નિરાશ્રિતોનો સ્વીકાર અને તેમના હક્કોનું રક્ષણ (જેમ્સ બી. ડાભી)

સાંભળ્યું છે કે પ્રાણીજગતમાં પ્રાણીઓનું પોતાનું એક જૂથ હોય છે. આ જૂથની હરવા, ફરવા અને ચરવાની એક સીમા હોય છે. આ જૂથમાં એ જ જાતનું પણ અજાણ્યું પ્રાણી ન પ્રવેશી શકે. જો ભૂલેચૂકે પ્રવેશી જાય તો આ જૂથના પ્રાણીઓના હિંસક હુમલાનો ભોગ બની જાય. એ જ પ્રમાણે એક જૂથની સીમામાં જો એ જ જાતનું પણ આ જૂથનું સભ્ય ન હોય એવું પ્રાણી ચરવા પ્રવેશી જાય તો એ પ્રાણીના પણ એ જ હાલહવાલ થાય. પોતાના જૂથથી વિખૂટું પડી ગયેલું આવું પ્રાણી પોતાના જૂથની શોધમાં ભટકતું રહે અને હિંસાનો ભોગ બનતું રહે. કદાચ કોઈ જૂથ આવા અજાણ્યા પ્રાણીનો સ્વીકાર કરી પણ લે. એવો સ્વીકાર થાય એ પહેલાંનું આ પ્રાણીનું સ્થળાંતર દુ‌:ખદ બની રહે છે.

સ્થળાંતર માનવજગતની પણ એક અ‍વિભાજ્ય પ્રક્રિયા છે. કેળવણી, રોજગાર અથવા વ્યવસાયને કારણે સ્થળાંતર કરતા માનવો નિહાળવા મળે છે. જો કે માનવજગતમાં સ્થળાંતરને કારણે માનવ નથી પોતાનું સ્વમાન ગુમાવતો કે નથી પોતાના હક્કો ગુમાવતો. ઘર છોડવું દુ‌:ખદ ઘટના હોવા છતાં એ ઘટનાને લીધે થનારા લાભોને કારણે માનવ ઘર છોડવા તૈયાર થાય છે. ઘર છોડીને હોસ્ટેલમાં પ્રવેશતા વિદ્યાર્થીના અંતરમાં દુ‌:ખ જરૂર હશે, પરંતુ એમ કરવાથી એને મળનારા ઉત્તમ શિક્ષણ સામે એ દુ‌:ખ સ્વીકારી લેવું અને સહન કરવું વાજબી બની જાય છે. ભલે એ વિદ્યાર્થીનું સ્થળાંતર થાય, પરંતુ એ વિદ્યાર્થીનું એક માનવ તરીકનું ગૌરવ અને માનવ તરીકેના હક્કો હોસ્ટેલમાં પણ જળવાઈ રહે છે. એટલે જ આવાં સ્થળાંતરો સ્વીકાર્ય બને છે.

માનવજગતમાં યુદ્ધ અને હિંસા એવા બનાવો છે કે માનવ જીવ બચાવવા ખાતર સ્થળાંતર કરવા મજબૂર બને છે. આવા સંજોગોમાં સ્થળાંતર કરવામાં માનવ માત્ર પોતાનું ઘર જ નથી ગુમાવતો, પરંતુ પોતાની માલમિલકત, પોતાની જમીનજાયદાદ, પોતાનો ધંધો-રોજગાર, અરે, ક્યારેક તો પોતાનાં સ્વજનો પણ ગુમાવી બેસે છે. આવાં માનવો નિરાશ્રિતો બને છે. પરાયી ભૂમિમાં, પરાયી સંસ્ક્રૃતિમાં, પરાયા લોકો વચ્ચે આવાં નિરાશ્રિતો આવી ચઢે છે. આવાં નિરાશ્રિતોની સંખ્યા આજની દુનિયામાં ઘણી મોટી છે. આવા એક નિરાશ્રિત પરિવારની કથા શુભસંદેશકાર માથ્થી પોતાના શુભસંદેશમાં નોંધે છે. યરુશાલેમ શહેરના રાજા હેરોદ પોતાના રાજ્યમાં આવેલા બેથલેહેમ ગામ અને તેની આસપાસનાં ગામોમાં બે વર્ષ કે તેથી નાની ઉંમરનાં બાળકોનો વધ કરવાનો મરજાદી હુકમ પોતાના લશ્કરને કરે છે. લશ્કર એ હુકમને માથે ચડાવે છે. એ વખતે હિંસાથી બચવા બેથલેહેમ ગામમાંથી એક કુટુંબ આજના ઇજિપ્ત દેશમાં હિજરત કરે છે. એ કુટુંબ એટલે પવિત્ર યોસેફ, માતા મારિયા અને બાળક ઈસુ સમાવતું પવિત્ર કુટુંબ, ઇજિપ્ત દેશમાં આ પવિત્ર કુટુંબ નિરાશ્રિત તરીકે અમુક વર્ષો ગાળ્યા પછી રાજા હેરોદના મ્રૃત્યુ બાદ પોતાને વતન પાછું આવે છે. ઈસુ પહેલાં અને ઈસુ પછી માનવ ઇતિહાસમાં આવાં નિરાશ્રિતોની વણઝાર વણથંભી ચાલી જ રહી છે.

