English |
ગયા મહિને એક ગામની મુલાકાત દરમ્યાન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી વિશે પ્રચાર કરતો હતો. હોસ્ટેલના એક વિદ્યાર્થીને ઘેર વાત ચાલતી હતી. મેં વિદ્યાર્થીને વિનંતી કરી કે એમના પડોશીને સહકારી મંડળી વિશે વાત સાંભળવા બોલાવો. એમણે પાછા આવીને જણાવ્યું કે પડોશી આવવાની ના પાડે છે અન ે આગળ વાત કરી કે જૂન મહિનામાં તેમની દીકરીને સ્કૂલમાં પ્રવેશ મળ્યો ન હતો. એટલે... મારે પ્રવેશ ન મળવાના કારણોમાં પડવું નથી પણ દીકરીનો પ્રવેશ અને સહકારી મંડળીમાં જોડાવવાની વચ્ચે કોઈ સંબંધ નથી તેમ છતાં મને મળવા સુદ્ધાં ન આવ્યા. ગુસ્સો, નફરત કે ધ્રુણાએ તેમને આંધળા બનાવ્યા હતા તેથી પોતાના જીવન ઘડતર કરવાના એક રચનાત્મક કાર્યથી તેઓ વંચિત રહ્યા. કેટલીક વ્યક્તિઓ નાના નાના બનાવોને વર્ષો સુધી વાગોળે છે. સ્વેચ્છાએ નફરતનો નકામો બોજો ઉપાડીને પ્લાસ્ટિક સ્મિત આપીને ફરતા હોય છે. પરિણામે તેઓ પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે, પોતાના પગ પર કુહાડી મારે છે, હાનિકારક પસંદગી કરે છે.
મેં પણ એવી પસંદગી કરીને 17 વર્ષ ઘણું ગુમાવ્યું છે. વાત એમ છે. 14-1-1996 લૅંડમાર્ક ફોરમ સેમિનારનો ત્રીજો દિવસ. ભૂતકાળ સાથે સમાધાન કરવાની બેઠક ચાલતી હતી. મારી બાજુમાં બેઠેલી એક કોલેજિયન છોકરી સાથે લીડર વાત કરતા હતા. પોતાના પપ્પાને એ ખૂબ ધિક્કારતી હતી. લીડરે એમની પાસેથી વચન લીધું કે રિસેસ દરમ્યાન ફોન પર પપ્પા સાથે સમાધાન કરવું. છોકરીને પ્રોત્સાહન આપતાં અમે ફોનની દુકાને ગયાં. છોકરી પપ્પા સાથે વાત કરવા લાગી. એવામાં મને એક વિચાર આવ્યો કે આટલા બધા લોકો પોતાના ભૂતકાળ સાથે સમાધાન કરે છે, ‘તું પણ કંઈક કર.’ તરત જ મને યાદ આવ્યું કે ‘મને મારાં ભાભી ઉપર નફરત છે.’
તરત જ હું બીજા ફોનની દુકાને ગયો અને ભાભીને ફોન લગાવ્યો. બનાવની એમને જાણ કરી. 1979માં મમ્મી અને નાની બહેન મુંબઈ ભાઈને ત્યાં આવ્યાં હતાં. હું પણ ઉનાળાની રજા ગાળવા મુંબઈ ભાઈને ત્યાં ગયો. એક દિવસ ભાભી અને ભાઈ વચ્ચે ઝગડો થયો હતો. એ દરમ્યાન ભાભી એમ બોલ્યાં હતાં, “તમે બધાં મને મારી નાખવા અહીં આવ્યાં છો.” આ વાક્ય સાંભળીને મને ખૂબ દુ:ખ થયું હતું સાથો સાથ ગુસ્સો પણ આવ્યો હતો. બોલવાની ઇચ્છા થઈ હતી પણ હું બ્રધર છું એટલે કશું બોલ્યો નહિ. બધી વાત કર્યા બાદ મેં ભાભીને કહ્યું. “ભાભી, 17 વર્ષ સુધી તમારા પ્રત્યે નફરત રાખી હું જીવ્યો એટલે મને માફ કરો.” ભાભીએ ખુશીથી માફ કર્યો. દુકાનમાંથી બહાર આવ્યો ત્યારે મને એવો અનોખો સ્વર્ગીય અનુભવ થયો. હળવાશ અનુભવવા લાગ્યો, આનંદમાં ડૂબી ગયો. પછી પેલી છોકરીને મળ્યો તો એ પણ ખૂબ જ આનંદમાં હતી.
