ઈસુ : ઉત્તમ શિક્ષક (ફાધર જેમ્સ બી ડાભી)

સંત કબીર એક દ્વિધામાં ફસાયા: તેમની સમક્ષ ગુરુ એટલે કે શિક્ષક અને ગોવિંદ એટલે કે પ્રભુ સાથે પ્રગટ થયા. કબીર બંને સાથે ઋણાનુબંધે બંધાયેલા. એટલે બંનેને પગે લાગી બંનેનું અભિવાદન કરવા ચાહ્યું પણ બંનેને એકીસાથે તો પગે લાગી ન શકાય; કોઈકને પહેલાં લાગવું પડે, બીજાને પછી. હવે કોને પહેલાં પગે લાગવું? આ હતી એમની દ્વિધા. કબીર જેને પહેલાં પગે લાગે એ બીજાની સરખામણીમાં મહાન ગણાય. કબીરને મન બંને અતિ મહત્વના હતાં. વિચારશીલ, લાગણીશીલ, કર્મશીલ અને ધર્મશીલ માનવી આવા પ્રસંગોમાં અવશ્ય દ્વિધા અનુભવે – આ કરું કે પેલું કરું? એટલે જ કબીર કંઇક આવા શબ્દોમાં ગાઈ ઊઠે છે : ‘ગુરુ ગોવિંદ દોનો પડે, કિસકો લાગું પાય?’ એમની દ્વિધાનો ઉકેલ પણ તેઓ જ શોધી કાઢે છે: ‘બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય.’ ગોવિંદ એટલે કે પ્રભુની ઓળખ એ કબીરને મન એમના જીવનની સૌથી મહાન કૃપા હતી. એ પ્રભુ જ સર્વ માન અને સન્માનના અધિકારી. એમને જ પગે પડાય પણ એમની ઓળખ કરાવનાર સાધન તો ગુરુ. એ ગુરુ એટલે કે શિક્ષકને કેમ ભૂલાય?

આંધ્રપ્રદેશની સિસ્ટરો દ્વારા સંચાલિત એક કોલેજના લેકચરરો અને પ્રોફેસરોને એક દિવસીય સેમિનાર આપવાનું આમંત્રણ મળ્યું. સિસ્ટર પ્રિન્સીપાલ મારી પાસેથી અપેક્ષા રાખતાં હતાં કે હું આ શિક્ષકગણને એવું માર્ગદર્શન આપું કે તેઓ તેમની આ શૈક્ષણિક કારકિર્દીને એક Profession એટલે વ્યવસાય નહિ પણ એક Vocation એટલે વ્યવહાર સમજે. વ્યવસાય સમયના ચોક્ક્સ માળખામાં થાય, વ્યવહાર સમયમર્યાદા ન સમજે. વ્યવસાય ઊભયપક્ષે સ્વાર્થ વિક્સાવે: ખરીદદાર નફો શોધે, ખરીદનાર ઓછો ભાવ શોધે. વ્યવહાર ઊભયપક્ષે સ્વવિકાસ સાધે: શિક્ષક લખતાં લહિયો થાય અને વિધાર્થી પૂછતાં પંડિત થાય. સીસ્ટર પ્રિન્સિપાલની આ અપેેક્ષા સંતોષવા મેં કોઈ મૉડલ શોધવા માંડ્યું. મૉડલ એટલે શું? મૉડલ એટલે એવું પાત્ર જેને રજૂ કરતાં દર્શકો યોગ્ય બોધપાઠ લઈ લે. એક દાખલો આપું‌:‌ રોમમાં મેં પહેલી વાર પગ મૂકયો ત્યારે શર્ટનાં ઉપરનાં ત્રણ બટન ભારતમાં ખુલ્લાં હતાં તે ખુલ્લાં જ રહેલાં. ગુજરાત પ્રાંતના ઈસુસંઘી પુરોહિત જેઓ રોમમાં સ્થિર થયા છે તેમણે મને આવકાર આપતાં મારા શર્ટનાં ઉપરનાં ત્રણેય ખુલ્લાં બટન બંધ કર્યાં. મેં એમનું શર્ટ જોયું; ગળા સુધી બટન બંધ હતાં. મેં બોધપાઠ લઈ લીધો. મૉડલ મળી જાય તો મેસેજ પહોંચાડવો સહેલો થઈ જાય. મને આંધ્રપ્રદેશની એ કૉલેજ માટે મૉડલ મળી ગયું : પ્રભુ. એ સ્ટાફ સર્વધર્મી છે એટલે ‘પ્રભુ એક ઉત્તમ શિક્ષક’ એ મારો વિષય બન્યો. પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે ‘ઈસુ એક ઉત્તમ શિક્ષક’ આપણો વિષય બની શકે.

