‘વાપર્યે વધે’ (સી. પુષ્પલતા, એલ. ડી.)

પરમેશ્વર પિતાએ આપણને પૃથ્વી પર માનવ તરીકે જન્મ આપી જીવનની ભેટ આપી તે માટે તેનો આભાર માનીએ છીએ વિશેષ જન્મદિન નિમિતે. ઈશ્વરે જીવનની સાથે સાથે ઘણું બધું આપણને આપ્યું છે – શક્તિ, આવડટ અને ગુણ.

સૌ પ્રથમ તો સ્વીકાર કરવો પડે કે પ્રભુએ મને આ બધી બક્ષિસો આપી છે. પ્રભુ ઈસુ એ સમજાવવા માંગે છે કે, ઈશ્વરના રાજ્યના ફેલાવા માટે જે પ્રશંસનીય અને આવકાર્ય ગુણ છે તે છે વફાદારી. પોતાને મળેલી કૃપાઓનો વફાદારીપૂર્વક ઉપયોગ કરીએ તો તે વધશે, ઘટશે નહીં. આ શક્તિઓ પોતાના સુધી સિમિત રાખીશું તો તે ઘટશે.

‘વાપર્યે વધે’ આ સમજાવવા પ્રભુ ઈસુ આ દ્રષ્ટાંત કથા કહે છે : એક માણસને કામ અર્થે પરદેશ જવાનું થયું. જતા પહેલાં તેણે પોતાના ત્રણે નોકરોને બોલાવી એકને પાંચ, બીજાને બે અને ત્રીજાને એક સોનામહોર આપી, પરદેશ ચાલ્યો ગયો. જેને પાંચ સોનામહોર મળી હતી તેણે તરત જ જઈને વેપારમાં રોકી દીધી અને બીજી પાંચ સોનામહોર કમાયો. તે જ રીતે જેને બે મળી હતી તે પણ બીજી બે કમાયો, પરંતુ જેને એક મળી હતી તેણે જઈને ખાડો ખોદી શેઠનું નાણું સંતાડી દીધું.

ઘણા વખત પછી શેઠે પાછા આવી હિસાબ માગ્યો. જેને પાંચ મળી હતી તે બીજી પાંચ લઈ આવ્યો અને પોતાના શેઠને કહેવા લાગ્યો, ‘આપે મને પાંચ સોનામહોર આપી હતી તેમાંથી હું બીજી પાંચ કમાયો છું.’ શેઠે કહ્યું, ‘શાબાશ, તું સારો અને વફાદાર નોકર છે. નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટાં કામ સોપીશ, તારા શેઠના સુખમાં ભાગીદાર થા.’

જેને બે સોનામહોર મળી હતી તેણે પણ આવીને કહ્યું : ‘સાહેબ, આપે, મને બે સોનામહોર સોંપી હતી તેમાંથી હું બીજી બે કમાયો છું.’ શેઠે કહ્યું, ‘શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે, નાની બાબતમાં તેં વફાદારી બતાવી છે, હવેથી હું તને મોટાં કામ સોપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા.’

ત્યારપછી જેને એક સોનામહોર મળી હતી તેણે આવીને કહ્યું: ‘શેઠ સાહેબ, મને ખબર હતી કે આપ આક્ર સ્વભાવના માણસ છો. આપ વાવ્યું નથી ત્યાંથી લણો છો, અને જ્યાં વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરો છો, એટલે મને બીક લાગી અને મેં જઈને આપનાં નાણાં ભોંયમાં સંતાડી રાખ્યાં, જુઓ આ રહ્યું આપનું નાણું.’ શેઠે કહ્યું, ‘અરે દુષ્ટ અને આળસુ નોકર, મેં વાવ્યું નથી હોતું ત્યાં હું લણું છું અને વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરું છું એ તું જાણતો હતો તો પછી તારે મારું નાણું કોઈ નાણાંવટીને ત્યાં મૂકવું જોઈતું હતું, જેથી પાછા આવતાં મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત. તો હવે એની પાસેથી નાણું લઈ લો અને જેની પાસે પાંચ સોનામહોર હતી તેને આપી દો.’ (માથ્થી, ૨૫: ૧૪, લૂક ૧૯: ૧૪-૨૬).

આ દ્રષ્ટાંતકથામાંથી આપણને શું શીખવા મળે છે? ઈશ્વરે આપણા દરેકમાં કોઈ ને કોઈ સારી આવડત અને બુદ્ધિ મુકેલી જ છે અને તે ઈશ્વરની આપણને સૌથી મહાન બક્ષીસ છે. કોઈ સારો ગાયક હોઈ શકે, કોઈ નૃત્યમાં પ્રવીણ હોય, કોઈ ખેલકૂદમાં નિપૂણ હોય, કોઈ કવિતા અને લેખક તરીકે નામના કેળવી જાણતો હોય, વગેરે. જો આપણે ધ્યાનથી આપણા અંતરને તપાસીએ તો આપણે પણ કોઈ બાબતે જરૂર નિપૂણ હોઈશું. આપણી નિપૂણતા શામાં છે તે શોધી કાઢીએ અને મળેલી એ બક્ષીસ બદલ ઈશ્વરનો આભાર માનીએ.

વિશ્વમાં ઘણા વૈજ્ઞાનિકો, ડોકટરો, શિક્ષકો અને સમાજસેવકોએ તેમણે મળેલી શક્તિઓનો વફાદારીપૂર્વક ઉપયોગ કરી વિશ્વને, સમાજને ઘણું બધું આપ્યું છે. માનવહિતનાં કાર્યોં કર્યા છે, માનવજીવન સરળ અને સુવિધાસભર બનાવ્યું છે. તેથી વિશ્વમાં-સમાજમાં તેમનું ગૌરવ વધ્યું છે.

ઘણા એવા પણ લોકો છે જે પોતાના જ્ઞાનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ બીજા માટે કરતા નથી, બીજાને લાભ થાય તેવું ઈચ્છતા નથી ત્યાં ઉદારતાનો અભાવ જોવા મળે છે. પ્રભુ ઈસુ કહે છે, ‘જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે’ (નટક ૬: ૩૮).

ઈસુએ કહ્યું છે, ‘તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહી. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા પણ દીવી ઉપર મૂકે છે; ત્યારે જ તે ઘરનાં બધાંને અજવાળું આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારાં સારાં કૃત્યો જોઈને તમારા પરમપિતાનાં યશોગાન ગાય’ (માથ્થી, ૫: ૧૪-૧૬).

આપણી આવડત શોધી કાઢીએ અને તેનો ઉપયોગ ફક્ત પોતાના માટે જ નહી પણ બીજાના ભલા માટે પણ કરીએ. કારણ કે, આપણામાં જે સારી આવડત છે તે આપણાથી નથી નીપજતી પરંતુ ઈશ્વરપિતાની આપણા માટેની એ બક્ષીસ છે.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.