સંવેદનશીલતા દયાની ગંગોત્રી (જોન કાનીસ પરમાર)

એક વાર, એક પેસેન્જર બસ ઉપડવાની તૈયારીમાં હતી ત્યાં જ એક મજૂર જેવો લાગતો આઘેડ વયનો માણસ ઝડપથી બસમાં ચડી ગયો. કંડકટરે બેલ મારતાં બસ ઉપડી. કંડકટર પેલા માણસ પાસે આવ્યો અનપે ‘ટિકિટ ક્યાંની ફાડું’ એમ પૂછતો એની સામે જોઈ રહ્યો. પેલો માણસ થીગડું મારેલા એના પેન્ટનાં ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને છેવટે થોડું પરચૂરણ કંડકટર સામે ધર્યું. કંડકટરે જણાવ્યું કે ટિકિટ માટે આ પૈસા પૂરતા નહોતા. પેલાએ ફરી પોતનાં પેન્ટ-શર્ટનાં ખિસ્સાં ફંફોસ્યા પણ કશું ન મળતાં એ દયામણા ચહેરે ક્ષોભ સાથે કંડકટર સામે જોઈ રહ્યો. કંડકટરે કહ્યું, ‘ટિકિટના પૈસા નહોતા તો બસમાં શું કામ ચડયો? આ ધર્માદા બસ નથી.’ પેલા માણસે કહ્યું, ‘મારો દીકરો દવાખાનામાં બીમાર છે. એને માટે દવા લેવા મેડીકલ સ્ટોરમાં ગયેલો. દવાઓ મોંઘી હોવાથી ઘેરથી જેટલા પૈસા લઈને નીકળેલો એ બધાં સ્ટોરમાં ચૂકવવા પડ્યા. મારે દવાખાને જવાની ઉતાવળ છે.’ ‘હું કંઈ ન જાણું. હવે પછીના બસ સ્ટોપ પર ઉતરી જા.’ કંડકટર બોલીને આગળ વધ્યો.

બસમાં બેઠેલા 40-50 મુસાફરો બસ કંડકટર અનૂે પેલા માણસ વચ્ચે જે કાંઈ થઈ રહ્યું હતું તેને મૂકપ્રેક્ષક બની નિહાળી રહ્યાં હતાં. બસ સ્ટોપ આવતાં બસ ઊભી રહી. પેલા માણસે કંડકટર તરફ આજીજીભરી નજરે જોયું પણ કંડક્ટરે આંગળી વધી એને આગળનો દરવાજો ચીંધ્યો. એ આગળ વધ્યો અને બસના દરવાજાના પગથિયાં પર પગ મૂકી ઉતરવા જતો હતો ત્યાં જ કંડકટર એકદમ બોલી ઉઠ્યો, ‘અરગે, ચાલ ચડી જા બસમાં’ અને પછી એની પાસે જઈ ટિકિટ ફાડી એના હાથમાં મૂકી દીધી અને ઇશારાથી ખાલી રહેલી એક સીટ પર એને બેસી જવા કહ્યું. એ પછી કંડકટરે પોતાના પેન્ટના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢી ટિકિટના પૈસા ક્લેકશન બેગમાં મૂકયા.