તે વખતે રાજકીય સત્તા રોમનહસ્તક છે. રોમન સરકારે વડાપુરોહિત અને તેમની કારોબારી જેને વરિષ્ઠસભાએ આવા ગુનેગારને રોમન સરકારના પ્રતિનિધિ એવા રોમન ગવર્નર સમક્ષ રજૂ કરવો પડે અને એનો ગુનો કહેવો પડે. ઈસુની ધરપકડ થઈ ગઈ છે. ઈસુને દેહાંતદંડ દેવાની યોજનાનું આ પહેલું પગથિયું છે. ઈસુને માથે ક્યો ગુનો ચોંટાડવો? ગુરુવારની રાત્રે એમને જાગતા રાખી વડા પુરોહિત પૂછે છે: ‘તુ તારા શિષ્યોને શું શીખવાડે છે?’ ઈસુ શિક્ષક છે પણ આજની શિક્ષકની વ્યાખ્યામાં બંધબેસે એવા શિક્ષક નથી. આપણી તો વ્યાખ્યા છે, ‘જે શાળામાં ભણાવે તે શિક્ષક.’ ઈસુ કહે છે કે હું તો સભાગૃહમાં ને મંદિરમાં, સરોવર કિનારે ને પર્વતના ઢોળાવ પર, ચૉરેચૌટે ને કુદરતને ખોળે ભણાવું છું. ઈસુના શિક્ષણનો કોઈ ચોક્ક્સ સમય નથી. જ્યારે વિદ્યાર્થીઓ મળ્યા કે શિક્ષણકાર્ય શરૂ થયું. વિદ્યાર્થીઓની સંખ્યા પણ નક્કી નથી. કેટલીક વાર ઈસુની સાથે ને સાથે રહેનાર બાર શિષ્યો જ શિક્ષણ ગ્રહણ કરતા હોય. ક્યારેક પાંચ હજાર જેટલા પુરુષો હોય, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં. શિક્ષણનો કોઈ નક્કી અભ્યાસક્ર્મ નથી. વિદ્યાર્થીઓ હાજર રહે ત્યાં સુધી અભ્યાસક્ર્મ ચાલે. ઘણી વખત શિક્ષણ ક્ફરનહૂમના સભાગ્રૃહમાં ચાલતું. વિદ્યાર્થીઓને નાપસંદ પડે એટલે ઊઠીને જતા રહે. શિક્ષણ અટણકી પડે. ક્યારેક ચાલું શિક્ષણકાર્યમાં કોઈક તાત્કાલિક તેડું આવ્યું તો વળી પાછું શિક્ષણકાર્ય અટીકી પડે. ભલે નહોતી કોઈ શાળા કે મહાશાળા, ભલે નહોતો કોઈ નક્કી અભ્યાસક્ર્મ કે પરીક્ષા, ભલે નહોતો કોઈ ચોક્ક્સ સમય કે રોજનીશી, ભલે નહોતી કોઈ સરેરાશ સંખ્યા કે હાજરી, ઈસુ શિક્ષક તો હતા જ.

માનવને પ્રભુગમ દોરવા મોશેની મધ્યસ્થી દ્વારા દસ નિયમો રાખવામાં આવ્યા હતા. પ્રત્યેક નિયમ જાણે કે એક કૂમળો છોડ. છોડને તૂટતો બચાવવા એની ફરતે વાડ કરવામાં આવે, વાડને તૂટતી બચાવવા વાડ ફરતે વાડ કરવામાં આવે. એ જ મુજબ નિયમને તૂટતો બચાવવા બીજો નિયમ બનાવવામાં આવ્યો. બીજા નિયમને બચાવવા ત્રીજો નિયમ. દાખલા તરીકે વિશ્રામવાર ન તૂટે એટલા માટે કામ કરવાની બંધી કરવામાં આવી, કામ કરવાની ઇચ્છા ના જાગે એટલા માટે ચાલવાની બંધી ફરમાવી. એમ નિયમોની યાદી લાંબી થતી જ ગઈ. એમ કરતાં કરતાં બધા મળીને 613 નિયમો થઈ ગયા. નિયમોનું મહત્વ એટલું વધી ગયું કે નિયમો જેને લક્ષ્યમાં રાખીને ઘડવામાં આવેલા એ પ્રભુ જ ભૂલાઈ ગયો. શાસ્ત્રીઓ લોકોને શાસ્ત્ર સમજાવતા, શાસ્ત્રનું સાંપ્રત સમયમાં અર્થઘટન કરી આપતા. એટલે શાસ્ત્રીઓ લોકપ્રિય તો ખરા જ. ઈસુ જાણતા હતા કે જો કૂવામાં હશે તો હવાડામાં આવશે. આ શાસ્ત્રીને જો નિયમસંબંધી સાચી સમજ હશે તો એ સાચી સમજ લોકો સુધી અવશ્ય પહોંચશે. એટલે જ જ્યારે શાસ્ત્રીએ સવાલ કર્યો કે સૌથી મોટી આજ્ઞા કઈ, ત્યારે ગુસ્સે થઈને એ સવાલને વાહિયાત ગણવાને બદલે ઈસુ એ આજ્ઞા સમજાવે છે. ઈશ્વર એક જ છે. એ ઈશ્વર સાથે માનવે સંપૂર્ણપણે પ્રેમના બંધને બંધાઈ જવાનું છે.

