બાર પ્રેષિતો (જ્શવંત મેક્વાન)

ઈસુના બાર પ્રેષિતો, ધર્મસભાના પાયાના પથ્થર હતા, જેમાંના કેટલાકે તો બાઇબલના કેટલાક ભાગનું લેખન કર્યું છે. દર્શનના ગ્રંથ (21:14)માં કહ્યું છે : ‘નગરીના કોટને બાર પાયા હતા અને તેના પર ઘેટાના બાર પ્રેષિતોનાં નામ હતાં, અર્થાત નવી યરુશાલેમની દિવાલો પર આ બાર પ્રેષિતોનાં નામ કોતરાયેલાં હશે, એટલે આ વાત સ્પષ્ટ છે કે આ બાર પ્રેષિતોને પરમેશ્વર, રાજદૂતો જેવું મોટું સન્માન આપે છે. તલસ્પર્શી અભ્યાસ કરીએ તો, 21મી સદીમાં ઈસુના અનુયાયી તરીકે શિષ્યત્વનો કેવો મહાન આધ્યાત્મિક વારસો આપણને મળ્યો છે, તે જાણી આશ્ચર્ય થયા વિના રહેશે નહીં!

નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, આદરપૂર્ણ પૌરાણિક પરંપરાઓ પ્રમાણે તેમના જીવનની ઝાંખી રજૂ કરવાનો અત્રે નમ્ર પ્રયાસ છે. આ ક્થા તેમજ પૌરાણિક પરંપરાઓ એ કાયદેસર ઐતિહાસિક સત્ય છે, એ અમારું અનુમાન છે, એમ કહેવાનો અમારો આશય નથી. ‘જેણે જગતમાં સમૂળગું પરિવર્તન આણ્યું.’ તેમના જીવનના અભ્યાસમાં કંઈક તો તથ્ય છે,’ તેવું અમે જરૂર માનીએ છીએ.

‘બાર પ્રેષિતોની પસંદગી’ (લૂક 6:12-13)માં જાણવા મળે છે : ‘તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થનામાં ગાળી. સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બારને પસંદ કરી ‘પ્રેષિતો’ એવું નામ પાડ્યું.’ આ બાર જણાએ ઈસુની હાકલને પ્રતિસાદ આપ્યો. તેઓ અભણ, સામાન્ય વર્ગના, સાદા સીધા ભોળા યહુદીઓ હતા. જેઓએ ઈસુ પર શ્રદ્ધા રાખી, સર્વસ્વનો ત્યાગ કરી, ઈસુના શિષ્ય બન્યા. ત્રણેક વર્ષના સત્સંગથી તેઓ આગેવાન તરીકે પાક્યા. ઈસુએ આરંભેલું કાર્ય, આ આગેવાનો – શિષ્યગણ છેવટે આગળ ધપાવશે તેવી ઈસુની યોજ્ના હતી. ઈસુએ તેમના પર પસંદગીની મહોર પણ મારી હતી : ‘તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે.’ આ બાર પ્રેષિતો અને યહૂદાની જગ્યા લેનાર પ્રેષિત મથ્થિયાનો પરિચય આ પ્રમાણે છે.

1. પીતર : સિમોન પીતર, યોનાનો પુત્ર, માછીમાર જે બેથસૈદા અને ક્ફરનહૂમમાં રહેતો હતો. છેક બાબિલ સુધી તેણે યહુદીઓ મધ્યે ઈસુના શિક્ષણનો ઉપદેશ આપી, પ્રૈષિતિક કાર્ય કર્યુ હતું. તે ઈસુનો અંતેવાસી હતો અને નવા કરારમાં બે પત્રના લેખક તરીકે તેનું નામ જાણીતું છે. પીતરને રોમમાં ઊંધા મસ્તકે ક્રૂસે ચડાવવામાં આવ્યો હતો, એમ પરંપરાગત જાણવા મળે છે.

