ઈસુ મારા ગુરુ (ફાધર એન્ડ્રયુ સિલ્વેરા, એસ. જે.)

‘જુઓ ને આ જંગલ ! કેવું અદ્દભુત, સુંદર અને સધન છે.
પણ જીવનને અલવિદા કહું તે પૂર્વે
મારે તો કેટલાંયે વચનો પૂરા કરવાનાં બાકી છે.
કંઈ કેટલાયે માઈલો અને માઈલોની જીવનયાત્રા પૂરી કરવી છે.’
- કવિ રૉબર્ટ ફોસ્ટ

નાઝરેથનો ઈસુ નામનો એક માણસ. માત્ર 33 વર્ષની ટૂંકી જીવનયાત્રા. એમાં 30 વર્ષ તો માબાપ સાથે રહીને સુથારીકામ પણ કર્યું. પછી સુથારીકામ છોડીને જીવનનાં બાકી રહેલાં માત્ર ત્રણ વર્ષ માટે તો એ ભગત બની ગયો! એ ટૂંકા ગાળામાં એટલું બઘું કરવાનું હતું કે, એની પાસે ખાવા માટે પણ સમય નહોતો. એની આસપાસ લોકોની ભીડ એટલી બધી એટલી બધી હતી કે, એની નજીક પહોંચવું પણ મુશ્કેલ હતું. એટલે જ બાર વર્ષોથી રક્તસ્ત્રાવથી પીડાતી એક બાઈ એમના વસ્ત્રની કોરને ભાવથી અડે છે અને સ્પર્શમાત્રથી જ એ સાજી થાય છે. એ પોતે જ કહેતા હતા કે શિયાળને બોડ હોય, પંખીઓ ને માળો હોય પણ માનવપુત્રને માથું મેલવાનેય જગ્યા નથી. સમયના સંકડાશ અને થાકના લીધે દરિયાઈ મુસાફરીમાં પણ ઊંઘ લઈ લેતા. પછી ભલે ને વાવાઝોડું આવે તોય એ નિરાંતે ઊંઘમાં જ હોય. લોકો એમને અંગત આરામ માટે કોઈ અવકાશ આપતા નહોતા. એમની પાસેની ભીડના કારણે એમની પાસે પહોંચી ન શકાયું એટલે અમુક લોકોએ ઘરનું છાપરું તોડીને દર્દીને એમની સામે જ ઉતારી દીધો. લોકો ઊંઘમાં હોય ત્યારે મોડી રાત સુધી એ શાંત એકાંતે, કોઈ ખલેલ ન પાડે એવા નિર્જન સ્થળે, રણ, ડુંગર કે બગીચામાં એકલા જ પ્રાર્થનામાં હોય. સવાર પડતાં જ લોકો એમની શોધમાં ફરતા હોય.

માણસ કેટલું લાંબુ જીવે એ મહત્વનું નહિ પણ એ શા માટે જીવે છે એ મહત્વનું છે. માબાપ અને ઈશ્વર સાથેની આજ્ઞાધીનતા જેવા એકમાત્ર જીવનધ્યેયના કારણે જ એણે જીવનને હોડમાં મૂકીને સામે ચાલીને ક્રોસ ઉપરના મૃત્યુ વહોરી લીધું. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહિ, બલ્કે, તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયાં. માનવ રૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી, અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને વધસ્તંભ ઉપરના મૃત્યુને સુદ્ધાં તેમણે વધાવી લીધું. જીવવા માટે કારણ હોય અને મરવા માટે પણ કારણ હોય. માણસે માત્ર રોટલા ખાતર ન જીવવું જોઈએ પણ કોઈ સત્વશીલ કારણ ખાતર જ જીવવું જોઈએ. એટલે જ એમણે પોતાના પટ્ટશિષ્ય પીતરને ચોખ્ખું કહ્યું, “હવે પછી તું માછલાંને બદલે માણસો પકડનાર થશે.” એક શિષ્યને એમણે કહ્યું કે, મરેલા મરેલાંને દાટશે. પહેલા તું મારી પાછળ પાછળ આવ! હળ પર એક વખત હાથ મૂકયા પછી એને પાછો ન હઠાવાય.

