વંદે માતરમ્ (સાયમન એફ. પરમાર)

વડાધર્મગુરુ યોહાન પાઉલ દ્રિતીય ૧૯૮૬માં ભારતની મુલાકાતે આવ્યા હતા. વિમાનમાંથી ભારતની ધરતી પર પગ મૂકતાંની સાથે જ તેમણે ધરતીને ચુંબન કરી ભારતભૂમિ પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. આપણા દેશની સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે આત્મીયતાભર્યો સંબંધ છે. ધરતીને માતા, સુરજને દાદા અને ચંદાને મામા કહેતાં ભારતનાં ભૂલકાંઓ એમની માતા પાસેથી શીખે છે.

ભારતની ધરતી પર આપણે જનમ્યા હોવાથી ભારતની ધરતી સાથે આપણને માતા અને સંતાનોનો નાતો છે. મારા એક વિધાર્થીના પિતા અમેરિકામાં રહે છે અને ત્યાં ખૂબ કમાય છે છતાં જયારે જયારે એ ભારતમાં આવે છે અને વિમાનમાંથી મુંબઈના હવાઈ મથકે ઊતરે છે ત્યારે એમના હૃદયમાં આનંદનાં મોજાં ઊછળે છે એમ તેઓ કહે છે અને ઉમેરે છે કે ‘મને લાગે છે કે મારી માતાની ગોદમાં હું પાછો આવ્યો છું.’ પોતાની રજા પત્યા પછી મુંબઈથી જયારે એમનું વિમાન ‘ટેક ઓફ’ કરે છે ત્યારે એમને લાગે છે કે જાણે કોઈ એમને માતાની ગોદમાંથી બળપૂર્વક છીનવી રહ્યું હોય! અને એમની પાંપણો ભીની થાય છે. એમના અંતિમ સંસ્કાર પણ ભારતની ધરતી પર થાય એવી એમની મનોકામના છે. ઇગ્લેન્ડ કે અમેરિકાની સમૃદ્ધિ આપણને ભલે આકર્ષે પણ ભારતના નાગરિકને પોતાની ભારતમાતા પ્રત્યે આત્મીયતા હોવાની, પછી ભલેને એની એ ભારતમાતા એક સામાન્ય મજૂરણ જેવી હોય જેને શરીરે ધૂળ ચોંટી હોય અને જેના મેલા સાલ્લા પર થીંગડાં મારેલાં હોય. આ પ્રેમને માટે માત્ર એક જ તર્ક છે: મા તે મા.

ભારતમાતા પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરતું ગીત છે ‘વન્દે માતરમ્’. સંસ્કૃતના આ શબ્દનો ગુજરાતી અનુવાદ ‘હું માતાને વંદન કરું છું’ એવો થાય છે. ૧૯મી સદીના બંગાળી લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ગ્રંથ ‘આનંદ મઠ’માંનું ‘વંદેમાતરમ્’ ગીત રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતીક બની ગયું છે. ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ‘વંદે માતરમ્’નો નારો સગર્વ લગાવતા. ગાંધી યુગમાં ભારતની પ્રત્યેક ભાષાના કવિઓએ ભારત માતાની પ્રશસ્તિનાં કાવ્યો લખ્યાં છે અને લોકોએ બુલંદ કંઠે ગાયાં છે.

પાઠ્યપુસ્તકો અને કલાકૃતિઓમાં ભારતમાતાને ભારતના નકશાની રૂપરેખા વચ્ચે દેવી સ્વરૂપે ચિત્રિત કરવામાં આવે છે. મુગટધારિણી અને સદી પરિધાન કરેલી જાજરમાન ભારતમાતાને જોઈ પ્રત્યેક દેશપ્રેમીનું મસ્તક તેની સમક્ષ નમી પડે. અમુક ચિત્રોમાં ભારત માતાને હાથે પગે જંજીરો અને બેડીઓથી જકડાયેલી દર્શાવવામાં આવતી. પોતાની માતાને આ હાલતમાં જોઈ દેશપ્રેમીનું હૃદય દ્રવી ઊઠતું અને એને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા પોતાના પ્રાણની આહુતિ આપવાના એ સોગંદ લેતો.

