English |
ધર્મેશ અને મહેન્દ્રની ગુસપુસ વાતોથી ક્લાસનું વાતાવરણ ડહોળાઈ ગયું. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓની દ્રષ્ટિ ધર્મેન્દ્ર અને મહેન્દ્ર તરફ મંડાઈ. મારા શબ્દો મારા મોંમાં જ રહી ગયા. હું પણ અન્ય બાળકોની જેમ ધર્મેશ અને મહેન્દ્ર તરફ તાકી રહ્યો. તેમની ગુસપુસ વાતોને કળવા કોશિશ કરવા લાગ્યો. હું તેમની બરાબર નજીક ગયો એટલી વારમાં તો બન્નેમાં જીવ આવી ગયો હોય તેમ આમતેમ જોવા લાગ્યા. મને સામે ઊભેલો જોઈને જાણે કે તેઓનું પ્રાણપંખેરું ઊડી ગયું! એક નિષ્પાપી, દયામણી નજર મારા અંતરની આરપાર નીકળી ગઈ. કેવા નિર્દોષ ચહેરા! મૃદુ અવાજે મેં તેમને પ્રશ્ન કર્યો, “અમને પણ એ વાત કહો જેથી અમને પણ લાભ થાય.” ધર્મેશનું મોં સિવાઈ ગયું. મહેન્દ્રે ધર્મેશને વાત કહેવા ઈશારો કર્યો. ધર્મેશ નિરુત્તર રહ્યો. ધર્મેશના આ મૌનવ્રતથી ક્લાસમાં જાણે કે સોપો પડી ગયો.
“ફાધર...” મેં અવાજની દિશામાં નજર ફેરવી. મહેન્દ્રની ભોળી નજરે વિનવણી કરી. “હા, બોલ મહેન્દ્ર, બિલકુલ ચિંતા કરીશ નહીં.” “ફાધર, અમે જયારે પણ ક્લાસમાં આવીએ છીએ ત્યારે અમારી નજર સર્વ પ્રથમ આ ચોકડી (ક્રોસ) ઉપર પડે છે. અમે જાણીએ છીએ કે તે તો ઈસુ ભગવાન છે. પણ આમ કપડાં વગરનાં ચોકડી ઉપર કેમ ટીંગાડી દીધાં છે?”
તદ્દન સાચી વાત. ચોકડી ઉપર ટીંગાડેલો ઈસુ. આઠમા ધોરણમાં ભણતાં અને સામાન્ય હિંદુ કુટુંબમાં ઉછરતાં આ બાળકોના કુતૂહલે મને વિચારોના વંટોળમાં મૂકી દીધો. પ્રશ્નોની ઝડી વરસી. હું ચોકડીનું રહસ્ય સમજવા કોશિશ કરવા લાગ્યો.
ચોકડી એટલે જ્યાં ચારે દિશાઓનું મિલન થાય.
મિલન એટલે એકતા.
એકલતામાં અનેકતા.
એકતા એટલે પ્રેમ.
અને પ્રેમ એટલે આનંદ.
આપણે આપણાં ઘરોમાં, દેવળોમાં અને આપણાં ગળામાં ક્રોસ (ચોકડી) લટકાવીએ છીએ. આપણાં નિત્ય જીવનમાં ક્રોસનું સ્થાન અનેરું છે. નાના મોટા પ્રસંગે ક્રૂસની નિશાની કરીએ છીએ. સવારમાં ઊઠતાં, શાળા કે ઓફિસે જતાં, જમતાં પહેલાં કે રાત્રે સૂતીવખતે, પ્રાર્થનાના આરંભે ક્રૂસની નિશાનીથી મંગલાચરણ કે પૂર્ણાહુતિ કરીએ છીએ. ક્રોસ ઈસુના જીવનનું પહેલું સ્થાન. ઈસુએ આપણને ક્રોસ આપ્યો છે; અપાવ્યો છે. ઈસુએ એના જીવનનો દુઃખોથી લદાયેલો ક્રોસ આપણને નથી આપ્યો. ઈસુએ તો આપણને પાવન ક્રોસ આપ્યો છે. એ ખૂદ લટકી ગયો અને આપણને ઉગારી લીધાં. વેઠ્યો અંગાર અને વર્ષાવ્યો ફૂલોનો વરસાદ. અંધકાર લઈ ગયો અને પ્રકાશને છોડતો ગયો. મૃત્યુને ભેટી જીવનનો તાજ મૂકી ગયો. કોને માટે? એને તો એની જરૂર ન હતી. એ તો ખૂદ જીવન છે પણ એ તો આપણે કાજે.
ઈશ્વર સર્જીત જીવન ઘણું અદભૂત છે. મનમાં ઘણીવાર પ્રશ્ન થાય ‘માનવી પૂર્ણ કે અપૂર્ણ?’ જવાબ આપવો ઘણો જ મુશ્કેલ છે. માનવીની વિચાર શકિતની હદ હોય છે. માનવી પોતાના જીવનમાં અપૂર્ણતાનો અનુભવ કરે છે. પૂર્ણતાને પામવા અગાધ પ્રયત્ન કરે છે. પૂર્ણતાને પામવા પૂર્ણતા તરફ દોટ મૂકે છે. ઈશ્વર પૂર્ણ છે. ઈશ્વર સિવાયનું સર્વ અપૂર્ણ છે પણ એક વાત ચોક્કસ છે કે પૂર્ણ બનવા માટે ઈશ્વરે માનવીને શક્તિઓ આપેલી છે. ઈસુ અપૂર્ણ માનવી તરીકે આવ્યા પણ પરમપિતાની કૃપા અને પોતાનાં જીવન અને કાર્યોથી પૂર્ણતાને પામી શક્યા. પૂર્ણતાનાં શિખરો સર કરવા મનોબળ જોઈએ, ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા જોઈએ. ઈસુની જેમ જીવન જીવવું પડે. બીજાને ખાતર દુઃખનો તાજ પહેરી સુખનો તાજ જીતી આપવો જોઈએ. જેમ ઈસુએ ધૃણાજનક ક્રોસ ઉપર લટકીને જીવન જીતી લીધું. તેમ આપણ સર્વને જીવન જીતવાનું આમંત્રણ છે. આપણ સર્વને ક્રોસ મળેલ છે. હવે તે ક્રોસને ધન્ય બનાવવો કે તેમાં વધારે ખીલા ઠોકી દેવા આપણા હાથની વાત છે.