ઈસુ કેવો શિક્ષક હતો? માનવને માનવગમ કરનારો. શું એ જમાનામાં માનવ અન્ય માનવ સાથે માનવના સંબંધે નહોતો જોડાતો? કદાચ નહોતો જોડાતો. ‘ખૂન કરીશ નહિ’ એવો નિયમ હતો. એ નિયમ તૂટે નહિ એટ્લે માનવ ખૂન કરવાનું ટાળતો પણ ગાળ બોલવી એટલે કે ઝઘડાઝઘડી કરવી અને ગુસ્સો કરવો એ તો પૂરબહારમાં ચાલતું હતું. ઈસુ સમજે છે કે ગુસ્સો એ તો પહેલું પગથિયું છે માનવ માનવ વચ્ચેના સંબંધ તૂટવાનું. એ પછી બીજું પગથિયું તે ઝઘડો. સંબંધ સંધઈ ગયો છે એમ ન કહેવાય. ઈસુ તો એ ગુસ્સો જ ઓકી નાખવાનું શિક્ષણ આપે છે. ઈસુ શિક્ષણ આપે છે ક્ષમાનું. ક્ષમામાં ન્યાય નહિ થાય. સંબંધ થશે. ‘એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ પણ ધરજે.’ એમાં ન્યાય હરગિજ નથી, પણ સંબંધ અવશ્ય છે.

આજનો શિક્ષક આવો સમધાનવૃત્તિવાળો, ક્ષમાશીલ, શુદ્ધ જીવન જીવનારો હોય એ આવશ્યક છે. ગાંધીજી કહેતા: ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ શિક્ષક્નું જીવન વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બની રહે છે. વિદ્યાર્થીઓને શિક્ષકમાં એટલો રસ છે કે તેઓ શિક્ષકનો પહેરવેશ, વાળ ઓળવાની સ્ટાઇલ, રીતભાત, કુટુંબકબીલાનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. એમાં જિજ્ઞાસાવૃત્તિ તો ખરી જ પણ એથી વિશેષ ‘આ મારા શિક્ષક છે’ એટલે રસ વધુ છે. શિક્ષક પોતાના શબ્દોથી નહિ સમજાવી શકે તે પોતાના જીવનથી સમજાવી શકશે. શિક્ષક અન્યને માટે જીવનારો છે એ સત્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં અથાગ પરિશ્રમ ઊઠાવી બતાવી આપી શકે છે.

ઈસુ કેવો શિક્ષક હતો? માનવને સરકાર અને ધર્મધિકારીઓને માન આપતો કરનારો. તે જમાનામાં સરકાર રોમનોની. તેઓ પરદેશીઓ હતા. યહૂદીઓ પર તેમણે કરવેરા ઝીંક્યા હતા. કરવેરા ભરવામાં આજે માણસને પેટમાં ચૂંક આવે છે, તો ત્યારની પરિસ્થિતિ કંઈ જુદી નહોતી. વળી, આ તો પરદેશી સરકાર. એટલે યહૂદીઓને આ વેરા અન્યાયી લાગતા. એ ભરવા કે નહિ એ મૂંઝવણ હતી. કોઈપણ મૂંઝવણનો ઉકેલ બાઇબલ હતું. શાસ્ત્રમાં રોમનોને કરવેરા આપવાનું કહેવામાં આવ્યું છે કે નહિ એવી પૃચ્છા ઈસુને કરવામાં આવે છે. બાઇબલ તો કરવેરા બાબતે ક્શું કહેતું નથી. એટલે હવે ઈસુના જવાબ પર સઘળું નિર્ભર છે. જો ઈસુ એમ કહેત કે કરવેરા ન ભરશો તો સમાજનો મોટો વર્ગ એ વાત સ્વીકારી લેત અને રોમનો વિરુદ્ધ બળવો પોકારત. ઈસુના પુનરૂત્થાન પછી ઈ.સ. 70માં યહૂદીઓએ રોમનો વિરુદ્ધ બળવો પોકાર્યો જ. ઈસુને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવાની એક જબરી તક હતી. ‘દેશભકત ઝનૂનીઓ’ નામે ઓળખાતો એક વર્ગ ઈસુ સાથે અવશ્ય જોડાઈ ગયો હોત. પણ પ્રવાહની સાથે વહી જાય એ શિક્ષક નથી, વહેણ છે. વહેણ ધોવાણ કરે. પ્રવાહને બાંધે એ બંધ કહેવાય. બંધ સિંચાઈ કરે. વીજઉત્પાદન કરે. ઈસુ આવો બંધ બને છે. ‘સિક્કા પર કોની છાપ છે?’ ઈસુ સવાલ કરે છે. પછી મૂંઝવણનો ઉકેલ આપે છે કે જો સિક્કા પર રોમન બાદશાહની છાપ હોય તો સિક્કો રોમન બાદશાહનો છે, માટે એને કરવેરાના રૂપમાં આપી દો.

