બાઇબલમાં અહિંસા (ફાધર વિનાયક જાદવ, એસ. જે.)

જગતના બે મહાન અહિંસાવીરોનાં પર્વો

મહાવીર જયંતી અને ગુડફ્રાઇડેનો સુયોગ આ વર્ષે એક જ સપ્તાહમાં રચાયો. એક અહિંસા પરમો ધર્મ એમ પ્રબોધનાર ભગવાન મહાવીરનો જન્મોત્સવ છે તો બીજો ક્રોસ પરથી ઈતિહાસનાં અમર ક્ષમા વચનો “હે પિતા, આ લોકોને માફ કર; પોતે શું કરે છે એનું એમને ભાન નથી.” ઉચ્ચારનાર પ્રભુ ઈસુનો માતમદિન. મહાવીરે પોતાનાં તપ, ધ્યાન અને ઉપદેશ વડે અહિંસાને ધર્મના કેન્દ્રસ્થાને સ્થાપી. ઈસુએ પોતાનાં જીવન, કવન અને આહુતિ થકી અહિંસામૂલ પ્રેમ પ્રબોધ્યો. જગતભરના ૧૧૦ કરોડ ખ્રિસ્તીઓ ક્રોસની નિશાની કરે છે ત્યારે અહિંસાના પરમપ્રતીક સમા ક્રોસને વંદન કરે છે, ઈસુના મહાન અહિંસા પાઠને સવંદન સ્મરે છે.

ઈસુના વખતમાં ક્રોસ ધૃણાજનક ગણાતો. ફાંસીની સજા પામેલની શૂળી તરીકે એને અડવાથી માણસ અભડાઈ જતો. એક વધસ્તંભ વધ અર્થાત હિંસાની નિશાની મટી અહિંસાનું સ્મારક કેવી રીતે બન્યો? ખીલા અને કાંટાના મુંગટ જેવાં ક્રૂરતા અને ધૃણાનાં પ્રતીકો ધરાવતો ક્રોસ પાવન બન્યો અને પૂજાવા લાગ્યો એના અહિંસાના પદાર્થપાઠને લીધે. ઈસુએ મૂંગે મોંએ જે આરોપ, અન્યાય, અપમાન, અસ્વીકાર અને અત્યાચાર સહ્યાં એ પછવાડેનાં નિ:સ્વાર્થ પ્રેમ અને ઈશ્વર પરાયણ પરોપકારી ભાવના ક્રોસ યાદ દેવરાવે છે. ક્રોસ થકી એક હિંસાચક્રમાં રુકાવટ આવે છે. ‘આંખને સાટે આંખ’ અને ‘દાંતને સાટે દાંત’ના જગતના વેર અને બદલના ક્રમમાં પરિવર્તન આવે છે. એટલે જ ક્રોસ અતિ વંદનીય અને પૂજનીય ગણાય છે. એ પર લટકતા અહિંસામૂર્તિ કે કરુણામૂર્તિ ઈસુ જગતમાં અહિંસાનો અમર વારસો મૂકતા ગયા. ઈસુએ હિંસાનાં જૂજવા અને સૂક્ષ્મરૂપો પીછાન્યાં, પડકાર્યા અને પછાડયાં. જ્યાં જ્યાં તેમણે જીવનનો નાશ થતો ભાળ્યો ત્યાં હિંસા ભાળી અને વિનાશને રોકી લઈને જીવનને બચાવતી અહિંસા આચરી-પ્રબોધી. અહિંસા થકી ઈસુએ સર્વત્ર જીવન પ્રગટાવ્યું-પેટાવ્યું.

૧. આચારસંહિતા

હિંસાનું સૌથી પ્રગલ્ભ અને સૌને નરી નજરે દેખાતું રૂપ છે ભૌતિક કે શારીરિક હિંસા. જ્યાં દેહહિંસા, કાયાચ્છેદ કે શરીરલોપ અકુદરતી રીતે અને અશુભ ભાવનાથી થાય છે ત્યાં ભૌતિક હિંસા આચરાય છે. ઈસુનો સંદેશ સ્પષ્ટ હતો. એને કવિના શબ્દોમાં કહીએ તો –.

“હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં
લડો પાપો સામે, વિમલ દિલના ગુપ્ત બળથી.”

