English |
દિવાળી એટલે દીવાઓનો ઉત્સવ, દીપોત્સવ; અર્થાત્ દિવાળી પ્રકાશનો ઉત્સવ છે. છાંદોગ્ય ઉપનિષદમાં તો ઈશ્વરને સ્વયં પ્રકાશિત જ્યોતિ કહી છે. જેને સૂર્ય અજવાળી શકતો નથી કે ચંદ્ર, અગ્નિ પણ પ્રકાશિત કરી શકતા નથી. ખરેખર તો આ બધી જ્યોતિઓ જે પ્રકાશે છે તે એનાથી જ પ્રકાશિત થાય છે; એટલે તો ખૂબ પ્રાચીન કાળથી માણસની આ જ અભિલાષા અને પ્રાર્થના રહી છે, ‘तमसो मा ज्योतिर्गमय’ કવિ ન્હાનાલાલે એનો સુંદર ભાવાનુવાદ કર્યો છે –
‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.’
બાઇબલમાં પણ ઈસુ આ જ સત્ય વારંવાર ઉચ્ચારે છે – ‘હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરશે તે અંધકારમાં રઝળશે નહિ પણ જીવન પ્રકાશ પામશે.’ તેઓ પોતાના અનુયાયીઓને કહે છે – ‘તમે દુનિયાના દીવા છો.’ દીવાનું કામ પ્રકાશ પાથરવાનું, અંધકાર હઠાવવાનું, ઈશ્વર તો મહાજ્યોતિ છે પણ આપણે બધા નાના નાના દીવડાઓ છીએ; આપણી વાણી, આપણાં વ્યવહાર અને સત્કાર્યોથી આપણી આસપાસ પ્રકાશ ફેલાવતા રહીએ; સત્યનો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ. વિવિધ પ્રકારનો અંધકાર આપણી ચારેબાજુ વ્યાપેલો જોવા મળે છે. હિંસા, વેરઝેર, ધાર્મિક ઝનૂન, ધાર્મિક અને વૈચારિક કટ્ટરવાદ, અંધશ્રદ્ધા અને અજ્ઞા ન, શોષણ – ઘણોબધો અંધકાર, જાણે કે અંધકારનું સામ્રાજ્ય ચોતરફ ફેલાયેલું છે. ઘણીવાર લાગે કે આપણે શું કરી શકીએ? મારી શી વિસાત? મારી શી હેસિયત?
સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો હતો અને એને ચિંતા થઈ કે હવે જગત પર અંધકારનું સામ્રાજ્ય ફેલાઈ જશે. આ જગતને હવે કોણ પ્રકાશ આપશે? જગતના અંધકારને હઠાવવાનું મારું મિશન કોણ ચાલુ રાખશે? વિશ્વના તમામ તત્વોને ઉદ્દેશીને સૂર્યદેવે પ્રશ્ન કર્યો – ‘મારી ગેરહાજરીમાં વિશ્વને ઉજાળવાનું – એને પ્રકાશિત રાખવાનું મારું કાર્ય કોણ કરશે?’ સૂર્યદેવનો આ પ્રશ્ન સાંભળીને સમગ્ર સૃષ્ટિનાં તત્વોમાં નિ:સ્તબ્ધતા ફેલઈ ગઈ. બધાનાં મસ્તક ઝૂકી ગયાં. સૂર્યદેવના ચહેરા ઉપર પણ ગ્લાનિ અને ચિંતાની લકીરો ખેંચાઈ, ત્યાં તો ખૂણામાં રહેલું કોડિયું બોલી ઊઠયું,-‘દાદા, આપનું એ કાર્ય હું ચાલુ રાખીશ. મારાં નાનકડાં તેજ કિરણોથી વિશ્વના અંધકારને હઠાવવા હું મારાથી બનતો પ્રયાસ કરીશ.’
મિત્રો, આવાં તો કેટલાં બધાં માનવકોડિયાં આ જગતમાં પ્રકાશ પાથરી ગયાં છે અને આજે પણ પાથરતાં રહ્યાં છે, પછી એ ગાંધીજી હોય, આબ્રાહામ લિંકન હોય, માર્ટિન લ્યૂથર કીંગ હોય, મધર થેરેસા હોય કે સ્વામી વિવેકાનંદ હોય – કેટલાં નામ ગણાવીએ?
દીપાવલિના આ દિવસોમાં આપણાં આંગણામાં દીવડાઓ અવશ્ય પ્રગટાવીએ, ઘરોને સજાવીએ પણ સાથે સાથે આપણા અંતરના અંધકારને હઠાવવાનું અને આપણા હ્રૃદયોને સદ્દવિચારો ને સત્કાર્યોથી સજાવવાનું – શણગારવાનું ચૂકી ન જઈએ તો જ આ દીપાવલિની ઉજવણી સાર્થક નિવડી ગણાય, નહિ તો આવી તો અનેક દીપાવલિઓ આવશે ને ચાલી જશે, પણ આપણે તો હતા ત્યાંના ત્યાં જ રહીશું.
દીવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ-નવું વર્ષ. દિવાળી વરસનો છેલ્લો દિવસ તો બેસતું વર્ષ વર્ષનો પ્રથમ દિવસ. હા, નવું વર્ષ કેલેન્ડરમાં, તિથિપંચાગમાં પણ આપણા જીવન વિશે શું?