એ અધિાકારથી બોલતા. અધિકારથી કાર્યો કરતા. એમના વકતવ્ય અને કર્તૃત્વમાં કોઈ વિસંગતિ ન મળે. એ બોલે તે જ થતું. એક આડત્રીસ વર્ષથી પીડાતા માણસને એમણે કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડીને ચાલવા માંડ.” તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો. વિરોધીઓ એમને પડકારતા, ‘ક્યા અધિકારથી તમે આ બધું બોલો છો અને કરો છો?’ એ અધિીકાર એમને પરમપિતાએ આપ્યો હતો. યર્દન નદીમાં સ્નાનસંસ્કારની દીક્ષા માટે ડૂબકી મારી ત્યારે આકાશ ઉઘડયું. આકાશમાંથી ઈશ્વરની વાણી સંભળાઈ, “તું મારો પુત્ર છે. મારો પ્રિય પુત્ર છે. તારા ઉપર હું પ્રસન્ન છું.” પરમપિતાએ એમને માણસના તારણનું મિશન સોંપ્યું હતું અને એ માટે જ તેઓ જીવ્યા અને મરી ગયાં.

એમના કાર્યોનું ચાર ભાગોમાં વિભાજન કરી શકાય : 1. મોટા સમુદાયોને જાહેર પ્રવચનો, 2. પોતાના બાર શિષ્યોને ખાનગીમાં તાલીમ આપવી. 3. માણસ માટે અશ ક્ય પણ ઈશ્વર માટે શક્ય એવા ચમત્કારો કરવા. 4. બીમાર લોકોને તન, મન અને આત્મિક તંદુરસ્તી આપવી. એ કાર્યો પાછળ ઈશ્વરના રાજયને પ્રગટ કરવાનો જ હેતુ હતો. એ જે કાંઈ બોલતા અને કરતા એ ઈશ્વરના ગૌરવ માટે અને માણસના ભલા માટે જ કરતા. કાર્યોનું શ્રેય પોતાને નહીં પણ ઈશ્વરને અને સાજા થનાર માણસની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધને જ આપત. ખોટા ખુશામતીઓને દૂર જ રાખતા અને પ્રસંગે એમના સગવડિયા ઈરાદાઓને ઉઘાડા પાડતાં. એમને પાકી ખાતરી હતી કે જેની પાસે પોતાનું પોત જ ન હોય એવા માણસો બીજાની પોકળ પ્રશંસાના ઓશિયાળા જ હોય.

દાંભિક રીતે ધર્મપાલન કરતા લોકોના દંભને એમણે જાહેરમાં ઉઘાડા પાડયા. “શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે, એટલે એ લોકો કહે તે પ્રમાણે તમે કરજો અને ચાલજો. પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહિ, કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ. તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની ગાંસડીઓ બાંધી બીજાની ખાંધ ઉપર લાદે છે પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુદ્ધાં હલાવવા તૈયાર નથી. તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે... ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે. રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ‘ગુરુજી, ગુરુજી,’ કહે એવું તેઓ ચાહે છે... તમારામાં જે સૌથી મોટો હોય એ તમારો સેવક હોય. તમે ઈશ્વરના રાજ્યનાં દ્વાર લોકોને માટે બંધ કરો છો, તમે જાતે એમાં દાખલ થતા નથી કે નથી અંદર જનારને દાખલ થવા દેતા! પહેલાં તું પ્યાલાની અંદરની બાજુને સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થશે. બહારથી તમે ધર્મિષ્ઠ લાગો છો પણ અંદરખાને દંભ અને અધસર્મથી ભરપૂર ભરેલા છો.” (માથ્થી 23 ‌: 1-26)

મુક્તિના સુવાર્તિક મિશન માટે એમણે ગૃહત્યાગ કર્યો ત્યારે એમની મા પણ એમના કાર્યોમાં સહભાગી થવા જોડાઈ. એ મા મટીને પોતાના દીકરાની શિષ્યા બની ગઈ. ગુરુની કોઈ સ્ત્રી-શિષ્યા જ ન હોય તેમ છતાંય પોતાના બાર અને બોંતેર શિષ્યો સિવાય એમની સ્ત્રી-શિષ્યાઓ પણ હતી જે પોતાના ગાંઠના પૈસાથી એમના ખોરાકની જરૂરિયાતો પૂરી પાડતી. સામાન્ય રીતે ગુરુ ગુરુકૂળમાં રહેતો હોય પણ ઈસુ શુભસંદેશ પ્રગટ કરવા માટે એક ગામેથી બીજા ગામે ફરતા રહેતા. શિયાળને બખોલ હોય, પંખીને માળો હોય અને માનવપુત્રને માથું મેલવા માટે પણ કોઈ જગ્યા નહોતી. એનું પોતાનું કોઈ સ્થિર ઘર નહોતું. કોઈ દિવસ શિષ્ય આંદ્રેયાના ઘેર, કોઈ દિવસ લાઝરસના ઘરે અને પ્રસંગે હોડીમાં પણ અંગને સંકોરી લેતા. એમને કોઈ ભૂલમાં પકડવા માટે એમની આસપાસ હેરોદના જાસુસો, ફરોશીઓ, શાસ્ત્રીઓ અને વડીલોની જાળ પથરાયેલી હતી.