આનંદની લાગણી સાથે મને એવો અફસોસ થયો કે 17 વર્ષ સુધી મેં મારું સ્વાતંત્ર્ય, પ્રેમ, હૂંફ, સંબંધ, નિખાલસતા, આપ-લે... ઘણું બધું ગુમાવ્યું. ટૂંકમાં મેં મોટો ખજાનો ગુમાવ્યો હતો, એ પણ સ્વેચ્છાએ! કેવી મૂર્ખામી! કેવી પસંદગી! ફૂટબોલ મેચમાં સેલ્ફ ગોલ કરીને હારી જવાનો અનુભવ. જો મેં તરત જ માફી માગી હોત તો હું આજ સુધી કેટલું બધું મેળવી શક્યો હોત! જો હું તમને પૂછું કે તમને અફસોસવાળું જીવન જીવવાનું ગમે? તો બધાં જ ના પાડશે. એકલી પસંદગી કરીને બેસી રહીએ તો ન ચાલે, આગળ પગલાં ભરવાં પડે.
કદાચ હું એમ વિચારું કે હું સામેની વ્યકિત પાસે જવું તો ઇજ્જત ન રહે, નાના દેખાઈએ. વાસ્તવમાં માફી માગવાથી કે આપવાથી આપણું કશું ઓછું થતું નથી, ઘટતું નથી, આપણે નાના થતા નથી બલ્કે મહાન બનીએ છીએ. મહાન વ્યક્તિઓ જ વિના શરતે માફ કરી શકે, નબળા વ્યકિત નહીં. જો હું કહું કે સામેની વ્યક્તિએ ભૂલ કરી છે અને તે માફી માગવા આવે તો માફ કરું. માફીમાં કોઈ શરત હોતી નથી. શરત સાથેની માફી એ ધંધો છે માફી નથી. યાદ રાખીએ કે બનાવ મારી સાથે થયો છે તેથી તેની અસર અમુને બન્ને વ્યક્તિઓને થાય છે. સામેની વ્યક્તિ અને હું બન્ને ગુસ્સો, તણાવ, બેચેની અને દુ:ખમાં પોઢયા રહીશું જો કાંઈક ન કરીએ તો.
આપણે પ્રભુ ઇસુની ચેતવણીને યાદ કરીએ, “જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો, તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે. પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહિ કરે” (માથ્થી 6:14-15). સામેની વ્યક્તિને જો તમારી પાસે આવવાની હિંમત ન હોય તો હું બંધનમાંથી મુક્ત ન થાઉં. મારે બંધનમાંથી મુક્ત થવા પહેલ કરવી અને સામે ચાલીને માફી આપવી જરૂરી છે. એમ કરવાથી સૌ પ્રથમ ફાયદો મને થાય છે – હું બંધનમાંથી મુક્ત થાઉં છું અને સામે વ્યક્તિને બંધનમાંથી મુક્ત થવા અવકાશ ઊભો કરું છું. સામેની વ્યકિત પર મોટો ઉપકાર કરતો નથી બલ્કે હું પ્રથમ લાભાર્થી બનું છું. હું મુક્તિ અનુભવું છું.
જો હું એમ પણ વિચારું કે મેં વ્યક્તિને ઇશ્વર આગળ દિલથી માફ કર્યા છે અથવા માફી માગી છે માટે મારે વ્યક્તિને મળીને માફી માગવાની કે આપવાની જરૂર નથી. આપણે યાદ રાખીએ કે વ્યક્તિઓ વચ્ચેના બનાવોમાં ત્રિકોણીય અસર થાય છે: એક ઈશ્વર પિતાને, બીજું પડોશીને અને ત્રીજું પોતાને. એટલે જો હું વ્યક્તિને મળીને સમાધાન ન કરું તો એક પાસું અધૂરું રહી જાય અને અસર પુરેપૂરી ન થાય, સ્વર્ગીય અનુભવથી, ખરી મુક્તિથી હું વંચિત રહું. ફકત મેં માફ કર્યા છે એવો આત્મસંતોષ થાય.
પ્રભુ ઈસુ આપણને તાકીદ કરે છે: “એટલે વેદી ઉપર નૈવેધ ધરાવતાં તને યાદ આવે કે, તારા ભાઈને તારી સામે ફરિયાદ છે, તો તારું નૈવેધ વેદી આગળ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે, અને ત્યાર પછી આવીને નૈવેધ ધરાવજે” (માથ્થી 5:23-24). પ્રભુ ઈસુ આપણને સ્પષ્ટપણે સૂચવે છે કે વ્યક્તિને પ્રત્યક્ષ મળીને સમાધાન કરવું જોઈએ.
