English |
સૃષ્ટિના સર્જનહારે સમસ્ત સૃષ્ટિના સર્જન પછી પુરુષનું સર્જન કર્યું. પછી તેને લાગ્યું કે ‘માણસ એકલો રહે એ સારું નથી. હું એને માટે લાયક મદદ કરનાર બનાવીશ’ (ઉત્પત્તિ ૨:૧૮) પરમેશ્વરે માણસને ગાઢ ઉંઘમાં નાંખી તેની એક પાંસળી કાઢી અને સ્ત્રીનું સર્જન કર્યું. માણસ તેને જોઈને બોલી ઊઠ્યો: ‘આ તો હવે મારા હાડમાંનું જ હાડ છે અને મારા માંસમાંનું જ માંસ છે. એ નારી કહેવાશે કારણ એને નરમાંથી કાઢવામાં આવેલી છે’ (ઉત્પત્તિ ૨: ૨૧-૨૨).
ખ્રિસ્તી ધર્મની સ્ત્રી-પુરુષની આ વિભાવના આપણને સ્ત્રી-પુરુષ ઐક્યનું દર્શન કરવી જાય છે. આપણા દેશમાં પણ વૈદિક યુગથી માંડીને ‘પિતૃ દેવો ભવ’ ‘માતૃ દેવો ભવ’ની ભાવના સાકાર કરી સ્ત્રી પુરુષને સમાન દરજ્જો આપવાના પ્રયત્નો થતા આવ્યા છે. સમગ્ર વિશ્વ તરફ દ્રષ્ટિપાત કરીએ તો અનેક સન્નારીઓ અને સાધ્વીઓએ ‘સ્ત્રી શક્તિ’નો મહિમા પોતાના જીવન દ્વારા પ્રગટ કર્યો છે.
પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી પુરુષ અસામનતા એક સળગતો પ્રશ્ન છે. ૧૯૯૫ની સાલમાં ચીનના બેજિંગ શહેરમાં આ પ્રશ્નને વાચા આપવા માટે વિશ્વના ખૂણે ખૂણેથી અનેક મહિલાઓ એકત્ર થઈ હતી. એ જ બતાવે છે કે માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આ પ્રશ્ન અસરકર્તા છે. સ્ત્રી પર શારીરિક, માનસિક અત્યાચારો થતા આવ્યા છે. દુનિયાની પ્રગતિની સાથે કદમ મિલાવતાં આપણે ગર્ભ પરીક્ષણ દ્વારા ગર્ભમાં જ સ્ત્રી હત્યા કરી નાખીએ તેનું લગારેય દુ:ખ અનુભવતાં નથી.
આ આજની અદ્યતન પળે પળે પરિવર્તન પામતી ૨૧મી સદીમાં ભગવાન ઈસુના સમયમાં સ્ત્રીઓનું સ્થાન અને ઈસુની દ્રષ્ટિમાં સ્ત્રીનું મહત્વ શું હતું. તેનું માત્ર વિહંગાલોક્ન કરવાનો પ્રયાસ કરું છું.
ભગવાન ઈસુએ યહુદી સમાજમાં જન્મ લીધો હતો એ એવો સમાજ હતો જેના લોકો ઈશ્વરને એવી પ્રાર્થના કરતા હતા: ‘હે ભગવાન સારું છે કે હું ગુલામ કે સ્ત્રી તરીકે જન્મ્યો નથી’. આ પ્રાર્થના તે સમયે સ્ત્રીનું સ્થાન ક્યાં હતું તે સ્પષ્ટ કરે છે. સમાજમાં ભગવાન ઈસુએ એક કુમારિકાને પેટે જન્મ લઈ પોતાના મુક્તિકાર્યની શરૂઆત કરી. જગતની મુક્તિ ખાતર એક કુંવારી કન્યાને સહભાગી બનાવીને સ્ત્રીવર્ગનું ગૌરવ વઘાર્યું. માતા પણ ગરીબ વર્ગની સ્ત્રી હતી. મરિયમ કુંવારી થઈને ગર્ભધારણ કરવા હિમત દાખવે એ ત્યારના સમાજમાં પ્રવર્તમાન રીતિરિવાજોને લક્ષમાં લેતાં મોટી બહાદુરી જ કહેવાય! જો કે યોસેફ જેવા ધાર્મિક તથા સમજદાર પતિનો સાથ પણ નાનો સુનો નહોતો. પ્રવર્તમાન સમયમાં શક્ય છે ખરું?
ઈસુએ પોતાના જીવનમાં જન્મથી માંડી મૃત્યુ સુધી માતા મરિયમને અગ્રસ્થાન આપ્યું હતું. દુનિયાના મુક્તિકાર્યમાં ઈસુએ પોતાના શિષ્યો તરીકે સ્ત્રી-પુરુષ બંનેને સ્થાન આપ્યું હતું. ઈસુના શિષ્યોમાં માતા મરિયમની ગણના ઈસુની પ્રથમ શિષ્યા તરીકે થાય છે.