કોઈએ એમના કાને વાત પહોંચાડી કે આપની આસપાસ હેરોદે જાસુસો ગોઠવી દીધેલા છે એટલે તમારે અહીંચથી બીજે જવું જોઈએ. ત્યારે ઈસુએ ચોખવટ કરી કે એ શિયાળના બચ્ચાને કહેજો કે મારે આજે અને કાલે અહીંજ રોકવવાનું રહેશે અને મારું કામ પતી જાય ત્યારે જ હું અહીંમથી નીકળીશ. એમની હાજરી માત્રથી વિરોધીઓને ડર લાગતો. એક અપદૂતગ્રસ્ત માણસને, અપદૂતોને હટાવીને એમણે લગભગ બે હજાર જેટલા ભૂંડોમાં મોકલી દીધા. પરિણામે એ ભૂંડો વિફરી ગયા અને સરોવરમાં જઈને મરી ગયાં. ચરાવનાર ભાગી ગયા. શું થયું તે લોકો જોવા દોડી આવી ગયા. અપદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસને કપડાં પહેરીને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઈ લોકો ભયભીત થયા, એટલે તે લોકોએ ઈસુને વિનંતી કરીને કહ્યું કે, અમારી હદમાંથી ચાલ્યા જાઓ. ઈસુની લોકપ્રિયતા વધી જતાં હેરોદ, ફરોશીઓ, શાસ્ત્રીઓ, પિલાત અને રોમન બાદશાહને પોતાની ખુરશીઓની બીક લાગી અને એટલે જ ઈસુને કાયમનો ખતમ કરવા માટે કાવતરાં ગોઠવાઈ ગયાં. હર પળે મોત તો એમની સાથે સંતાકૂકડી કરતું જ હતું પણ એ તો નિશ્ચિંત રીતે પોતાનું કાર્ય કરતા હતા.

ઈસુ ક્યારેય સગવડિયા માણસોની અપતેક્ષાઓમાં ગોઠવાઈ ન ગયા. એમણે સ્વાર્થી માણસોનો અપયેક્ષા ભંગ જ કર્યો. લોક અપેક્ષા જ એવી હતી કે દાવિદ રાજાના વંશનો વારસો લઈને આવેલો એ માણસ એક ગરીબ સુથાર અને એક સામાન્ય ગરીબ બાઈના ઘરે કઈ રીતે જન્મ લઈ શકે? આવી પ્રાસાદિક વાણીમાં એ કઈ રીતે બોલી શકે? કઈ રીતે અધિકારથી દાવો કરી શકે કે પયગંબર યશાયાનું આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં સાચું પડયું છે. આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઊઠયા. તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો, પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. એક વખત ઉપદેશ આપતી વેળા શાસ્ત્રીઓ અને વ્યભિચાર કરતાં પકડાયેલી બાઈને તેમની પાસે લઈ આવ્યા અને વચમાં ઊભી રાખીને તેઓએ ઈસુને કહ્યું, “ગુરુજી, આ બાઈ વ્યભિચાર કરતાં રંગે હાથ પકડાઈ ગઈ છે.” હવે, શાસ્ત્રમાં મોશેએ આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે. તો આપ શું કહો છો? આમ કહેવામાં તેમનો હેતુ તેમની પરિક્ષા કરી જોઈ એમના ઉપર આરોપ મૂકવાને કંઈ બહાનું મેળવવાનો હતો. ઈસુએ તેમને કહ્યું, તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથ્થર મારે. એ સાંભળીને મોટાથી માંડીને સૌ એક પછી એક ચાલ્યા ગયા અને ઈસુ એકલા જ રહ્યા. પેલી બાઈ તેમની સામે ઊભી હતી. ઈસુએ એ બાઈને કહ્યું, “બહેન, તે લોકો ક્યાં છે? કોઈએ તને સજા ન કરી?” બાઈએ કહ્યું, “કોઈએ નહિ, પ્રભુ.” ત્યારે ઈસુએ કહ્યું, “હું પણ તને સજા નથી કરતો. જા, હવેથી પાપ કરીશ નહિ.” આ જાહેરમાં વ્યભિચાર કરતાં પકડાયેલી બાઈને બચાવવા ઈસુએ કાયદો હાથમાં લઈને એને નવું જીવન આપ્યું. ટોળામાં એક જ એવો માણસ હતો જેણે કદી પાપ જ કર્યું નહોતું. અને એટલે જ એ જ બાઈને પથ્થરથી મારી શકતો હતો. પણ એ પથ્થરને અડ્યોય જ નહિ પણ એણે બાઈને ઉગારવા પોતાનો જીવ જોખમમાં મૂકયો. એમનું જીવન જ બીજાઓને જીવન આપવા માટે હતું. એણે સ્હેજ ભૂલ કરી હોત તો એને જ પથ્થરોથી મરી જવું પડત.

