ભલો શમરૂની (ફાધર જેમ્સ બી. ડાભી, એસ. જે.)

એક ભાઈ પોતાની કાર હંકારતા હતા. સડક પર દુર દુર તેમને કંઈક હાલતું દેખાયું. થોડી નજીક આવતાં તેઓ પામી શક્યા કે એ તો કોઈ વૃદ્ધ છે. એકદમ નજીક આવતાં તે ભાઈ ઓળખી શકયા કે એ વૃદ્ધ તો તેમના પિતા છે. જેવી આ ભાઈને વૃદ્ધની ઓળખ થઈ કે એ ભાઈનું આ વૃદ્ધ પ્રત્યેનું વલણ બદલાઈ ગયું. ‘ભલો શમરૂની’ નામે લોકોમાં પ્રચલિત બનેલી દ્રષ્ટાંત કથામાં શમરૂની ભાઈને કાર હંકારતા ભાઈની માફક ઘવાયેલા કોઈક અજાણ્યામાં એવી તો ઓળખાણ થાય છે કે એ શમરૂની એ ઘવાયેલા અજાણ્યાનો જાણીતો બંધુ બની જાય છે.

લૂક 10:30-37માં ઈસુ આ દ્રષ્ટાંત કથા કહે છે તે પહેલાં લૂક 10:25-29માં ઈસુની સાથે એક શાસ્ત્રી સંવાદ કરે છે. એ સંવાદના અનુસંધાનમાં ઈસુ ‘ભલો શમરૂની’ નામની આ દ્રષ્ટાંત કથા કહે છે. આ દ્રષ્ટાંત કથા દ્વારા ઈસુ યહુદી પ્રજાને આજ્ઞાંકિત હ્રદય કરતાં સંવેદનશીલ હ્રદય ધારણ કરવાનું શિક્ષણ આપે છે. બની શકે કે આજ્ઞાંકિત હ્રદય યંત્રવત આજ્ઞાપાલન કરતું હોય, પ્રભુને સાચેસાચ પ્રેમ ન પણ કરતું હોય, જે શાસ્ત્રી ઈસુ સાથે સંવાદ કરવા આવ્યા છે તેઓ શાસ્ત્રના એટલે કે જુના કરારના પંડિત છે. એટલે તેઓ જૂના કરારના બધા જ નિયમોથી માહિતગાર હશે જ. યહુદીધર્મમાં શાસ્ત્રીઓ શાસ્ત્રના જાણકાર હતા. તેથી જ તેઓ શાસ્ત્રનું અર્થઘટન કરી શકતા હતા. નવા કરારમાં શાસ્ત્રીઓ કેટલાક કિસ્સઓમાં ઈસુનો વિરોધ કરનારા છે. ઉપરોકત શાસ્ત્રપાઠમાં શાસ્ત્રી ઈસુની પરીક્ષા કરવા માગે છે. શાસ્ત્રી પૂછે છે, “ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું?” ઈસુ પ્રત્યુત્તરમાં શાસ્ત્રીને સામો સવાલ કરે છે, “શાસ્ત્રમાં શું લખેલું છે? શો પાઠ છે?” શાસ્ત્રીને શાસ્ત્ર તો મોઢે છે, એટલે એકદમ સાચો જવાબ આપે છે, “તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પુરા હ્રદયથી, તારા પૂરા જીવથી, તારી પુરી શક્તિથી અને તારા પુરા મનથી પ્રેમ રાખવો અને તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો.” હવે ઈસુ એ શાસ્ત્રીને શાશ્વત જીવન મેળવવાનો માર્ગ બતાવે છે: “એ પ્રમાણે કર, એટલે તને જીવન પ્રાપ્ત થશે.”

