તમારી શ્રદ્ધા ફળો (ફાધર બાગુલ મહેશ એસ. જે.)

ઈસુના સમયમાં દાક્તરોની સંખ્યા ખૂબ જ ઓછી હશે અને દવા વિશેનું જ્ઞાન પણ ખૂબ જ સીમીત હશે. તેથી ગરીબ દર્દીઓ દાકતરની સેવાથી અપરિચીત હશે તે સમયે લોકો દવા ઔષધ માટે કોઈ ચિકિત્સક, વૈદ્ય, તાંત્રિક કે ભગત-ભૂવા પાસે જતા હશે. યહૂદીઓના મત પ્રમાણે બિમારી એટલે કોઈ પણ પાપના કર્મનું ફ્ળ. તાંત્રિકો કોઈ પણ બિમારી કે કોઈને પણ ભૂત વળગેલું હોય તો તેને કાઢવા માટે તેઓ તેમના ઇષ્ટદેવની ભક્તિ કરતાં. લોકો એમનાથી ડરતા હતા અને એમના કહ્યા પ્રમાણે કરતા હતાં.

પરંતુ, ઈસુ એમનાથી તદન અલગ વ્યકિત હતા. ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા. ઈશ્વરના રાજ્યના શુભસમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાંઓમાં ફરતા હતાં. ઈસુ પોતે માંદા લોકોની મુલાકાતે જતા અને એમને સાજા કરતા હતા. ઈસુ શબ્દો, અને સ્પર્શ વડે માંદાઓને સાજા કરતા. ઈસુ તૂરથી પાછા ગાલીલના સરોવર પાસે આવ્યા ત્યારે થોડા લોકો એક એક આંધળા અને મૂંગા માણસને લઈ આવે છે અને તેના ઉપર હાથ મૂકવાની વિનંતી કરે છે. ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા અને તેના કાનમાં આંગળીઓ ઘાલી અને તેની જીભને સ્પર્શ કર્યો અને તેની આંખો ઉપર હાથ મૂકતા તે સાજો થાય છે.

ઈસુ પોતાના સ્પર્શથી જ લોકોને સાજા કરતાં, નહીં કે કોઈ પ્રકારની પૂજા કે વિધિ દ્વારા. માંદી વ્યકિત સાથે ઈસુનો આંતરિક અને શારિરીક સંપર્ક અને સ્પર્શ થતો હતો અને લોકો સાજા થતા હતાં. ઈસુ સિમોન પીતરના સાસુને હાથ પકડીને બેઠા કરે છે એટલે તેનો તાવ ઉતરી જાય છે. ઈસુ જ્યાં જ્યાં જતા, ગામમાં કે શહેરમાં કે મુવાડામાં, ત્યાં ત્યાં લોકો માંદા માણસોને ચૌટામાં મૂકીને વિનંતી કરતા કે, ફ્ક્ત આપના વસ્ત્રની કોરને અડાવા દો, જેટલા અડયા તે બધાં સાજા થઈ ગયા.

ઈસુ માંદા લોકોને સાજા કરતા અન્ે અપનદૂતોનો વળગાડ કાઢતા જોઈને ફરોશીઓ ઈસુને અપદૂતોનો સરદાર કહેવા લાગ્યાં. કેમ કે, જે તાંત્રિકો વળગાડ કાઢતા હતા તેઓ શેતાનની મદદથી કાઢતા. પરંતુ, ઈસુ પવિત્ર આત્મા અને શ્રદ્ધાથી સાજા કરતા હતાં. માંદાઓને સાજા કર્યા બાદ ઈસુ કહેતા, “તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે”. વળી, ઈસુ કહે છે, “જે કંઈ તમે પ્રાર્થનામાં શ્રદ્ધાપૂર્વક માંગશો તો તમને મળશે.” એક બાઈ બાર વર્ષથી રક્તસ્ત્રાવથી પીડાતી હતી. બાઈના મનમાં એમ કે, હું એમના ઝભ્ભાને અડનવા પામું તો સાજી થઈ જાઉં. પેલી બાઈ ઈસુના ઝભ્ભાને અડે છે ત્યારે ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, ’બેટા! હિંમત રાખ. તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે.” ઈસુ માંદા લોકોના વિશ્વાસ અને એમની શ્રદ્ધાથી સાજા કરતા હતાં. કહેવાનો અર્થ કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે તેને માટે બધું જ શક્ય છે. ઈસુએ કહ્યું છે, “તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે, “ઊઠ, અહીંથી પણેજા, તો એ જશે.” ઈસુ માટે શ્રદ્ધા અગત્યની છે, જેનાથી બધું જ શક્ય છે.

