દાન, પ્રાર્થના અને ઉપવાસની ઋતુ (ફાધર જેમ્સ બી. ડાભી, એસ. જે.)

ઇસ્રાયલના પયગંબરોની એક ખૂબ હતી: ઇતિહાસના અસાધારણ બનાવોમાં અથવા તો રોજબરોજના સાધારણ બનાવોમાં પ્રભુનો હાથ જોવો. તેથી એ બનાવ એક ઘટના જ બની રહેવાને બદલે માનવજાતને પાઠવવામાં આવતો પ્રભુનો સંદેશ બની રહેતો. એ સંદેશનું અર્થઘટન કરવાનું કાર્ય પણ આ પયગંબરો જ કરતા.


ઇ.પૂ. ૪૦૦ આસપાસ દક્ષિણના રાજ્ય યહૂદાના પાટનગર યરુશાલેમનો પયગંબર યોએલ તીડો જે ધાન્ય અને શાકભાજીનાં લીલાંછમ પાંદડાં સ્વાહા કરી જાય છે એ જોતો રહે છે. લીલુછમ ખેતર ઘડીના છટ્ઠા ભાગમાં તો સૂકુંભટ્ઠ થઈ જાય છે. પરિણામે હવે દુષ્કાળ આવવાનો, ઇતિહાસની આ અસાધારણ ઘટનામાં યોએલ પ્રભુનો ન્યાય નિહાળે છે. આ તીડ અને આ દુષ્કાળ તો પ્રભુ માનવજાતનો ન્યાય તોળવા આવી રહ્યો છે એની વોર્નિગ છે.

જો પ્રભુ ન્યાય તોળવા આવી રહ્યો હોય તો માનવજાતનો પ્રતિસાદ કેવો હોવો જોઈએ? યોએલ જ જવાબ આપે છે: પ્રભુ તરફ પાછા વળો. યોએલને પ્રભુનો જે અનુભવ થયો છે તે આપણી સમક્ષ રજૂ કરે છે. પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે સહિષ્ણુ છે, અને કરુણાનો સાગર છે. સજા કરવાનું તે માંડી વાળે છે.

આપણી પર થયેલા કેસનો ફેંસલો થવાનો હોય ત્યારે ફેંસલો કરનાર ન્યાયાધીશ કેવા છે એવો એકાદો પ્રશ્ન પુછાઈ જાય છે. ન્યાયાધીશ દયાળુ અને કૃપાળુ હોય તો આશા બંધાય છે. યોએલ તો કહે છે કે આપણો ન્યાયાધીશ તો કરુણાનો સાગર છે. સાગરની ઊંડાઈ કેટલી? કોઈ જાણતું નથી. બધાં સર્વાનુમતે એટલું જ કબૂલે છે કે સાગર ખૂબ જ ઊંડો, નદી, તળાવ, કૂવાનાં પાણી સુકાય. સાગરનું પાણી સુકાય ખરું? કદી નહી. અર્થાત્ પ્રભુની કરુણા કદી ખલાસ થવાની નથી. હવે તો આપણને માફી મળશે જ એવી આપણી આશા પાકી.

માનવજાતનું પાપ કેટલું મોટું હશે? એ તો જે સજા થઈ છે એના પરથી અંદાજ લગાવી શકાય. ખેતરોનાં ખેતરો તીડને કારણે ભેલાઇ ગયાં છે. પરિણામે દુષ્કાળ પડ્યો છે. આ સજા કારમી કહેવાય. એટલે થયેલું પાપ પણ અદ્યમ હશે જ. આવું અદ્યમ પાપ કર્યુ હોવા છતાં પ્રભુ જો માનવને માફ કરવા તૈયાર હોય તો માનવે શું કરવું જોઈએ? યોએલ જ જવાબ આપે છે: ધાવણાં બાળકોથી માંડી વડીલો સુધીનાં સૌ કોઈ ઉપવાસ કરે, ધર્મસંમેલનમાં ભાગ લે. આ પ્રવૃત્તિઓમાંથી કોઈ બાકાત ન રહે, નવપરિણીત દંપતી પણ નહિ.

