જરૂરીયાતમંદ પ્રત્યે અનુકંપા (ફાધર જોબીન, એસ. જે.)

આવો, આપણે પીડિત, બીમાર અને ગરીબો પ્રત્યે અનુકંપા દાખવી સહાયભૂત બનીએ. આજના જમાનામાં લોકો પોતાનો ‘સેલ્ફી’ લેવામાં અને જીવનમાં બનતી ધટનાઓને પોતાના મિત્ર અને અન્ય લોકો સાથે આદાનપ્રદાન કરવામાં ખૂબ જ રસ ધરાવે છે. એની સાથે લોકોની બીજી એક ટેવ છે કે અલગ અલગ વીડિયો લઈને ગમે તે સોશિયલ નેટવર્ક સાઈટ પર અપલોડ કરવાની, અઠવાડિયા પહેલાં આવો એક વીડિયો એક સોશિયલ નેટવર્ક સાઈટ પર મેં જોયો. એ વીડિયોમાં એવું બતાવવામાં આવ્યું હતું કે એક મધ્યમ વયનો પુરુષ, એક સ્ત્રીને ઢોર માર મારતો હતો, આશરે સોએક લોકો, આજુબાજુ ઊભાં આ બધું જોઈને, ઘટનાના ફોટાં પાડતાં હતાં. એનો વીડિયો ઉતારતાં હતાં. આ ઘટના આશરે ત્રણથી ચાર મિનિટ ચાલી.

આવી ઘટનાઓ બીજા પ્રત્યેનું આપણું વલણ કેવું છે, તે દર્શાવે છે. ગમે તે પરિસ્થિતિમાં લોકો પોતાનું જ જુએ છે. માત્ર એટલું નહિ, પણ અમુક સમયે પોતાના લાભ અને સ્વાર્થ માટે લોકો બીજાનો ઉપયોગ પણ કરે છે!

મધર થેરેસાનાં મિશનરીસ ઓફ ચેરિટીના દરેક ઘરના દેવળમાં ક્રૂસે જડાયેલા ઈસુના પૂતળા સાથે લખેલું છે ‘મને તરસ લાગી છે’ (યોહન ૧૯:૨૮). ક્રૂસ ઉપર મરણની અંતિમ ઘડીએ જ નહિ, બલ્કે આજે પણ ઈસુ તરસ્યા છે! અને તે તરસ છીપાવવાનું કામ મધર થેરેસાના સાધ્વીબહેનો કરે છે. કેવું કામ? ભૂખ્યા લોકોને ખવડાવવાનું કામ, તરછોડાયેલાં અને નિરાશ્રિતોને આશરો આપી તેઓની સંભાળ લેવાનું કામ, માંદા લોકોની કાળજી લેવાનું કામ, અનાથ અને માબાપથી તરછોડાયેલાં બાળકોને સંભાળી તેઓને ઉછેરવાનું કામ વગેરે વગેરે. ઈસુએ એવું કરનારને જ શાશ્વત સુખનું વરદાન આપ્યું છે.

‘મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યાં હતાં, હું માંદો હતો ત્યારે તમે મારેઈ ભાળ કાઢી હતી, હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા... આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે’. ‘હું તમને સાચું કહું છું કે, આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારે માટે જ નથી કર્યું. (માથ્થી ૨૫). અને જ્યાં સુધી આપણે આ કામ કરવા તૈયાર ના રહીએ ત્યાં સુધી ઈસુનું દુઃખ અને એમની પીડા આ દુનિયામાં ને આપણી આજુબાજુમાં સતત ચાલુ રહેશે. ઈસુ હજુ તરસ્યા છે અને તે માટે આપણે દરેક જણ જવાબદાર છીએ – દીન-દલિત, ગરીબ-ગુરબાં, લાચાર, પીડિત અને બીમાર લોકોની આપણી અવગણના દ્વારા.

ઈસુના જીવનમાં આપણે ડોકિયું કરીએ તો આપણને ખબર પડશે કે ઈસુ હંમેશાં ગરીબ, પીડિત અને બીમાર લોકોને મનમાં રાખીને પોતાના નિર્ણયો લેતા હતા. ખાસ તેઓના માટે કામ કરતા હતા. એટલું જ નહી, પોતાના ઉપદેશ અને દ્રષ્ટાંત દ્વારા તેમણે લોકોને સમજાવવા કોશિશ કરી. ઈસુએ કરેલા બધા ચમત્કારો દુઃખિત, પીડિત, ગરીબ અને માંદા લોકોને સહાય આપવા માટે હતા, પોતાનું નામ રોશન કરવા નહી, ઈસુએ પોતાનાં દ્રષ્ટાંત દ્વારા પણ એ જ પુષ્ટિ કરી. ભલા શમરુનીનું દ્રષ્ટાંત (જુઓ લૂક ૧૦:૨૫-૩૭), ખોવાયેલા દીકરાનું દ્રષ્ટાંત (જુઓ લૂક ૧૫:૧૧-૩૨), લાઝરસ અને શ્રીમંત માણસનું દ્રષ્ટાંત (જુઓ લૂક ૧૬: ૧૯-૩૧) વગેરે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે “વૈદની જરૂર સાજાને નથી હોતી, પાપીઓને હોય છે’ (માર્ક ૨:૧૭).

