Bible_English

કોણ નકામો છે? (ડૉ. થોમસ પરમાર)

“તણખલા જેટલું ઘાસ જો આટલું ઉપયોગી થતું હોય તો માણસ કેટલો ઉપયોગી થઈ શકે?”

આ તંત્રીલેખનું શીર્ષક વાંચીને તમને આશ્ચર્ય થશે. આ પ્રશ્ન માત્ર વાચકોને જ પૂછાયો નથી, પરંતુ તે તંત્રીને પણ પૂછાયો છે. આપણા રોજબરોજના જીવનમાં અવારનવાર આપણે બોલીએ છીએ કે, ‘પેલો તો સાવ નકામો છે’ કે ‘પેલી સાવ નકામી છે’ આમ બોલીને આપણે તે વ્યક્તિનું નકારાત્મક મૂલ્યાંક્ન ફટાક દઈને કરી દઈએ છીએ અને કેટલી સહેલાઈથી અને સરળતાથી આપણે આ શબ્દો ઉચ્ચારીએ છીએ? ‘નકામો’ કે ‘નકામી’ કહીને કોઈનું નકારાત્મક મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ લગભગ રોજ વારંવાર થતી હોય છે. વિશેષ કરીને જ્યાં નક્કર સકારાત્મક વાતોને બદલે ગામગપાટા થતા હોય ત્યાં આવા નકારાત્મક મૂલ્યાંકનની વાતો વિશેષ થતી હોય છે. કોઈક્ના માટે વપરાયેલ ‘નકામો’ કે ‘નકામી’ શબ્દ સાંભળનારના મનમાં પ્રવેશે છે અને પછી તો તે મૂલ્યાંકન સમાજના ઘણાં લોકો સુધી પહોંચતા વાર લાગતી નથી. ક્યારેક બોલીને નહીં તો મનમાં વિચારીને પણ કોઈ વ્યક્તિને આપણે નકામી ગણી લઈએ છીએ. કોઈ વ્યક્તિ આપણો વિરોધ કરે, અપમાન કરે, કોઈ વ્યક્તિએ આપણું હિત ન કર્યુ હોય, લાભ ન આપ્યો હોય કે ન અપાવ્યો હોય, કોઈ વ્યક્તિ આપણી સાથે સમંત ન થતી હોય તેવી વ્યક્તિઓને આપણે નકામી ગણી લઈએ છીએ. આવી વ્યક્તિ સમાજની, સંન્યસ્તવર્ગની, આપણાં સગાંસ્નેહી કે મિત્રવર્તુળની હોઈ શકે.

