English |
પ્રાર્થના! ઘણીવાર આપણે દેવળમાં, શાળામા, પ્રાર્થનાસભાઓમાં, શોકસભાઓમાં ખૂબ ઊંચા અવાજે, એક જ પ્રકારના શબ્દો કે વાક્યો દ્વારા બોલાતી પ્રાર્થનાઓ સાંભળીએ છીએ. આપણી પ્રાર્થનાઓ વિધર્મીઓની પેઠે ઘણીવાર બકવાસ કે લવારો બનીને રહી જતી હોય છે. પોકળ, અર્થહીન શબ્દોનો પ્રલાપ.
એકવાર એક ગરીબ સ્ત્રી ફાટેલાંતૂટેલાં કપડાં પહેરી કરિયાણાની દુકાનમાં ગઈ. દુકાનના માલિકને એણે જણાવ્યું કે તેને ઘરવપરાશની કેટલીક ચીજોની ખૂબ જરૂર છે અને એના પૈસા પોતે પછીથી એને ચૂકવી આપશે, કારણ એના પતિને દવાખાનામાં દાખલ કર્યો હતો. ઘરમાં પતિ સિવાય કોઈ કમાનાર ન હતું અને નાનાં બાળકો ભૂખ્યાં હતાં. પોતે અહીંથી અનાજ-તેલ વગેરે લઈ જશે ત્યારે તેમને ખાવાનું મળશે. દુકાનદારે કહ્યું – ‘તારા જેવા કેટલા બધા આ રીતે ઉધાર લેવા આવે છે અને પછી પૈસા આપવાનું નામ લેતા નથી.’ પેલી બાઈ ખૂબ કરગરી પણ દુકાનદાર એકનો બે ન થયો. બાઈ મોટેથી રડવા લાગી. લોકો ભેગા થઈ ગયા. દુકાનદારે કહ્યું- ‘તારા પતિનું અહીં ખાતુ છે? સ્ત્રીએ જણાવ્યું કે ટંકે જે મળે તેનાથી જીવનજરૂરિયાતની ચીજો લાવીને તે ચલાવતા. દુકાનદારે મજાકભર્યા સ્વરે કહ્યું – ‘ કરિયાણાના સામાનનું લીસ્ટ છે તારી પાસે? તારી એ ચબરખી આ ત્રાજવામાં મૂક, એના વજન જેટલો સામાન તને આપવા તૈયાર છું.’ લોકો હસવા લાગ્યા.
પેલી સ્ત્રીએ પોતાનું માથું આકાશ તરફ ઊંચું કર્યું અને ક્ષણવાર આંખો બંધ કરી. પછી પોતાના જૂના ફાટેલા પર્સમાંથી એક ચબરખી કાઢી એના પર કંઈ લખી સામે લટકતા ત્રાજવાના એક પલ્લામાં મૂકી. સામેના પલ્લામાં એક કિલોનું વજનિયું હતું. દુકાનદાર અને બીજા બધા મોટેથી હસવા લાગ્યા પરંતુ પેલી સ્ત્રી આંખો બંધ કરી સ્થિર ઊભી હતી. અને શું બન્યું? દુકાનદાર અને બધાના આશ્ચર્ય વચ્ચે ચબરખીવાળું પલ્લું નીચું થતું ગયું ને છેવટે જમીનને અડી ગયું. દુકાનદાર એક પછી એક ભારે વજનિયાં મૂકતો ગયો પણ ચબરખીવાળું પલ્લું સ્હેજ પણ ઊંચું ન થયું. બધા આશ્ચર્યથી તાકી રહ્યા. દુકાનદાર તો આભો જ બની ગયો. તેના માન્યામાં આવતું નહોતું કે આ શો ચમત્કાર હતો? પેલી સ્ત્રી પાસે કોઈ જાદુ તો નહોતો?
છેવટે પેલા દુકાનદારે પેલી ચબરખી ઉપાડી લીધી અને ભારે કુતૂહલથી તેમાં શું લખ્યું છે તે જોવા લાગ્યો. તેણે જોયું કે ચીજવસ્તુઓની યાદીનું એ લીસ્ટ નહોતું. માત્ર હતી એક નાનકડી, અંતરના ઊંડાણમાંથી પ્રગટેલી પ્રાર્થના –‘મારા નાથ, તું જાણે છે અત્યારે મારે શાની જરૂર છે અને હું બધું તારા હાથમાં સોંપી દઉં છું.” દુકાનદારે સ્ત્રીને જોઈતી તમામ કરિયાણાની સામગ્રી કાઢી આપી અને કહ્યું – ‘ચિંતા ન કરશો. જ્યારે આપના પતિ સાજા થઈને ઘેર આવે ને કામ પર જાય ત્યારે આના પૈસા આપજો, વચ્ચે કાંઈ જરૂર હોય તો વિના સંકોચે લઈ જજો.’
