અને કરુણા જેવાં મૂલ્યોના રસ્તે ચાલ્યાં છે. એટલ્લે તેઓ દેશ અને કાળથી પર જીવે છે અને આપણને પ્રેરણા આપતાં રહે છે.

આ બધા સંતોએ પોતાના જીવનની હાડમારીઓ અને ઝંઝાવાતો વચ્ચે અણનમ રહીને જીવનનો આનંદ ચોમેર પ્રસાર્યો છે. સીધી કે આડકતરી રીતે એમના સંપર્કમાં આવનાર માનવોને એમના ઊંડા પ્રેમનો અને હૃદયની શાંતિનો એમણે અનુભવ કરાવ્યો છે. કારણ, તેઓએ આંગણે ઊભીને બારણું ખખડાવનારની મદદથી પોતાના હૃદયના ખજાનાને પારખ્યો છે અને એના સદુપયોગથી પોતાના જીવનનો આનંદ માણી શક્યાં છે. એ આનંદ ચોમેર પ્રસારી શક્યાં છે. એ રીતે આપણે માટે આનંદ, શાંતિ અને પ્રેમનો રસ્તો ચીંધતા ગયા છે. આપણે પણ આંગણે ઊભીને બારણું ખખડાવતા પ્રભુ ઈસુ માટે આપણા હૃદયનું દ્વાર ખોલી શકીએ તો આપણે પણ આપણા જીવનમાં આનંદ ને આનંદ માણીશું, શાંતિ ને શાંતિ અનુભવીશું. આપણા પ્રેમમાં બધાંને સાથીદાર ભાગીદાર કરીશું.

આપણે આંગણે ઊભીને બારણું ખખડાવનારને ઓળખવાની જરૂર છે, હમદર્દીની જરૂર છે, હૃદયની ઉદારતાની જરૂર છે. આપણું બારણું ખખડાવનાર વેશ-વેશાંતરમાં આવે છે. બાઇબલના 'નવો કરાર'માં અંતિમ ન્યાયની વાત છે. માનવપુત્રના આગમનના એ ર્દષ્ટાંતબોધમાં ઈસુ કહે છે કે, અંતિમ ન્યાયને વખતે માનવપુત્રને ધર્મિષ્ઠ માનવોને કહેશે કે "મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્રો પહેરાવ્યાં હતાં. હું માંદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી, હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા."

પણ ધર્મિષ્ઠ લોકોને કંઈ ખબર નથી કે તેઓએ આવું બધું કયારે કર્યું. એટલે માનવપુત્ર ધર્મિષ્ઠ લોકોને કહે છે કે, "આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે" (જુઓ માથ્થી ૨૫, ૩૧-૪૬).

સામાન્ય રીતે આપણે શું કરી શકીએ છીએ? આપણે કંઈ સેવાચાકરી કરવી હોય તો આપણે તેને આપણાં કુટુંના સભ્યો, નાતજાતનાં ભાઈબહેનો અને વધુમાં આપણા ધર્મનાં લોકોનાં લાભ પૂરતા મર્યાદિત રાખતાં હોઈએ છીએ. એમાં આપણો સ્વાર્થ છે. એમાં આપણા લોકો આપણી સેવાચાકરની કદર કરે, વાહ વાહ કરે એવો મોહ છે, આસક્તિ છે.

ચોથી સદીમાં નિ:સ્વાર્થ સેવા માટે ટુર્સના જાણીતા સંત માર્ટિન અંગે એક વાત પ્રચલિત છે. તેઓ એક સૈનિક હતા. શિયાળાની ઋતુમાં એક દિવસ રસ્તામાં ચાલતાં તેમણે કાતિલ ઠંડીને કારણે ઠુંઠવાતા એક ભિખારીને જોયો. એને મદદ કરવા માટે માર્ટિન પાસે કઈ નાણાં નહોતાં. પણ માર્ટિન પાસે ઠંડીથી બચવા માટે અંગવસ્ત્ર હતું. તેમણે પોતાનું અંગવસ્ત્ર કાઢીને બે ટુકડા કર્યા. અને અર્ધા અંગવસ્ત્રથી પેલ્લા ભિખારીને ઢાંક્યો.

તે રાત્રે માર્ટિને સ્વપ્નમાં ઈસુને જોયા. પોતે ભિખારીને આપેલું અર્ધું અંગવસ્ત્ર પહેરેલા ખુદ ઈસુને જોયા ત્યારથી માર્ટિનને ઈસુના અનુયાયી બનવાની ઇચ્છા થઈ. સમય જતા માર્ટિન સેનામાંથી નીકળીને ખ્રિસ્તી બન્યા, એટલું હ નહિ પણ તેમણે પોતાની મા સહીત બીજા લોકોને પણ ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં મદદ કરી. ટૂંકા ગાળામાં ગરીબોના બેલી અને ધર્મ પ્રચારક તરીકે તેમની નામના થઈ. એટલે ટુર્સના લોકોએ એમને પોતાના ધર્માધ્યક્ષ તરીકે અપનાવ્યા. માર્ટિનના ચરિત્રકારો કહે છે કે, માર્ટિનનું અર્ધું અંગવસ્ત્ર ફ્રાન્સના એક પ્રભુમંદિરમાં સચવાયેલું છે.

આજે ઘણા સંવેદનશીલ અને ઉદાર લોકો એમના હૃદયના દ્વારને ખખડાવનારનો નિ:શબ્દ અવાજ સાંભળે છે. મારી સંસ્થાને દાન આપનાર કેટલાક લોકો મને કહે છે કે, "ફાધર વર્ગીસ, આ રકમ તમારી સંસ્થાના સેવાકામ માટે વાપરજો. પરંતુ મને પહોંચ મોકલવાની જરૂર નથી અને મારું નામ ક્યાંય છાપશો નહિ." પણ મારી સંસ્થા સી.આઈ.એસ.એસ. એક 'પબ્લિક ટ્રસ્ટ'છે અને હું વ્યવસ્થિત હિસાબ રાખવાનો આગ્રહી હોવાથી પહોંચ મોકલવાની ના પાડે તો હું પહોંચ ફાડી આપવાની ના હોય તો પણ હિસાબનીશ પાસે પહોંચ લખાવડાવું છું તો ખરો જ.

દરેક જણ આંગણે ઊભા રહીને બારણું ખખડાવનારનો ઝીણો અવાજ સાંભળવાની સાવચેતી રાખે, સંવેદનશીલ બને, હમદર્દી કેળવે, ઉદાર દિલ રાખે તો હું માનું છું કે, આપણી વચ્ચે ગરીબાઈ અને ભૂખમરાના પ્રશ્નો રહેશે નહિ.

Changed On: 16-07-2018
Next Change: 01-08-2018
Copyright Fr. Varghese Paul, SJ – 2018

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.