માનવે શું કરવું જોઈએ એ પ્રશ્નના જવાબમાં યોએલ જે કહે છે તે સામૂહિક ધોરણે છે. સમૂહમાં કરવામાં આવતી પ્રવૃત્તિમાં પ્રત્યેક માનવનો શું ફાળો હોવો જોઈએ એ જવાબ ઈસુ આપે છે. ઈસુ ત્રણ પ્રકારના ધર્મકાર્યોની વાત કરે છે: દાન, પ્રાર્થના અને ઉપવાસ. આ ત્રણેય ધર્મકાર્યો કરવાં જ જોઈએ એવો કોઈ નિયમ ન હોવાથી એ જયારે કરવામાં આવે ત્યારે એ કરવા પાછળનો આશય કયો છે એ અગત્યનો મુદો બની જાય છે. નિયમ ન હોવાને કારણે જ એ ધર્મકાર્યો લોકોની વાહ વાહ મેળવવા માટે થઈ શકે છે. માનવ હંમેશા માનનો ભૂખ્યો છે. એણે કરેલી કોઇપણ પ્રવૃત્તિની નોંધ લેવાય એની હંમેશની ઇચ્છા. ક્યારેક તો આ ભૂખ એટલી તીવ્ર હોય છે કે એ ભૂખ ભાંગવા જ ધર્મકાર્યો થાય. આવા સંજોગોમાં આ ધર્મકાર્યો કરનાર એકટીંગ કરનાર માત્ર એક્ટર જ છે. એવાં ધર્મકાર્યો પ્રભુને આપેલો પ્રત્યુત્તર બનતાં નથી.

દાન

દેવળમાં રાખવામાં આવેલી દાનપેટીમાં ભક્ત પોતાનું દાન ખાનગીમાં સરકાવી દે છે. પરમપૂજા દરમિયાન બંધ થેલીમાં ભક્ત મુઠ્ઠી વાળી પોતાનું દાન તેમાં અર્પણ કરી દે છે. આ જોવું ખૂબ સારું લાગે છે. પણ સદગત ભક્તને ઘરઆંગણે પ્રાર્થનાસભા પછી ક્યારેક દાન જાહેર કરવામાં આવે છે. એ જરા વરવું લાગે છે. હા, ગામલોકોએ ભેળાં થઈ કોઈ પ્રસંગે પુરોહિત માટે દાન એકત્ર કર્યુ હોય ત્યારે સૌની જાણ સારું આંકડો રજૂ કરવામાં આવે તે ચલાવી લેવાય. પણ દરેક વ્યકિતના નામ સામે એણે કરેલી દાનની રકમ પ્રકાશિત કરવાનો આગ્રહ રાખવામાં આવે ત્યારે મનમાં પ્રશ્ન થાય કે દાન ખરેખર ધર્મકાર્ય છે કે માન કમાવવાનું કાર્ય?

ઈસુ માનવની આ ભૂખથી પૂરેપૂરા વાકેફ હતા એટલે જ એમણે શક્ય લાગે એવો આગ્રહ રાખ્યો: તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઇશ. આવો અશક્ય લાગતો આગ્રહ રાખીને ઈસુ એ જ કહેવા માંગતા હતાં કે દાન તો હંમેશા ગુપ્ત જ હોય. આપણે દાન કરીએ છીએ આપણા પર અપાર કરુણા કરનાર પ્રભુને જવાબ આપવા. હવે એ જવાબ આપતી વખતે મન અભિમાનથી ભરાઈ જાય તો એ જવાબ એડે જાય ને? દાન માત્ર પૈસાનું નથી. દાન સમયનું હોઈ શકે. સગવડનું હોઈ શકે. સાધનનું હોઈ શકે. રક્તનું હોઈ શકે. આવાં કોઇપણ દાન કર્યા પછી દાતાનો ઋણ સ્વીકાર થાય એવી ઈચ્છા દરેક દાતામાં જન્મે છે. ઈસુ કહે છે: તારાં ગુપ્ત દાનધર્મને જાણનાર તારા પિતા તને બદલો આપશે. આમ, દાન પ્રભુને પ્રત્યુત્તર વાળવાના એકમાત્ર આશયથી કરવામાં આવે તો જ માનવને ફાયદો, નહિ તો દાન કર્યા પછી અભિમાનમાં પડ્યાનું પાપ લાગે.