ઈસુના આ સંદેશને કાં તો આપણે સમજ્યા નથી, અથવા સમજ્યા પછી પણ આપણે જુદું જ વર્તન રાખીએ છીએ, એમ કરવું આપણે ઇચ્છતા નથી. અમુક સમયે આપણી ખોટી માન્યતાઓ અને ખોટા વિચારો આપણને સ્વાર્થી બનાવે છે. દાખલા તરીકે, અમુક લોકો એવું માને છે કે જે લોકો આર્થિક, શારીરિક અને માનસિક દુઃખ વેઠે છે, તેઓ પોતાના કર્મોનું પરિણામ ભોગવે છે. અન્ય લોકોને એમાં કશું લેવાદેવા નથી. એવી માન્યતા ખોટી છે. ભલે, અમુક બાબતોમાં આ સાચું હોઈ શકે. દા.ત. એક દારૂડિયો આર્થિક સમસ્યામાંથી પસાર થતો હોય, તંબાકુ-ગુટખા ખાનાર કેન્સરથી પીડાતો હોય, તો આ તેનાં જ કુકર્મોનું પરિણામ છે. દુઃખનું કારણ ગમે તે હોય, દુઃખ વેઠતા લોકોને મદદ કરવી એ એક ખ્રિસ્તી તરીકે મારી અને તમારી ફરજ છે. આપણે એવું ના કરીએ તો આપણે સાચા ખ્રિસ્તીઓ નથી.

દક્ષિણ આફ્રીકાના પત્રકાર કેવિન કાર્ટરે ૧૯૯૩માં પાડેલો એક ફોટો વિશ્વ વિખ્યાત થઈ ગયો હતો. સુદાનમાં લીધેલા એ ફોટામાં ભૂખથી મરતાં એક બાળકની પાસે બેઠેલા એક ગીધને દર્શાવવામાં આવેલો છે. જાણે ગીધ બાળકના મરણની રાહ જોઈ બેઠો છે. દુનિયામાં અનેક લોકો આજે પણ ભૂખથી મરે છે. આવી પરિસ્થિતિ માટે આપણે પણ જવાબદાર છીએ. આપણે એવાં સમયમાં જીવીએ છીએ જ્યાં શેરબજારના આંકડાઓ જરાયે ગબડે તો એ મોટાં સમાચાર બની જાય છે. બીજી બાજુ એક ઘર વગરનો માણસ ભૂખ અને ઠંડીને લીધે મરી જાય તો એ સમાચાર જ ના બને. આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ? આપણા પોતાનાં ઘરમાં ખોરાક, પાણી વગેરેનો બગાડ કેટલો બધો થાય છે. જયારે આપણાં પાડોશીઓ ભૂખતરસથી મરે છે!

આપણે વધુ સંવેદનશીલ બનવું જોઈએ. બીજા લોકોનાં પીડાને દુઃખથી આપણામાં પણ વેદના પેદા થવી જોઈએ, જેથી આપણી શકિત અનુસાર એમને મદદ કરી શકીએ. કારણ, આપણે બધાં એક જ ઈશ્વરનાં સંતાનો છીએ (જુઓ ગલાતિયા ૩:૨૬ અને ૧ યોહાન ૩:૧). ઈશ્વર બધાને સમાન રીતે પ્રેમ કરે છે. ‘પરમપિતા ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે’ (માથ્થી ૫:૪૫). કારણ કે, આપણા ‘ઈશ્વર તો પ્રેમસ્વરૂપ છે’ (૧ યોહાન ૪:૮).

તમામ ધર્મમાં પ્રેમ, સત્ય, શાંતિ, આશા જેવાં મૂલ્યોને મહત્વ આપવામાં આવેલું છે. બધાં ધર્મોમાં આ મૂલ્યોમાંથી પ્રેમ સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે. આ છે આપણા ધર્મનો પાયો. ઈસુએ આપણા પરના પ્રેમને લીધે પોતાનું જીવન અર્પી દીધું હતું. આપણે પણ ઈસુની જેમ, બીજા પ્રત્યેના પ્રેમને લીધે આપણાં સુખનો ત્યાગ કરી દુઃખ વેઠતા, બીમારીથી પીડાતા લોકોને મદદ કરીએ, જેથી તેઓ આપણી મારફતે ઈશ્વરનાં સાચા પ્રેમનો અનુભવ કરી શકે અને આશાભર્યું જીવન ગાળી શકે.

સમૂળગા પરિવર્તનના પ્રેરક હાલના વડાધર્મગુરુ ફ્રાન્સિસ આપણને અનુરોધ કરે છે, આપણે પીડિત, બીમાર અને ગરીબ જરૂરિયાત પ્રત્યે અનુકંપા દાખવી સહાયભૂત બનીએ. સાથોસાથ ઈસુના બધા અનુયાયીઓ, પ્રભુ ઈસુની ઘોષણા કરતાં રહે. માતા મરિયમની વિનંતીઓ દ્વારા આપણે પ્રભુ ઈસુના પ્રેમ અને દયાની સાક્ષી પૂરીએ.

Changed On: 01-08-2019
Next Change: 16-08-2019
Copyright Fr. Jobin, SJ – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.