રાઈના દાણા જેટલી શ્રદ્ધા (રમેશ વાઘેલા)

રાઈના દાણા જેટલી શ્રદ્ધા સ્વ. રમેશ વાઘેલા “શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝીલ ઉપર મને, રસ્તો ભૂલ્યો તો દિશાઓ ફરી ગઈ.”

ગની દહીંવાલા આ રચનામાં દુન્યવી બાબતોમાં આત્મવિશ્વાસની વાત કરે છે; જો કે, “મંઝીલ” ઈશ્વરપ્રાપ્તિની પણ હોઈ શકે. પ્રસ્તુત લખાણમાં ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા વિશે વાત કરવી છે.

“હું શ્રદ્ધા રાખું છું એવું જયારે આપણે કહીએ છીએ ત્યારે આપણા માનસમાં “શ્રદ્ધા”નો શો અર્થ હોય છે?” ધર્મસભાએ આપેલા ધાર્મિક સિદ્ધાંતોમાં માનવું એ જ શ્રદ્ધા કહેવાય? ઈસુ ઈશ્વરના પુત્ર હતા અને માનવજાતની મુક્તિ માટે માનવરૂપે અવતરેલા એ વાત માનવી એને શ્રદ્ધા કહેવાય? એ તો માન્યતા છે, શ્રદ્ધા અમર છે એવી વાત સંત પાઉલ કહે છે ત્યારે એ કેવી શ્રધાની વાત કરે છે? શુભસંદેશમાં કેટલીક ઘટનાઓમાંથી એ ઘટનાઓ સાથે સંકળાયેલાં પાત્રોની શ્રધાનો સાક્ષાત્કાર કરીને કદાચ આપણે “શ્રદ્ધા”નો સાચો અર્થ સમજી શકીએ.

સંત લૂકના શુભસંદેશમાં દેવદૂત ગાબ્રિયેલ સાથે સંકળાયેલા બે પ્રસંગોની વાત છે. પુરોહિત ઝખરિયા પાસે જઈને ગાબ્રિયેલ દેવદૂત કહે છે: “તારી પત્ની એલિસાબેતને પુત્ર અતરશે.” ઝખરીયા પૂછે છે: “મને કેમ એનો વિશ્વાસ પડે? કારણ હું ઘરડો થયો છું આ મારી પત્નીની ઉમર પણ ઘણી થઈ ગઈ છે.” આવા પ્રતિભાવથી “ઈશ્વરની હજૂરમાં ખડો રહેનાર” ગાબ્રિયેલ અકળાઈ ઊઠે છે અને ઝખરિયાને કહે છે, “આ બધું બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે.” બીજો પ્રસંગ “મરિયમને વધામણી”નો છે. ગાબ્રિયેલ માતા મરિયમ પાસે જઈને વધામણી આપે છે, “જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, એનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે.” મરિયમ દેવદૂતને કહે છે, “એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી.” “ઝખરિયા અને મરિયમનો પ્રતિભાવ ચકાસો. ઝખરિયાએ કહેલું. “મને કેમ એનો વિશ્વાસ પડે?” મરિયમ દેવદૂતને સાદો પ્રશ્ન જ પૂછે છે – “એ શી રીતે બનશે?” અર્થાત એ બનશે એમાં તો મરિયમને જરાય આશંકા નથી. કારણ, મરિયમ જાણતાં હતાં કે “ઈશ્વરને કશું અશક્ય નથી. એમને એ વાતે પૂરી શ્રદ્ધા હતી.

માતા મરિયમની શ્રધાનો બીજો પ્રસંગ કાના ગામમાં બનેલો. લગ્નમાં દ્રાક્ષાસવ ખૂટી ગયો એટલે એમણે ઈસુને વાત કરી, “એ લોકો પાસે દ્રાક્ષાસવ નથી.” હવે, આ વાત ઈસુને કહેવાની શી જરૂર હતી? એ તો માત્ર મહેમાન હતા. પણ પોતાનો પુત્ર કોણ છે એની મરિયમને જાણ હતી. વાત સાંભાળીને ઈસુ માતા સાથે થોડી રમત કરી લે છે. “બાઈ તમારે અને મારે શું? હજી મારો સમય પાક્યો નથી. “દીકરો ભલે ને ગમે તે કહે એ મારી વાત ટાળવાનો નથી, એની મરિયમને ખાતરી હતી; ભરપૂર શ્રદ્ધા હતી. એટલે જ એમણે નોકરોને કહ્યું, “એ કહે એમ કરજો.” અને ઘડીના છઠા ભાગમાં પાણીને દ્રાક્ષાસવમાં પલટી નાખીને ઈસુ “પહેલો પરચો” કરી બતાવે છે.