પ્રાર્થના

બે પ્રકારના લોકો ટેલિફોન પર વાત કરતા જોવા મળશે. એક પ્રકાર, જે સામે છેડે ટેલિફોન પર છે એમાં જ રમમાણ. તેઓને આપણે ટેલિફોન પર જોઈ શકીશું ખરાં, પણ તેમની વાતચીત જરાય નહિ સંભળાય. બીજો પ્રકાર, જે જાણે કે આપણે માટે ટેલિફોન કરે છે. સામે છેડે ટેલિફોન પર છે એના કરતાં આપણે જે આજુબાજુમાં છીએ એમાં આ પ્રકારના લોકોને વધુ રસ છે. આપણે તેમની વાતચીત સાંભળી શકીશું. કોની સાથે વાતચીત થાય છે તે સાંભળી શકીશું અને એમ એ ટેલિફોન કરનાર પ્રત્યે આપણો અહોભાવ વધશે. બીજા પ્રકારના લોકોને આ જ જોઈએ છે કે આપણે આજુબાજુવાળાં જાણીએ કે એ કેટલી મોટી હસ્તીઓ સાથે ટેલિફોન પર વાત કરે છે. હવે, એમનો અહમ સંતોષાશે.

પ્રાર્થનામાં પણ આવું જ બની શકે છે. જે પ્રભુમાં રમમાણ છે તે ક્યારેય બાહ્ય દેખાવ નહિ કરે, જેમ પહેલા પ્રકારના લોકોની ટેલિફોન પરની વાતચીત સાંભળી શકાતી નથી. બીજા પ્રકારના લોકો પ્રાર્થનાને પોતાની પાઘડીમાં એક પીંછુ માને છે. તેઓને હવે અન્ય લોકો પ્રાર્થનામય કહેશે, ભગત કહેશે, પવિત્ર કહેશે. એમને આવું જ જોઈએ છે. પણ એથી સામે છેડેના પ્રભુ સાથે કેટલી વાત થઈ? લોકોએ પવિત્રતાનું બિરુદ આપી દીધું એટલે અભિમાન ઊભરાયું. જે ઝાડ પર વધુ ફળ હોય તે ભારથી વધુ નમી પડે. જે ઝાડ નમી પડતું નથી, એટલે કે જ્યાં અભિમાન છે, ત્યાં ફળ ખૂબ ઓછાં લાગ્યાં છે. પ્રાર્થના પ્રભુને વાળેલો પ્રત્યુત્તર બનવાને બદલે પાપમાં પાડનારી પ્રવૃત્તિ બની ગઈ. માનવ તરફથી મળતાં માન મોટાઈને મનમાં રાખી જે ઘડીએ પ્રાર્થના કરીએ તે ઘડીએ તે પ્રભુનો વાળેલો પ્રત્યુત્તર મટી ગઈ. ઈસુ આપણને આ જોખમથી સાવધ કરે છે.

ઉપવાસ

ઉપવાસ એટલે અમુક ચોક્કસ સમયગાળા માટે સ્વેચ્છાએ અન્ન ત્યાગ કરવો. યહૂદી ધર્મમાં અન્ન ત્યાગની સાથોસાથ કંથા ધારણ કરવામાં આવતી, માથે ભસ્મ ભભરાવવામાં આવતી અને સ્નાન કરવાનું ટાળવામાં આવતું. યહૂદીધર્મ તો વર્ષમાં એક જ વાર-પ્રાયશ્ચિતના દિવસે ઉપવાસનો આગ્રહ રાખતો હતો, જે પ્રાયશ્ચિતના દિવસનું વર્ણન કર્મકાંડ ૧૬માં કરવામાં આવ્યું છે. યહૂદીઓ સ્વેચ્છાએ દર સોમવારે અને ગુરુવારે ઉપવાસ કરતા હતા. આવા સ્વૈચ્છિક ઉપવાસ ક્યારેક આજુબાજુના લોકો પર છાપ પાડવાના આશયથી કરવામાં આવતા હતા. ઈસુ આ વાસ્તવિક્તાથી પરિચિત હતા. એટલે જ તે આગ્રહ રાખે છે કે ઉપવાસ દ્વારા તમે અન્યથી અળગા દેખાઓ એવું ન થવા દેશો. માથે ભસ્મ ભભરાવવાને બદલે તેલ નાખજો, સ્નાન કરવાનું ટાળવાને બદલે મોં ધોજો. આમ કરવાથી ઉપવાસ ગુપ્ત રહેશે અને પ્રભુને વાળેલો પ્રત્યુત્તર બની રહેશે.

