જીવનનો પ્રખર પૂજારી : યોહાન (ભાગ–3)

૫. સત્યનો સમન્વય

બાળક જયારે નાનું હોય છે ત્યારે એને બચાવ પ્રયુક્તિઓ (Defence Mechanisms)નો આશરો અનેક વાર લેવો પડતો હોય છે કારણ હજી એ સત્યને, વાસ્તવિકતાને પૂરેપૂરુ પિછાનતાં શીખ્યું નથી. કે એને પચાવતાંય શીખ્યું નથી. હજી એની સભાનતા પૂરેપૂરી ખીલી નથી. એ જેમ મોટું થતું જાય છે તેમ તેનું વિશ્વ મોટું થતું જાય છે. એની સભાનતા ખીલતી જાય છે. એનો વાસ્તવ વ્યાપક બનતો જાય છે. ત્યારે એને બચાવ પ્રયુક્તિઓ છુપાયેલ અસત્ય અને પલાયનવૃત્તિનું ભાન થાય છે. એ બધાનું મિથ્યાપણું સમજાય છે અને ધીમે ધીમે બચાવ પ્રયુક્તિઓ વડે અંધારામાં રહેવાનું પસંદ કરવાને બદલે સત્યનો સામનો કરીને અજવાળામાં જીવવાનું પસંદ કરે છે. સત્યના સામનામાં એને જીવનનો અનુભવ થાય છે. આજ લગી જીવન પર પાથરેલા ઓળા દૂર થતા જાય છે તેમ વધુને વધુ અખિલ ને અખંડ જીવન ઊઘડતું જાય છે. વિશાળ ને વ્યાપક જીવનનું દર્શન થતું જાય છે તેમ જીવનની ભરપૂરતાનો અનુભવ ઊંડો બનતો જાય છે. નગ્ન વાસ્તવનો સ્વીકાર અને એમાં અર્થ જોવો એટલે ભરપૂર જીવન જીવવું

યોહાન ભરપૂર જીવનમાં સત્યના સામનાનું માહત્મ્ય સમજાવવા અનેક વાતો ઈસુના જીવન થકી સમજાવે છે. ઈસુ ‘પ્રત્યેક માણસને પ્રકાશિત કરતો સાચો પ્રકાશ હતો’ (૧:૯). ‘હું જગતનો પ્રકાશ છું’ કહી ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય’ એ એમનું જીવન કાર્ય હતું. ‘જેઓ દેખતા છે તે આંધળા થઈ જાય’ અર્થાત્ જેઓ સત્યની જગ્યાએ અસત્ય જુએ છે તેઓ અસત્ય જોતા બંધ થઈ જાય. યોહાન ઈસુની સત્ય અને પ્રકાશની ઉપમા પર ભાર આપે છે. ‘હું જ સત્ય, માર્ગ અને જીવન છું.’ ઈસુએ કેવી રીતે સત્યનો સામનો કર્યો અને અંધારામાં રહીને જાતને છેતરવાને બદલે પ્રકાશમાં રહીને કેવી રીતે ભરપૂર જીવન જીવ્યા?

ઈસુ કડવાં સત્યો, કઠિન નગ્ન વાસ્તવિકતાઓને સ્વીકારે છે. એમાં અર્થ જુએ છે. વાસ્તવના નાના ટુકડાઓને એક વિશાળ ભાતમાં ગોઠવતાં એ શીખ્યા છે. એટલે સામાન્ય રીતે માનવીને ભાંગી પાડનારા બનાવો ને હકીકતો ઈસુને નષ્ટ કરી દેતાં નથી. બલકે ઈસુને જીવન આપે છે. ઈસુ પોતાનું અંતિમ લક્ષ્ય પોતાની મંજિલને નજર સમક્ષ રાખે છે. એના અજવાળે જ જીવનના સૌ બનાવો મૂલવે છે. એમની અંતિમ મંઝિલ એ જ જીવનની ભાત (Mosaic) જેમાં વિવિધ રંગ બેરંગી બનાવોના ટુકડા ગોઠવાતા જાય છે. ઈસુનો પ્રકાશ એટલે પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય, આખરી મંઝિલ. આથી જ એમણે ક્યારેય પોતાની જાતને હવાઈ તરંગો કે પોકળ ભ્રમણાઓમાં રાચવા દીધી નથી. અક્ષય રોટીના ચમત્કાર પછી એમને લાગ્યું કે ‘આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળ જબરીએ લઈ જવાની તૈયારીમાં છે. કે તરત જ તેઓ ડુંગરમાં ભાગી છૂટ્યા. પોતે કેવા પ્રકારના રાજા છે એ બરાબર જાણતા હતા. એમના બધા ચમત્કારોનો યશ પોતે ખાટી જતા નથી. આથી જ તો એમને પરચા અથવા સંકેતો કહ્યા છે. એમના પરચા જોઈને એમના પર મુકાતા અસાધારણ વિશ્વાસથી ઈસુ અંજાઈ જતા નથી કે ફુલાઈ જતા નથી. પોતાની અસલી ઓળખ ને આખરી અસ્મિતા – ‘ઈશ્વરનું ઘેટું’ ‘ ઈશ્વરનો પુત્ર’ ને એ ક્યારેય વિસરી જતા નથી. એ ઓળખની દ્રષ્ટિથી એમના જીવનના સર્વ કોઈ બનાવોનો અર્થ કાઢે છે.