“વિધર્મી સૈનિકની શ્રદ્ધા” વાળો બનાવ વાંચો. ઈસુએ કફરનહૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એક સૂબેદારે આવીને તેમણે વિનંતી કરી, “પ્રભુ મારો નોકર પક્ષઘાતથી ખૂબ પીડાય છે.” ઈસુએ કહ્યું, “હું આવીને તેને સાજો કરું છું” આ સાંભળી સૂબેદાર જવાબ આપે છે, “પ્રભુ આપનાં પગલાં મારે ઘેર થાય એવાં પુણ્ય મારાં ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે.” આવી વાત સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને એમણે કહ્યું “ઇસ્રાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી.” પેલા અમલદારને ઈસુ કહે છે, “જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો.” આને કહેવાય શ્રદ્ધા. આવી શ્રદ્ધા ફળે જ. આ જ પ્રસંગે ઈસુ કહે છે, “જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે, અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે.” થોડુંક આત્મનિરીક્ષણ કરીએ આ વાત આજનાં ખ્રિસ્તીઓને તો લાગુ પડતી નથી ને?

શ્રધાને કારણે ઈસુએ કરેલ ચમત્કારોની શૃંખલામાં આગળ વધીએ; ઈસુ તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા ત્યારે ક્નાન જાતિની એક બાઈ આવીને પોકારી ઊઠે છે, ‘હે પ્રભુ, મારા પર દયા કરો! મારી દીકરીને અપદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે. “અહીં ઈસુ એક અજીબ લાગે એવી વાત કરે છે, “મને તો ફક્ત ઈસ્રાયેલનાં ભૂલાં પડેલાં પ્રજાજનો માટે મોકલ્યો છે... છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલૂડિયાંને નાખવો એ સારું નથી.” બાઈ પણ જબરી હતી, એમ કાંઈ વાત પડતી મુકાતી હશે! એ તો કહે છે, “સાચું પ્રભુ, પણ ગલૂડીયાં પણ પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે...” અને ઈસુ બોલી ઊઠે છે, “ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. તારી ઈચ્છા ફળો.” શુભસંદેશ કહે છે: અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.

ઈસુની સાથે બે ગુનેગારોને પણ ક્રૂસે જડી દીધા હતા. એમાંના એકે ઈસુને ટોણો માર્યો, “તું મુક્તિદાતા નથી. તો તારી જાતને અને અમને બચાવ.” પણ બીજા ગુનેગારે એને ઠપકો આપ્યો, અને ઈસુને કહ્યું, “ઈસુ, આપ જયારે આપના રાજ્યાસન પર આવો ત્યારે મને સંભારજો.” પૂરી શ્રદ્ધાથી કરેલી આ માગણીનો ઈસુ ત્વરિત પ્રતિભાવ આપે છે: “હું તને ખાતરીથી કહું છું કે, આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે.” આ એક વાક્યમાં ત્રણ સત્ય છતાં થાય છે: ગુનેગારનાં પાપ ઈસુ માફ કરી દે છે, કારણ, “માનવપુત્રને પાપની માફી આપવાનો અધિકાર છે.” ક્રૂસ પરના મૃત્યુ પછી ઈસુ પુણ્યલોકમાં જવાના છે એ બીજી વાત: “હું સ્વર્ગમાંથી આવું છું અને ક્યાં જાઉં છું એની મને ખબર છે.” ત્રીજી વાત કોને સ્વર્ગમાં લેવા અને કોને પડતા મૂકવા એનો નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા ઈસુ પાસે છે: માનવપુત્રના આગમન વખતે, “બે જણ ખેતરમાં હશે, એકને લેવામાં આવશે, બીજાને પડતો મૂકવામાં આવશે,” એટલે પૂરા અધિકારથી ઈસુ પેલા ગુનેગારને કહે છે: “આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે.” ગુનેગારની શ્રદ્ધા એને “મંઝિલ” ઉપર લઈ ગઈ.

શ્રદ્ધા શું કરી શકે એનો જવાબ ઈસુની વાણીમાં જ મળે છે. ઈસુની અપેક્ષા છે કે આપણે શ્રદ્ધા રાખીએ: “હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાઈના દાણા જેટલી યે શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ‘ઊઠ, અહીંથી પણે જા,’ તો એ જશે. કશું જ તમારા માટે અશક્ય નહી રહે.” યોહનકૃત શુભસંદેશમાં તો ઈસુ આનાથી યે આગળ વધીને કહે છે: “હું તમને સાચેસાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવાં કાર્યો કરશે; બલ્કે, એથી મોટાં કાર્યો પણ કરશે...” શરત માત્ર શ્રધાની; પછી કશું ય અશક્ય નહી રહે. આ ઈસુનું વચન.

