જૂનનો ત્રીજો રવિવાર શા માટે? (વિજયકુમાર કલ્યાણભાઈ)

બચપણમાં સવાલ જવાબની ચોપડીમાં ચોથી આજ્ઞા ‘ફાધર્સ ડે’ની ખબર નહોતી. બેંકની નોકરી માટે પ્રથમ વખત સૌરાષ્ટ્ર જવાનું થયું ત્યારે મેં જોયું કે અન્ય સમાજોમાં સારા-માઠા દરેક પ્રસંગે બાળકો માબાપને કે વડીલોને પગે લાગતાં. હવે આપણા સમાજમાં પણ આવી શરૂઆત થઈ છે. પરંતુ પચાસ-સાઠ વર્ષ પહેલાં આવો રિવાજ હતો નહિ. મને વિચારતાં લાગ્યું કે જ્યાં, સવારમાં ઊઠીને તરત જ બાપ અને દીકરા બંનેએ ખેતર કે ખળીમાં જવાનું હોય કે પછી સવારે તાણો નાખીને પછી સાળ પર વણવા બેસવાનું હોય, બધાં કાર્યોમાં બાપ અને દીકરા બંનેએ સાથે જ મથવાનું હોય, ત્યાં દીકરો બાપને પગે ક્યાં અને ક્યારે લાગે? બાપ ને દીકરો બંને ખભે ખભા મિલાવીને કામ કરતા હોય, ત્યાં બંને વચ્ચે પગે લાગવા કરતાં વધારે ઊંચી વિભાવનાઓ વહેતી હોય છે. એટલે જ મહેનતકસ સમાજોમાં પગે લાગવાનો રિવાજ જોવા નથી મળતો, પણ આવા સમાજોમાં ઘેર ઘેર રોજ ‘ફાધર્સ ડે’ની ઉજવણી થતી હોય છે.

અમારા ગામમાં એક છોકરો સવારે ઊઠીને રોજ એનાં મા-બાપને પગે લાગતો. એ બહુ સંસ્કારી છોકરો ગણાતો. એના વિષે ખૂબ સારી સારી વાતો થતી. ભણી રહ્યા પછી એ છોકરાને શહેરમાં સારી નોકરી મળી, પરણ્યો અને બાળકોનો પિતા બન્યો. આ સમયે તે પોતાના માતા-પિતાને સાથે લઈ જઈ શક્યો નહિ, જૂનવાણી માબાપ તેને ક્ઠતાં. મૃત્યુ સુધી માબાપ ગામમાં જ રહ્યાં, ગરીબીમાં જ રહ્યાં અને છતાં ક્યારેય દીકરાનો વાંક તેમણે જોયો નહિ. તેઓ હમેશાં ફાધર્સ ડે નો મહિમા કરતાં રહ્યાં.

બીજી તરફ ગામડાગામમાં મજૂરી કરતાં છોકરાં માબાપ સાથે લડતાં ઝઘડતાં ય તેમની કાળજી લેતાં હોય છે. ‘ફાધર્સ ડે’ના કાર્ડ કરતાં આ મોંઘી ઉજવણી હોય છે. મારા બાપુજીની ઉંમર આજે છ્યાસી વર્ષની છે પરંતુ આજે પણ મને વાતો કરવાની સૌથી વધારે મજા તેમની સાથે જ આવે છે. કોઈ લગ્નમાં કે અન્ય પ્રસંગોએ તેમને લઈ જવા માટે તેમને લેવા જાઉં ત્યારે ઘરના બારણે કે જાળીએ પોતે જ તાળુ મારવાનો તેમનો આગ્રહ હોય છે. આ કામ કરતાં તેમને ખૂબ જ વાર લાગે. છણકો કરીને હું તેમના હાથમાંથી ચાવી લઈ તાળુ મારી ચાવી તેમના હાથમાં મૂકું ત્યારે મારી સામે જોઈને તેઓ હસે. એ ચહેરો મારા મનમાં હમેશાં વસેલો છે. મારો લખેલો કોઈ લેખ વાંચીને પિતાજી ખુશ થાય ત્યારે હમેશાં મને એવું ફિલ થાય કે જાણે મેં મારા પિતાના હાથમાં એક સુંદર Greeting Card ફાધર્સ ડેનું – મૂક્યું ન હોય!

મારા મોટા દીકરાની કિડની ફેઈલ થઈ અને તેને ટ્રાન્સપ્લાન્ટેશન માટે મારી કિડની આપવાનું નક્કી થયું. જિંદગીમાં ક્યારેય આવા ટ્રાન્સપ્લાન્ટેશન વિષે મેં સાંભળ્યું ન હતું. કેટલાક, જેમણે પોતાની કિડની બીજાને આપી હોય એવા લોકો મને બીવડાવતા કે કિડની આપ્યા પછી આપનારને પણ કોમ્પ્લિકેશન્સ થાય છે. ત્યારે એક જ આશ્વાસન હતું કે, મારી કિડનીથી મારો પુત્ર સાજો થઈ જશે. અમે બંને બાપ-દીકરો એક સાથે એક જ આઈસીયુમાં હતા. ત્રણ દિવસ પછી મને આઈસીયુમાંથી બહાર લાવવાનો હતો. મેં મારા દીકરાની સામે જોયું. તે મારો જમણો હાથ પકડીને તેના માથે મૂકી નિ:શબ્દ પડ્યો રહ્યો. પણ તેની આંખોમાં મને લાગણીઓના ધોધ ઉછળતા દેખાતા હતા. મને પિતા હોવાનો સંતોષ અને ગૌરવ થયાં હતાં. અમારા બેઉ માટે એ ફાધર્સ ડેની શ્રેષ્ઠ ઉજવણી હતી.

