મળે સૂર જો મારો તારો

આજે આપણે એક કુટુંબની વાત કરીશું. એક પિતા અને તેનાં નવ બાળકો. તેમનું નામ ખુશાલભાઈ. ખુશાલભાઈની પત્ની મૃત્યુ પામેલી, તહેવાર આવે ત્યારે ઘરમાં બધાંને કંઈક ખરીદી આપવાનો રિવાજ હતો. પણ, આ ગરીબ કુટુંબમાં જ્યાં ખાવાનાં સાંસા પડતા હોય ત્યાં ભેટ ખરીદવાનો સવાલ જ ક્યાંથી ઊઠે? આખા કુટુંબને ખુશ કરી દેવા આ ખુશાલભાઈએ એક નવોજ ઉપાય શોધી કાઢ્યો. આખરે તહેવારના દિવસે મઝા તો કરવી જ જોઈએ ને? તેમણે વિચાર્યું, ‘હું મારાં બાળકોને એક સરસ મઝા નું ગીત શીખવાડીશ. અને તે ગીતના તાલે તાલે, સૂરે સૂરે અમે બધાં અમારો આનંદ વ્યક્ત કરીશું.

ખુશાલભાઈએ એક સરસ ગીત શોધી કાઢ્યું. દરેકને તેમનો ભાગ તાલમાં ગાતાં શીખવાડવા લાગ્યા. દરેક જણ પ્રેકટીશમાં મન દઈને ભાગ લેવા લાગ્યા. એક અજબનું વાતાવરણ જામતું રહ્યું.

ખુશાલભાઈ જે મકાનમાં રહેતા, તેના ઉપરના માળે એક પૈસાદાર વેપારી રહેતો હતો. તે પરણેલો નહોતો, એકલો રહેતો હતો. તેને પોતાની એકલતા સાલતી તેમાય વળી, નીચેથી આવતા ગીત-સંગીતના સૂરોથી તેને પોતાની એકલતા વધુ સાલવા લાગી. અચાનક તેના મનમાં એક વિચાર સ્ફૂર્યો. તે તરત જ ઊઠ્યો, કબાટમાંથી પૈસાની પેટી કાઢી, નીચે ગયો. તેણે ખુશાલભાઈના ઘરમાં જઈ તેમને કહ્યું, ‘લો આ રૂપિયા પૂરા એક લાખ છે. તે તમે લઈ લો અને તમારાં આ નવ સંતાનોમાંથી એક મને આપી દો. હું તેને ભણાવી-ગણાવીને મોટો સાહેબ બનાવીશ. તમારા આ કપરા કાળમાં એક જણ ઓછું થવાથી એટલો ખર્ચો બચશે અને વધારામાં તેના બદલામાં આ એક લાખ રૂપિયા તમારા કામમાં આવશે.’

નવ બાળકો અને ખુશાલભાઈ પૈસા જોઇને ઘણા આનંદમાં આવી ગયાં. તરત જ ખુશાલભાઈના મનમાં પ્રશ્ન ઊઠવા લાગ્યો, ‘ક્યા દીકરાને કે દીકરીને આ વેપારીના હાથમાં સોંપી દઉ? આ મુકેશ, ના, ના એ તો ઘણો વ્યવહારુ છે. મારા પછી આ કુટુંબ તેણે જ ચલાવવું પડશે ને?... આ સુરેશ ઠીક રહેશે. પણ એને કેવી રીતે આપું? તે તો મારાં બધાં સંતાનોમાં સૌથી હોશિયાર છે. મનોજ ને આપું પણ તે તો તેના અભ્યાસની સાથે થોડું ઘણું કમાય છે અને તેની ચોપડીઓના પૈસા ઉપરાંત ઘરને પણ થોડો ટેકો કરતો રહે છે. તો પછી, આ કિરણને પણ, તે તો મારી પત્નીની નિશાની છે. તેની આંખો બિલકુલ મારી પત્નીની આંખો જેવી જ છે... આમ, એક પછી એક બધા દીકરાઓનો વિચાર કર્યો, પણ કંઈ ન સુઝયું એટલે તેમણે ઉકેલ પોતાના સંતાનો પર છોડ્યો. ‘જેને પણ વેપારી સાથે જવાની ઈચ્છા હોય તે રાજી ખુશીથી જાય.’ પણ, તે માટે કોઈ તૈયાર નહોતું.