ચારેય શુભસંદેશકારે આપેલ શિષ્યોની નામાવલિમાં પીતરનું નામ પહેલું છે, જો કે પીતરનાં અન્ય નામ પણ હતાં. ખ્રિસ્તના જમાનામાં ગ્રીક ભાષા સામાન્ય હતી, એટલે તેનું ગ્રીક નામ સિમોન હતું. (માર્ક 1‌‌:16, યોહાન 1‌:40, 41). તેનું હિબ્રૂ નામ કેફા (1 કરિંથ 1:12, 3:22, 9:5 અને ગલાતિયા 2:9) હતું. ગ્રીક નામ સિમોનનો અર્થ ખડક થાય છે અને કેફાનો અરબી અર્થ પણ ખડક થાય છે.

વ્યવસાયે પીતર માછીમાર હતો. તે પરિણીત હતો (1 કરિંથ 9:5) અને તેની સાસરી ક્ફરનહૂમમાં હતી. ઈસુએ જ્યારે કફરનહૂમની મુલાકાત કરી હતી ત્યારે તેને મુખ્યાલય બનાવ્યું હતું. અન્ય શિષ્યની જેમ પીતર પણ ગાલીલનો હતો, ઈતિહાસકાર યોસેફેસ ગાલીલના લોકોનું આ રીતે વર્ણન કરે છે: ‘નવું આવકારવાના તેઓ શોખીન હતા અને સ્વભાગત પરિવર્તન માટે પણ તત્પર રહેતા હતા. તેઓ ખુશમિજાજી હતા તેમજ બંડ પોકારવામાં પણ આગળ પડતા હતા. આગેવાનની પાછળ ડગ માંડવા ઉત્સુક રહેતા, એટલે સુધી કે બળવો કરવામાં પણ નેતાને સાથ આપતા. તેઓ ગુસ્સો કરવામાં ઉતાવળા અને ઝઘડાળુ સ્વભાવના હતા પણ એવા જ પરાક્રમી પણ હતા.’ તાલમુદના કહેવા પ્રમાણે ‘ગાલીલના લોકો કંઈપણ ગુમાવીને પણ માન મરતબો મેળવવા માટે વધારે આતુર રહેતા હતા. તેઓ શીધ્ર ક્રોધાવેશમાં આવનારા મનમોજી, લાગણીજન્ય અને સાહસ કરવાની અપીલનો ત્વરિત પ્રતિસાદ આપનારા તથા છેવટ સુધી વફાદાર રહેનારા હતા.’

પણ, એક વિશેષ ગાલીલ હતો. બાર પ્રેષિતોમાં પીતર આગેવાન હતો. બાર શિષ્યના પ્રવકતા તરીકે તેની છાપ ઊભી થઈ છે. ‘ઈશ્વર તે જાણ્યો આચાર’માં, અમને પેલી અવપળવાણીનો અર્થ સમજાવો.’ (માથ્થી 15:15) એમ પૂછવાની સાહજિક હિંમત પીતર જ કરે છે. ‘પોતે કોણ છે?’ એવો પ્રશ્ન ઈસુએ શિષ્યગણને કર્યો હતો ત્યારે કેવળ પીતર જ સાચો પ્રત્યુતર વાળે છે. ‘આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર.’ (માથ્થી 16:16). ‘પ્રભુ મારો ભાઈ, મારો અપરાધ કરે, તો મારે કેટલીવાર ક્ષમા કરવી! સાત વાર?’ (માથ્થી 18:21) એવો પ્રશ્ન ઈસુને કરવાની હિંમત પણ પીતર જ કરે છે! ‘જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ.’ (માર્ક 10”28) તો અમને શો બદલો મળશે! એવો સીધો પ્રશ્ન કરનાર પણ પીતર જ હતો. ઈસુના ‘દિવ્યરૂપ દર્શન’ના સાક્ષી બનવા માટે યાકોબ અને યોહાન સાથે પીતર પણ ત્યાં હાજર હતો. (માથ્થી 17:1-8).