સૌ કોઈ આ ‘તમાશો’ ભારે કુતૂહલ અને નવાઈભરી નજરે જોઈ રહ્યાં હતા. આ બસમાં એક પત્રકાર પણ મુસાફરી કરી રહ્યો હતો. એને બસ કંડકટરનો વ્યવહાર સમજાયો નહીં. આ બાબતે કંડક્ટરને પૂછતાં એણે જવાબ આપ્યો. ‘આ બસમાં તમારા જેવા ઘણાબધા પ્રતિષ્ઠિત અને પૈસાપાત્ર લોકો મુસાફરી કરી રહ્યા છે. હું એ જોવા માગતો હતો કે આ બધામાંથી કોઈ પેલા ગરીબ માણસ પ્રત્યે સંવેદના દાખવી એને મદદ કરવા આગળ આવે છે! મને કહેતા દુ:ખ થાય છે કે બસમાં બેઠેલા આ 40-50 જેટલા મુસાફરોમાંથી એકપણ બાઇબલના પેલા ભલા શમરૂની (ધ ગુડ સેમેરિટન)ની જેમ દયા દાખવી પેલા જરૂરીયાતમંદ માણસ પ્રત્યે માનવતા બતાવી ન શક્યા.’ છેલ્લે આ પ્રસંગને વર્ણવી પેલો પત્રકાર એના પર કોમેન્ટ કરતાં કહે છે – ‘પેલો સામાન્ય લાગતો બસ કંડકટર મને મુઠ્ઠી ઊંચેરો માનવી દેખાયો અને હું બસના અન્યત મુસાફરો સાથે સાવ વામણો!’ ઘણીવાર તમને અને મને અનેક પ્રકારના અભાવોથી પીડાતા લોકો અત્ર-તત્ર અન ે સર્વત્ર નજરે ચડે છે – ભીડભાડભરી બસો અને ટ્રેનમાં, બજારમાં, દવાખાનાઓમાં, આપણી આજુબાજુ અનેક પ્રકારનાં દુ‌:ખદર્દો તકલીફોથી પીડાતી વ્યક્તિઓને આપણે જોઈએ છીએ; પણ એમના પ્રત્યે આપણું વલણ – આપણી માનસિક્તા કેવાં હોય છે? એવા લોકો પ્રત્યે આપણે સંવેદનશીલ હોઈએ છીએ ખરાં?

આપણું વલણ ‘ભલા શમરૂની’ની ક્થામાં આવતા પેલા પુરોહિત કે પુરોહિત સહાયક જેવું હોય છે. આપણે આપણામાં (અર્થાત આપણા નોકરી – ધંધામાં, આપણી પોતાની રોજિંદી સમસ્યાઓ અને અંગત રસ-રુચિઓમાં) એટલા વ્યસ્ત (અને કયારેક મસ્ત) હોઈએ છીએ કે આવાં દુ‌:ખદર્દોથી પીડાતા લોકો પ્રત્યે આપણું ધ્યાન ક્યાં જાય છે. આવા લોકો પ્રત્યે આપણે આંખ આડા કાન કરીએ છે, એમને નજર અંદાજ કરીએ છીએ અને એમ કરવા માટે આપણી પાસે જાતજાતનાં બહાનાં અને દલીલો તૈયાર હોય છે. પયગંબર યશાયાનાં વચન આ સંદર્ભે આપણા માટે કેટલા યથાર્થ નીવડે છે! ‘તમે ગમે તેટલું સાંભળ સાંભળ કરો, પણ કશું સમજશો નહિ. કારણ, એ લોકોનું મન જડ થઈ ગયું છે, તેમના કાન બહેર મારી ગયા છે, અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધી છે; રખે ને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે, અને તેમનું મન સમજે, અન ે તેઓ પાછા વળે, અને હું તેમને સાજા કરું!’ (માથ્થી 13:14-15) હા, છતી આંખે આંધળા અને છતે કાને બહેરા બની જઈએ છીએ. એ સમય પૂરતા આપણે ‘માણસ’ મટી જઈએ છીએ. ઇસપનું નામ તમે સાંભળ્યું હશે. ‘ઇસપની બોધકથાઓ’ ખૂબ જાણીતી હતી. એ ગ્રીક ગુલામ હતો પણ તીવ્ર બુદ્ધિમતા ધરાવતો તત્વચિંતક હતો. પ્રત્યેક ઘટનાને સામાન્ય લોકો કરતાં અલગ નજરે જોવાની એની પાસે દ્રષ્ટિ હતી. એક વાર એના માલિકે એને શહેરના સ્નાનાગારમાં તપાસ કરવા મોકલ્યો કે ત્યાં માણસોની ભીડ તો નથી ને? પાછા આવીને ઇસપે એના માલિક્ને જણાવ્યું કે ત્યાં માત્ર એક જ ‘માણસ’ છે. ઇસપની વાત માનીને માલિક સ્નાનાગારે પહોંચ્યો અને જોયું તો ત્યાં પુષ્કળ લોકોની ભીડ હતી. ગુસ્સે થયેલા માલિકે ઇસપને કહ્યું –‘તેં બરાબર તપાસ કરી હતી? ત્યાં એક માણસ હતો?’ ઇસપે કહ્યું- ‘જી, એક જ માણસ હતો.’ માલિક કહ્યું-‘તો પછી આટલા બધા માણસોને હું અહીં જોઉં છું એનું શું?’ ઇસપે કહ્યું.