પણ શાસ્ત્રી તો પોતાને અનાે પોતાના પ્રશ્નને ન્યાયી ઠેરવવા માગે છે, એટલે ચર્ચા આગળ ચલાવે છે અને ઈસુને પુછે છે, “મારો બંધુ કોણ?” યહૂદી ધર્મમાં નિયમપાલન અને પ્રાર્થના એકમેકના પૂરક છે. પ્રત્યેક યહૂદી દરરોજ અનુસંહિતા 6:4-9માં આપેલો નિયમ પ્રાર્થનારૂપે બોલતો, રટણ કરતો, અને શ્રવણ કરતો. આ શાસ્ત્રી પણ એ જ નિયમ હરરોજ રટણ કરતા હશે તેઓ ઈસુને તેમના બંધુ અથવા પડોશી કોણ એ બાબતે પૂછે છે. આપણે જાણીએ છીએ કે આપણે સહુ એક જ પિતાનાં સંતાનો છીએ. પ્રભુ આપણા સર્જનહાર છે. તેઓએ માનવીને તેમની પ્રતિમારૂપે ઘડયા છે. એટલે આપણે એક્મેક્નાં ભાઈઓ અનાે બહેનો છીએ. સઘળાં માનવો, પછી તેઓ યહુદી કે બિનયહુદી હોય, આપણા પડોશીઓ છે.

પ્રભુ એ દસ આજ્ઞાઓ આપી છે. આ દસ આજ્ઞાઓ પ્રભુ સાથેના અને માનવબંધુ સાથેના સંબંધનું નિરૂપણ કરે છે યહુદીઓએ પ્રભુ સાથેના સંબંધને જ મહત્વ ન આપ્યું. પ્રત્યેક માનવ જેવો છે તેવો સ્વીકારવો અને તેને પ્રેમ કરવો એ યહુદીઓએ ટાળી દીધું. ઈસુ યહુદીઓની આ વૃતિથી પરિચિત હતા. એટલે જ ઈસુ દયા, પ્રેમ, અને સારસંભાળનું મહત્વ સમજાવવા શાસ્ત્રીને અને યહુદીઓને ભલા શમરૂનીની દૃષ્ટાંતકથા કહે છે.

આ દૃષ્ટાંતકથામાં ત્રણ પાત્રોનો ઉલ્લેખ કરે છે : પુરોહિત,પુરોહિતસહાયક, અને શમરૂની, ઈસુના સમયમાં પુરોહિત ધાર્મિક નેતા હતા. તેઓનું મુખ્ય કાર્ય યરુશાલેમના મંદિરમા હતું. તેઓ ધાર્મિક વિધિઓ અને પરંપરાને ખૂબ મહત્વ આપતા. પ્રભુને અર્પણ અને નૈવેધ ધરનારા આ પુરોહિત પવિત્ર મનાતા. આ દૃષ્ટાંતકથામાં પુરોહિત પેલા ઘવાયેલા વટેમાર્ગુ પ્રત્યે આંખ આડા કાન કરે છે અને યરુશાલેમના મંદિર તરફ આગળ વધે છે. યરુશાલેમથી યરીખોનો લગભગ 17 માઇલ લાંબો રસ્તો ભયજનક હતો. આ રસ્તો પર્વતોમાં સાંકડા ઘાટમાં થઈને પસાર થતો હોવાથી લૂંટારાઓને સંતાઈ રહેવાની અને મુસાફરો પર ઓચિંતા ત્રાટકી પડવાની જબરી સુવિધા પુરી પાડતો. આ બધી ભૌગોલિક પરિસ્થિતિથી અને કર્મકાંડ 19:18માં આપવામાં આવેલી આજ્ઞા (તારા માનવબંધુ ઉપર જાત જેટલો પ્રેમ રાખવો)થી વાકેફ હોવા છતાં પુરોહિત પેલા ઘવાયેલા મુસાફરને ટાળી ચાલ્યા જાય છે. પુરોહિતે પોતાના આ ઘવાયેલા બંધુની સંભાળ લેવી જોઈતી હતી, પરંતુ તેઓએ તો તેની ઉપેક્ષા કરી.