યુદ્ધ અને હિંસા માનવને સ્વબચાવર્થે સ્થળાંતર કરવા મજબૂર કરતાં હોય છે. આ યુદ્ધ અને હિંસા અટકે એ માટે આપણે સહુ પ્રાર્થના કરીએ. પ્રભુ જ માનવને કૂપમંડુકતામાંથી બહાર લાવી વિશાળ દ્રષ્ટિ અને બહોળું દિલ આપી શકે છે. પ્રભુ ઇચ્છે છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ બનીને જીવે. હવે, એક કુટુંબમાં પણ સગા ભાઈઓ વચ્ચે મિલકત બાબતે ઝઘડા થાય છે; ક્યારેક હિંસા પણ થાય છે. જો આ ભાઈઓના પપ્પા હયાત હોય તો તેમને તો પોતાના દીકરાઓનું આવું વર્તન જોઈને જબરો આધાત લાગે. આપણા પ્રભુને પણ યુદ્ધ અને હિંસાથી આવો જ આઘાત લાગતો હશે. હવે, કુટુંબમાંનો એકાદ ભાઈ ઝઘડતા ભાઈઓ વચ્ચે સમાધાન સાધવા અને જે ભાઈને નુકશાન થયું છે તેને નુકસાન ભરપાઈ કરી અપાવવા પ્રયત્ન કરે તો પપ્પાનું અંતર હરખી ઊઠે. આ તો પપ્પાના અંતરની ઇચ્છા છે કે પુત્રો હળીમળીને રહે, અરસપરસનું માનસન્માન જાળવે અને એકમેકના અધિકારની આમન્યા રાખે. આપણે સૌ આપણી પ્રાર્થના દ્વારા પેલા સમાધાન કરાવનારા પુત્ર જેવા બનીએ. પ્રાર્થનામાં જબરી તાકાત છે. સામૂહિક પ્રાર્થનામાં બમણી તાકાત છે. ઈસુએ આવી ખાતરી આપી છે કે જો બે કે ત્રણ જણ કોઈ એક માંગણી કરવામાં સંમત થશે તો મારા પરમપિતા એ માંગણી અવશ્ય મંજૂર રાખશે. આજે તો સંચાર માધ્યમોને કારણે કયો દેશ કયા દેશ પર હુમલો કરવાની તૈયારીમાં છે, એવા સમાચારો આગોતરા મળી જાય છે. યુદ્ધ અને હિંસા અટમકી જાય એવી આપણી પ્રાર્થનાઓ યુદ્ધ અટાકાવી શકે છે. શરૂ થઈ ચૂકેલાં યુદ્ધો અને ફાટી નીકળેલી હિંસા પણ પ્રાર્થનાના બળે બંધ થઈ શકે છે.