યાઈરની દીકરીને ઈસુએ જીવનદાન આપ્યું હતું તે પળે પણ પીતર પ્રભુ સાથે હતો (માથ્થી 1‌:19-19) અને તેમ છતાંયે નોકરડી આગળ ‘બાઈ, હું તો એને ઓળખતો સુદ્ધાં નથી.’ (લૂક 22:57) એવો ઇન્કાર પીતરે જ કર્યો હતો! પીતર એક પ્રેષિત હતો, જેણે પોતાના માલિક ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી હતી! એ સાચું છે કે પીતરની ઘણી મર્યાદાઓ હતી છતાં પ્રભુના પ્રેમાળ હ્રદયમાંથી તેના બચાવની સરવાણી વહી હતી. કંઈ વાંધો નહિ, પીતરનું પતન અને પરાજય ઘણીવાર થયા હોવા છતાં તેણે પોતાની હિંમત અને પવિત્રતા પુન: પ્રાપ્ત કર્યા હતાં. પીતર ક્રૂસ પર શહીદ થયો હતો. પોતાના ગુરુની જેમ ઉપર તરફ માથું રાખીને ક્રૂસે જડવા પોતે લાયક નથી એટલે ઊંધે માથે ક્રૂસે લટકાવા વિનંતી કરી હતી. ઉપરની બાજુ નીચે તરફ વાળા ક્રૂસ સાથે એક્બીજા પર ચાવી, એ પીતરનું પ્રૈષિતિક પ્રતીક છે.

2. આંદ્રિયા : આંદ્રિયા, સિમોનનો ભાઈ અને યોનાનો પુત્ર હતો. તે બેથસૈદા અને કફરનહૂમમાં રહેતો હતો. ઈસુએ તેને હાક્લ કરી તે પહેલાં તે માછીમાર હતો. મૂળમાં તે સ્નાનસંસ્કાર યોહાનનો શિષ્ય (માર્ક 1: 16-18) હતો. આંદ્રિયા, તેના ભાઈ સિમોનને ઈસુ પાસે લઈ આવ્યો (યોહાન : 1-40) હતો. દેશ પરદેશના મિશનરી તરીકેનું બિરુદ મેળવનાર તે સર્વપ્રથમ હતો. રશિયા, સ્કોટલેન્ડ અને ગ્રીસ – ત્રણ દેશના રક્ષકસંત તરીકે તેની ગણના થાય છે. ઘણા અભ્યાસીઓ માને છે કે તેણે સીરિયા, ગ્રીસ અને એશિયા માઈનોરમાં શુભસંદેશની ઘોષણા કરી હતી.

આંદ્રિયાએ ઘણાનો પરિચય ઈસુને કરાવ્યો હતો. તેમ છતાંયે સંજોગોએ તેને એવાં માનમરતબો આપ્યાં કે જેથી તે અન્યના દ્વેષ અને રોષનો ભોગ બન્યો હતો. તે આશાવાદી હતો અને શુભસંદેશની જાણકારીમાં બીજા સ્થાને હતો. તમામને ઈસુ પાસે લાવવા એક માત્ર તેના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો.

ગ્રીસના અખાયાના પતરા નગરમાં આંદ્રિયાએ શહાદત વહોરી હતી એવી માન્યતા પ્રચલિત છે. જ્યારે ગવર્નર આઈપાસનાં પત્નીને સાજાપણું મળ્યું અને તેમણે ખ્રિસ્તી શ્રદ્ધાનો સ્વીકાર કર્યો, વળી થોડા સમય પછી ગવર્નરનો ભાઈ પણ ખ્રિસ્તી બન્યો ત્યારે આઈપાસ ક્રોધે ભરાયો. તેણે આંદ્રિયાની ધરપકડ કરી અને ક્રૂસ પરના મ્રુત્યુ માટે દોષિત કરાવ્યો. પોતાના ગુરુ જેવા જ ક્રૂસના આકારમાં પોતાને જડી દેવા માટે અયોગ્ય ગણતાં આંદ્રિયાએ પોતાને જુદા જ ક્રૂસ પર જડી દેવા માટે વિનંતી કરી, એટલે તેને એકસ (x) આકારના ક્રૂસ પર જડવામાં આવ્યો, જે આજે પણ સંત આંદ્રિયાના ક્રૂસ તરીકે જાણીતો છે અને તેને પ્રેષિતોના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. બે માછલીથી રચિત ક્રૂસને પણ સંત આંદ્રિયાના ક્રૂસ તરીકે ઓળખવામાં આવે છે કારણ અગાઉ તે માછીમાર હતો.