વેપારી પૈસાથી ભરેલી પેટી લઈને પાછો ગયો. ગીતના શબ્દો ફરીવાર સંભળાવા લાગ્યા. થોડીવાર પછી વેપારી ફરીવાર એક નવા જ વિચારથી નીચે ગયો. તેને આવેલો જોઈ બધા એકદમ ચૂપ થઈ ગયા. વળી પાછું શું? વેપારી સીધો જ ખુશાલભાઈ પાસે ગયો. તેમના હાથમાં નોટોનું બંડલ મૂકતા કહ્યું, ‘લો, આ પચાસ હજાર રૂપિયા અને તમારું આ ગાવાનું વગાડવાનું બંધ કરી દો. અને જુઓ, હવે ના ન પાડતા. આટલી મહેરબાની કરો.’ ઝાઝં વિચાર્યા વગર, બેધ્યાનપણે ખુશાલભાઈએ પચાસ હજાર રૂપિયા સ્વીકારી લીધા. વેપારી હરખાતો હરખાતો પોતાના માળે પાછો ફર્યો.

ખુશાલભાઈએ એ બધા પૈસા લાકડાની પેટીમાં મૂકી દીધા, જેથી તહેવાર વખતે કામ લાગે. ઘરમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. સૌ સૂનમૂન થઈ ગયાં. કોઈ કોઈની સામે મોઢું ખોલવા તૈયાર નહોતું, ગીતના સૂરોથી જે ઘર ભર્યું ભર્યું લાગતું હતું તે ભેંકાર લાગવા લાગ્યું. અકળાવનારી શાંતિ ચારેબાજુથી ખાવા ઘાતી હોય તેમ લાગતું હતું. વાતવાતમાં એકબીજા પર ચીડાઈ જતાં, ઘુરકિયાં કરતાં અને મોં ચડાવતાં સંતાનોની ભૂખ પણ મરી પરવારી, માંડ માંડ એકાદ બે કોળિયા પેટમાં નાખી, પડખું ઘસતાં ઘસતાં સૌ સૂવા ગયાં.

બીજા દિવસની સવારે તો બધાનાં મગજ જાણે કે બહેર મારી ગયાં હતાં. ખુશાલભાઈ ગુસ્સાથી, દુઃખથી, લાચારીથી કંઈક અપરાધ કર્યો હોય તેવી રીતે વારંવાર પોતાનાં ગમગીન, ચૂપચાપ, આમ-તેમ ફરતાં સંતાનો તરફ જોતા તો બીજી બાજુ લાકડાની પેટી તરફ જોતા.

અચાનક તે ઊઠયા, પેટી ખોલી, પચાસ હજારનું બંડલ હાથમાં લીધું અને ઉપર દોડ્યા, વેપારીના હાથમાં રૂપિયાનું બંડલ પધરાવતા બોલ્યા, ‘મને તમારા આ પૈસા અમારા આનદના ભોગે ના ખપે. લો લઈ લો. આપણે કરારમાંથી છુટ્ટા.’ પાછા ફરીને તે એકીશ્વાસે નીચે આવી ગયા. ગીતનું કાગળ લઈ, ગાવાનું શરૂ કર્યું. બાળકોમાં પણ જાણે અચાનક જીવન આવ્યું હોય તેમ, તેમણે સૌએ બમણા જોરથી પોતાનો સૂર પૂરાવ્યો. ફરી એકવાર વાતવરણમાં વસંત પ્રગટી ઊઠી, આનંદ-કિલ્લોલ છવાઈ ગયાં.

આનંદ કિલ્લોલ કરતા એ કુટુંબમાં મીઠા મધુર ગીતથી એક અનેરું વાતાવરણ સર્જાઈ ગયું. આપણા દરેકના કુટુંબમાં સારા-માઠા, ખાટા-મીઠા પ્રસંગો બનતા જ રહેતા હશે. આ પ્રસંગો વચ્ચે જીવવાની એક ઓર લિજ્જત છે.