ઈસુના સમયમાં ધર્મધિકારીઓનાં વાણી અને વર્તનમાં આસમાન અને જમીનનો તફાવત હતો; ને એ બાબતે લોકોમાં જબરો અસંાતોષ હતો. ઈસુ આ પ્રવાહનો લાભ લઈ શક્યો હોત પણ તો એ પ્રવાહની સાથે વહેનાર વહેણ બની જાત અને વહેણ માત્ર ધોવાણ કરે. ઈસુ લોકોના આ અસં્તોષ સાથે સંપૂર્ણપણે સંમત હોવા છતાં લોકોને શિક્ષણ આપે છે કે તેમનું વર્તન જે હોય તે, પણ તેઓ કોણ છે એ વધુ મહત્ત્વનું છે. તેઓ છે મોશેના આસન પર બેસનારા મોશેના ઉત્તરાધિકારીઓ. એમને એમના સ્થાનનું માન આપવું જ ઘટે.

આજનો શિક્ષક કોઈપણ પક્ષનો હોય, શિક્ષક તરીકે તો તેણે વિદ્યાર્થીઓને સરકારી અધિકારીઓ પ્રત્યેની ફરજો બજાવતાં શીખવવાનું છે. વડાપ્રધાન, મુખ્યપ્રધાન, પ્રધાનને વિદ્યાર્થી માન આપે એવું શિક્ષણ આપવાની એની ફરજ છે. સરકારી કરવેરા ભરતાં વિદ્યાર્થીને વિદ્યાર્થી અવસ્થાથી જ શીખવવું જોઈએ. રેલ્વેની લાંબી ગાડી આમેય જાય છે જ. હું એકલો વગર ટિકિટે ચઢી જઈશ તો સરકારને શી ખોટ પડવાની છે એવી વૃત્તિ માનવીમાં જન્મે છે. વળી પાછી એક વાર્તા: ગામમાં અઠવાડિયાની કથા પૂરી થવા આવી છે. છેલ્લી રાત છે. કથાકાર જાહેર કરે છે કે કથાની પુર્ણાહુતિ વેળાએ હું ચૂલા પર તપેલું ચઢાવીશ. પ્રત્યેક પરિવાર પરિવારદીઠ માત્ર એક ગ્લાસ દૂધ તપેલામાં રેડશે. હું ચમત્કાર કરી દૂધપાક બનાવીશ. આપણે સૌ મળસ્કે દૂધપાક આરોગી છૂટાં પડીશું. એક ભાઈ વિચારે છે કે આખું ગામ દૂધ રેડવાનું છે, તો એમાં હું એક ગ્લાસ પાણી રેડીશ તો શું ફરક પડવાનો છે? હજી અંધારું છે એટલે હું પાણી રેડીશ એ કોઈની નજરમાં નહિ આવે. મળસ્કે ગામલોક જુએ છે તો તપેલામાં માત્ર પાણી જ એક્ઠું થયું છે. શું એવું ન બને કે આખેઆખી ગાડી વગર ટિકિટના મુસાફરોની હોય જેમાં હું વગર ટિકિટે ચઢી બેઠો છું?