3. યાકોબ (નાના) : આલ્ફેયુસ અથવા કિલયોપાસ તથા મરિયમનો દીકરો, પ્રેષિત યોહાનનો ભાઈ યાકોબ ગાલીલનો નિવાસી હતો. એક માન્યતા પ્રમાણે તેણે પત્ર લખ્યા હતા. પાલેસ્તાઈન અને ઈજિપ્તમાં શુભસંદેશ ફેલાવ્યો હતો જોકે યાકોબ, ઓછો જાણીતો પ્રેષિત હતો. યાકોબ, જુસ્સાવાળો અને મજબૂત મનનો વ્યક્તિ હતો છતાં એક અન્ય વાયકા પ્રમાણે રક્તસાક્ષી બન્યો હતો. તેના શરીરના ટૂકડા કરવામાં આવ્યા હતા. કરવત તેનું પ્રૈષિતિક પ્રતીક તરીકે ઓળખાયું છે.

4. યોહાન : બને-રગેશ, ઝબદી અને સાલોમીનો પુત્ર તથા પ્રેષિત યાકોબનો ભાઈ. ઈસુના ‘વ્હાલા શિષ્ય’ તરીકે તે જાણીતો હતો. ધંધે માછીમાર અને બેથસૈદા, કફરનહૂમ તથા જેરુશાલેમનો નિવાસી હતો. તે પણ ઈસુનો અંતેવાસી હતો. યોહાન શુભસંદેશકાર તરીકે જાણીતો છે તથા તે પહેલો, બીજો અને ત્રીજો એમ ત્રણ પત્ર લેખક અને ‘દર્શન’ના ગ્રંથના લેખક તરીકે પણ પ્રખ્યાત છે. એશિયા માઈનોરના વિસ્તારમાં ધર્મસંઘને તેણે શુભસંદેશ સંભળાવ્યો હતો. પાતમસના ટાપુ પર તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો, બાદમાં તેની સજા રદ કરવામાં આવી હતી અને કુદરતી મ્રુત્યુને ભેટયો હતો. પાતમસના ટાપુ પર તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો, બાદમાં તેની સજા રદ કરવામાં આવી હતી અને કુદરતી મ્રુત્યુને ભેટ્યો હતો. યોહાન નામાંકિત પ્રેષિત હતો. નવા કરારમાં ઘણી જ્ગ્યાએ તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે કર્મયોગી હતો, મહત્વાકાંક્ષી હતો. તે વિસ્ફોટક મિજાજ અને અનુદાર દિલનો માણસ હતો. તેનું બીજું નામ બને-રગેસ હતું જેનો અર્થ છે મેઘ્ગ્રર્જનાના પુત્રો, યોહાન અને તેનો ભાઈ યાકોબ, અન્ય શિષ્યની સરખામણીમાં ખાધેપીધે સુખી પરિવારમાંથી આવ્યા હતા.

જોકે તેના પિતાજીએ માછીમારી માટે મજૂરો રોક્યા હતા (માર્ક 1‌:20) એટલે પોતાની જાતને બધાની પર માનતો હતો. તે પીતરની નજીક હતો તેઓ બન્ને એકસાથે પ્રૈષિતિક કાર્યમાં જોતરાયા હતા. જો કે પીતર તમામને એકજૂથમાં બાંધનારો પ્રેષિત હતો. સમયાંતરે યોહાન નરમ પડ્યો હતો. મોડે મોડે જીવનમાં તે સર્વકાંઈ ભૂલી ગયો હતો, તેની મહત્વકાંક્ષાઓ, જલદ મિજાજ વગેરે વિસરાઈ ગયાં હતાં. કેવળ પ્રભુની પ્રેમની આજ્ઞા તેનામાં પ્રજ્જવલિત હતી.