એટલે જ પ્રભુ ઈસુની ધરપકડ કરવા આવનારનો કાન જયારે એમનો શિષ્ય તલવારથી કાપી નાંખે છે ત્યારે ઈસુ શિષ્યને રોકે છે. “તારી તલવાર પાછી મ્યાન કરી દે. જે કોઈ તલવાર ઉગામે છે તે તલવારથી નાશ પામશે” (માથ્થી ૨૬-૫૨). ઈસુએ પોતાના ઉપદેશમાં પણ દેહહિંસાના રૂપક વડે હિંસાને એના સર્વાંગીરૂપમાં પડકારવાનું પ્રબોધન કર્યું. “જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તેની આગળ બીજો ધરવો.” (માથ્થી ૫-૩૯). “તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો” (માથ્થી ૫-૪૪). ઈસુની અપકાર ઉપર ઉપકારની ભાવના અહિંસાનો કેન્દ્રીય વિચાર છે. મોક્ષપ્રાપ્તિનો માર્ગ સૂચવવા ઈસુ ભલા શમરૂનીનું જે દ્રષ્ટાંત આપે છે તે સાહિત્યમાં પણ ‘ગુડ સમારીટન’ની કથા તરીકે અત્યંત પ્રસિદ્ધ છે: આખરે ઈજાગ્રસ્ત વટેમાર્ગુની સારવાર કરનાર ભલો શમરૂની જ સ્વર્ગનો અધિકારી ઠરે છે.

૨. વિચાર હિંસા

દેહ વડે કે દેહ પર આચરાતી હિંસાનું સ્વરૂપ સ્થૂળ છે પરંતુ મન કે વિચારથી આચરાતી હિંસા સૂક્ષ્મ છે જે પ્રચ્છન્ન છે અને નરી આંખે દેખાતી નથી. ઈસુ હિંસાનાં આવાં વરવાં અને છેતરામણાં રૂપોને પણ પારખે છે: વેરઝેર, કામક્રોધ, અહં-અભિમાન, નફરત, તિરસ્કારમાં પ્રગટતાં મનોવલણો પણ એટલાં જ કાતિલ હોઈ શકે. સામે છેડે નમ્રતા, દયા, સહિષ્ણુંતા, ક્ષમા અને સમાધાન એટલાં જ ગુણકારી અને જીવન શાતાદાયક નીવડી શકે એ પરત્વે ઈસુ સંપૂર્ણ સભાન હતા. “આંખ સાટે આંખથી તો આખી દુનિયા અંધ બની જશે” એમ કહેનાર મહાત્મા ગાંધીજી ઈસુના જે ગિરિપ્રવચનથી અત્યંત પ્રભાવિત હતા તેમાં અહિંસાનો મહામૂલો પાઠ છે: નમ્ર, દયાળુ, શાંતિના સ્થાપકો તેમજ ધર્મને ખાતર જુલમ વેઠનારાને ઈસુ પરમસુખી કહે છે ત્યારે ઈસુ અહિંસક મનોવલણો આચરવાનો અનુરોધ કરે છે. “મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે, અને જાતજાતનાં આળ મૂકે ત્યારે તમે પોતાને પરમસુખી માનજો.” (માથ્થી ૫, ૧૧). મનથી થતી હિંસા બાબતે ઈસુ સ્પષ્ટ અને આકરું વલણ અપનાવે છે: “જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે.” (માથ્થી ૫, ૧૧). ઈસુ આગળ કહે છે “વેદી ઉપર નૈવેધ ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સાથે કઈ ફરિયાદ છે, તો તારું નૈવેધ વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે, અને ત્યારપછી આવીને નૈવેધ ધરાવજે.” સાચું ક્રિયાકાંડ અહિંસા છે, એ વિનાનાં કર્મકાંડો પણ એક હિંસા જ છે.

૩. વાણી હિંસા
કવિએ સાચે જ કહ્યું છે:
મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ,
ઘોડો ભાંગ્યો ખેડતાં, નહીં સાંધો, નહીં રેણ.

જગતની સર્વ હિંસાઓના પાયામાં શબ્દોનો અત્યાચાર સૌથી વ્યાપક છે. શબ્દો મન ભાંગે, ઘર ભાંગે ને કુટુંબને છિન્નભિન્ન કરી નાંખે. શબ્દોનો સ્ફોટ ત્રાસવાદીઓના વિસ્ફોટથી પણ વિઘાતક છે. કબીરને એટલે જ કહેવું પડ્યું હશે: .

