‘જન સેવા એ જ પ્રભુ સેવા’ (સી. પુષ્પલતા, એલ. ડી.)

સૃષ્ટીના પ્રારંભથી શરૂ કરીને આજ સુધી સમસ્ત પૃથ્વી પર સત્તાનો કેફ છવાયેલો દેખાય છે. આજે માત્ર આપણા દેશ પર દ્રષ્ટિપાત કરીએ, શું દેખાય છે? સત્તા માટેની હુંસાતુસી. પ્રભુ ઈસુના સમયમાં પણ આવી જ પરીસ્થિતિ હતી. તે સમયે જે સત્તાધારી લોકો હતાં જેમ કે – ફરોશીઓ, શાસ્ત્રીઓ અને પંડીતો તેઓ પ્રભુ ઈસુની વધતી જતી લોકપ્રિયતા જોઈને ડરી ગયા. ઈસુની ઉપદેશાત્મક વાણી અને ચમત્કારોથી તેમની સત્તા, લાગવગ, મોટાઈ અને લોકો પરનો તેમનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. વળી, ઈસુએ જોયું કે, તેમના શિષ્યો પણ આમાંથી બાકાત ન હતા. આવી સામાજિક અને રાજકીય સ્થિતિ જોઈને ઈસુ નમ્રતા અને સેવાને મહત્વ આપતો ઉપદેશ આપે છે: “કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે સૌથી છેલ્લા અને સૌના સેવક થવું” (માર્ક ૯: ૩૫).

સાચી મહાનતા કોને કહેવાય? વ્યકિત પોતાનાં વાણી – વર્તન –વ્યવહારો થકી દુનિયામાં મહાન બને છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યોર્જ વોશિંગ્ટન. જે પાછળથી અમેરિકાના પ્રમુખ બન્યા હતા. તેમના જીવનનો એક પ્રસંગ એમની મહાનતા દર્શાવે છે:

તેમના સમયે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે લડાઈ ફાટી નીકળતી. આવા કપરા સમયમાં પહેલેથી જ તકેદારી રાખી તૈયારી કરવી પડતી. જેવી કે કિલ્લા બનાવવા. જેમાં શસ્ત્ર સરંજામ અને દારૂગોળો રાખવો. એવી જ એક લડાઈની પૂર્વ તૈયારી રૂપે સૈનિકો એક ભારે વજનદાર લાકડાને ખસેડીને તેને યોગ્ય જગ્યાએ લઈ જવા પૂરી મહેનતથી કામે લાગ્યા હતા. કામદારોના નાયક તેમને પ્રોત્સાહિત કરતા હતાં. લાકડું ઘણું વજનદાર હોવાને કારણે ઊંચકીને લઈ જવું સહેલું નહોતું. સૈનિકો થાકી ગયા, હિમત હારી ગયા. એટલે સુધી કે લાકડું ખસેડવાનું કામ મૂકી દેવા તૈયાર થયા.

એ જ સમયે ત્યાં એક ઘોડેસવાર આવ્યો. સૈનિકોની દશા જોઈને એને લાગ્યું કે આ કામ શક્ય નથી. ત્યાં ઊભેલાં નાયકને જોઈને ઘોડેસવાર બોલ્યો, “તમે કેમ આ કામમાં મદદરૂપ થતાં નથી?”

નાયકે જવાબ આપ્યો, “હું પોતે એક ઓફિસર છું, માટે હું આ કામ ના કરી શકું.”

નાયકનો જવાબ સાંભળીણે ઘોડેસવાર નીચે ઊતરી સૈનિકોની મદદે ગયો. વજનદાર લાકડાને ખસેડીને યોગ્ય જગ્યાએ લઈ જઈ મૂક્યું. ઘોડેસવાર ઘોડા પર બેસી જઈ જતાં જતાં નાયકને કહેતાં ગયા કે, “જયારે આવી પરીસ્થિતિ ઊભી થાય ત્યારે તમારાથી મોટા ઓફિસરને બોલાવજો”.

આ ઘોડેસવાર એ જ્યોર્જ વોશિંગ્ટન. મોટા ઓફિસર હોવા છતાં કામદારોને મદદની જરૂર હતી ત્યારે તેમને તેમનું પદ – પોતાની સત્તા કે પછી પોતાનાં કપડાં ગંદા થશે એવું કાંઈ ગણકાર્યા વિના મદદ આપી. “જે પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે” (લૂક ૫: ૧૧). તેથી જ જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકા જેવા દેશના પ્રમુખ બન્યા. જયારે આપણે આપણી મહત્તાને પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે આપણે નીચા ઊતરીએ છીએ.