‘આપ જે બધા લોકોને જોઈ રહ્યાં છો એમાં ‘માણસ તો એક જ છે.’ માલિક્ને ઇસપની વાત સમજાઇ નહીં એમણે કહ્યું, ‘તો આ બધા કોણ છે? માણસ નથી.’ ઇસપે કહ્યું – ‘માણસ જેવા દેખાય છે ખરા, પણ માણસ નથી. હું અહીં આવ્યો ત્યારે મેં જોયું કે વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હતો અને સ્નાનાગારમાં જતા દરેકના પગે અથડાતો. કોઈકને વાગતો અને કેટલાક ગબડી પણ જતા. છતાં કોઈ એને હઠાવવા પ્રયાસ કરતા નહોતા. ત્યાં એક વ્યકિતની નજરે આ પથ્થર પડ્યો અને લોકોને પડતી તકલીફ એના ધ્યાનમાં આવી. એણે ભારે મહેનતપૂર્વક એ ભારે પથ્થર ખસેડીને બાજુ પર મૂક્યો. મને લાગ્યું કે આ ભીડમાં ‘માણસ’ તો એક જ છે જે બીજાની તકલીફો-મુસીબતોને જાણવા – સમજવાનું સંવેદનશીલ હ્રદય ધરાવે છે.

વાચક મિત્રો, કથાનો સંદેશ સમજવા જેટલા શાણા તો તમે છો જ. બીજાનાં દુ:ખો, તકલીફોને જોવા-સાંભળવાની સમજવાનું મૃદુ, સંવેદનશીલ હૈયું જેનામાં ન હોય એને માણસ ગણી શકાય? એટલે તો ગુજરાતી કવિએ કહ્યું છે – ‘હું માનવી માનવ થાઉં તો ઘણું!’

બાઇબલમાં લૂકના 16મા અધ્યાયમાં આવતી શ્રીમંત અને લાઝરસ કથાનો પેલો શ્રીમંત એના આંગણામાં પડી રહેલા ગરીબ લાઝરસ પ્રત્યે સંવેદનશીલતા દાખવી ન શક્યો, માનવતા બતાવી ન શક્યો. એનું એ પાપ (Sin of omission) – એને નરકમાં ખેંચી જાય છે. કબીર કહી ગયા છે – ‘દયા ધરમકા મૂલ’ દયાહીન મનુષ્ય ક્યારેય ધાર્મિક ન ગણી શકાય; ભલે એ ધ્યાનમગ્ન બની પ્રાર્થના કરે, કથાઓ સાંભળે, ધાર્મિક વાચન કરે.

આપણો ઇશ્વર પિતા ‘દયાનો દેવ’ મનાયો છે, ‘કરુણાનો સાગર’ કહેવાયો છે. એ સંવેદનાથી ભર્યો ભર્યો છે. બાઇબલના જૂના અને નવા કરારના પાને પાને એની દયા (શબ્દોમાં અને કાર્યોમાં) રેલાય છે. એની એ દયા ઇસુના માનવરૂપે પ્રગટ થવામાં ને ક્રૂસ પરના બલિદાનમાં મૂર્તિમંત થતી દેખાય છે. આપણો પિતા જો આટલો દયાળુ, માયાળુ ને પ્રેમાળ હોય તો આપણે એનાં સંતાનો તરીકે દયાળુ બનવું ન ઘટે?

જૂના કરારમાં યશાયાના મુખે ઇશ્વર ઉચ્ચારે છે – ‘તમે પવિત્ર બનો, કારણ, હું તમારો ઇશ્વર પ્રભુ પવિત્ર છું.

‘તમે દયાળુ બનો (અર્થાત દયાકૃત્યો કરો) કારણ હું તમારો ઇશ્વર દયાળુ છે.’

Changed On: 16-09-2019
Next Change: 01-10-2019
Copyright Mr. John Canis – 2019

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.