એમ કહેવાય છે કે, દુનિયામાં એવો કોઈ પ્રશ્ન કે સમસ્યા નથી જેનો ઉકેલ બાઈબલમાં ના હોય! મને વિચાર આવ્યો કે ફાધર્સ ડે ની ઉજવણી વિષે બાઈબલમાં કંઈક કહેવાયું હશે? મેં બાઇબલ ઉઘાડ્યું અને મને જવાબ મળી ગયો.

“હવે આમાં તમને શું લાગે છે? એક માણસને બે દીકરા હતા. તેણે પહેલા પાસે જઈને કહ્યું, ‘બેટા, તું આજે દ્રાક્ષની વાડીમાં કામે જજે’ દીકરાએ કહ્યું, ‘સારું બાપું;’ પણ ગયો નહિ . બાપે બીજા છોકરાં પાસે જઈને પણ એમ જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ‘હું નહિ જાઉં;’ પણ પાછળથી પસ્તાવો થતાં તે ગયો. તો આ બે છોકરામાંથી બાપની ઈચ્છા પ્રમાણે કોણ વર્ત્યો?”

તેમણે કહ્યું, “બીજો છોકરો.” (માથ્થી ૨૧: ૨૮-૩૧).

બાઈબલમાં, ‘ફાધર્સ ડે’ની ઉજવણીનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ને? પિતાની ઇચ્છાનુસાર વર્તવું, પિતાની આજ્ઞાને માન આપવું, એથી વધુ શ્રેષ્ઠ ‘ફાધર્સ ડે’ની ઉજવણી કઈ હોઈ શકે? અને આવી શ્રેષ્ઠ ઉજવણી પણ આપણને બાઈબલમાં જ જોવા મળે છે.

ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્તે પોતાના પરમપિતાની આજ્ઞાઓનું જ હમેશાં પાલન કર્યુ. મૃત્યુનો પ્યાલો સ્વીકારતાં પણ તેમણે કહ્યું “મારી નહિ પણ તમારી ઈચ્છા પૂર્ણ થાઓ.” પિતા તરફના આદર, અહોભાવ અને સન્માનનું આથી વધારે મોટું પ્રમાણ બીજું કયું હોઈ શકે? વિશ્વના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ રીતે ઉજવાયેલો ફાધર્સ ડે, એ શુભ શુક્રવાર હતો જયારે ઈશ્વરપુત્રે પિતાની આજ્ઞાના સન્માનમાં મોતને વહાલું કર્યુ: આની તોલે બીજો કયો ફાધર્સ ડે આવવાનો હતો?

અને તોયે રોજે રોજ ક્યાંક ને ક્યાંક ફાધર્સ ડે ઉજવાતો રહે છે. બિમાર પિતાની લેવાતી કાળજીમાં, શહેરમાં ના ગમતુ હોય તેવા પિતાને રજાના દિવસે ગામડે મળવા જવામાં, પોતાના માટે જિલેટ બ્લેડ ખરીદતી વેળા એવી જ બ્લેડ પિતા માટે પણ ખરીદવામાં, બર્થડેના દિવસે પિતાને યાદ કરીને તેમના માટે ઝભ્ભા-લેંઘાનું કાપડ લેતાં, પિતાની મજેદાર વાતો પોતાનાં બાળકોને કરતાં, ફોન પર પિતાના ખાંસવાનો અવાજ સાંભળીને કફ સીરપની બોટલ લઈને ગામડે દોડી જવામાં, આમ વિવિધ પ્રસંગોએ વિવિધ રીતે પિતા તરફ પ્રગટ થતી લાગણીઓ ફાધર્સ ડેની સાચી ઉજવણીઓ છે. ‘ફાધર્સ ડે’ના કાર્ડ કરતાં એમાં વધારે વિવિધતા, નવીનતા અને લાગણીઓનો જુસ્સો છે. ફાધર્સ ડેની ઉજવણીની આ ભારતીય પરંપરાઓ છે!

દુનિયાના કેટલાક દેશોને બાદ કરતાં મોટા ભાગના દેશોમાં ફાધર્સ ડે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય છે. તે દિવસે યાદ કરીને પિતાને કાર્ડ મોકલવામાં કંઈક ખોટું નથી. પરંતુ પિતા પાસે પહોંચી શકાય એમ હોય ત્યારે થોડો સમય કાઢીને તેમની સાથે વાતો કરવા બેસીએ એથી વધારે સારી ઉજવણી બીજી કોઈ નથી.

આ ‘ફાધર્સ ડે’ માત્ર જૂન મહિનાના ત્રીજા રવિવારે જ નહીં, વર્ષના બારે માસ, ત્રણસો ને પાંસઠ દિવસ ઉજવતા રહીએ, પિતાના સાચાં સંતાન બની રહીને, એમના આદર્શોને જીવનમાં ઊતારીને, એમની લાગણીઓની કદર કરીને, એમણે આપણા માટે આપેલ ભોગ ને કરેલ પરિશ્રમ એળે ન જવા દઈને.

Changed On: 16-06-2019
Next Change: 01-07-2019
Copyright Mr. Vijaykumar Kalyanbhai – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.