શબદ શબદ શું કોઈ કહે, શબદ કે ન હાથ ન પાંવ.
એક શબદ ઔષધ કરે, દૂજો કિયે ઘાવ.

પ્રભુ ઈસુએ વાણીની વિનાયક શક્તિને પારખી અને જીહ્યા થકી આચરવામાં આવતી હિંસા સામે સહુને ચેતવ્યા. જગતની પારાવાર વિટંબણાઓ જો માનવી શબ્દનો સચોટ, જવાબદારીપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરે તો અડધી ઉકલી જાય. વાણીની હિંસા વિશે ઈસુએ માર્મિક બોધ આપ્યો છે: “જે મોઢામાં જાય છે તેનાથી માણસ અભડાતો નથી, પણ જે મોઢામાંથી બહાર નીકળે છે તેનાથી અભડાય છે” (માથ્થી ૧૫, ૧૧). ગોસીપના યુગમાં ગાળ-ગપ્પાં, નિંદા-કૂથલી કે મ્હેણાં-ટોણાં વડે સમાજમાં જે “ઈમોશનલ અત્યાચાર” આચરાય છે તે સામે ઈસુનાં વચનો ઔષધ સમાન છે.

“જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે” (માથ્થી ૫, ૨૨). ખ્રિસ્તી ધર્મની દસ પ્રભુખ આજ્ઞાઓમાંથી બે તો વાણી દ્વારા થતી હિંસાને અનુલક્ષીને છે: જુઠી સાક્ષી ન પૂર. વાણીવિલાસ અને વાગાડંબર સામે પણ ઈસુ રાતી આંખ કરે છે: “તમારે ફક્ત હા તો હા અને ના તો ના જ કહેવું.” વાણી વિષયક અપ્રમાણિકતાઓ અને આડંબરોથી આધુનિક જગત ખદબદે છે. એટલે જ પત્રો કે લખાણોને અંતે yours truly કે Sincerelyની સાબિતિ આપવાની જરૂર લાગે છે. ‘સચકા સામના’ જેવી ધારાવાહિકો વડે વિશ્વના સત્ય આંક (Truth Quohiert)ને માપવો પડે છે. પોતાની પર મુકાયેલાં જુઠ ને આળઆરોપોનો પ્રત્યુત્તર ઈસુ અત્યંત સંયમી વાણી દ્વારા આપે છે. “મેં જો કાંઈ ખોટું કર્યું હોય તો સાબિત કરો; પણ જો હું સાચું બોલ્યો હોઉં તો શા માટે મને મારો છો?” (યોહાન ૧૮, ૨૩). બેફામ વાણીના અસંયમી વ્યવહારોથી આચરાતી આધુનિક હિંસાઓ સામે ઈસુનું દ્રઢ મિતાક્ષરીપણું વાણીની અહિંસાનો ઉમદા આદર્શ છે. કબીરની હિંસા પ્રત્યેની અત્યંત સંવેદનશીલ બાનીમાં ઈસુના એ આદર્શનો પડઘો છે.

એસી બાની બોલીએ મનકા આપા હોય.
ઔરનકો શીતલ કરે, આપ હુ શીતલ હોય.

