જીવનનો પ્રખર પૂજારી : યોહાન (ભાગ–૧) (ફાધર વિનાયક જાદવ, એસ. જે.)

ઈસુના બાર શિષ્યમાનો એક હોય કે ઈસુના વહાલા શિષ્ય યોહાનના શિષ્ય મંડળમાંનો એક હોય, યોહનનો શુભસંદેશ લખનાર મહાત્માએ શું ઈસુને અમર બનાવી દેવા ખાતર જ લખ્યું છે. ૨૦:૩૧માં એ સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે: ‘ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે એવી તમને શ્રદ્ધા બેસે એટલાં સારું જ નહી પરંતુ એ શ્રદ્ધાને બળે તમે તેમને નામે જીવન પામો’ એ માટે ઈસુના જીવનવૃતાંતને જીવનલક્ષી દ્રષ્ટિકોણથી મૂલવીને રજૂ કરાયું છે. આમ યોહનનો શુભસંદેશ જીવનની કહાની છે. અમર જીવનની ખુશખબર છે. એનો લખનાર ખરો જીવનનો પૂજારી ને વર્તમાનનો ઉપાસક હોવો જોઈએ. ઇસુનું જીવનકાર્ય: ‘હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે, અને ભરપટે મળે’ (૧૦:૧૦) લેખકના આ સુંદર દ્રષ્ટિકોણની સાક્ષી પૂરે છે.

ભરપૂર જીવન કોને કહેવાય? યોહાનના મતે ભરપૂર જીવ્યા એને કહેવાય જે ઈસુની જેમ જીવ્યા. ઈસુના જીવનના સંદર્ભે યોહાન ભરપૂર જીવની વિશેષતાઓ દર્શાવી જાય છે. ‘હું જ સત્ય, માર્ગ અને જીવન છું.’ ‘હું જ પુનરુત્થાન છું એવું ઈસુના મુખે ટાંકીને યોહાન ઈસુને જીવનના માપદંડ તરીકે રજૂ કરે છે.

અંતરનો આનંદ

દ્રાક્ષના વેલાના રૂપક બાદ ઈસુ કહે છે કે, ‘આ મેં તમને એટલા માટે કહ્યું છે કે, જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે’ (૧૫:૧૧) યોહાનના શુભસંદેશને ‘પરચાની પોથી’ અર્થાત સંકેતોનો ગ્રંથ કહ્યો છે. વિવિધ પરચાઓ દ્વારા અડધુંપડધું જીવન જીવી રહેલાં વિકલાંગો કે જીવન પૂરેપૂરું ગુમાવી બેઠેલા લાઝરસ જેવા મૃતજનોને ઈસુ જીવન પાછું મેળવી આપે છે. એમનો લૂંટાઈ ગયેલો આનંદ પાછો મેળવી આપે છે. લગભગ ૧ થી ૧૨ પ્રકરણો પરચાનાં પ્રકરણો છે જેમાં જુદા જુદા શબ્દો ને પ્રતીકોમાં એ જ વાત દોહરાતી આવી છે કે ઈસુ ભૌતિક શારીરિક મુશ્કેલીમાં ગુંગળાઈ ગયેલા અંતરના આનંદને મુક્ત કરે છે. એ આનંદ વિના જીવન લંગડાતું, કુટાતું ને ખોડંગાતું જીવન છે. મરેલું જીવન છે. ઈસુ અંતરના આનંદને ફરી ખીલતો મ્હેકતો કરે છે. લાઝરસના સજીવન થવાથી મ્હોરી ઊઠેલો આનંદ છ દિવસ પછી ઈસુના માનમાં લોકોએ યોજેલા ભોજન સમારંભમાં વ્યક્ત થાય છે. હરખપદુડી મરિયમ અસલ જટામાસીનું અત્યંત કીંમતી એક શેર અત્તર ઈસુના ચરણે લગાડે છે. સાજો થઈ ગયેલો અંધ આનંદનો માર્યો ઘેલો ઘેલો થઈ જાય છે. ‘હું તો એટલું જ જાણું છું કે આંધળો હતો છતાં અત્યારે દેખું છું’ દેખ્યાનો દેશ જેનો છીનવાઈ ગયો હતો તેને પ્રકાશની સુષ્ટિ પાછી મેળવી આપીને ઈસુ એના અંતરને આનંદથી છલકાવી દે છે.

