જાગો ભક્તો જાગો (પીટર ‘દ્વિતારક’ મેકવાન)

‘પસ્તાવો કરો, શુભસંદેશ ઉપર શ્રદ્ધા રાખો,’
અથવા ‘હ્રદય પલટો કરો, શુભસંદેશ ઉપર શ્રદ્ધા રાખો!’

Ash Wednesday રાખ બુધવારે દેવળોમાં ઉપરોક્ત આહવાન સાથે શ્રદ્ધાળુઓના ભાલપ્રદેશમાં રાખ-ભસ્મથી ક્રૂસનું તિલક કરવામાં આવે છે. આ ઘડીથી તપઋતુનો શુભારંભ થાય છે અને 40 દિવસની તપશ્ચર્યા-પ્રાર્થના, ઉપવાસ, ત્યાગ, પશ્ચાતાપ શરૂ થાય છે અને Easter Sunday – પાસ્ખા રવિવાર સુધી સધન રીતે ચાલે છે. આ સમયગાળો એટલે તપઋતુ!

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો, ઈસ્લામમાં રમઝાન, જૈનીઝમમાં પર્યુષણ અને ખ્રિસ્તીઓમાં તપઋતુ, આ ત્રણે ‘તપઋતુ’માં ઘણી બધી સામ્યતઓ છે. જાણે ઈશ્વરપ્રાપ્તિના વિવિધ માર્ગો! આખરે ધર્મના મૂળમાં માણસ રહેલો, માણસની મુમુક્ષા રહેલી છે!

પશ્ચાતાપ, તપ, પ્રાર્થના ઇત્યાદિ માધ્યમમાં – સાધના થકી અશુભ, અમંગળ, વિધ્નકર્તા બાબતો છોડી દઈ, શૂભ, મંગળ, ઈશ્વર સમીપ દોરી જવા પ્રવૃતિઓ કરવી. અસત્યો માંહેથી પરમ સત્યે જવાની ક્રિયા એટલે તપઋતુ. તપઋતુ એટલે ભૂલ્યા ત્યાંથી ફેર ગણવાની ઋતુ! ટૂંકમાં તપઋતુ એટલે પરિવર્તન કાળ! હ્રદયપરિવર્તન ટાણું. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુની શાંતિનો અનુભવ, એટલે તપઋતુ!

જેમ કરકસર અને કંજુસાઈ વચ્ચે ભેદરેખા દોરવી મુશ્કેલ છે તેમ તપશ્ચર્યા અને બાહ્યાડંબર વચ્ચે પણ.. ઉપવાસ, પ્રાર્થના, ભકિત, યાત્રા જો હ્રદયપરિવર્તન ના લાવતી હોય તો એ સહજ ક્રિયાકાંડ બની જાય છે! અભિનય-સમ્રાટતા બની જાય છે! એટલા માટે શાસ્ત્ર ચેતવે છે: “ઉપવાસ કર ત્યારે છાલક મારી ચહેરો ધો. તેલ નાખી વાળ-માથું ઓળ... લપલપાટ ના કર, હ્રદયથી પ્રાર્થના કર...” અર્થાત ઉપવાસ દ્વારા લોક સહાનુભૂતિ ન રળ! પ્રાર્થના દ્વારા લોકચાહના ના મેળવ! યાત્રા દ્વારા આનંદપ્રમોદ ના હાંસલ કર.

તપઋતુ એટલે માંહ્યલાની સ્વચ્છતા! સ્વ.સ્વાર્થ ત્યાગી નિ‌:સ્વાર્થ સ્વરૂપ ધારણ કરવું. વ્યક્તિત્વ વિકાસ કરવો. નિમ્નગતિ ત્યજી ઉધર્વગતિ તરફ અગ્રેસર થવું. દુન્યવી જીવનની ધરેડમાંથી આત્મતત્વ તરફ વળવું. જેની નોંધ, જેની અનુભૂતિ સ્વને થાય, સર્વને નહીં! તપઋતુ એટલે સત્યની સાધના! તપઋતુ એટલે જૂઠનો ત્યાગ! તપઋતુ એટલે Make-up નો ત્યાગ! તપઋતુ એટલે અંચળો ઉતારવો!