૪. વલણહિંસા

માનવહિંસાના પહાડમાં વલણહિંસા એ હિમશિલાનો ગોપિત ભાગ છે. ગુપ્ત વલણો સર્વ પ્રગટ હિંસાઓનું મૂળ છે. માનવચિત્તની ચાલાકીઓ ને ચતુરાઈઓ, પ્રપંચો ને પેંતરાઓ, ગોઠવણીઓ ને ગણતરીઓ, રમતો ને દાનતો, શતરંજો ને વ્યૂહરચનાઓ, ઈરાદાઓ ને મુરાદો એવાં જટિલ હોય છે કે એ ગૂંચના છેડા જ ન જડે. ઈસુ માનવની હિંસક વૃત્તિઓને પણ નિશાન બનાવે છે. સર્વ હિંસક આચારો ને વ્યવહારો પાંગરે છે મનના ખૂણે આચરાતી કોઈક હિંસક પ્રવ્રુતિમાંથી. એટલે જ કોઈકે કહ્યું છે કે વિશ્વનાં મહાયુદ્ધો રણમેદાન પૂર્વે કોઈક હિંસકના મનમાં ખેલાયાં હશે. હિંસાનું બાહ્ય સ્વરૂપ તો એ મનોહિંસાનું પ્રગટરૂપ છે, આત્મભાવ છે. સંસારમાં જયારે “વહેમનું કોઈ ઓસડ નથી” એમ કહેવાય છે ત્યારે કોઈકના મનમાં ઘાલી આપેલ એક વહેમ કેવાં ભલભલાનાં ઘર ભાંગે છે એ વાતનું સમર્થન થાય છે. ઈસુ વ્યભિચારી સ્ત્રીને પથ્થરે મારી નાંખવા ઉત્સુક લોકટોળાંને કેવાં ટકોરે છે. “તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથરો મારે” (યોહાન ૮.૭) લોકટોળાંની હિંસાનું મૂળ ઈસુ પારખે છે અને દંભીવૃત્તિરૂપ જડને ઉખેડી નાંખે છે. લોકોના ધાર્મિક વલણ થકી જ નહીં, સામાજિક વલણો થકી આચરાતી હિંસાને પણ ઈસુ પડકારે છે. હલકી ગણાતી શમરૂની જાતિની બાઈ પાસે કૂવાકાંઠે જળયાચના કરીને ઈસુ સમાજના અસ્પૃશ્યતા વિષયક હિંસક વલણ પર કુથારાઘાત કરે છે. ઈસુ પ્રેમને જ પરમધર્મ તરીકે સ્વીકારીને, સાધ્ય તરીકે સ્થાપીને અન્ય સર્વ સાધનોમાં રહેલી હિંસાની સંભવિતતાઓને ખતમ કરી નાંખે છે. આખરે પ્રેમનું વલણ જ સર્વ કૃત્યને હિંસા કે અહિંસામાં ફેરવવાનો આખરી માપદંડ છે. એટલે, સાધ્ય જ નહીં, સાધન પણ અહિંસક અને શુદ્ધ હોવા જરૂરી બને છે. મનસા, વાચા, કર્મણા, સર્વની શુદ્ધીજ અહિંસાનો અખૂટ સ્તોત્ર છે.

ઉપસંહાર

મહાત્મા ગાંધીજીના અહિંસા વિચારો અને સત્યાગ્રહ સિદ્ધાંતો પર ભગવાન ઈસુના અહિંસક વલણનો ઊંડો પ્રભાવ હતો. ૧-૧-૧૯૩૦ના ‘હરિજનબંધુ’ના પાન ૩૪૪ પર ગાંધીજી કહે છે: “ઈસુખ્રિસ્ત પણ એક આખા સામ્રાજ્યની તાકાતનો સામનો કરતાં કરતાં પોતાને માથે કાંટાનો તાજ પહેરીને ક્રોસ પર ચડ્યા અને મૃત્યુ પામ્યા; એટલે જો હું અહિંસાત્મક પ્રતિકારો ઊભા કરતો હોઉં, તો તેનો અર્થ એટલો જ થાય છે કે મારા ટીકાકારે જે મહાન ઉપદેશકોનાં નામ દીધાં તેમને પગલે પગલે જ હું નમ્ર ભાવે ચાલી રહ્યો છું.” ઈસુના તર્કમાં અહિંસાપ્રેમની એક ક્રાંતિ છે, કરુણામય ઉત્ક્રાન્તિ છે. અહિંસા સાધન નથી, બલ્કે સ્નેહનું અમોધ સાધ્ય છે. પ્રેમસ્વરૂપ ઈશ્વરપિતામાં અટલ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. ક્ષમાપના અહિંસાનો પડઘો છે અને કલ્યાણ એનું અમર ફળ છે. ઈસુપ્રબોધિત અહિંસા માર્ગ અને અહિંસા વાણી આધુનિક માનવની ઘાયલ ચેતનાને સંજીવનીરૂપ-રુઝકારી ઉપચાર છે. શું આપણે ‘ઇસુગીરી’ અપનાવીશું?

Changed On: 16-04-2019
Next Change: 01-05-2019
Copyright Fr. Sunil Solanki, SJ - 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.