જીવનનો પ્રખર પૂજારી : યોહાન (ભાગ–2) (ફાધર વિનાયક જાદવ, એસ. જે.)

૩. નિ:સ્વાર્થ પ્રેમ

ભરપૂર જીવન માત્ર વ્યકિતની પોતાની શાંતિ અને અંગત આનંદ પૂરતું મર્યાદિત નથી. અંતરનો આનંદ અને ઊંડી શાંતિ એ તો વ્યકિતગત કક્ષાએ થતો ભરપૂર જીવનનો અનુભવ છે પરંતુ આનંદ અને શાંતિ માત્રમાં જ ભરપૂર જીવનનો અનુભવ પૂરેપૂરો સમાઈ જતો નથી. ભરપૂર જીવનના અનુભવમાં શુદ્ધ સાત્વિક નિ:સ્વાર્થ પ્રેમ પાયારૂપ છે. પ્રેમના એ અનુભવ વિના આનંદ કે શાંતિ અનુભવાતી નથી. એ બધાં વિના ભરપૂર જીવન અનુભવાતું નથી. આમ પ્રેમ એ જીવનનો પાયો છે. એ પ્રેમના મૂળની વાત આપણે પણ કરીશું પણ એ પ્રેમની પ્રકૃતિ વિશે વાત કરી લઈએ.

ભરપૂર જીવનની નિશાની રૂપે જે પ્રેમની વાત યોહન કરે છે તે છે બીજાને ખાતર જાતને ખાલી કરી નાંખતો પ્રેમ, હુંપદને ગાળી નાખતો પ્રેમ, શૂન્યમાં મુકામ નાખતો પ્રેમ. ઈસુ એ પ્રેમનું વિચારમાં જ નહી પરંતુ આચાર દ્વારા પણ સમર્થન કરી બતાવે છે. ‘સાચો ગોવાળ પોતાનાં ઘેટાં ખાતર પ્રાણ પાથરે છે.’ ‘માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહિં’. બીજાને ખાતર પ્રાણ પાથરવા એ ‘પ્રેમની પરાકાષ્ટા’ છે. (૧૩:૧).

ચમત્કારોમાં ઈસુનો પ્રેમ છે પણ પરાકાષ્ટા નથી. ચમત્કારોમાં પરોપકાર છે. પરાથૅ છે. બીજાનું ભલું કરતી ઉમદા સેવાભાવના છે. અનેક વિરોધ વંટોળ વચ્ચે જાતનો ભોગ આપીને, વેર વહોરીને પણ પ્રેમનો પરચો બતાવતી હિંમત છે. પરંતુ પરાકાષ્ટા તો ક્રૂસ પર જ આવે છે. એ લાચાર, નિ:સહાય ઈસુનો પરાણે વ્યકત કરેલો પ્રેમ નથી. પરંતુ રાજીખુશીથી ગૌરવભેર સ્વેચ્છાથી ને ખુમારીથી વ્યક્ત થયેલો પ્રેમ છે એટલે એમાં પરાકાષ્ટા છે. પ્રેમની એથી ઊંચી માત્રા ન હોઈ શકે. દિલથી પ્રાણ પાથરે છે. ફાંસીએ લટકાવાતા ગુનેગારની જેમ પરિસ્થિતિની લાચારી નથી. છટકવાનો પ્રયાસ નથી કે નથી કોઈ પલાયનવૃત્તિ.

શિષ્યો સાથેના અંતિમ વિદાય-વાર્તાલાપમાં ઈસુ પોતાના શિષ્ય એંધાણી તરીકે પ્રેમને જ આગળ ધરે છે. પરસ્પર પ્રેમ એ જ ઈસુના શિષ્યની ખરી ઓળખ, આગવી અસ્મિતા. યોહાન ઈસુનો વહાલો શિષ્ય હતો. લાઝરસ તેમનો મિત્ર હતો. માર્થા, મરિયમ ને લાઝરસ પર તેમને પ્રેમ હતો. પ્રેમમાં એમનું દુઃખ જોઈને ઈસુ ઊંડો નિ:સાસો નાંખે છે. એમનું અંતર વલોવાય છે ને આખરે રડી પણ પડે છે. ઈસુ પિલાત સમક્ષ કે ક્રૂસ ઉપર રડી પડતા નથી પણ બીજાને ખાતર આંસુ સારે છે.