ઈસુ અન્યોની દ્રષ્ટિને પણ સર્વાંગી ને સર્વગ્રાહી દ્રષ્ટીએ જોવું. રજનું ગજ કર્યા વિના કે કશીય બાબત પરત્વે આંખ આડા કાન કર્યા વિના વાસ્તવને એની અખિલાઈમાં ને અખંડિતતામાં જોવો એટલે ઈશ્વરની નજરે જોવું. ઈસુ લોકોને આવી નજરે જોતાં શીખવે છે. દા.ત. વ્યભિચારી સ્ત્રીને મોશેના કાયદા માત્રને ખ્યાલમાં રાખીને પથ્થરે મારી નાંખવા તૈયાર થયેલ ટોળાને કે વિશ્રમવાર મહત્વનો નથી. માનવના ખરા મૂલ્યને જયારે લોકો કાયદાને ત્રાજવે તોલે છે ત્યારે એમની દ્રષ્ટિમાં કશુંક અસમતોલન પેદા થાય છે. એવી અસમતોલ દ્રષ્ટિને ઈસુ સમતોલ, સર્વગ્રાહી બનાવે છે. જયારે જીવન પ્રત્યેની દ્રષ્ટિ સમતોલ ને સર્વગ્રાહી બને છે ત્યારે જીવન હપ્તે હપ્તે જીવવાને બદલે ભરપૂરતામાં જીવાય છે. જીવનને અખંડિત દ્રષ્ટિથી મૂલવવાથી એની વિશાળતાનો ગહનતાનો અનુભવ થાય છે. જીવનનું આખરી સત્ય એટલે એની રહસ્યમયતા. એના રહસ્યને જે પૂરેપૂરો પામવા મથે છે તે જીવનની ભરપૂરતાને હણી નાંખે છે. એના રહસ્યને જીવતાં જે જાણે છે તે ભરપૂર જીવે છે આથી પિલાત સમક્ષ ઈસુ નીડરતાથી પણ પૂરેપૂરી ઠાવકાઈથી ક્યારેક જવાબ આપે છે. ક્યારેક ચૂપ રહે છે. પિલાત એ રહસ્ય સમજી શકશે નહી એ તે જાણે છે એટલે એમને સમજાવવા નિર્થક પ્રયાસ કરવામાં એમને રસ નથી. શિષ્યો એમને સમજી શકતા નથી. પીતર ત્રણવાર ઇન્કાર કરે છે. યહૂદા દગો દે છે. લોકો ક્રૂસે ચડાવવાની બૂમો પાડે છે એ બધું ઈસુ સ્વીકારી શકે છે.

આમ ભરપૂર જીવન એટલે વાસ્તવને યથાવત્ એની અખિલાઈ ને અખંડિતતામાં જોવો સ્વીકારવો ને આખરી મંઝીલના પ્રકાશમાં જોવો. ઈસુ આ વાત પોતાના જીવનમાં સાર્થક કરી બતાવે છે. અને જીવનમાં સત્યમાં સત્ય શું છે તે પારખતાં શીખવે છે, એ છે જીવનદાયી રોટી, નહી કે ઘઉંની રોટી; એ છે જીવનજલ, નહી કે કૂવાનું જળ; એ છે આત્માનો જન્મ, નહી કે ઉદરનો જન્મ.

પરચાઓ તો બીજુ કશુંક સત્ય દર્શાવતાં પ્રતીકો છે. દરેક ભૌતિક જીવનના પરચા પાછળ છુપાયેલું શાશ્વત જીવનનું સત્ય ઈસુ સમજાવે છે જાણે કે નિત્ય અનિત્ય વસ્તુવિવેકનો પાઠ સમજાવતા ન હોય.

Changed On: 01-06-2019
Next Change: 16-06-2019
Copyright Fr. Vinayak Jadav, SJ – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.