શુભસંદેશનાં પાત્રો જેવી શ્રદ્ધા આપણામાં છે? જો હોય તો બાહ્ય પરિબળોને કારણે ડગી કેમ જાય છે? કોઈ પુસ્તક, કોઈ લખાણ કે કોઈની વાણીને કારણે ડગી જાય એવી બે કોડીની શ્રદ્ધા શા ખપની? “ખ્રિસ્તીની લાગણી દૂભાઈ છે” એવાં ઉહાપોહથી શું વળે છે? પુસ્તકના લેખક અને પ્રકાશકને તો આવા ઉહાપોહથી એને જોઈતી પ્રસિદ્ધી મળી રહે છે. હા, ધર્મની રક્ષા ચોક્ક્સ કરવી જોઈએ. ઈસુ કે ખ્રિસ્તીધર્મ વિરુદ્ધની વાતોનો પ્રતિકાર કરવો જોઈએ. પણ એ વિરોધ પરિપકવ હોવો જોઈએ, અને આવી બાબતોને કારણે શ્રદ્ધા ડગી જાય એ તો ચાલે જ નહીં.

માણસના વિચારોની સીધી અસર તેની અંદરનાં અને બહારના પરિબળો પર થાય છે એ હવે તો સિદ્ધ થયેલી હકીકત છે. જેવા તમારા વિચારો, એવા તમે, નકારાત્મક વિચારો તમારા માનસને કુંઠિત કરી નાખશે. હકારાત્મક વિચારો ઈચ્છાપૂર્તિમાં પરિણમશે. તમારે સુખસમૃદ્ધિ જોઈએ છે? તો તમારા માનસને સુખ-સમૃદ્ધિના વિચારોથી સભર બનાવી દો. એમાં અડચણરૂપ બને તેવા વિચારો ફગાવી દો. મનની શાંતિ જોઈતી હોય તો વિચારો એ દિશામાં વાળો. Rhonda Byrneના ‘The Secret’ પુસ્તકમાં આ કીમિયાનાં અનેક દ્રષ્ટાંત આપેલાં છે. એમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે તમારા વિચારોને તમે દ્રઢ બનાવશો તો સમગ્ર બ્રહ્માંડની શકિત તમારી ઈચ્છાને પરિપૂર્ણ કરવા કામે લાગી જશે! સફળતા કે નિષ્ફળતા માણસના વિચારોને અનુસરે છે.

શ્રદ્ધાના ક્ષેત્રે આ થિયરી કદાચ કામે લગાડી શકાય: મને શ્રદ્ધા છે કે ઈશ્વર મારી પડખે છે, એ મારો ગોવાળ છે; એ મને ભટકવા નહીં દે. શ્રધાનું એક જ બિંદુ ઈશ્વર પાસે માંગીએ: એક જ દે ચિનગારી મહાનલ... ઓશો કહેતા, “શિષ્ય તૈયાર હોય ત્યારે ગુરુ આવી જ ચડે છે.” ઈશ્વર તો આપણા ઈજનની રાહ જ જોતા હોય છે. “રાઈના દાણા જેટલી શ્રદ્ધા” વાળો શાસ્ત્રપાઠ વાંચીને પ્રકાશ ગજ્જરે લખેલું:

“આ શાસ્ત્રવાણીએ વર્ષો પહેલાં મને બળ આપ્યું
ત્યારે મારું જીવન પલટાવા માંડેલું. દરેકના જીવનમાં
આવે તેવા ડુંગરાની હારમાળા મારા જીવનમાં આવતી
રહેલી. પણ દરેક વખતે હું અનુભવતો કે મારી સામાન્ય
શ્રદ્ધા પણ એ ડુંગરાને હઠાવી દેતી.

વડા ધર્મગુરુ યોહાન પાઉલ દ્રિતીય પોતાના “આશાનો ઉંબરો વટાવતાં” પુસ્તકમાં કહે છે:

“શ્રદ્ધાના લાભની સરખામણી બીજા કોઈ પણ પ્રકારના
લાભ સાથે કરી જ ના શકાય. નૈતિક લાભ સાથે પણ
નહીં... માણસ શ્રધાથી પોતાની જાતને ઝંપલાવી દે એ
જ શ્રધાનો ઉપયોગ છે. જયારે વ્યકિત શ્રદ્ધા રાખે છે
ત્યારે તે ઈશ્વરની ઈચ્છાને વશ થતી હોય છે... ઈશ્વરને
ઉદાર મને પ્રતિભાવ આપીને જ માણસ પોતાની શ્રદ્ધા
વ્યક્ત કરે છે.” (દૂત: જાન્યુઆરી ૧૯૯૬)

શ્રદ્ધાના વિષયને શબ્દમાં ઢાળવો વિકટ કામ છે. શ્રદ્ધા અનુભવની બાબત છે. આ લખાણ માટે શુભસંદેશના પાનાં ફેરવતાં અને વિષયને શબ્દદેહ આપતાં આ લખનારને શ્રદ્ધાના એક બિંદુનો અનુભવ થયેલો. લખાણ વાંચનારને પણ એવો અનુભવ થાય એવી અભ્યર્થના. (લેખકનું અવસાન ૨૦૧૪માં થયેલ છે.)

Changed On: 01-07-2019
Next Change: 16-07-2019
Copyright Mrs. Agnes Ramesh Vaghela
 

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.