આ છે પ્રાર્થનાની શક્તિ. પણ જરૂર છે આપણા પરમપિતામાં ઊંડી શ્રદ્ધા ને વિશ્વાસ. ભગવાન ઈસુ કહે છે – ‘માગો અને મળશે; ખખડાવો અને તમારે સારું બારણાં ખોલવામાં આવશે.’ આગળ તેઓ એવી ખાતરી આપે છે કે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો તે આપવામાં આવશે; પણ એવી શ્રદ્ધા આપણામાં છે ખરી?
વિશ્વાસસભર પ્રાર્થના. એક વાર એક ચર્ચમાં લોકો વરસાદ માટે પ્રાર્થના કરવા ભેગા થયા હતા. સભાપુરોહિતે કહ્યું હતું – ‘વિશ્વાસથી માગશો તો ચોક્ક્સ વરસાદ પડશે.’ પ્રાર્થના પૂરી થયા બાદ બધા ચર્ચની બહાર આવ્યા ને આકાશ તરફ જોયું આકાશ ચોખ્ખું ચટ્ટ હતું. એક પણ વાદળી આકાશમાં ન દેખાઈ. એક યુવક સભાપુરોહિત પાસે ગયો ને કહ્યું – ‘ફાધર, તમે કહેતા હતા કે વિશ્વાસથી પ્રાર્થના કરશો તો વરસાદ આવશે;’ ફાધરે કહ્યું – ‘તમને વિશ્વાસ હતો કે પ્રાર્થના પછી વરસાદ પડશે?’ યુવકે કહ્યું – ‘કેમ નહિ? અમને તો વિશ્વાસ હતો કે પ્રાર્થના બાદ ધોધમાર વરસાદ તૂટી પડશે.’ તો પછી તમે કોઈ રેઇનકોટ કે છત્રી વિના કેમ આવ્યા?’ ફાધરે સામો પ્રશ્ન કર્યો. સાચે જ કોઈની પાસે છત્રી કે રેઈનકોટ ન હતો. જો આ બધાને ખાતરી હોત કે આપણી પ્રાર્થના ભગવાન ચોક્ક્સ સાંભળશે અને ખૂબ વરસાદ પડશે, તો એની વ્યવસ્થા કર્યા વિના ન રહેત.
ઘણીવાર આપણે પ્રાર્થના એવી રીતે કરીએ છીએ ‘લાગ્યું તો તીર, નહિતર ટપ્પો.’ પ્રાર્થના કરી જોઈએ, કદાચ પ્રભુ સાંભળે પણ ખરો! ચોક્ક્સ નહિ, ક્દાચ. હા, આપણી ઘણીખરી પ્રાર્થનાઓ આવી હોય છે.
બાઈબલના પાને પાને શ્રદ્ધાસભર પ્રાર્થનાઓ ક્યારેય ખાલી ગઈ નથી એના પુરાવા નજરે પડે છે. પેલી લોહીવાથી પીડાતી સ્ત્રી. ઈસુનાં કપડાંના સ્પર્શ માત્રથી સાજી થઈશ એવી શ્રદ્ધા. ‘જા બાઈ, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે.’ ઈસુના એ શબ્દો આપણને સાંભળવા મળે છે. પ્રભુના સામર્થ્યમાં શ્રદ્ધા. ઈશ્વર માટે કશું અશલકય નથી એવા વિશ્વાસથી કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી.
પ્રાર્થના એટલે આપણા સર્જનહાર સાથેનું ગાઢ સાયુજ્ય. પ્રાર્થના એટલે ઈશ્વરના એ સામર્થ્યમાં વિશ્વાસ કે ઈશ્વરની દૈવી શક્તિ સાંભળીને રહી જતી નથી પણ આપણી માગણીને કાર્યમાં પરિવર્તિત કરી શકે છે. તેથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો કે તે સાજાપણું બક્ષી શકે છે, ભૂખ્યાને અન્ન, નિર્વસ્ત્રને વસ્ત્ર ને ઘરવિહોણાને આશ્રય આપી શકે છે.
ભગવાન ઈસુ કહે છે કે તમે ખરાબ છતાં તમારા સંતાનોને સારું જ આપો છે; કોઈ દીકરો પિતા પાસે રોટલો માગે તો તે તેને પથ્થર આપશે? અને માછલી માગેતો સાપ આપશે? આમ તમે ખરાબ હોવા છતાં તમારા સંતાનોને સારું જ આપો છે. તો તમારા પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ આપે જ છે એમાં શંકા શી? (‘દૂત’ના સૌજ્ન્યથી)