આપણા કેથલિક ધર્મમાં વર્ષના બે ફરજિયાત ઉપવાસ છે, એક ભસ્મ બુધવારે અને બીજો શુભ શુક્રવારે. ૧૮ વર્ષની ઉંમરથી માંડીને ૬૦ વર્ષની ઉંમર સુધીનાં સૌ ભક્તો માટે તે ફરજિયાત છે. તમે માનશો? કેટલાંકથી આ બે ઉપવાસ પણ થતા નથી. મને લાગે છે કે મનની નબળાઈ છે. એક ભાઈ કહે, “ફાધર દેવળમાં બોધ શરૂ કરે એટલે મને ઊંઘ આવી જ જાય છે. બોધ શરૂ થાય એટલે મારું મન કહે છે કે મને ઊંઘ આવી જશે અને ઊંઘ આવી જ જાય છે.” મેં એ ભાઈને દવા બતાવી, “હવે બોધ શરૂ થાય ત્યારે તમારા મનને કહેવા દેજો કે મને ઊંઘ નહિ આવે.” એ ભાઈએ એ દવા વાપરી અને આજે શાંતિથી એ બોધ સાંભળી શકે છે. આપણો ધર્મ માત્ર બે જ ઉપવાસનો આગ્રહ રાખતો હોય તો આપણે એ બંને ઉપવાસ કરવા પડે. સામે પક્ષે, એવાં કેટલાંય ભક્તો છે જે તપઋતુના ચાળીસે ચાળીસ દિવસ માત્ર એક જ ટંક જમે છે. કેટલાંક તપઋતુના બધા જ શુક્રવારે ઉપવાસ કરે છે. કેટલાંક તપઋતુના બુધવારે અને શુક્રવારે ઉપવાસ કરે છે. હજી આગળ જઇએ તો કેટલાંક તો આખું વર્ષ કાં તો બુધવારે અથવા શુક્રવારે ઉપવાસ કરતાં જોવા મળે છે. ઈસુ આ સ્વેચ્છાએ ઉપવાસ કરનાર સૌને કહે છે કે તમારો ઉપવાસ પછવાડેનો ધ્યેય કયો છે એ સ્પષ્ટ કરજો. એ ધ્યેય પ્રભુને પ્રત્યુત્તર વાળવાનો હોય તો ઉમદા. તો એ ઉપવાસ ઊગી નીકળશે. જો લોકોની શાબાશી મેળવવા ઉપવાસ કર્યો હશે તો એ હવા હવા જેવી વાહ વાહ ક્યાંય અદ્રશ્ય થઈ જશે, પ્રભુની સાથે સંબંધ બાંધવાનું બાજુ પર રહી જશે અને ભૂખ્યાં રહીશું એટલું ખોટમાં.

તપઋતુના આ ચાળીસ દિવસ દરમિયાન મારામાં આમૂલ પરિવર્તન લાવવા મને જે ત્રણ સાધનો મળે છે તે છે દાન, પ્રાર્થના અને ઉપવાસ. ઉપવાસ દ્વારા જે કંઈ બચાવ્યું તે કોઈક ગરીબને દાનમાં આપું કે જેથી એને એકાદ ટંક ધરાઈને ખાવાનું મળે. શુભ શુક્રવારે પવિત્ર ક્રૂસનું ચુંબન કરી જે પાંચ પૈસા દાનમાં આપું છું એ દાન વડાધર્મગુરુ પર મોકલી આપવામાં આવે છે. આખી દુનિયામાં લગભગ ૨૫ ટકા કેથલિક છે. આ સહુ પોતાના બે પાંચ પૈસા વડાધર્મગુરુ પર મોકલી આપે છે. હવે જે રકમ એકઠી થઈ તેને વડાધર્મગુરુ ઇસ્રાયેલ દેશમાં આપણા પ્રભુ ઈસુના જીવન સંબંધિત જે પવિત્ર સ્થળો છે તેની મરામત અને માવજત માટે મોકલી આપે છે. મેં મુકેલો પવિત્ર ક્રૂસ આગળનો રૂપિયો કાલવારીના દેવળની મરામત માટે ઉપયોગમાં લેવાય છે એ મારું કેટલું મોટું અહોભાગ્ય! મારો પ્રભુ એની સીધેસીધી નોંધ લે છે. હવે મારી આજુબાજુ વાળાં એની નોંધ ન લે એ તો મારે માટે સારામાં સારું.

Changed On: 16-03-2019
Next Change: 01-04-2019
Copyright Fr. James B. Dabhi – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.