પ્રભુ ઈસુના બે શિષ્યો યાકુબ અને યોહાનની માતા પોતાના બંને પુત્રોને પ્રભુ ઈસુ પાસે ડાબે-જમણે બેસાડવાની ભલામણ કરે છે. ત્યારે ત્યાં હાજર રહેલા બાકીના શિષ્યો આ ભાઈઓ પર રોષે ભરાય છે. ત્યારે શિષ્યોને પાસે બોલાવીને ઈસુએ કહ્યું, “તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો પર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે. પણ તમારામાં એમ ન થવું જોઈએ. તમારામાં જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે મારા સેવક થવું પડશે” (માથ્થી ૨૦: ૨૫-૨૬).

પ્રભુ ઈસુએ કેવળ ઉપદેશ નથી આપ્યો પરંતુ સેવક બની દાખલો પૂરો પાડ્યો છે. છેલ્લા ભોજન સમયે – “એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ” (યોહન ૧૩: ૧૪-૧૫).

કોઈપણ વ્યકિત ધનવાન બનવાથી કે પોતાની સત્તા કે પ્રતિષ્ઠા વધવાથી સુખી નથી બની શકતી. આપણે જોઈએ છીએ કે, પ્રભુ ઈસુના ઉપદેશને પોતાના જીવનમાં આત્મસાત કરી સમગ્ર જીવન સેવા અર્થે સમર્પિત કરનારાં મધર થેરેસા કે પછી પાકીસ્તાનમાં મધર થેરેસા તરીકે જાણીતા થયેલાં સિ. રૂથ જેઓ પોતાનો જર્મની દેશ છોડીને પાકીસ્તાનને પોતાની કર્મભૂમિ બનાવીને રક્તપિત્તના દર્દીઓની સેવામાં પોતાની જાતને ખર્ચી નાખી. તેઓએ દીન–દુઃખી–પીડિત લોકોની સેવા કરીને મહાનતા પ્રાપ્ત કરી.

એ જ રીતે સંત જોન બોસ્કોએ સ્વપ્ન સેવેલું, “મારું સમગ્ર જીવન હું બાળકોની સેવામાં અર્પીશ. તેમને હું ચાહીશ અને તેમની ચાહના મેળવીશ”. એમના પંથે ચાલનારા તેમના સંઘના ફાધરો આજેય રેલ્વે પર, રસ્તા ઉપર રખડતા બાળકો-કિશોરોને શિક્ષણ આપીને તેઓ આર્થિક રીતે સદ્ધર થાય અને પોતાના પગભર જીવન જીવી શકે એ માટે પ્રયત્નશીલ છે.

પ્રભુ ઈસુ કહે છે, “હું તમને સાચેસાચ કહું છું કે, નોકર કંઈ શેઠ કરતાં અદકો નથી, તેમ સંદેશો લાવનાર તેને મોકલનાર કરતાં મોટો નથી. આટલું તમે સમજો છો અને તે પ્રમાણે જો ચાલો, તો તમારા જેવો સુખી કોણ?” (યોહન ૧૩: ૧૮).

સાચું સુખી જીવન જીવવા માટે પ્રભુ ઈસુના આદર્શને અનુસરીએ. સેવાનાં મોટાં-મોટાં કામ કરવાની દરેકનામાં શક્તિ ન હોય. પરંતુ નાનાં નાનાં કામ કરીને પણ આપણે અન્યોને મદદરૂપ થઈને સાચો આનંદ મેળવી શકીશું. જેવાં કે, કોઈને રસ્તો ઓળંગવામાં મદદ કરીએ, કોઈને સાંભળીએ, ઘરમાં અને પડોશમાં મદદરૂપ બનીએ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપીને, આંગણે આવીને ઊભા રહેનારને આવકારીએ. આ બધાં સેવાનો જ એક ભાગ છે.

પ્રભુ ઈસુનો જીવન સંદેશ ‘જનસેવા એ જ પ્રભુ સેવા’. એ સૂત્રને આપણા જીવનમાં ચારિતાર્થ કરવા માટે આપણે સૌએ આપણા દૈનિક વ્યવહારમાં નાનાં નાનાં પરોપકારના – નિ:સ્વાર્થભર્યા સેવા કાર્યો કરીને જીવનને ઉજ્જવળ બનાવીએ. પ્રભુ ઈસુની ઉપદેશાત્મક વાણીને આચરણમાં મૂકીએ એ જ સાચો ધર્મ!

Changed on : 01-02-2019
Next change : 16-02-2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.