ઈસુ પોતાના સમયની સ્ત્રીઓની લાચારી, નબળાઈઓ અનેક નિયમોના બંધનોમાં જકડાયેલી તેમની પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ હતા. ગ્રીક, રોમન, યહૂદી દરેક સમાજમાં સ્ત્રીનો ખપ માત્ર સંતાન (અને તે પણ છોકરો)ને જન્મ આપી વંશાવળી સાચવી રાખવા પુરતો હતો. તેને નાગરિક તરીકેના હક્ક આપવામાં આવતાં નહોતા. આમ તેની સ્થિતિ તે સમયના ગુલામથી પણ બદતર કહી શકાય. આવા સમયમાં અને સમાજમાં જીવનાર ઈસુએ એક પતિત ગણાતી સ્ત્રીને પોતાની શિષ્યા બનાવી. સંત લૂક પોતાના શુભસંદેશમાં લખે છે:
‘ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે. એવું જાણીને શહેરની એક પતિત સ્ત્રી સંગેમરમરની કૂપીમાં અત્તર લઈને આવી પહોંચી આંસુ સારતી સારતી ઈસુને ચરણે ઊભી રહી. તેનાં આંસુથી તેમનાં ચરણ ભીંજાઈ ગયાં તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા પછી તેણે ચરણ ચૂમીચૂમીને અત્તર લગાડ્યું’ (લૂક ૭: ૩૬-૩૮). તેણે પ્રભુનો અત્તરથી અભિષેક કર્યો. આ બધું ઈસુના શિષ્યો અને ફરોસીઓને ગમ્યું નહીં. તે જોઈ ઈસુએ કહ્યું ‘ આ સ્ત્રીએ પોતાના આંસુથી મારા પગ ભીંજવ્યા અને પોતાના વાળથી લૂછી નાખ્યા. એના આ ભરપૂર પ્રેમથી એના પાપોની એને માફી મળી છે’.
પછી તેમણે તે બાઈને કહ્યું ‘ તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે, સુખે જા’. સંત યોહન ઈસુના જીવનમાં બનેલો એક પ્રસંગ રજૂ કરે છે. વ્યભિચારિણી સ્ત્રીનો ઈસુએ કરેલો બચાવ’ (૮: ૩-૧૧). શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી પતિતા ગણાતી સ્ત્રીને ઈસુની પરીક્ષા કરી જોવા લઈ આવ્યા. તેઓએ તે સ્ત્રીને ટોળા વચ્ચે ઊભી રાખીને ઈસુને કહ્યું ‘ગુરુજી, આ બાઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરતાં પકડાઈ છે હવે, શાસ્ત્રમાં મોશેએ આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાંખવાનું ફરમાવેલું છે. તો આપ શું કહો છો?’
આપણને સૌને ઈસુએ આપેલા જવાબની ખબર છે. આમ તેમણે સમાજથી ધુત્કારયેલી સ્ત્રી પ્રત્યે અનુકંપા દર્શાવીને સાચા માર્ગે જીવન જીવવાનો આદેશ આપ્યો હતો. ઈસુના શબ્દમાં સ્ત્રી પ્રત્યેની એમના દિલમાં રહેલી ઉદાત્ત ભાવના અને ગૌરવ આપણા સૌનાં હૈયાંને પણ સ્પર્શી જાય છે. સંત લૂકના ગ્રંથ (૮:૨-૩)માં ભાવિક સ્ત્રીઓ ‘મગદલા તરીકે ઓળખાતી મરિયમ, હેરોદના કારભારી ખૂઝાની વહુ યોહન્ના, સુસાન્ના અને બીજી અનેક સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી’ એવો ઉલ્લેખ છે.
વળી રક્તસ્ત્રાવથી પીડાતી સ્ત્રીની શ્રધાનો વિજય (લૂક ૮: ૪૩-૪૪) સ્ત્રી પ્રત્યેની તેમની અનુકંપા દર્શાવે છે.
ઈસુ પિતૃપ્રધાન સમાજમાં જીવતા હોવા છતાં યહૂદી અને બિન-યહૂદી સમાજની સ્ત્રીઓ પર થતાં અત્યાચાર, અન્યાય, શોષણ અને ગુલામીમાંથી મુક્ત કરવાનો તેમનો આશય સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેઓ સદા સ્ત્રીઓની પડખે રહ્યા છે.
પુનરુત્થાન પામેલા ઈસુએ સૌ પ્રથમ દર્શન પણ સ્ત્રીને જ-મગદલ્લાની મરિયમને આપ્યું હતું. એ જ ઈસુની દ્રષ્ટિમાં સ્ત્રીનું મહત્વ પ્રગટ કરી બતાવે છે.