ઝેરનો પ્યાલો આપી તેનું કાસળ કાઢી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પણ ‘જેને રામ રાખે, તેને કોણ મારે!’ છેવટે કુદરતી મોતથી તેના જીવનનો અંત આવ્યો હતો. સર્પ અંકિત પ્યાલો તેનું પ્રૈષિતિક પ્રતીક છે.

5. ફિલિપ : ઈસુના શિષ્ય ફિલિપે ફિજીયામાં ઉપદેશ આપ્યો હતો અને તે હિયરાપોલિસમાં શહીદ બન્યો હતો. પીતર અને આંદ્રિયાની જેમ ફિલિપ પણ બેથસૈદાનો વતની હતો. (યોહાન 1:44) અન્ય શિષ્યની જેમ તે પણ માછીમાર હતો. જોકે પ્રથમ ત્રણ શુભસંદેશ (માથ્થી 10:3, માર્ક 3:18, લૂક 6:14 અને પ્રેષિતોનાં ચરિતો 1:13)માં તેના નામનો ઉલ્લેખ જોવા મળે છે. યોહાનના શુભસંદેશમાં ફિલિપની માત્ર જાણીતી વ્યક્તિ તરીકે નોંધ છે.

બાઈબલના કેટલાક અભ્યાસીઓ ફિલિપ અંગે સાશંક છે. પ્રેષિતોનાં ચરિતોમાં બાર પ્રેષિતોએ સાત સહાયક પ્રતિષ્ઠિત, વહેવાર બુદ્ધિવાળા અને પવિત્ર આત્માથી સભરભર્યો હોય એવા વ્યકિતઓને ચૂંટી કાઢયાનો ઉલ્લેખ છે, તેમાંના (પ્રેષિતોનાં ચરિતો 6:5) એક તરીકે ફિલિપનું નામ છે, જેણે ઈથોપિયાના ખોજાને સ્નાનસંસ્કાર (પ્રેષિતોનાં ચરિતો 8:26) કરાવ્યો હતો. તેણે પાઉલ સાથે કૈસરિયામાં પણ વસવાટ કર્યો હતો (પ્રેષિતોનાં ચરિતો 21:8) અને પ્રારંભના ધર્મસંઘમાં સાહસિક શુભસંદેશવાહકમાં તેની નોંધપાત્ર ગણના થાય છે.

ફિલિપનો ભેટો થતાં ઈસુએ તેને કહ્યું, ‘મારી પાછળ પાછળ આવ.’ એવું વર્ણન યોહાનના શુભસંદેશ (1‌:43)માં વાંચવા મળે છે. હવે આ ફિલિપ જ્યારે નથનિયેલને મળે છે ત્યારે તે ઈસુની ઓળખ કરાવે છે. ‘જેને વિશે મોશેએ ધર્મસંહિતામાં અને પયગંબરોએ પણ લખેલું છે તેનો અમળને ભેટો થયો છે, તે યોસેફના પુત્ર નાસરેથના ઈસુ છે.’ (યોહાન 1: 45) નથનિયેલ નાસ્તિક હતો પણ ફિલિપે તેની સાથે દલીલ કરી નહિ, તેણે સહજભાવે કહ્યું, ‘ચાલ અને જો.’ (યોહાન 1:46) આ પ્રસંગમાં ફિલિપના વ્યકિતત્વનાં બે પાસાં જાણવા મળે છે. પહેલું એક સંશયી વ્યક્તિ સાથે તેનું વાજબી વલણ અને ખ્રિસ્ત પ્રત્યે સ્વાભાવિક શ્રદ્ધા અને બીજું તેનામાં પડેલી જન્મજાત મિશનરી કૂનેહ.