તમારા કુટુંબ વિષે તમારો શો ખ્યાલ છે? તમારા કુટુંબમાંના વાતાવરણથી તમને સંતોષ છે? તમે છાતી ઠોકીને કહી શકો કે મારા ઘરમાંથી પણ આનંદ મજ અને શાંતિના સૂર રેલાય છે. આપણા કુટુંબમાં શાંતિનું, આનંદનું આ સંગીત કેવી રીતે ઊઠે, તે વિષે આજે વાત કરીશું.

તમને બધાને ખબર તો હશે કે સંગીતના સાત સૂર છે. સા... રે... ગ... મ... પ... ધ.... ની... તમારામાંથી ઘણાં જણ સંગીતનું ઊંડું જ્ઞાન ધરાવતા હશે. એટલે આજે આપણે આ સારેગમપધની પર વાત કરીએ. આ સૂર બરાબર ગાવામાં આવે તો જ ગીત મધુર બને, કાનને મીઠું લાગે. પણ તેને ગમે-તેમ ગાવામાં આવે તો કાન ફૂટી જાય.

સૌથી પહેલાં આવે સા – સા એટલે સાથીદાર.
સુખમાં અને દુઃખમાં જે આપણી પડખે રહે તે આપણો સાચો સાથીદાર. ખાલી નફામાં ભાગ પડાવવા બેઠેલો ભાગીદાર કહેવાય, પણ દુઃખમાં સહારો આપે, પ્રેમ આપે તથા સુખને વ્હેંચે તે સાચો સાથીદાર બને. જોજનો દૂર હોવા છતાં કુટુંબની આત્મીયતા અને હૂંફ અનુભવી શકાય છે. તો એકજ ઘરમાં રહેવા છતાં આપસમાં દીવાલોની અંતરાય શક્ય છે.

આપણાં કુટુંબમાં આપણે એકબીજાના સાથીદાર તરીકે વર્તીએ છીએ કે ભાગીદાર તરીકે? સાચા, પ્રામાણિક સાથીદાર બનવા દિલનાં દ્વાર ખુલ્લાં રાખવા પડે. હું જો સાવ અંતર્મુખી બની જાઉં, મારા દિલનાં ઘરમાંથી બહાર પગ જ ન મૂકું કે બીજાને આવકારું પણ નહીં તો સાચો સંબંધ શક્ય ન બને. આપણા દિલનાં દ્વાર સાથે, આપણા ઘરના દરવાજા બીજા માટે ખુલ્લા હોય છે? બીજાને આપણાં આંગણે પ્રેમથી આવકારીએ છીએ ખરાં?

સરગમનો બીજો સૂર છે: રે – રે એટલે રેશમ જેવું સુંવાળું કે રેતી જેવું ખરબચડું.
જીવન કંઈ હંમેશાં રેશમ જેવું સુંવાળું રહેતું નથી. રેતી ભરેલું રણ પણ આવે. આવા વખતે આપણે બીજાની આંખમાં રેતીના કણાની જેમ ખૂંચીએ છીએ કે સંબંધોમાં રેશમ જેવી સુંવાળપ લાવીએ છીએ? અંધકારના વખતમાં, મુશ્કેલીના સમયે કોઈને માટે આશાનું એકાદ કીરણેય થઈ પડીએ તો જીવનનું મહત્વ ઘણું વધી જાય છે. રણમાં પાણીનો એકાદ પ્યાલો સોનાથી ભરેલા ચરૂ કરતાં ઘણો કિમતી બની જાય છે. આપણાં કુંટુંબમાં કયું પલ્લું નમે છે, તેનો વિચાર કરીએ.

સરગમનો ત્રીજો સૂર ગ – ગર્વ સૂચવે છે:
ગર્વ એટલે અભિમાન. સ્વમાન ઉપર સ્વાર્થની લીલ બાઝવા માંડે, કાટ ચડવા માંડે એટલે તે અભિમાન કે ગર્વમાં ફેરવાય. કુંટુંબમાં દરેક વ્યકિત પોતાનો જ વિચાર કરે, અભિમાનથી વર્તે, પોતે જ કેન્દ્રમાં અને બીજા પાછળ તો. ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા. ‘શંકટનો ભાર જેમ શ્વાન તાણે’ એવો ઘાટ થાય. આવી પરીસ્થિતિમાં ભગવાન ઈસુની શિખામણ યાદ કરી નમ્ર બનવાનો પ્રયત્ન કરીએ, છેલ્લે રહેવાનો આગ્રહ રાખીએ તો જ આપણો વિકાસ શક્ય બને. અભિમાનનું પૂર ઓસરી જાય તો અન્ય સાથેના સંબંધો ગાઢ બને.