આપણે કોઈ વ્યક્તિ વિશે આવું નકારાત્મક મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણાં પોતાના માપદંડ, દ્રષ્ટિ અને સમજણથી કરીએ છીએ. આ રીતે કરેલું મૂલ્યાંકન સચ્ચાઇભર્યું અને સ્વીકૃત ન પણ હોઇ શકે. મૂલ્યાંકન માટે આપણે ઊભા કરેલાં ત્રાજવાં કેટલા સાચા છે તે પણ વિચારણા માંગી લે છે. બાઇબલમાં જણાવ્યું છે કે, ‘ખોટાં ત્રાજવાંની પ્રભુને નફરત છે., પણ સાચા કાટલાં જોઈ તેને આનંદ થાય છે (સુભાષિત 11‌:1). મૂલ્યાંકન કરતી વખતે સર્વ પાસાંઓનો અભ્યાસ કરવો જોઈએ. કેટલાંક અંધજનો હાથી કેવો છે તેનો અભ્યાસ કરતાં હતાં. જેણે હાથીના કાનને સ્પર્શ કર્યો તેણે કહ્યું ‘હાથી સૂંપડા જેવો છે.’ પગનો સ્પર્શ કરીને બીજાએ કહ્યું કે, ‘ના, હાથી તો થાંભલા જેવો છે’ તો ત્રીજાએ પૂંછડીનો સ્પર્શ કરીને કહ્યું, ‘તમે બંને ખોટા છો હાથી તો દોરડી જેવો છે.’ આ ત્રણેના અભિપ્રાયમાં સત્ય ક્યાં છે? આવું જ બીજું એક ઉદાહરણ ઢાલનું છે. ઢાલની એક બાજુ સોનાની અને બીજી બાજુ ચાંદીની બનેલી છે. હવે પ્રશ્ન પૂછવામાં આવે કે, ‘ઢાલ શાની બનેલી છે?’ સોનાની બાજુ જોઈને કોઈ ઉત્તર આપે કે, ‘ઢાલ સોનાની છે’ અને ચાંદીની બાજુ જોઈને કોઈ ઉત્તર આપે કે, ‘ઢાલ ચાંદીની છે’. આ બંને ઉત્તરોમાં સત્ય નથી, આમ છતાં તે સત્ય છે તેમ પણ ન કહી શકાય, ‘ઢાલ અંશત: સોનાની અને અંશત: ચાંદીની છે.” આથી કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ ત્યારે તેના સર્વ પાસાંઓનો અભ્યાસ કરવો જોઇએ અને તે પછી જ મૂલ્યાંકન કરી શકાય. જે વ્યક્તિને આપણે નકામી ગણી લઈએ તે તેનાં સગાં-સ્નેહીઓને, મિત્રોને કે અન્ય કોઈ માટે કામની પણ હોઇ શકે. ફટાક દઈને આપણે કોઈ વ્યક્તિ વિશે વિચાર કે શબ્દથી નકારાત્મક મૂલ્યાંક્ન કરી દઈએ તો તે એક પ્રકારની વૈચારિક કે શાબ્દિક હિંસા જ છે. પતિત હોવા છતાં માગ્દાલેનને ઈસુએ નકામી ન કહી. જુડાસે ઈસુને દગો કર્યો છતાં ઈસુએ તેને નકામો ન ગણ્યો. એથી વિશેષ તો પીતરે ઈસુનો ઇન્કાર કર્યો છતાં ઈસુએ પીતરને નકામો ન કહ્યો, બલ્કે તેને પોતાની ધર્મસભાનો વારસદાર બનાવ્યો! બાઇબલમાં જણાવ્યું છે કે, ‘અક્ક લ વગરનો આદમી બીજાનો તુચ્છકાર કરે છે. પણ સમજુ માણસ મૂંગો રહે છે’ (સુભાષિત 11:12). ઈસુ પણ ઉપદેશે છે કે, ‘કોઈનો ન્યાય નહિ તોળાય. કોઈને દોષિત ઠેરવશો નહિ એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહિ આવે.’ (લૂક 6:37). અહીં ન્યાય તોળવો તે મૂલ્યાંકનના અર્થમાં છે. નકારાત્મક મૂલ્યાંકન કરતા દસ વાર વિચાર કરવો જોઇએ.

આપણે ઉતાવળે કોઈના વિશેનો મત બાંધવા માટે પ્રેરાઈએ છીએ જે ખરેખર યોગ્ય નથી. આ વિશે થોમસ કેમ્પિસના વિચારો આપણને ઉપયોગી થઈ પડે તેમ છે: ‘તમે પોતે કેવા છો તે તપાસો અને બીજા વિશે મત બાંધવામાં સાવધ રહો. બીજાનું મૂલ્યાંકન કરવામાં આપણે આપણી શક્તિ વેડફીએ છીએ; આપણે ઘણીવાર ભૂલ અને પાપ કરી બેસીએ છીએ પણ આપણું પોતાનું મૂલ્યાંક્ન કરવામાં આપણી જે શક્તિઓ વપરાય છે તેનાથી આપણને લાભ જ થાય છે. બીજાનાં આપણે કરેલાં મૂલ્યાંક્ન આપણા અંગત રાગદ્વેષથી રંગાયેલા છે અને તે કારણે સાચું મૂલ્યાંક્ન કરતાં આપણે જોતજોતામાં ચૂકી જઇએ છીએ’ (ઈસુને પગલે).