સત્યની સાધના, સ્વની ઉપાસના ખરેખર અઘરી બાબત છે. જૂઠ, દંભ અને ગુરુતાગ્રંથી અને જનમત (લોકો શું કહેશે?) આપણને સત્યની સાધનાથી અળગા રાખે છે. સ્વ. આરાધનાથી અલિપ્ત રાખે છે. કારણ કે, ‘થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહિએ’. ગામ વચ્ચે, લોકેચ્છા પ્રમાણે જીવવું આપણને કોઠે પડી ગયું છે. અનુકૂળ આવી ગયું છે. પણ...’ હરિનો મારગ છે શૂરાનો...” આમ શૂરા-શૂરવીરના ટોળાં ના હોય!!! તપઋતુ પણ એકલ-પંડે ચાલવાનો માર્ગ છે. તપઋતુ એટલે ચીલો ચાતરવો, ચીલે ચાલવું નહીં! તપઋતુ એટલે ગાડાવાટ નહીં; કેડી કંડારવી! પસ્તાવો બાહ્યાચાર નથી, અંત: પ્રેરણા છે. પસ્તાવો માંહ્યલામાંથી ઉદ્દભવતું પવિત્ર ઝરણ છે. કોઈકના કહ્યે પશ્ચાતાપ ના થાય. પસ્તાવો અંત:કરણમાંથી ફૂટે છે. એમ પ્રાર્થના પણ ઉર્મલ અનુભૂતિ છે. પ્રાર્થના એટલે ‘ભીક્ષાન દે’ નહીં, પશ્ચાતાપની જેમ પ્રાર્થના એટલે પણ હ્રદય પાવિત્ર્ય… પશ્ચાતાપ, ધીર-ગંભીર બાબત છે. ઉતાવળિયું અને ભાવુક કૃત્ય નથી, કારણ સતત ચાલતી પ્રક્રિયા છે. ભાવુક્તાથી કરેલો પશ્ચાતાપ અધવચ્ચે મૂકી દેવાય છે. છૂટી જાય છે. અઘરી, સુદિર્ધ અને અજ્ઞાત પરંતુ આંતરિકને આધ્યાત્મિક આત્મિક યાત્રા કરવાની છે.

બીજનું પરિપકવ થવું અર્થાત બીજનું અસ્તિત્વ ખોવાની તૈયારી. બીજ અસ્તિત્વ ગુમાવે છે ત્યારે નવો છોડ/વૃક્ષ અસ્તિત્વમાં આવે છે. પશ્ચાતાપ એટલે બીજની પરિપકવતા! પશ્ચાતાપ વ્યક્તિત્વનું બદલાણ! ઘરેડના જીવનને ત્યાગી નવા ઉન્ન્ત સોપાને ચઢવું. પશ્ચાતાપ ‘ભવાઈવેશ’ નથી. આંતરિક મૂળભૂત પરિવર્તન છે. આ કારણે તપઋતુનું વિશેષ મહત્વ રહેલું છે. વાલિયા લૂંટારાનું મહર્ષિમાં પરિવર્તન એટલે પશ્ચાતાપ, નાસ્તિક શાઉલનું સંત પાઉલમાં રૂપાંતર એટલે હ્રદયપરિવર્તન.

જો એમ ના થાય તો તપઋતુ સહજ નાટક છે. ખેલ-તમાશો છે. બૃહદ સમાજને ઉલ્લું બનાવવાનું ષડયંત્ર છે. આમ તપ અને તપનો ડોળ બે વચ્ચે, આમજનતાને ગોથાં ખવડાવવાં એટલે નાટક! તપઋતુ નાટક નથી એ સત્ય વિસરાવું ના જોઈએ. તપઋતુ એટલે સ્વ-સુધાર! સ્વ પરિવર્તન! ઘરેડમાંથી બહાર નીકળવું.

પરંતુ સખેદ નોંધવું પડે છે કે તપઋતુનો હેતુ ભાગ્યે જ ફળીભૂત થાય છે! જૂજ અપવાદો સિવાય એ માત્ર ઔપચારિકતા છે. કરવા ખાતર કરાય છે. આણે કર્યુ, પેલે કર્યુ, ઘણાએ કર્યુ એટલે મારેય કરવું પડે એ ભાવનાથી તપઋતુની ઉજવણી થાય છે. ‘ગામ ઘોરી છોડે ત્યારે કુંભકાર વૈશાખનંદન છોડે’ એટલે સાંપ્રત તપઋતુ!!!