મ એટલે મર્યાદા:
વડીલોની મર્યાદામાં રહેવું, તેમની આમન્યા જાળવવી, તે સારો ગુણ છે. આથી ઊલટું જાતને અમુક સીમામાં બાંધી દેવાથી બીજા સુધી પહોંચી ના શકાય. પોતાની જાત કે કુટુંબની ચારેબાજુ કાંટાળી વાડ ઊભી કરી દીધી હોય તો પરિણામ શું આવે? બીજા સાથેના સંબંધોમાં અવરોધ આવે, સંબંધો છીછરા જ રહે. એક જ છાપરા નીચે રહેતા કુટુંબમાં બધા અજાણ્યા હોય, જાણે ચંદ્રલોકમાંથી આવ્યા હોય તેવું વર્તન થાય. આપણે જો મર્યાદિત, કુંઠિત, સ્વાર્થી બનવાનું છોડી દઈએ તો દુનિયાની સાથે આપણું સમગ્ર કુટુંબ બરાબર તાલ મિલાવી શકે. દીવાલોથી મકાન બને છે પણ હૃદયથી ઘર બને છે, કુટુંબ રચાય છે.

અહીં આપણે એ પણ જોઈ લઈએ કે આખી દુનિયાને આપણા ઘરમાં લાવી ખડી કરી દે એવું મહત્વનું સાધન કયું? બધાંને ખબર છે... ટી.વી. આપણે દૂર દેશ-વિદેશનું દર્શન કરી શકીએ છીએ. દૂરદર્શન દ્વારા ટી.વી. ને લીધે આપણા કુટુંબ પર ઘણી અસર પડે છે. એકબીજા સાથેના સંબંધો, અન્યની મુલાકાત, વાતચીતનો વિષય વગેરે પાસાંને ટી.વી. ઘણાં અંશે અસર કરે છે. હવે, આપણે જોવાનું કે આપણાં કુટુંબમાં ટી.વી.નો ઉપયોગ કેવો અને કેટલો થાય છે? તે સાધન આપણાં જીવનમાં કુટુંબમાં આડખીલીરૂપ છે કે મદદરૂપ? આપણે ટી.વી.નો યોગ્ય ઉપયોગ કરીએ છીએ ખરા?

સરગમનો આગળનો સૂર છે: પ – જે આપણને પરમેશ્વરની યાદ દેવડાવે છે.
આપણા સંસારના ગાડાનો માલિક, તેને હાંકનાર, સવાર જો પરમેશ્વર હોય તો પછી આપણને ચિંતા શી? ભગવાનની હાજરીમાં આખા કુટુંબ સાથે ગાળેલ સમય ઘણી હૂંફ અને આત્મીયતા આપે છે. પ્રભુની આગળ અંગત રીતે અને કુતુબ સાથે દરરોજ થોડીક વાર બેસીએ, તેમનાં ભજન ગાઈએ, પ્રાર્થના કરીએ તો કોઇપણ પરીસ્થિતિમાં જીવવાનું નવું બળ પ્રાપ્ત થાય, તેમાં શંકા શી?

ધ: એટલે ધમાલ
ધમાલ એ જીવનની નિશાની છે. જ્યાં બાળકો હોય ત્યાં ધમાલ તો રહેવાની જ. મરેલાં કે માંદાં લોકોની વચ્ચે ધમાલ શક્ય જ નથી. ધમાલ એટલે ફક્ત ઘોઘાટ નહીં પણ હાસ્ય અને આનંદની મસ્તી....