ભલે આપણે નવા વર્ષે ઘર અને શરીરને સજાવીએ, નવા વર્ષે નવાં પેન્ટ-શર્ટ, નવી સાડી, ક્દાચ નવા દાગીના પણ – આ બધું પરિધાન કરીએ, બાહ્ય પરિવેશ બદલાયો પણ આપણા આંતરિક મનોવલણો, આપણી દુવૃત્તિઓ, આપણાં નકારાત્મક વલણો, આપણા જડ માનસમાં જો પરિવર્તન ન આવે તો આપણે એને વિક્ર્મ સંવત 2076 કહી શકીએ, પણ નવું તો નહિ જ, કારણ, આપણે તો જૂના જ રહીએ છીએ.
ધનતેરસને દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે અને નવા ચોપડા લખે છે. વ્યવહારદક્ષ ને વેપારદક્ષ વેપારી નવું ખાતું શરૂ કરે છે અને જમા ઉધારનો હિસાબ માંડે છે. આગલા વર્ષે કેટલો નફો થયો ને કેટલી ખોટ ગઈ એનું સરવૈયું કાઢી આગામી વર્ષનું આયોજન કરે છે. બેસતા વર્ષના દિવસે આપણે પણ જિંદગીમાં કેટલું મેળવ્યું ને શું ગુમાવ્યું એનો હિસાબ માંડવો ઘટે. ક્દાચ ભૌતિક રિતે સમ્રૃદ્ધ થયા હોઈએ પણ એ ભૌતિક સમ્રુદ્ધિ ગુમાવી બેઠા હોઈએ એવું બને અને લાંબા ગાળે આ ખોટનો ધંધો કહેવાય.
ઘણીવાર પૈસો, સત્તા, મોટાઈ, કીર્તિ મેળવવા જતાં આપણાં માનવસંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જતું હોય છે. થોડી બાંધછોડ નહિ કરી શકવાને કારણે, થોડી ઉદારતા નહિ બતાવવાને કારણે કે થોડું જતું કરવાની ભાવનાના અભાવે મિત્રો, સ્વજનો, પડોશી, સંતાનો કે પતિ-પત્ની સાથેના સંબંધો કથળી જતા હોય છે. નવું વર્ષ આવા કથળેલા સંબંધોને સુધારવા અને સજાવવાનો સંદેશ પાઠવે છે.
નવા વર્ષે નિરાશાવાદી વલણ ત્યજી આશાવાદી અભિગમ અપનાવીએ. જૂની કુટેવો, જૂના વ્યસનો, જૂના ખ્યાલો ને જૂના પૂર્વગ્રહો – વેરઝેર ફ્ગાવી દઈ નવું જીવન જીવવા સંકલ્પ કરીએ. બાઇબલની ભાષામાં કહું તો જૂની પ્રકૃતિ ફગાવી દઈ નવું જીવન જીવવા સંકલ્પ કરીએ. બાઇબલની ભાષામાં કહું તો જૂની પ્રકૃતિ ફ્ગાવી દો અને નવી પ્રકૃતિ ધારણ કરો. બ્રાહ્મણ મટી દ્વિજ બનો. द्रिं जायते इति द्रिज:l અર્થાત બીજો જન્મ – નવો જન્મ ધારણ કરો.
ફાધર વાલેસ નવા વરસને ડાયરીનું રૂપક આપે છે. એક પિતા નવા વરસે પોતાના પુત્રને નવી ડાયરીની ભેટ આપે છે. એવી અપેક્ષાથી કે દીકરો એમાં કંઈક નવું લખશે. સારા વિચારો, મહાપુરુષોનાં કોટેશનો અથવા એની દૈનિક પ્રવત્તિની નોંધ, કદાચ એના જીવનમાં કોઈ યાદગાર કે સત્ક્રૃત્યોના પ્રસંગો વગેરે વગેરે. દીકરો પણ સંકલ્પ કરે છે કે આ ડાયરીનો હું સદુપયોગ કરીશ. પણ એક યા બીજા કારણે, કદાચ આળસ કે બેદરકારીને કારણે – ગમે તે પણ ડાયરી લખાઈ નહીં. ડાયરી જૂની થઈ ગઈ અનગે પછી તો ઉત્સાહ પણ મરી પરવાર્યો, સંકલ્પ વિસરાઈ ગયો અને એક દિવસ ટેબલના ખાનામાં પડી રહેલી એ કોરી ડાયરી પિતાને હાથ ચડી. પિતાએ નક્કી કર્યું – ‘હવે એને ફરીથી ડાયરીની ભેટ નહિ આપું.’
હા, પરમપિતા પણ આપણને ત્રણસો ને પાંસઠ પાનાંની ડાયરી દર વર્ષે ભેટમાં આપે છે. કદાચ, આપણી હાલત પણ પેલા મૂર્ખ દીકરા જેવી હોય છે. જિંદગીનાં એ ત્રણસો પાંસઠ પાનામાં ઘણીવાર સત્કર્મો નોંધાતાં નથી. પુણ્ય ઉમેરાતું નથી. સાધના કે તપ વધતાં નથી; ત્રણસો પાંસઠ દિવસો વહી જાય છે પાણીના રેલાની પેઠે નિરર્થક ને નિષ્ફળ.
અને છતાં પરમપિતાની ઉદારતા અને આપણા પ્રત્યેનો વિશ્વાસ તો જૂઓ-દર વર્ષે આપણને નવા વર્ષની ડાયરી નવું બેસતું વર્ષ ભેટમાં આપતા રહે છે. શું પ્રભુની એ ઉદારતા અને આપણા પ્રત્યેના વિશ્વાસનો આપણે યોગ્ય, એમને પસંદ પડે એવો પ્રતિભાવ આપવામાં નિષ્ફ્ળ જઈશું? હરગીજ નહીં.