વાસ્તવમાં જોઈએ તો આ સૃષ્ટિની દરેક ચીજવસ્તુઓ અને જીવજંતુઓનું સર્જન ઈશ્વરે સહેતુક કરેલું છે. નકામી જણાતી ગરોડીને લીધે ઘર જીવડાં-જંતુ વિનાનું થાય છે. ખેતરમાંનો સાપ ઉંદરને ખાઈ જાય છે તેથી ઉંદર દ્વારા થતા અનાજના બગાડનો બચાવ થાય છે. જો સામાન્ય જીવજંતુ આટલા કામના હોય તો માણસને નકામો કેમનો કહી શકાય? ઘરની નકામી ચીજવસ્તુઓમાંથી પણ ક્લાત્મક સર્જનો કરવામાં આવે છે. દરેક માનવીમાં કુટુંબ કે સમાજને ઉપયોગી થવાની શક્તિ કે ગુણ રહેલા હોય છે. પરંતુ તેની આ શક્તિ કે આવડતને જો બહાર લાવવામાં આવે અથવા સકારાત્મક માર્ગે વાળવામાં આવે તો તે કુટુંબ કે સમાજ માટે ઘણાં ઉપયોગી કામ કરી શકે. પાંચસો રૂપિયાની નકલી નોટને પીછાનવામાં આપણે થાપ ખાઈ જઈએ એટલી આબેહૂબ રીતે બનાવવામાં આવી હોય છે. આ નકલી નોટ બનાવનારની શક્તિઓને જો સકારાત્મક માર્ગે વાળવામાં આવે તો તેની પાસેથી કલાના સુંદર આલેખનો મળી શકે. આમ દરેક વ્યક્તિ સારું કામ કરી શકે તેવી શક્તિઓ ધરાવતી હોય છે. બાઇબલના કથનોને ફરીથી ટાંકીએ: ‘આમ પ્રભુએ દરેક વસ્તુ કોઈ હેતુ માટે સર્જી છે. દુષ્ટોને પણ – આફતના કામ માટે (સુભાષિતો 16:4). માણસ શું છે અને શા કામનો છે? એનામાં ઇષ્ટ છે અને અનિષ્ટ શું છે? (ઉપદેશમાળા 18:8).

વર્ષો પહેલાં આ વિચારના બીજ મારા મનમાં રોપાયા હતા. એક ચોમાસામાં મારા ઘરના પગથિયાની તીરાડમાં થોડું ઘાસ ઊગી નીક્ળ્યું હતું. ચોમાસું પૂરું થયા પછી તે સૂકાઈ ગયું. એ ઘાસ મને કોઈપણ રીતે નડતરરૂપ ન હતું. છતાં મેં એને ખેંચીને દૂર કરવાનું વિચાર્યુ. જે દિવસે મને આ વિચાર આવ્યો એના બીજા દિવસે એક ચકલી એનો માળો બાંધવા માટે એ ઘાસ ચૂંટી ચૂંટીને લઈ ગઈ અને આ રીતે પગથિયા પાસેનું ઘાસ દૂર થઈ ગયું. મારે એ માટે કોઈ શ્રમ ન કરવો પડ્યો. ત્યારે મને વિચાર આવ્યો કે જે ઘાસને હું નકામું ગણતો હતો તે ચકલી માટે કેટલું ઉપયોગી થઈ પડયું! મેં નકામા ગણેલા ઘાસમાંથી ચકલીએ માળો બનાવ્યો હશે અને તેમાં પક્ષી-પરિવાર ઉછર્યો હશે અને આનંદ-કિલ્લોલ કર્યો હશે. તણખલા જેટલું ઘાસ જો આટલું ઉપયોગી થતું હોય તો માણસ કેટલો ઉપયોગી થઈ શકે? તેથી કોઈ માણસને નકામો કેમનો કહી શકાય?

સમાજની સામાન્ય વ્યક્તિઓ અને સમાજના નેતાઓમાં રહેલી શક્તિ સમાજના ઉત્કર્ષ માટે વપરાય એ બધાંના હિતમાં છે. આપણે માત્ર આપણાં કાટલાંથી કરેલાં કોઈના નકારાત્મક મૂલ્યાંકનોને તિલાંજલિ આપીને આગમન ઋતુને આવકારવા આપણાં હ્રદયને શુદ્ઘ કરીએ એ જ પ્રાર્થના.

Changed On: 01-10-2019
Next Change: 16-10-2019
Copyright Dr. Thomas Parmar – 2019