ઈસુ કેવો શિક્ષક હતો? કુદરતપ્રેમી શિક્ષક. સરોવર કાંઠે, પર્વતની ટોચે, લચી પડેલાં ખેતરો વચ્ચે કે ખુલ્લા મેદાનમાં એ શિક્ષણ આપતો. શિક્ષણમાં દૅષ્ટાંતો પણ કુદરતનાં જ વાપરતો: ‘હું દ્રાક્ષનો વેલો છું, તમે બધા ડાળીઓ છો.’ ‘ભૂલા પડેલા એક ઘેટાંને શોધવા બાકીના નવ્વાણુંને વગડામાં મૂકીને ગોવાળ નીકળી પડે છે.’ ‘આકાશનાં પંખીઓને જુઓ, વગડાનાં ફૂલોને નિહાળો.’ ‘મારું આપેલું પાણી જે પીશે તેના અંતરમાંથી જીવંત જલની નદીઓ વહેશે.’ ‘ કેટલાંક બી સારી જમીનમાં પડ્યાં અનપે તેને પાક બેઠો.’ ‘ઈશ્વરનું રાજ્ય તો દરિયામાં નાખેલી જાળ જેવું છે.’

કુદરત મૂક રહીને ઘણું શીખવે છે. અંગ્રેજીમાં કહેવાય છે: Silence speaks louder than the words (મૌન શબ્દો કરતાં વધુ જોરથી બોલે છે.) જેના જીવનમાં સુખ અને દુ:ખ આવ્યા કરતાં હોય એ શૂન્યમનસ્ક જૂન મહિનામાં જે તડકો છાંયો થયા કરે છે તેને નિહાળી રહે તો આપોઆપ સમજી જશે કે જેમ તડકો કાયમી નથી તેમ તેનું દુ:ખ પણ કાયમી નથી. કુદરત હરદમ આપણી સાથે છે એટલે વગર મહેનતે આપણે એની પાસેથી પાઠ ભણી શકીએ છીએ.

આજનો શિક્ષક આવો પ્રકૃતિપ્રેમી હોય એ જરૂરી છે. કાઁક્રીટ અને પ્લાસ્ટીકની આ કૃત્રિમતા વચ્ચે શાળા કંઈક અંશે કુદરતી લાગે છે. વૃક્ષો, વૃક્ષોને કારણે ફૂલો, ફૂલોને કારણે પંખીઓ શાળાના પટાંગણની શોભા બને છે. એ સઘળાં વચ્ચે વિદ્યાર્થી વિક્સે છે. યંત્ર અને ટેકનોલોજીના આ ઈલેક્ટ્રોનિક યુગમાં ક્લાસમાં કેલક્યુલેટર, શાળામાં ક્મ્પ્યુટર, રસ્તામાં સેલફોન અને ઘરે ટેલિવિઝન વિદ્યાર્થીને વ્યસ્ત રાખે છે. પ્રકૃતિપ્રેમી શિક્ષક જ એને કુદરતનાં દર્શન કરાવી શકશે અને કુદરત પાસેથી શીખતાં શીખવાડી શકશે. આશા રાખું. આજે કવિતા અને કહેવતો કંઠસ્થ કરાતી હોય. આશા રાખું આજે પત્ર લખતાં આવડતું હોય. કેમ કહું છું કે આશા રાખું? શાળાના એક વિદ્યાર્થીએ મને કહ્યું હતું: ‘મને પત્ર લખવાનું ઓછું ફાવે છે તેથી હું તમને કૉલ કરીશ.” આ છે આજની પરિસ્થિતિ.

ઈસુએ માનવને પ્રભુગમ, માનવગમ, સરકારગમ અને પ્રકૃતિગમ કરવાનું જે શિક્ષણકાર્ય સદીઓ પુર્વે આરંભ્યું તે આજનાં શિક્ષક-શિક્ષિકા ચાલુ રાખે એ જરૂરી છે. આ તો રીલે રેસ (ટપ્પા દોડ) છે. આજનાં શિક્ષક-શિક્ષિકા એ દોડ દોડી રહ્યાં છે, જે સદીઓ પહેલાં ગુરુને પગે લાગ્યા. આપણે પણ એ શિક્ષક-શિક્ષિકાને પગે લાગીએ. પ્રસ્તુત લેખ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આજનાં શિક્ષક-શિક્ષિકા સમક્ષ ઈસુને એક આદર્શ તરીકે રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. શિક્ષણનું વ્યાપારીકરણ એ સાંપ્રત સમયની જબરી સમસ્યા છે. એ જબરી સમસ્યાનો ’ઈસુ : ઉત્તમ શિક્ષક’ જબરો ઉકેલ છે. એ જ ઈસુ આપણાં શિક્ષક-શિક્ષિકાઓને પોતાના જેવાં બનાવે એવી પ્રાર્થના.

Changed On: 01-09-2019
Next Change: 16-09-2019
Copyright Fr. Jimmy Dabhi, SJ – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.