ખરી મુક્તિ મારી વ્યક્તિગત પસંદગીનું પરિણામ છે. નફરતરૂપી કુંડમાં પડયાં રહીને એજ સ્વર્ગ છે એમ માનવું એ ડહાપણ ભરેલું નથી ઉલટું મહામૂલ્ય જીવનને વેડફી નાખીએ છીએ. બંધનમુક્ત તથા આનંદમય જીવન ગાળવા અને ખરેખર પ્રભુ ઈસુના શિષ્ય તરીકે સાક્ષી પૂરવા નક્કર પસંદગી અનિવાર્ય છે. ચાલો, આપણને મુક્તિના પંથે વ્યક્તિગત પસંદગી કરીને આગળ વધીએ અને આપણી આજુબાજુ નાનકડું સ્વર્ગ રચીએ. આ દિશામાં પ્રયાણ કરવા જો તમે આવી નક્કર પસંદગી કરી હોય તો એક શાંત જગ્યાએ બેસીને જેની સાથે સમાધાન કરવાનુ છે તેની યાદી બનાવો. (જેમ આ મુસાફરીમાં આગળ વધશો તો તમારી આ યાદી લાબી થઈ શકે એમ છે! તમારી આ મુસાફરીમાં નીચે આપેલ ઇશ્વર-પડોશી-પોતાની સાથે સમાધાન કરવાની પદ્ધતિ ચોક્ક્સ મદદરૂપ થશે અને ચમત્કાર સર્જાશે.
સમાધાન કરવાની પદ્ધતિ :-
1. પ્રભુને શરણે જઈને આ સમાધાનની મુસાફરીમાં સાથ માગો.
2. બનાવને પૂરેપૂરો સ્વીકારો : આમ કેમ થયું? એવો પ્રશ્ન વારંવાર આવે તો જવાબ આપો : “કારણકે એમ બન્યું”.
3. બનાવની છણાવટ કરો :
અ. ગેરસમજ છે કે નહિ?
બ. બનાવમાં પોતાની ભૂમિકા શી હતી? (માફી માગતી વખતે ઉપયોગમાં આવે.)
4. પૂર્વ તૈયારી:
અ. માનસિક તૈયારી:
1.ઇરાદો સ્પષ્ટ કરો: તમે શા માટે આ પગલું ભરવા માગો છો તેની સ્પષ્ટતા, શુદ્ધ હેતુ છે મુક્ત થવાનો કે સાજા થવાનો. કોણ સાચું છે એ પૂરવાર કરવાનો સાચો હેતુ નથી.
2. તિરસ્કાર માટે તૈયારી: સામેની વ્યક્તિ તરત જ તમારો સ્વીકાર કરે કે ન કરે એની ખાતરી નથી તેથી અસ્વીકાર માટે માનસિક રીતે તૈયાર થઈએ તો મુલાકાતમાં અણતધાર્યું પરિણામ ન આવે. ધીરજથી કામ લેવું જોઈએ.
3. રજૂઆત: વ્યક્તિ પાસે જઈએ ત્યારે કેવી રીતે શરૂઆત કરવી... વગેરે.
બ. આધ્યાત્મિક તૈયારી:
1. પોતાને માટે પ્રાર્થના : બંધનમુક્ત થવા ક્રૃપા, માર્ગ, હિંમત માગવી.
2. સામેની વ્યક્તિ માટે પ્રાર્થના: પ્રભુ તેમને આશીર્વાદિત કરે. જેથી તેઓ પણ બંધનમુક્ત થઈ જાય.
5. વ્યક્તિને રૂબરૂ મળવું :
1. ઓછમાં ઓછું 24 કલાક પહેલાં વ્યક્તિ સાથે સમય નક્કી કરો. (Take appointment)
2. મળવા જતાં તમારા ઇરાદાને ફરી યાદ કરો : બાંધવાનો નહિ કે નાશ કરવાનો.
3. શરૂઆતમાં તમને જે લાગણી થાય તેને વ્યક્ત કરો જેથી એનાથી તમે મુકત થઈ જાઓ. દા.ત. બેચેની, ગભરામણ, ચિંતા...
4. હકારાત્મક ભાષા વાપરો. (દોષારોપણના શબ્દો નહિ)
5. માફી માગવાની:
o બનાવમાં તમારી ભૂમિકાનો ઉલ્લેખ કરો. દા.ત... મેં તમને બધાની આગળ ઠપકો આપ્યો.
o તમારા વર્તન વિશે અભિપ્રાય આપો. દા.ત... મેં બધાની આગળ ઠપકો આપ્યો એ વર્તન યોગ્ય ન હતું.
o દિલગીરી વ્યકત કરો : દા.ત. મારા ગેરવર્તન માટે હું દિલગીર છું.
o અંતે માફી માગો: સ્પષ્ટ શબ્દોમાં કહો “મને માફ કરો.”
બંધનમુકત રસ્તે જો હું ચાલતો હોઉ તો, “જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને માફ કર, “ ‘હે અમારા બાપ’ પ્રાર્થનાના શબ્દો બોલવા હું લાયક બનું તથા સ્વર્ગનો દરવાજો મારા માટે ખુલ્લો રહેશે. દરેકના માટે સ્વર્ગના દરવાજા ખુલ્લાં રહે એવી મારી આશા પણ એ દરેક વ્યક્તિ ઉપર નિર્ભર છે, પોતાની પસંદગીની મુક્તિ.