કુટુંબમાં કડક શિસ્તપાલન, નીતિ નિયમો અને હુકમ પ્રમાણે જ વર્તવાનું હોય ત્યાં જીવવાનું ભારે પડે, કદાચ જેલ જેવું લાગે. પણ જે કુટુંબમાં હસવા પર, મસ્તી કરવા પર પ્રતિબંધ ના હોય, એકબીજાને પજવી શકતાં હોય, હસી શકતાં હોય કે ધમાલ કરી શકતાં હોય ત્યાં કદાચ કોઈ ડોક્ટરની ઓછી જરૂર પડે.

ની: સરગમનો સાતમો સૂર ની એટલે નિરીક્ષણ.
નિરીક્ષણ એટલે ઝીણવટથી જોવું. જેમ હીરા પારખનાર વેપારી કોઇપણ કાચના ટુકડાનું બારીકાઈથી નિરીક્ષણ કરે, તેમ આપણે પણ જીવનની નાની મોટી બાબતોનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરીએ તો સત્ય સમજાતું હોય છે.

આપણા દરરોજના નાના-મોટા બનાવો, ઘરમાં બનતી વિવિધ ઘટનાઓ, વ્યક્તિઓ સાથેની વાતચીત વિગેરે ઉપરછલ્લી રીતે નહીં પણ દિલથી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ તો જીવનમાં ઘણા ઉમદા પથ શીખવા મળે.

સરગમ સા થી શરૂ થઈ સા પર પૂર્ણ થાય છે.

સા: એટલે સાર્થકતા
જીવનમાં સફળતાને મહત્વ આપવામાં આવે તો કદાચ જીવનની ગાડી આડા પાટે ચઢી જવાની શક્યતા ખરી. જીવનમાં સફળ ગણાય છે. વધુ પૈસા કમાવા ગમે તે રસ્તો અપનાવવો પડે, કાળાં ધોળાં કરવા પડે. પૈસાના ઢગલા થાય પણ અંદરથી સંબંધોની મહેંક મરી પરવારે. પ્રેમનું ઝરણું અકાળે સુકાઈ જાય. સંબંધોમાં કુત્રિમતાનો સડો લાગે. શો ફાયદો?

તેની સામે જીવનને સાર્થક બનાવવાનું કામ સાચી નિષ્ઠા અને મહેનત માગી લે છે. જીવનને સાર્થકતાના પટોળામાં લપોટવા ધનની નહીં પણ પ્રામાણિકતાની જરૂર પડે છે. જીવન પ્રત્યે નિષ્ઠા જાળવી, તેને યોગ્ય રીતે જીવવાનો પ્રયત્ન થાય તો જીવ્યું લેખે લાગે. જીવનની ગતિ સફળતા તરફથી સાર્થકતા ભણીની હોય ત્યારે પળે પળે આનંદના ટશિયા ફૂટે છે.

આમ, સંગીતના આ સાત સૂરો જો આપણાં કુટુંબમાં ગૂંજતા રહે તો કેવું સારું? હળી મળીને એકબીજાની સાથે જીવન માણતા સભ્યો વડે, કુટુંબ સંતોષના વાતાવરણથી ભર્યું ભર્યું બની જાય. આ સાત સૂરોની યોગ્ય ગોઠવણ મધુર સંગીત ઉત્પન્ન કરી શકે. તેમની અયોગ્ય ગોઠવણ અવાજ પેદા કરે, ઘોંઘાટ કરે અને તેનાથી કંટાળી જવાય. સંગીતના સૂરોનો નિયમિતથતો રહે તો સંગીતની મઘુર ધૂન અન્ય માટે પણ પ્રેરણા બની જાય. આપણા ઘરમાંથી કંકાસની તાળીના અવાજ નહીં પણ શાંતિનું મધુર સંગીત નિયમિત સંભળાતું રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ. પ્રેમના આ સંગીતમાં પોતાનો સૂર મેળવવાની દરેક વ્યકિતની જવાબદારી છે, ફરજ છે.

‘મળે સૂર જો તારો મારો
બને આપણો સૂર નિરાળો.’

(સાભાર. ફાધર અશોક વાઘેલા, એસ.જે. – ‘દૂત’, જુલાઈ, ૧૯૯૫)
Changed On: 16-01-2019
Next Change: 01-02-2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.