પ્રેમીઓનું અનામત પર્વ (બકુલ પરમાર)

વેલેન્ટાઈન્સ ડે... Valentine’s Day – પ્રેમીઓનું અનામત પર્વ. લાલ ગુલાબ, હાર્ટવાળા ગ્ર્રીટિંગ કાર્ડસ અને ટેડી બિયરનો દિવસ. પ્રેમ અને પ્રેમીઓનો દિવસ... હા, વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમીઓનો અનામત દિવસ. એ દિવસે પ્રેમની જ વાત થાય, બીજા કશાની નહિ. પણ સવાલ એ થાય કે કેવા પ્રેમની વાત થાય? માર્કેટીગના માધાંતાઓએ પોતાની ચોકલેટ, કાર્ડસ અને મર્ચન્ડાઈસને વેચવા માટે ઊભા કરેલા છીછરા પ્રેમની વાત કરવી કે પછી તમારા અને મારા પ્રત્યેના પ્રેમને લીધે પોતાના એક્ના એક દીકરાનું બલિદાન આપનાર પવિત્ર પ્રેમની વાત કરવી? લવ, રોમાન્સ કે ચુંબાચાટીની વાત કરવી કે માથે હાથ ફેરવીને ‘તબિયત સાચવજે બેટા’માંથી નિકળતા નિર્દોષ પ્રેમની વાત કરવી? વેલેન્ટાઈન્સ એ પ્રેમનો દિવસ છે અને એ દિવસે પ્રેમની જ વાત કરવાની હોય પણ ક્યો પ્રેમ એ હજુ આપણે સમજી શક્યાં નથી.

ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસથી જ ટીવી પર જાહેરાતો આવતી થઈ જાય છે. જેમાં બધી જ કંપનીઓ પોતાની વસ્તુઓ વેચવા પ્રેમીપ્રેમીકાઓને લલચાવે છે. શેમ્પૂ, પરફયુમ, ડિઓ, કપડાં, ઘડિયાળ અને ચોક્લેટ વાળા લોકોને આકર્ષવા નિત્યનવા પ્રયોગો અજમાવે છે. રક્ષાબંધનને દિવસે ભાઈ બહેન માટે મીઠી લાગતી ચોકલેટો અચાનક પ્રેમીઓ માટે પ્રપોઝલનુ માધ્યમ બની જાય છે અને એટલે જ આજ્ના યુવાનોમાં વેલેન્ટાઈન્સ ડે એટલે એકબીજાને ગુલાબ આપવાનો દિવસ, પ્રપોઝ કરવાનો દિવસ, ફરવા જવાનો દિવસ અને આ જ કારણથી લોકો આ દિવસની રાહ જોતા હોય છે. ખ્રિસ્તી ધર્મગુરુઓ પોતાના બોધમાં સંત વેલેન્ટઈનની વાતો કરે છે પણ એ પણ સાંતાકલોઝની માફક એક કાલ્પનિક કથા બનીને રહી જાય છે!

સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીના બહોળા વ્યાપ અને કૌટુંબિક વ્યસ્તતાને લીધે આ દિવસ સમાજમાં કેવા પરિવર્તન લાવે એ વિચારી શકાય છે અને એટલે જ દરેક કુટુંબે પોતાના બાળકોનું ધ્યાન રાખવુ પડે છે. શંકાની નજરે નહિ પણ એક હકારાત્મક અભિગમ રાખીને બાળકોનું ધ્યાન રાખીએ તો એમને સાચા રસ્તે વાળી શકાય છે. તમારો કોલેજ કરતો દિકરો 13મી ફેબ્રુઆરીએ તમારી પાસે હજાર રૂપિયા માગે તો તમે એનું કારણ પૂછો. ક્યાંક એણે પોતાની વેલેન્ટાઈન્સ તો શોધી નથી લીધી ને? એજ રીતે જો દિકરી 14મી ફેબ્રુઆરીએ સાંજે મોડી આવે અને સાથે કાર્ડ કે ટેડિબિયર લઈને આવે તો એ ક્યાં ગઈ હતી અને કોણે એ ભેટો આપી છે એ કડક અવાજે પૂછવાની માબાપની ફરજ છે. જો થોડી પણ બેદરકારી બતાવી તો આ તહેવાર તમારા બાળકોનું ભવિષ્ય બગાડી શકે છે. આ તમામ સમસ્યાઓથી તમારા બાળકો અને પરિવારને દૂર રાખવાનો એક સુંદર ઉપાય છે અને એ છે પ્રેમ. દરેક સમસ્યાઓનો ઉકેલ પ્રેમથી આવી શકે છે અને બાળકોને પ્રેમથી જ કેળવી શકાય છે. એમને પુષ્ક્ળ પ્રેમ આપો અને આપના પ્રેમનું મહત્તવ સમજાવો. એમના જીવન સાથે સંકળાયેલા દરેક પ્રેમનો અનુભવ કરાવો. બહારની દુનિયા જ્યારે શારીરક પ્રેમનો પ્રચાર કરી રહી છે ત્યારે તમે એમને દિવ્ય પ્રેમની અનુભૂતિ કરાવો અને એ પ્રેમને તમારા પરિવાર સાથે ઉજવો. એમને પૂછો કે ઘસાઈ ગયેલાં ચપ્પલ પહેરીને નોકરી કરતા અને ચૂપચાપ પોતાના બાળકોની જરૂરિયાતો પૂરી કરતા પિતાના પ્રેમને વેલેન્ટાઈન્સ ડે ના દિવસે ઉજવી ના શકાય? એમને એ દિવસે લાલ ગુલાબના બદલે બાળકો દ્વારા સુંદર મજાનું શર્ટ ના આપી શકાય?

નવનવ મહીના ગર્ભમાં રાખીને જ્ન્મ આપનાર, પોતાના સપનાંઓને જતાં કરીને બાળકોને સપનાં જોતા કરનાર અને સપના પૂરા કરવા રાત દિવસ જાગનાર મમતા સ્વરૂપ માને પ્રેમથી ભેટીને ‘હેપ્પી વેલેન્ટાઈન્સ ડે’ ના કહી શકાય? બાળપણથી ઝગડાખોર, રમકડાં છીનવી લેનાર અને ચોટલા ખેંચીને ત્રાસ આપનાર, પણ લગ્નની વિદાયવેળાએ ખૂણામાં મોં સંતાડીને રડનાર ભાઈને એક બહેન વેલેન્ટાઈન્સ ડેની શુભેચ્છા ના આપી શકે? કે પછી માની ગેરહાજરીમાં સેકન્ડ મા નો રોલ ભજવનારી અને ખાવાપીવાથી લઈને સ્કૂલનુ હોમવર્ક કરાવનારી મોટીબેનના નિસ્વાર્થ પ્રેમને એક ચોકલેટ આપીને વધાવી ના શકીએ?

શું આ પ્રેમનું મહત્વ પ્રેમીઓના પ્રેમ કરતા ઓછું છે? મા, બાપ, ભાઈબહેનનો પ્રેમ વેલેન્ટાઈન્સ ડે ના દિવસે કેમ યાદ ના કરી શકાય? જે પ્રેમ તમને માણસ બનાવે છે, તમને સમાજમાં એક સ્થાન આપે છે, તમને શકિતશાળી બનાવે છે એ પ્રેમની સામે દુનિયાનો કોઈ પ્રેમ મોટો ના કહેવાય! જન્મથી જે પ્રેમ તમને ઉછરે છે, તમને મોટા કરે છે એ પ્રેમને અવગણીને સ્કૂલ કોલેજના માત્ર છ મહિના કે વરસ જૂના છીછરા પ્રેમને ઉજવવા એ કેટલું યોગ્ય ગણાય? અને આ સમજ, માબાપ જ પોતાના બાળકોને સમજાવી શકે છે. આપણે સૌ નક્કી કરીએ કે આ વખતે 14મી ફેબ્રુઆરીના દિવસે કુંટુંબના તમામ સભ્યો સાથે મળીને એક સાથે જમીએ, મોં મીઠુ કરીએ અને એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કરીને નવી જ રીતે વેલેન્ટાઈન્સ ડે ઉજવીએ.

Changed On: 01-02-2020
Next Change: 16-02-2020
copyright@ Bakul Parmar

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.