આજે સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિક ટેકનોલોજીથી ઘણો વિકાસ થઈ રહ્યો છે. તેમ છતાં, ઘણાં લોકોનું જીવન હાડમારીભર્યું અને ઘણાં દુ:ખોથી અને બિમારીઓથી ભરેલું હોય છે. આજે નવી નવી અને મોટી હોસ્પિટલો, પ્રાથમિક સારવાર કેન્દ્રો તેમ ઉચ્ચ શિક્ષણવાળા દાકતરો જોવા મળે છે. તેમ, છતાં આપણી આજુબાજુ વસતા આપણા જ ભાઈઓ અને બહેનો અનેક બિમારીઓથી પીડાઈ રહ્યાં છે. આનું કારણ છે ગરીબાઈ, લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તેઓ સારા દવાખાનાની સેવા કે સારી દવા ન લઈ શકે. આવા મુશ્કેલીના સમયે તેઓ નાસીપાસ થઈ જાય છે. તેઓ જીવનમાં અશાંતિ અને ઉદાસિનતા અનુભવવા લાગે છે. એમને લાગે છે કે, ભગવાન એમની પ્રાર્થના નથી સાંભળતા અને તેઓ શ્રદ્ધાની દૅષ્ટિએ હિંમત હારી જાય છે.

એક વખત હું, એક કુટુંબની મુલાકાતે ગયો હતો. એ કુટુંબમાં ફ્કત દાદ-દાદી જ રહે છે. એમના દીકરા-દીકરીઓએ પોતપોતાની નોકરીના સ્થળે તેમના બાળકો સાથે વસવાટ કરી લીધો છે. આ કુટુંબમાં દાદી ખૂબ જ બિમારીના કારણે દુ:ખથી પીડાય છે. એમની સાથે વાતો કરતા મને એવું લાગ્યું કે દાદીનો ઈશ્વર ઉપરનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે. દાદીને એવું લાગે છે કે ભગવાને તેમને તરછોડી દીધા છે. તેઓ હંમેશા પ્રશ્ન કરતા કે, મેં એવું કયું પાપ કર્યું છે કે ભગવાને મને આવું દુ:ખ આપ્યું? હું એમની સાથે વાતો કરતો હતો ત્યારે મેં દાદીને કહ્યું કે, “ભગવાન આપણને કેટલો પ્રેમ કરે છે અનપે આપણી સાથે છે.” પરંતુ, દાદીએ કહ્યું, “હું દરરોજ પ્રાર્થના કરું છું પણ, ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી.” હું થોડીવાર શાંત રહ્યો અને મેં એમના માટે પ્રાર્થના કરી. ત્યારબાદ હું ત્યાંથી જવા ઊભો થતો હતો ત્યારે દાદીએ એમના ધીમા અવાજે કહ્યું, “ફાધર, મારા માટે પ્રાર્થના કરજો.”

આપણા દર્દી ભાઈ-બહેનો અને જેઓ અનેક દુ:ખોથી પીડાઈ રહ્યા છે તેઓ આપણી પાસે એક જ વસ્તુ માંગી રહ્યા છે અને કહી રહ્યા છે, “અમારા માટે પ્રાર્થના કરજો.” એક ભલા શમરૂની બની આપણે એમની મદદે દોડી જઈએ તો કેવું સારું. આપણે ભલે એમને આર્થિક રીતે સહાય ના કરી શકીએ પણ, આપણે એમના માટે આપણો થોડો સમય તો ચોક્ક્સ આપી શકીએ. આપણે તેઓને આધ્યાત્મિક શકિતથી ઈસુની હાજરીનો અનુભવ કરાવીએ. એટલે કે પ્રાર્થના, શાંતિ અને આપણી હાજરી દ્વારા એમને પ્રભુની હાજરીનો અને પ્રેમનો અહમેસાસ કરાવીએ. ‘The Lord is with you.’ – પ્રભુ આપણા અંતરમાં વસો. આપણી પ્રાર્થનાથી એમને નવી હિંમત અને શક્તિ અને પ્રોત્સાહન આપી શકીએ. સંત યાકોબના પત્રમાં કહે છે કે, “તમારામાં કોઈ દુ:ખમાં છે; તો તેણે પ્રાર્થના કરવી એટલે શ્રદ્ધા ભરી પ્રાર્થનાથી માંદો માણસ સાજો થઈ જશે અને પ્રભુ તેને બેઠો કરશે, અને જો તેણે પાપ કર્યા હશે તો તે માફ કરવામાં આવશે.”

“અસ હ્ય માંદગી ભોગવતા તથા જીવનમાં નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલાઓને તેમના ભાઈ-બહેનો તેમની શ્રદ્ધાને ટકાવી રાખવા આધારરૂપ બનીએ તેમજ આપણા કુટુંબનાં, પડોશના, સમાજનાં અને આપણે જાણતા હોઈએ એવા બધાં દુ‌:ખી ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ.

Changed On: 16-11-2019
Next Change: 01-12-2019
copyright@ Fr. Bagul Mahesh, S.J.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.