યોહાનના ગ્રંથમાં ભરપૂર જીવનની ખરી નિશાની તરીકે અંતરના આનંદને મૂલ્ય તરીકે આપણી સમક્ષ ધરવામાં આવે છે. ઈસુ ખુદ એનો આદર્શ પૂરો પાડે છે. અંતરનો આનંદ એ માત્ર બાહ્ય સપાટીનો ઊભરો નથી કે જે સારી પરિસ્થિતિમાં ઊભરાય અને કપરી સ્થિતિમાં શમી જાય. એનાં મૂળ બાહ્ય પરિસ્થિતિઓમાં નથી પરંતુ અંતરની સાચી ઓળખમાં છે અને એટલે ક્રૂસને ભેટવા જતા ઈસુને યોહન રોદણાં રડતા ચીતરતા નથી બલ્કે ખુમારીભેર, ગૌરવભેર મર્દની પેઠે સત્યની સાક્ષી પૂરવા, વીર શહાદતને વરવા જતા એક બાહોશ જીવનમુક્ત તરીકે આલેખે છે. સમાંતર શુભસંદેશમાં જોવા મળતાં ઈસુની પીડા, લાચારી, લોહીનો પસીનો, ભય ઉદ્વેગ કે ક્રૂસ પરથી ઉચ્ચારાયેલાં એકલતા અને નિ:સહાયતાનાં વચનો કે વર્ણનો યોહન વાપરતા નથી. એ પાછળ જે વિશિષ્ટ પ્રયોજન છે તે આ જ છે કે ઈસુ ક્રૂસને ભેટવા જતાં બાહ્ય ભૌતિક, શારીરિક કે માનસિક સ્થૂળ પીડા વેઠે છે પરંતુ એમનો આત્મા, એમનું અંતર તો સાત્વિક સૂક્ષ્મ આનંદ અનુભવે છે. સત્યની સાક્ષીનો આનંદ, પરોપકારી પ્રેમની પરાકાષ્ટાનો આનંદ. એમના દિલમાં કશો જ રંજ નથી. અંતરમાં કોઈ અફસોસ નથી, આથી જ યોહાન ઈસુને પિલાત સમક્ષ ઝાઝો બચાવ પણ ન કરનાર મૂક વીર તરીકે આલેખે છે. હારેલો ગુનેગાર નહીં પરંતુ વિજયવંત સત્યનો શહીદ જ ઈસુનું યોહાનને અભિપ્રેત ચિત્ર છે. આથી જ પ્રકરણો ૧૩ થી ૨૦ ને ‘મહિમાની પોથી’ કહ્યાં છે. કે જેમાં ક્રૂસના માર્ગને હાર ને નિરાશા ભર્યા માર્ગ કરતાં વિજય અને આશાના રાહ તરીકે ચીતર્યો છે. ઈસુની નામોશી નહીં બલ્કે ભવ્ય મહિમા આલેખાયો છે. વિદાય વચનોનું પ્રયોજન પણ ‘લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકે’ એ જ છે (૧૭: ૧૩).

આમ ભરપૂર જીવન એટલે સર્વ સ્થૂળ ભૌતિક સ્થિતિઓથી પર એવો સૂક્ષ્મ સાત્વિક અંતરનો આનંદ જે સ્થળ કાળની મર્યાદાઓથી પર છે, જે શાશ્વત છે જેને ‘ચોર ચોરી લઈ જઈ શકે નહીં’ કે ‘ઉધઈ ખાઈ જઈ શકે નહીં’. આવા આનંદને મૂલ્ય તરીકે જીવી બતાવીને ઈસુ ખરા જીવનના પૂજારી છે એવું યોહાન પોતાના ભાવકોને બતાવવા માંગે છે. પ્રસૂતિ અને વેદના તેમજ જન્મ અને આનંદના રૂપક વડે ઈસુ ‘કોઈ લૂંટી નહીં શકે’ એવા હરખની વાત કરે છે. (૧૬:૨૧)

પૂર્ણ શાંતિ

છેલ્લા ભોજનનો દાખલો સુખી થવાના માર્ગરૂપે જ બેસાડે છે (૧૩:૧૭).
ભરપૂર જીવનની બીજી નિશાની એટલે દિલની ઊંડી શાંતિ, હિલ્લોળે ચડેલા ગાંડા દરિયાની સપાટી પર ભલે તોફાની મોજાંની થપાટો હોય પરંતુ પેટાળનું તો પાણી ય હાલતું નથી. એ શાંતિનું મૂળ ક્યાં છે તે આપણે પાછળથી જોઈશું પણ જીવનના આરોહઅવરોહ મધ્યે અડીખમ ઊભા રહેવાની સ્થિરપ્રજ્ઞતા કે ઠરેલપણું પણ યોહાન ઈસુના જીવનના સંદર્ભમાં મૂલ્ય તરીકે આપતા જાય છે.

‘હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું. મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપતો જાઉં છું તે સંસાર આપે છે તેવી નથી. તમારાં હૃદયને અસ્વસ્થ થવા દેશો નહીં તેમ હિમત પણ હારશો નહીં (૧૪:૨૭) ‘તમારાં અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં (૧૪:૧) કે સજીવન થયેલ ઈસુની સંબોધન શુભેચ્છાઓ ‘તમને શાંતિ હો’માં ઈસુને શાંતિ અર્થાત્ અંતરની સ્વસ્થતાને ભરપૂર જીવનની લાક્ષણિકતા તરીકે રજૂ કરતા યોહને આલેખ્યા છે. ઉપરાંત ‘આ બધું મેં તમને એટલા માટે કહ્યું કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે’ (૧૬:૩૩) કે પિલાત સમક્ષ પણ પોતાના બચાવ ખાતર કશાય ધમપછાડા કર્યા વિના કે હવાતિયાં માર્યા વિના મૂક રહેનાર ઈસુ પોતાના અંતરમાં રહેલ એ ઊંડી શાંતિની જ સાક્ષી પૂરે છે. (ક્રમશ:)

Changed On: 01-05-2019
Next Change: 16-05-2019
Copyright Fr. Vinayak Jadav, SJ - 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.