ફિલિપ હાર્દિક હ્રદય અને નિરાશાવાદી દિમાગ ધરાવતો હતો. અન્ય માટે કંઈક કરી છૂટવાની તેનામાં ભારોભાર તમન્ના હતી પણ તે કેવી રીતે કરવું તેની કંઈ ગતાગમ નહતી પડતી! તેમ છતાં આ ભલાભોળા ગાલીલીએ પોતાની પાસે જે કંઈ હતું તે આપી દીધું, પ્રતિભાવમાં પ્રભુએ તેને શુભસંદેશના પ્રચાર-પ્રસારનો માધ્યમ બનાવ્યો. ક્રૂસ એ ખ્રિસ્તીધર્મ અને વિજ્યની નિશાની છે એવું ફિલિપે આગ્રહપૂર્વક જાહેર કર્યુ હતું. એવું કહેવામાં આવે છે કે તેને ફાંસી આપવામાં આવી હતી. મરતી વખતે તેણે વિનંતી કરી હતી કે, ‘ઈસુના શબને શણના કાપડમાં વીંટાળ્યું હતું એટલો તે યોગ્ય નથી એટલે તેના શબને જળવનસ્પતિ (પેપીરસ)માંથી બનેલા કાપડમાં વીંટાળવામાં આવે!’ ઈસુએ પાંચ હજારને જમાડ્યા હતા એ ચમત્કારમાં ફિલિપની ભાગીદારી હતી એ ધ્યાનમાં રાખી તેનું પ્રૈષિતિક પ્રતીક ‘ટોપલી’ છે.

6. બર્થોલ્મી અથવા નથનિયેલ : તાલ્માઈનો પુત્ર અને ગાલીલનો તે રહેવાસી હતો. ત્રણ સમાંતર ચપ્પુ બર્થોલ્મીનું પ્રૈષિતિક પ્રતીક છે. તે આર્મેનિયામાં મિશનરી હતો એવી માન્યતા છે. ઈસુના બાર શિષ્યમાંથી કેવળ બર્થોલ્મી જ રાજવીકુળ, ખાનદાન પરિવારમાંથી આવ્યો હોય એમ સંખ્યાબંધ તજજ્ઞોનું માનવું છે. તેના નામનો અર્થ તોલમાઈ અથવા તાલ્માઈનો પુત્ર (2 શમુએલ 3:3) એવો થાય છે. ઈસુના શિષ્યગણની દરેક નામાવલિ (માથ્થી 10:3, માર્ક 3:8, લૂક 6:14, પ્રેષિતોનાં ચરિતો 1:13)માં બર્થોલ્મીનું નામ જોવા મળે છે. બર્થોલ્મી તેનું પ્રથમ નામ નથી તેમ છતાંયે બીજું તો છે જ. મોટાભાગે તેનું પહેલું નામ નથનિયેલ હતું, જેને ઈસુએ આવકાર્યો હતો ‘જુઓ, આ એક સાચો ઈસ્રાયલી આવે છે, એનામાં લગારે કપટ નથી.’ (યોહાન 1:47).

નવા કરારમાં તેના વિશે ખૂબ જ ઓછી માહિતી મળે છે. તેઓ શાસ્ત્રના સંશોધક, કાયદાના અભ્યાસી અને ઉપદેશક હતા એમ પરંપરા અનુસાર જાણવા મળે છે. નાઝરેથના સુથારનું સંપૂર્ણ શરણ તેણે પોતાના જીવન કવનમાં પ્રગટ કર્યું હતું. ધર્મસંઘના અનેક સાહસિક પ્રેષિતોમાંનો તે એક હતો. ફિલિપ સાથે તેણે ફીઝિયા અને હિયરાપોલિસમાં તેમજ અર્મેનિયામાં શુભસંદેશની ઘોષણા કરી હતી. અર્મેનિયન ધર્મસંઘ આજે પણ બર્થોલ્મીને સ્થાનિક ધર્મસંઘના સ્થાપક અને શહીદ માને છે. તેમ છતાંયે એક લોક્વાયકા પ્રમાણે તેમણે ભારતમાં પણ શુભસંદેશનો પ્રચાર કર્યો હતો અને અહીં જ મ્રુત્યુ પામ્યા હત. તેણે પોતાના સ્વામી માટે પ્રાણ પાથર્યા હતા. તેમના જીવતે જીવ ચામડી ઉતરડી કાઢી હતી!