ખ્રિસ્તી ધર્મના ઉદય સાથે જ સ્ત્રીઓના નવજીવનનો ઉદય થયો તે જોઈ શકાય છે. જેમ જેમ ઈસુ ખ્રિસ્તના શુભસંદેશનો પ્રસાર વધતો ગયો તેમ તેમ ધર્મસંઘમાં સ્ત્રીઓની સ્થિતિ સુધરતી આવી છે. ધર્મસંઘમાં રહીને સ્ત્રીઓનું ગૌરવ વધારવામાં અજોડ ફાળો આપનારાઓમાં સૌ પ્રથમ સિયોનનાં સંત કેથરીન ઈ.સ. ૧૩૪૭માં થઈ ગયાં. તે સમયે તેમણે વડાધર્મગુરુને પડકાર ફેંક્યો હતો કે, ‘તમે જ્યાં ધર્મસભાના પાયા નંખાયેલા છે તે રોમમાં જ રહો.’
વાત એમ બની હતી કે તે વખતના આપણા ધર્મના વડાધર્મગુરુ રોમ છોડીને ફ્રાંસમાં આવેલા આવિગ્નોનમાં વસવાટ કરવા ગયા હતા. સંત કેથરીને તેમને રોમ પાછા ફરવાની ફરજ પાડી હતી. વળી તેમણે આધ્યાત્મિક બાબતોને લગતા અનેક સુપ્રસિદ્ધ ગ્રંથો પણ લખાવ્યા છે.
સોળમી સદીમાં યુરોપમાં જયારે સ્ત્રીનું સામાજિક, રાજકીય કે ધાર્મિક દ્રષ્ટીએ કોઈ સ્થાન નહોતું ત્યારે અવિલાનાં સંત થેરેસિયાએ કાર્મેલ સાધ્વીઓના નવા નવા મઠો સ્થાપ્યા. એટલું જ નહીં તેઓ એક પ્રતિભાસંપન્ન લેખિકા પણ હતાં. ફિલીપ બીજાની મદદ લઈને તેમણે ‘બ્રહ્ન’ પર ઘણાં પુસ્તકો લખીને ધર્મસભામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે એમ કહેવાય છે.
પોતાના જીવનમાં નાના મોટાં તપો દ્વારા સાચું સાદગીભર્યું જીવન જીવી ઈશ્વરનો સાક્ષાત્કાર કરનાર બીજાં અનેક સ્ત્રી સંતો થઈ ગયાં છે એ આપણે એ જાણીએ છીએ. પણ હાલના તબક્કે આપણી નજર સમક્ષ આજીવન ‘માનવધર્મ’ ફેલાવીને પોતાના સેવાકાર્યો થકી અજર-અમર રહેલાં સંત મધર થેરેસા. આજે પણ જુદી જુદી રીતે તેમનાં મંડળો દ્વારા તેમનો પ્રેમનો ધર્મ અખિલ વિશ્વમાં વ્યાપ્ત થયેલો આપણે નિહાળીએ છીએ.
ખ્રિસ્તી ધર્મ તો પ્રેમનો ધર્મ-માનવતાનો ધર્મ છે. ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ આ સૂત્રને સાકાર કરનાર જુદાં જુદાં મંડળોની આપણી સાધ્વીબહેનો દિનરાત સેવાકાર્યમાં લીન રહીને પ્રેમનો પયગામ ચારેકોર ફેલાવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો, અનાથાશ્રમો, સેવાશ્રમો, કુષ્ઠાશ્રમો, પાગલોનાં સેવાકેન્દ્રો, મંદબુદ્ધિનાં બાળકોની સેવા સંસ્થા વગેરેમાં પ્રેમનો, સેવાનો, માનવતાનો અખંડ સ્ત્રોત વહેતો જોઈ શકાય છે. ખ્રિસ્તી ધર્મ સ્ત્રીઓને સમાનતા આપવામાં મોખરે રહેલો છે એટલે ચર્ચના કાર્યોમાં સ્ત્રીની ગણના થાય છે જો કે ત્યાં ય તેમને સમાનતાનો ન્યાય મળે છે કે કેમ એવા પ્રશ્નો ઊભા તો થાય છે. તત્કાલિન સમયમાં સ્ત્રીઓની પુરોહિત દીક્ષા આપવી જોઈએ કે નહીં આ પ્રશ્ન ચર્ચાનો વિષય છે.