બીજું પાત્ર છે પુરોહિતસહાયક. ઈસુના સમયમાં પુરોહિતસહાયક બીજા દરજ્જાના પુરોહિત હતા. તેઓ પુરોહિતને તેમના કામમાં મદદ કરતા. પુરોહિતસહાયક પણ આ ઘવાયેલા મુસાફરને જોઈને બીજી બાજુથી પોતાને કામે ચાલ્યા જાય છે.

ત્રીજું પાત્ર છે શમરૂની. યહુદીઓ શમરૂનીઓ પ્રત્યે પરાપૂર્વથી વૈમનસ્ય રાખે છે તેને પડકારે છે. યહુદીઓ શમરૂનીઓને અશુદ્ધ ગણે છે, અસ્પૃશ્ય ગણે છે. જો શમરૂની ભૂલેચૂકે યહુદીને સ્પર્શી જાય તો તે યહૂદી અભડાઈ જાય. આવો અસ્પૃશ્ય શમરૂની ઘવાયેલા અજાણ્યાની એક સારા પડોશી તરીકે સંભાળ લે છે. ઘવાયેલો ભાઈ કદાચ યહૂદી પણ હોય. આ શમરૂની પોતાનાં સાધન, સગવડ અને સુવિધાનો ભોગ આપીને ઘવાયેલાની માવજત કરે છે. બે દિવસમાં શમરૂની જેટલું વેતનના રૂપમાં કમાઈ શકે તેટલું પેલા ધર્મશાળાના માલિકને ચૂકવે છે. શમરૂની પોતાની સંપત્તિ, સમય અને શકિતનો ઉપયોગ જરૂરિયાતમંદ પ્રત્યે પ્રેમ દર્શાવવામાં અને જરૂરિયાતમંદની સંભાળ લેવામાં કરે છે. શમરૂની ધર્મશાળાના માલિકને જે કઈ વધારાનો ખર્ચ થાય તે તેની પરત મુસાફરીમાં ચૂકવવાનું વચન પણ આપે છે.

ઈસુ આપણને નાત, જાત, રંગ, રાગ, ધર્મ, દેશના વાડાઓની ઉપરવટ જઈ સહુ માનવોને પ્રભુ ગણવાનું શિક્ષણ આપે છે. ઈસુના મત મુજબ જે કોઈ પ્રભુના નિયમોનું પાલન કરે છે તે અવશ્ય તેના માનવબંધુની કાળજી રાખશે જ. ઈસુ પેલા શાસ્ત્રીને કહે છે, “તો જા તું પણ એ પ્રમાણે કરજે.” આવો આદેશ આપ્યા પછી ઈસુ બદલાનું કોઈ વચન આપતા નથી એનો અર્થ એ થયો કે પ્રભુને અને માનવબંધુને પ્રેમ કરવાની આપણી ફરજ છે પણ એ માટે કોઈ બદલાની અપેક્ષા રાખવાની નથી. શમરૂનીએ કોઈ પણ બદલાની અપેક્ષા રાખવાની નથી. શમરૂનીએ કોઈ પણ બદલાની ભાવના વગર જ ઘવાયેલાની સારસંભાળ લીધી હતી.

ઈસુ આપણને આદેશ આપે છે, “તો જા તું પણ એ પ્રમાણે કરજે”. ઈસુએ એવો કોઈ આદેશ આપ્યો નથી જે ઈસુએ પોતાના જીવનમાં ન આચરી બતાવ્યો હોય. આપણે ઈસુનું અનુકરણ કરવાનું છે. શું આપણે ઈસુના સમયના દાંભિકો જેવું જીવન જીવીએ છીએ? કે પેલા ભલા શમરૂની જેવું જીવન જીવીએ છીએ?

Changed On: 16-12-2019
Next Change: 01-01-2029
copyright@ Fr. James B Dabhi, S.J.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.