આમ, પોતાના ચમત્કારો વડે ઈસુ પરોપકારનાં, બીજાનું ભલું કરવાનાં, કામો વડે પ્રેમનું આરંભબિંદુ દર્શાવે છે. એ પ્રેમમાં પણ ભરપૂર જીવનનો અનુભવ છે પરંતુ ભરપૂર જીવનની પરાકાષ્ટા તો એ પ્રેમની પરાકાષ્ટામાં જ અનુભવાય. ઈસુ પોતે જ ગૌરવભેર ને રાજીખુશીથી પોતાના પ્રાણ પાથરીને ભરપૂર જીવનની પરાકાષ્ટા શેમાં છુપાયેલી છે તે માનવીને બતાવી આપે છે. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’. પૂરેપૂરા માનવી બની જવું એટલે શું એનો ઉત્તર શોધનારે ક્રૂસ ભણી દ્રષ્ટિ કરવી રહી. આખરે પુનરુત્થાનના પ્રતીકમાં ક્રૂસ વડે ભરપૂર જીવન કેવી રીતે મળે છે એ સ્પસ્ટપણે સમજાઈ જાય છે. પુનરુત્થાન એ પ્રેમની પરાકાષ્ટામાં પ્રાપ્ત થતી ભરપૂર જીવનની પરાકાષ્ટા છે. એવા ભરપૂર જીવન સમક્ષ મોત પણ હારી જાય છે. ઘઉંના દાણાના મરી જવામાં જ મબલક પાકની શક્યતા છે. મબલક પાક એટલે ભરપૂર જીવન.

૪. સંઘની એકતા:

અંતરના આનંદ, પૂર્ણ શાંતિ કે નિ:સ્વાર્થ પ્રેમમાં વ્યકિત જે ભરપૂર જીવન જીવતા હોવાનો અનુભવ કરે છે એ હજીયે એકલપટો અનુભવ છે. વ્યકિતએ એકલા એકલા કરેલો અનુભવ છે. ભરપૂર જીવનનો અનુભવ પરસ્પર સંબંધોમાં થાય છે. પરસ્પર સંબંધો વિના આનંદ, શાંતિ કે પ્રેમનો અનુભવ અધૂરો છે. જીવનનો અનુભવ તો જ થાય જો અંતરના આનંદ, શાંતિ અને પ્રેમમાં એકબીજાને સહભાગી બનાવીએ. એકબીજાને સહભાગી બનાવવાથી આનંદ, પ્રેમ ને શાંતિ બેવડાય છે. આમ બધાએ સાથે મળીને કરેલો આનંદ, પ્રેમ ને શાંતિનો અનુભવ આખરે વ્યકિત માટે અંગત રીતે જ નહી પણ આખા સમાજનો ભરપૂર જીવનનો અનુભવ બની રહે છે. દા.ત. સમાજમાં બધાં જ ગરીબ હોય ત્યાં લગી એક શ્રીમંત કુટુંબનો ભરપૂર જીવનનો અનુભવ હંમેશા અધુરો રહેવાનો. ઘરમાં બધાં જ માંદાં હોય ત્યાં લગી એકાદ સભ્યનો તંદુરસ્તીનો અનુભવ અધુરો જ રહેવાનો.

ઈસુ ભરપૂર જીવનના અનુભવ માટે સંઘની એકતાને પણ આવશ્યક ગણાવે છે. પરસ્પરતાને એનો આંતરિક ગુણ માને છે. દ્રાક્ષના વેલાની ડાળીઓ એક જ વેલાને વળગી ન રહે તો સૂકાઈ જાય છે. પુષ્કળ ફળ આપી શકતી નથી. ડાળીઓ પરસ્પર અસ્તિત્વમાં જ ફળ આપી શકે. એકબીજાને પૂરક રહીને જ ભરપૂર જીવન જીવી શકે. અલગ રહીને નહીં. પરસ્પર પ્રેમ રાખવામાં જ જીવનની સાર્થકતા છે. ઈસુના સાચા શિષ્યની નિશાની છે. ‘તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ’ કહીને ઈસુ પરસ્પર પ્રેમ, સેવા, એકતાના સંબંધે બંધાઈ રહેવામાં જ ભરપૂર જીવનનો અનુભવ છુપાયેલો છે એ વાત પ્રતિપાદિત કરે છે. છેવટે ઈસુના બલિદાનનો હેતુ પરસ્પર સંઘમાં જીવતા કરીને લોકોને ભરપૂર જીવન આપવાનો હતો એ વાત યોહાન કરે છે: ‘પ્રજાને ખાતર ઈસુએ મરવાનું છે. અને તે કેવળ પ્રજાને ખાતર જ નહિ પણ ઈશ્વરનાં વેર વિખેર પડેલાં સંતાનોને એક કુટુંબમાં ભેગાં કરવા ખાતર’ (૧૧:૫૨).

આમ સંઘમાં રહીને જ, સંઘ દ્વારા ને સંઘ ખાતર ને સંઘના જ થઈને જીવવાથી ભરપૂર જીવનનો અનુભવ થાય છે એ વાત યોહાન ઈસુના જીવન ને કવન દ્વારા સંઘ ભાવનાનો પુરસ્કાર કરાવીને આપણને કરતા જાય છે. પોતાની અંતિમ પ્રાર્થનાનો મુખ્ય સૂર પણ ‘તેઓ બધા એકરૂપ થાય’ (૧૭:૨૦) એ જ છે. (ક્રમશઃ)

Changed On: 16-05-2019
Next Change: 01-06-2019
Copyright Fr. Vinayak Jadav, SJ – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.