ઈસુના શબ્દોથી લોકોમાં ફાટફૂટ પડવા લાગે છે. “હું પ્રૃથ્વી ઉપર આગ પેટાવવા અવતર્યો છું અને જો એ ભડભડતી હોય તો મારે બીજું જોઈએ શું? મારે એક અગ્નિસ્નાનમાંથી પસાર થવાનું છે અને એ પતી જાય ત્યાં સુધી મારી ભીંસનો કંઈ પાર નથી. તમે શું એમ માનો છો કે, હું પ્રૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું? નહિ, હું તો ફૂટ પડાવવા આવ્યો છું.” અને એવું જ થયું. લાઝરસને સજીવન કર્યા પછી લોકોમાં પક્ષો પડી ગયા. અમુક ઈસુના શિષ્ય બની ગયા અને અમુક ઈસુનું કઈ રીતે કાસળ કાઢવું એ વિશે ગણતરી કરવા લાગ્યા. ઈસુના વક્તવ્ય અને કાર્યોથી અમુક લોકો તો એમને છોડી ય જતા. એક સમયે તો અમુક લોકો છોડી ગયા પછી એ શિષ્યોની સાથે પણ સ્પષ્ટતા કરે છે, “તમારે પણ જતા રહેવું નથી.” સિમોન પીતરે જવાબ આપ્યો, “પ્રભુ, અ‍મે કોની પાસે જઈએ?” આપની વાણી શાશ્વત જીવનની વાણી છે, અમને શ્રદ્ધા છે કે, આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો. એમની ધરપકડ થતાં જ એમના શિષ્યો એમને છોડી ગયા. માત્ર એમની મા, યોહાન અને અમુક સ્ત્રીઓ એમની સાથે રહી. અંતે એમના જ એક શિષ્ય યહુદા એમને વેચી દે છે. એના ઉપર ત્રણ આરોપ મૂકવામાં આવે છે. “આ માણસ અમારી પ્રજાને બળવો કરવા પ્રેરે છે, બાદશાહને કર આપવાની લોકોને મના કરે છે અને પોતે ખ્રિસ્ત છે, રાજા છે, એમ કહેવડાવે છે. એક નિર્દોષ ઘેટાંની જેમ એને બલિરૂપ બનાવવામાં આવે છે.

એમના જીવનનો એક જ ઉદ્દેશ હતો : એ સેવા લેવા નહિ પણ સેવા કરવા આવ્યા હતા અનને માણસના તારણ માટે પોતાનું જીવન આહુતિ તરીકે અર્પણ કરવા. પોતે શારીરિક અને માનસિક યાતનામાં હતા ત્યારે એમણે લોકોના દુ‌:ખ તરફ મન વાળ્યું : તેમના માટે વિલાપ કરતી સ્ત્રીઓને તેમણે કહ્યું, “મારા માટે નહિ પણ પોતાના માટે અને તમારાં સંતાનો માટે રડો.” એમણે ગુનેગારોને માફ કરતાં કહ્યું, “હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી.” એક ચોરને આશ્વાસન આપતાં એ બોલ્યો, “હું તને ખાતરીથી કહું છું કે, આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે.” પ્રાણ છોડતાં તેઓ મોટેથી બૂમ પાડી ઊઠયા, “હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું! એટલું બોલીને તેમણે ઈશ્વરને પોતાનું જીવન અર્પણ કર્યું. આ બધું જોઈને સૂબેદાર ઈશ્વરની સ્તુતિ કરતાં બોલ્યો,” સાચે જ એ માણસ ધર્માત્મા હતો.

Changed On: 01-12-2019
Next Change: 16-12-2019
copyright@ Fr. Andrew Silvera, S.J.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.