એક જ ઈશ્વરમાં માનનારા અમુક લોકો કોઈ પણ પ્રકારની (ઈશ્વરની પણ!) પ્રતિમા સમક્ષ આદરપૂર્વક હાથ જોડવા જેવી ક્રિયાને ઈશ્વર દ્રોહ તથા મૂર્તિપૂજાનું પાપ સમજી બેસે છે. દેશને માટે દિલમાં આદર હોવા છતાં, દેશ પ્રત્યે વફાદાર હોવા છતાં એ હાથ જોડીને દેશને પ્રણામ કરી શકતા નથી. આવી વ્યક્તિઓની ઈશ્વરનિષ્ઠાની પૂરી કદર કરતાં એમને એટલું કહેવાનું કે ઈશ્વર ઈશ્વર છે અને માતા માતા છે. આપણા દૈનિક જીવનમાં માતા પ્રત્યેના આપણા આદરથી અને એ આદર વ્યક્ત કરવાની ક્રિયાઓથી ઈશ્વરનું ક્યાંય અપમાન થતું નથી તો આપણી જન્મભૂમિને માતા માની તેને આદર પૂર્વક વંદન કરવામાં ઈશ્વરનો દ્રોહ થાય ખરો? એક નોકરિયાત સ્ત્રીને દિવસ દરમિયાન અનેક પુરુષો સાથે કામ પડે છે. પોતાના બોસની આજ્ઞા એ માને છે અને એમની સાથે આદરથી વર્તે છે પણ એના જીવનમાં એના પતિનું સ્થાન સર્વોચ્ચ અને વિશિષ્ટ હોય છે. પોતાના વ્યવસાયને કારણે અનેક પુરુષોના સંપર્કમાં આવવા છતાં તેમની પતિ-નિષ્ઠાને કશો વાંધો આવતો નથી.

સ્વાતંત્ર્ય સંગ્રામના ગાળામાં દેશના નેતાઓ ગ્રામીણ જનતાની વચ્ચે જઈ તેમનામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા. આવી એક યાત્રા દરમિયાન જવાહરલાલ નહેરુ હરિયાણાના એક ગામમાં ખેડૂતોની એક સભાને સંબોધી રહ્યા હતા. ખેડૂતોએ જુસ્સાપૂર્વક ‘ભારતમાતા’ની જયના ગગનભેદી નારા લગાવ્યા. ત્યારબાદ નહેરુજીએ એક ખેડૂતને પૂછ્યું કે ‘આ ભારત માતા એટલે કોણ?’ ધરતીપુત્રે જવાબ આપ્યો ‘ભારત માતા’ એટલે ‘ધરતી માતા’. પણ નહેરૂ એને છોડે એવા નહોતા. એમણે પ્રશ્નોની ઝડી વરસાવી, ‘કઈ ધરતી? આ પંજાબની કે બંગાળની કે કેરળની? શું ભારતમાતા એટલે ભારતના પહાડો, પર્વતો, નદીઓ અને સમુદ્રો?’ કંટાળીને છેવટે ખેડૂતોએ કહ્યું, ‘તમે જ અમને સમજાવો કે ભારતમાતા શું છે અને ભારતમાતાની જયનો અર્થ શો થાય છે.’ ત્યારે પંડિતજીએ લોકોને સમજાવ્યું કે ભારત માતા એટલે માત્ર ભારતનાં મેદાનો, પર્વતો, જંગલો, નદીઓ જ નહિ પણ ભારતમાતા એટલે ભારતની સમગ્ર જનતા. અને એ દલીલ પ્રમાણે ભારત માતાની જય એટલે ભારતની જનતાની જય. તમારી ને મારી જય.

આમ જયારે આપણે ભારત માતાનો વિચાર કરીએ છીએ ત્યારે એમાં સમગ્ર દેશની ભૂમિ ઉપરાંત ઈશ્વરે ઉદાર હાથે આપેલી કુદરતી સંપત્તિ, દેશનો ગૌરવશાળી ઇતિહાસ, દેશનો સાંસ્કૃતિક વારસો અને દેશની પ્રજાનો પુરુષાર્થ આ બધું આવી જાય છે. ટૂંકમાં ભારતમાતા એટલે એક કપોળ કલ્પિત દેવી નહિ પણ ઉપરોક્ત તમામ વાસ્તવિક ત્તત્વોનું એક નક્કર સ્વરૂપ.

ભારતમાતાનું ગૌરવ કરીએ ત્યારે આપણે પ્રજાનું ગૌરવ કરીએ છીએ, દેશની કુદરતી સંપત્તિની કદર કરીએ છીએ ને દેશના સાંસ્કૃતિક વારસાનો જયજયકાર કરીએ છીએ. આમાં નથી ઈશ્વર દ્રોહ કે નથી મૂર્તિપૂજા. આ બાબતમાં ઈસુએ આપેલો સુવર્ણ નિયમ અનુસરવો કે “જે બાદશાહનું છે તે બાદશાહને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો” (માથ્થી ૨૨:૨૧).