ધર્મસભામાં સંખ્યાની દ્રષ્ટીએ વિચારીએ તો પણ ધર્મગુરુઓ કરતાં ધર્મભગિનીઓની સંખ્યા વધુ છે. જેઓ પોતાનાં સેવાકાર્યો દ્વારા શુભસંદેશનો ફેલાવો કરે છે. ધર્મસભાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરીએ તો ત્યાંય સ્ત્રી પુરુષ અસામનતા દેખાય તે ખરી પણ સમાનતા લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ખ્રિસ્તી સમાજ-કુટુંબમાં સ્ત્રીઓનું સ્થાન: અન્ય ધર્મોના બિન ખ્રિસ્તી સમાજો તરફ દ્રષ્ટિપાત કરતાં આપણે એટલું તો જરૂર કહી શકીએ કે આપણા સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા થોડે ઘણે અંશે તો જોઈ અનુભવી શકાય છે. આપણા સમાજમાં અન્ય સમાજોની સરખામણીની દ્રષ્ટીએ સ્ત્રીને અગ્રસ્થાન અપાય છે. ઘરમાં એનો અવાજ સાંભળવામાં આવે છે. એની કાર્ય કુશળતાની કદર પણ થાય છે. પણ ક્યારેક પોતાના બુદ્ધિ-ચાતુર્યથી પ્રગતિ કરતી સ્ત્રી ઈર્ષાનો ભોગ બનતી હોય છો. તેનાથી ઘણીવાર તે હતાશ બની જતી હોય છો.
અન્ય સમાજમાં દીકરા દીકરી વચ્ચેનો ભેદ તાદશ્ય થાય છે. જે ખ્રિસ્તી કુટુંબોમાં ઓછું જોવા મળે છે. એ ખ્રિસ્તી સમાજનું એક ઉત્તમ જમા પાસું છે. શિક્ષણ ક્ષેત્રે બહેનો વધારે આગળ આવે છે. માતા પિતા દીકરો, હોય કે દીકરી શિક્ષણ દ્વારા તેમના જીવનનું સુઘડતર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આપણી સ્ત્રીઓ સ્વતંત્ર, સિદ્ધીલક્ષી અને કારકિર્દીલક્ષી બની રહી છે. તેઓ પ્રોફેસર, ડોક્ટર, એન્જિનયર, પાયલોટ, એરહોસ્ટેસ, ઓફિસર્સ બની છે. એટલું જ નહીં સમાજ સેવા સંસ્થાઓ તથા રાજકારણ જેવાં જાહેરક્ષેત્રોમાં પણ તેમણે ઝંપલાવ્યું છે જો કે એમની સંખ્યા જૂજ છે.
કુટુંબજીવન સારી રીતે ચલાવવા માટે સંસાર રથનાં બંને પૈડા સ્ત્રીઓ ને પુરુષની સહકારની ભાવનાથી ઘર બહારનાં કાર્યો થાય છે. આપણો સમાજ વ્યવસાયલક્ષી હોવાથી સ્ત્રી પુરુષ બંને નોકરી કરીને પોતાનો સંસાર રથ સમતોલ પણે ચલાવવા કટિબદ્ધ રહે છે. એ આપણા સમાજનું વિશિષ્ટ ઉમદા પાસું છે. છતાં કાર્યનો બોજ સ્ત્રી પર વધુ જોવા મળે છે.
સ્ત્રીને વ્યકિત તરીકે સ્વીકારી એનું માન જાળવવા માટે આપણા સમાજનો પુરુષ વર્ગ પ્રયત્ન કરી રહ્યો છે એટલે કહી શકાય કે સમાનતાનો વેગ માત્ર ધર્મમાં નહિ પણ ઘરમાંય જોઈ અનુભવી શકાય છે. એનું મુખ્ય કારણ શિક્ષણને લીધે પતિ પત્ની નોકરી કરતાં હોઈ એકબીજા તરફ સમજદારીનો ભાવ રાખી જીવન જીવવા પ્રયત્ન કરે છે.
એક સ્ત્રી તરીકે કહેવાનું મન થાય છે કે સ્ત્રી સમાજના ઉત્કર્ષથી આખા સમાજનો ઉત્કર્ષ સાધી શકશે. નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરી તંદુરસ્ત સમાજ ઊભો કરવામાં સ્ત્રીના જ અમૂલ્ય ફાળાની જરૂર છે. પણ ‘એક હાથે તાળી ન પડે’ પુરુષના સહકાર વિના સ્ત્રીનો વિકાસ, કુટુંબનો વિકાસ સાધવો હોય તો સ્ત્રી પુરુષ બંનેએ સમાનતાના જોરે, કદમ કદમ મિલાવીને ધસમસતી આ દુનિયામાં આગળ ધપવું જ રહ્યું. સમસ્ત વિશ્વ ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ એ સૂત્ર દ્રષ્ટિ સમક્ષ રાખે તો જ વિશ્વ મહિલા દિનનો હેતુ સાર્થક થશે અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા: ની ભાવના સાકાર થશે.