પ્રભુ ઈસુના જ શબ્દો છે : “વૈધની આવશ્યકતા દર્દીને હોય, સ્વસ્થને નહીં.” પરંતુ જેઓ પોતે જ વૈધ બની પોતાને સ્વસ્થ-તંદુરસ્ત માને તેઓ સાજા કેવી રીતે થાય? રોગમુકિત માટે રોગ સ્વીકૃતિ અનિવાર્ય છે. આપણી ધાર્મિકતા એટલે ક્રિયાકાડો, આપણી પવિત્રતા જડ-દંભને દેખાડાને પોષે છે. અસત્યના યજ્ઞમાં ઘી હોમવાનું કામ કરે છે.

ઈસુના ખરેખરા રૂપને, પ્રેમને આવા દંભીઓ અનુભવ કરી શકતા નથી. તો કોણ કરી શકે છે? શાસ્ત્રીય સંદર્ભ પ્રમાણે પુરોહિતો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈશ્વરનો અનુભવ કરી શકતા નથી.

તેમની ભક્તિ-પૂજા બાહ્યાચાર છે પરંતુ પાપી ગણાતા જકાતદારો, વેશ્યાઓ અને સમાજમાં સાવ છેલ્લે ઘકેલાયેલાં, ગરીબ-ગુરબાં, માદાં-વિકલાગો અને દુન્યવી માપદંડે અપૂર્ણ લોકોને જ ઈસુમાં ઈશ્વરનાં, મુકિતદાતાનાં દર્શન થાય છે. તપઋતુ એટલે બાળક બની જવું! ને બાળક એટલે નરી નિખાલસતા!!! તપઋતુ એટલે કપટલીલાનો ત્યાગ!!! આ કપટલીલા પરાપૂર્વેથી ચાલી આવે છે. ઈસુનો શિષ્ય યહુદા ઈસુને ચુંબન કરે છે, પણ હેતુ પ્રેમ-હેત નથી! કપટ-કાવત્રું છે! યહુદાનું ચુંબન પ્રેમનું પ્રતીક નથી! આમ તૌર પર ચુંબન પ્રેમાભિવ્યક્તિ છે. પરંતુ યહુદાના કિસ્સામાં એ કપટ છે. કારસો છે. દુનિયાને એ ચુંબન દેખાય છે, પણ વાસ્તવમાં એ ‘કંઈક ઔર’ જ છે.

તપઋતુમાં થતી પ્રાર્થના ‘કંઈક ઔર’ ન બની જાય, કરેલા ઉપવાસ પણ કંઈક ઔર ન બની જાય, ત્યાગ-બલિદાન પણ ‘કંઈક ઔર’ ન બની જાય એની સભાનતા એટલે તપઋતુ! ચુંબન પ્રેમ ભક્તિનું માધ્યમ જ રહે તો જ તપઋતુ, તપઋતુ! પરંતુ… “આપ અંદર સે કુછ ઔર, બહાર સે કુછ નજર આતે હો...” તપઋતુ સહજ એક ભવાઈ બનીને રહી જાય છે. સહજ એક નાટક બની જાય છે. પૌરાણિક કથા પ્રમાણે રાવણ સાધુ રુપે આવી સીતાને દગાફટકાથી હારી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તપઋતુમાં અંચળો ઓઢે છે ત્યારે રાવણથી લગીરે કમ દુષ્ટ નથી!!! દુષ્ટતામાં માત્રા નથી જોવાતી. દૂધથી ભરેલા તપેલામાં એક માત્ર એક જ ટીપું લીંબુનો રસ પડે તો દૂધ ફાટી જાય છે ખરુને? કારણ ‘ખટાશ’ છે હવે આ લીંબુ રસનું ટીપું ખાંડ મિશ્રિત સરબત સ્વરૂપે દૂધમાં પડે તો પણ દૂધ ફાટી જ જવાનું!!! પ્રાર્થના, ઉપવાસ, પસ્તાવો, ખાંડ મિશ્રિત ખટાશ ન બની જાય તો જ તપઋતુ, તપઋતુ છે. અહીં અટકું તે પહેલા –

તપઋતુ એટલે મગરના આંસુ સારવાથી અળગા રહેવું.
તપઋતુ એટલે વરુનું સ્મિત કરવાથી અળાગા રહેવું.
તપઋતુ એટલે જેવા છીએ તેવા પ્રગટ થવું.
તપઋતુ એટલે શાસ્ત્રોલ્લેખી જીવન જીવવું.
ફકત ચાળીસ દિવસ જ નહીં પણ બારે ને બારેય....

Changed On: 16-02-2020
Next Change: 01-03-2020
Copyright@ Peter ‘dhvitarak’ Macwan

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.