પોપ ફ્રાન્સીસ આપણું ધ્યાન એવા લોકો પ્રત્યે દોરે છે કે જેઓ યુદ્ધ અને હિંસાને લીધે ઘરબાર વિહોણાં બની ગયાં છે. આવા લોકો નિરાશ્રિતો છે. તેમની સ્થિતિ દયનીય છે. એકવાર એક દીકરીને ઘરે એક મૂરતિયાનું માંગુ આવ્યું. દીકરીના બાપે ઉધ્ધતાઈથી માંગુ ફગાવતાં ઉચ્ચાર્યું કે, ‘ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ છતાં માંગુ લઈને આવતાં લાજેય ન આવી.’ નિરાશ્રિતો આવાં ગામમાં ઘર વિનાનાં અને સીમમાં ખેતર વિનાનાં છે. આવાં નિરાશ્રિતો પોતાની અસ્મિતા ગુમાવી બેસે છે પણ નિરાશ્રિતો માનવ મટી જતાં નથી. રેલ્વેગાડીમાં રીઝર્વેશન કોચમાં વેઈટીંગ લીસ્ટનાં મુસાફરો પણ પ્રવેશે છે. જે મુસાફરોનું રીઝર્વેશન હોય છે તેમાનાં કેટલાંકનું આ વેઇટીંગ લીસ્ટના મુસાફરો પ્રત્યેનું વર્તન ધ્રુણાજનક હોય છે. વેઈટીંગ લીસ્ટવાળાં લોકો પણ એટલી જ કક્ષાનાં મુસાફરો છે જેટલી કક્ષાનાં મુસાફરો છે જેટલી કક્ષાનાં રિઝર્વેશનવાળાં મુસાફરો નો આ રેલ્વેગાડી પર છે એટલો જ અધિકાર વેઇટીંગ લીસ્ટવાળાં મુસાફરોનો પણ છે. હવે, જો રીઝર્વેશનવાળાં સાંકડેમાંકડે આ વેઈટીંગ લીસ્ટવાળાંને જગ્યા કરી આપે તો સહુ નિરાંતે પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શકે. કોઈક અજાણ્યા દેશમાં પ્રવેશતાં નિરાશ્રિતો રીઝર્વેશન કોચમાં પ્રવેશતાં વેઈટિંગ લીસ્ટવાળાં મુસાફરો જેવાં છે.

પોપ ફ્રાન્સિસ ઇચ્છે છે કે જે દેશમાં, જે સમાજમાં આ નિરાશ્રિતો પ્રવેશે ત્યાં તેઓનો માનવને છાજે એવો સ્વીકાર થાય અને માનવ તરીકેના તેમના હક્કોનું રક્ષણ થાય. જે તે દેશની સરકાર ઉદારતાથી આવાં નિરશ્રિતોનો સત્કાર કરે એ માટે આપણ સહુ સરકારો માટે પ્રાર્થના કરીએ. આ વિશ્વ પ્રભુનું છે અને આ નિરાશ્રિ તો પ્રભુનાં સંતાનો છે. આ નિરાશ્રિતોનો જે તે દેશમાં કે સમાજમાં સ્વીકાર થાય એવી પ્રભુની ઇચ્છા છે. કેટલીક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ આ દિશામાં કાર્ય કરે છે. ઈસુસંઘના અમુઇક સભ્યો જેસુઈટ રેફયુજી સર્વિસ નામની સંસ્થા દ્વારા આ કાર્ય કરે છે. જો આવી કોઈ સંસ્થાના સંપર્કમાં આવી શકીએ તો આપણે એ સંસ્થાને મદદ કરી શકીએ છીએ. નિરાશ્રિતો માત્ર નિરાશ્રિતો બન્યાં હોવાને લીધે પોતાની માનવ તરીકેની અસ્મિતા અને માનવ તરીકેના હક્કો ગુમાવી દેતાં નથી. માનવ તરીકે જન્મ પામ્યાં હોવાને લીધે જન્મજાત હક્કોનું રક્ષણ થવું જ ઘટે. આવા હક્કો છે, માલમિલકત ધરાવવાનો હક્ક અથવા વેતન પામવાનો હક્ક. પોપ ફ્રાન્સીસ ઇચ્છે છે કે નિરાશ્રિતોના સઘળા માનવ અધિકારોનું રક્ષણ થાય. કોઈ દેશ કે કોઈ સમાજ એ અધિકારોને છીનવી ન લે એ માટે એ દેશ અને સમાજ દરિયાવદિલ હોય એ આવશ્યક છે. આપણી પ્રાર્થનાઓ માનવના કઠોર મનને પીગળાવીને દરિયો બનાવી શકે છે.

પોપ ફ્રાન્સીસ આપણ સહુને પ્રાર્થના કરવા કહે છે કે આ વિશ્વમાં હિંસા અટ કી જાય. હિંસાને કારણે અસંખ્ય માનવો નિરાશ્રિતો બને છે. આ નિરાશ્રિતો સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, સરકાર અને સમાજના પ્રયત્નો દ્વારા માનભર જીવન જીવી શકે અને પોતાના માનવઅધિકારો ભોગવી શકે.

Changed On: 01-03-2020
Next Change: 16-03-2020
Copyright@ Fr. James B Dabhi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.