માત્ર ધ્વજવંદન કરવામાં કે ભારત માતાની જયના નારા ગજવવામાં દેશ ભક્તિ સમાઈ જતી નથી. હૃદયમાં દેશ માટે અભિમાન હોવું એ સારી બાબત છે પણ દેશ પ્રત્યે સાચું માન ત્યારે જ દર્શાવી શકાય ને દેશની સાચી સેવા ત્યારે જ કરી શકાય જયારે દેશનો પ્રત્યેક નાગરિક (ભલે એ બસ કંડકટર હોય, પ્રાથમિક શિક્ષક હોય કે મોટો ઉદ્યોગ પતિ હોય) પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે અને પોતાની ફરજનો નાનામાં નાનો ભાગ પણ દેશ હિત માટે છે એમ સમજે. દેશનું અહિત થાય એવું કોઈ પણ કાર્ય ના કરે ત્યારે જ સાચા અર્થમાં ભારત માતાની જય બોલે છે, ત્યારે જ એનું ‘વંદે માતરમ્’ અર્થાત્ ‘માતૃવંદના’ સાર્થક થાય છે. આ વર્ષે ૧૫મી ઓગષ્ટે જયારે આપણે આપણી આઝાદીની ૪૮મીજયંતીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ‘વંદે માતરમ્’ ગાઈએ ત્યારે ઉપરોક્ત બાબતો અવશ્ય યાદ રાખીએ.

આપણે કેથલિકો માટે ૧૫મીઓગસ્ટ બેવડી ઉજવણીનો દિવસ છે. માતા મરિયમને સદેહે સ્વર્ગે લઈ લેવામાં આવ્યાં છે. એ આપણું ધર્મસત્ય છે. આ દિવસ માતા મરિયમના ઉદ્દગ્રહણનું પર્વ છે. એ દિવસે પરમપૂજામાં ભાગ લેવાની કેથલિક તરીકે આપણી ફરજ છે. માતા મરિયમને પ્રભુએ આટલો મહિમા આપ્યો કારણ માતા મારિયાએ દૂત સમક્ષ જાહેર કર્યુ હતું ‘હું પરમેશ્વરની દાસી છું’ અને સમગ્ર જીવનમાં તે ઈશ્વરને સંપૂર્ણ પણે સમર્પિત રહ્યાં. ઈશ્વરની ઈચ્છા માથે ચડાવીને એમને ઈસુની માતા બનવાની જવાબદારી સ્વીકારી એટલું જ નહિ પણ ગર્ભાધાનની ક્ષણથી ઈસુની અંતિમ ઘડી સુધી તેમણે સમર્પણની ભાવનાથી પોતાની જવાબદારી પ્રેમપૂર્વક નિભાવી. ત્યારબાદ પોતાની મૃત્યુ ઘડી સુધી ધર્મસભાના શૈશવ કાળ દરમિયાન તેઓ પ્રેષીતોની સાથે રહી તેમણે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતાં રહ્યાં. તેમણે લૂર્દશ અને ફાતિમા જેવાં અનેક સ્થળોએ લોકોને દર્શન આપ્યાં છે ને આ દુનિયા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

માતા મરિયમનાં અનેક તીર્થધામોમાં માત્ર કેથલિકો જ નહિ પણ અન્ય ધર્મના લોકો એમની મધ્યસ્થીથી ઈશ્વરે તેમના જીવનમાં કરેલા ચમત્કારોનો લોકોએ એકરાર કર્યો છે. અને એવા ચમત્કારોના અહેવાલો માતા મરિયમનાં તીર્થસ્થાનોના ચોપડે નોંધાયા છે. માતા મરિયમના ઉદ્દગ્રહણથી આપણી શ્રદ્ધા દ્રઢ બને છે કે આપણા દેહનું પણ ભવ્ય પુનરુત્થાન થશે એ માટે આપણે માતા મરિયમની નમ્રતાભરી નિષ્ઠાવાન સેવાના પગલે ચાલવાની જરૂર છે.

ચાલો આપણે આ પંદરમી ઓગસ્ટના મંગલ દિવસે ભારતમાતા અને માતા મરિયમ બંને પ્રત્યે આપણો અહોભાવ વ્યક્ત કરતાં નિષ્ઠાપૂર્વક ‘વંદે માતરમ્’ બોલીએ.

Changed On: 01-08-2019
Next Change: 16-08-2019
Copyright Mr. Prakash – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.