7. માથ્થી અથવા લેવી : આલ્ફેયુસનો પુત્ર જે ક્ફરનહૂમમાં રહેતો હતો. તે જકાતદાર અથવા ‘કલાલ’ હતો. ચાર શુભસંદેશકારોમાંનો તે એક છે, જેણે ઈથોપિયામા શહાદત વહોરી હતી.

એક પ્રેષિત તરીકે માથ્થીની હાકલ માર્ક (2:14), માથ્થી (9:9) અને લૂક (5:27-28)માં વાંચવા મળે છે, જેના પરથી જાણવા મળે છે કે તે લેવી નામે ઓળખાતો.

મધ્યપૂર્વના દેશોમાં ખ્રિસ્તના જમાનામાં માણસોનાં બે નામ હોય તે સર્વસામાન્ય રીવાજ હતો. માથ્થીના નામનો અર્થ થાય છે, ‘પ્રભુની ભેટ’. કદાચ ઈસુએ જ તેને બીજું નામ ‘લેવી’ આપ્યું હશે. ઈસુના બાર શિષ્યોમાંનો એક યાકોબ (નાનો), આલ્ફેયુસનો પુત્ર તે માથ્થીનો પણ ભાઈ હોય તેવી એક સંભાવના છે, તેમ છતાંયે માથ્થી વિશે વ્યક્તિગત રીતે આપણે ઓછું જાણીએ છીએ, પણ તે જકાતદાર હતો તે સર્વવિદિત બાબત છે. ‘કિંગ જેમ્સ વર્ઝન’ પ્રમાણે તે કલાલ હતો, લેટિન અનુવાદ પ્રમાણે તેનો અર્થ ‘જાહેર સેવા સાથે સંકળાયેલો’ અને જેનું મુખ્ય કામ જાહેર નાણાંનો હિસાબ કિતાબ રાખનાર અથવા કર વસૂલાત કરનાર એવો થાય છે.

દુનિયાના તમામ રાષ્ટ્રોની પ્રજામાં યહુદીઓ, જકાતદારો પ્રત્યે સૌથી વધારે આક્રોશ કે નફરત ધરાવનાર પ્રજા છે. કેવળ પરમેશ્વરને જ દસમો ભાગ આપવો જોઈએ એવી ધાર્મિક ફરજ યહુદીઓ માનતા હતા, તે સિવાય અન્ય કોઈને પણ કર આપવો તે પરમેશ્વરની આજ્ઞાના ઉલ્લંધન બરાબર તેઓ માનતા હતા પરંતુ કેવળ ધાર્મિક કારણસર જકાતદારોનો તિરસ્કાર કરવામાં આવતો ન હતો પણ તેઓમાંના મોટાભાગના અન્યાય માટે પણ કુખ્યાત હતા. ઘણા યહુદી લોકોના મનમાં જકાતદારો, ગુનેગાર કરતાં ઓછા ન હતા. નવા કરારના સમયમાં તેઓ ચારિત્ર્યહીન, અસભ્ય કે પાપી તરીકે વર્ગીક્રૃત કરવામાં આવતા હતા. (માથ્થી 18:17, 21:31, 9:10, માર્ક 2:15, લૂક 5:30).

સામાન્ય પ્રજાને અસહ્ય આકારણી કરી, પ્રવાસીઓને ઊંચા વ્યાજથી ધીરનાર જકાતદાર તરીકે આમ જનતામાં તેમની ઓળખ હતી, જેમાંનો એક માથ્થી હતો, છતાં પણ ઈસુએ તેની પસંદગી કરી અને પોતાનો શિષ્ય બનાવ્યો, લોકોમાં અપ્રિય-તિરસ્ક્રૃત માણસ – ક્ફરનહૂમના જકાતદારમાં ખ્રિસ્તે હીર પારખ્યું હતું.

માથ્થી અન્ય શિષ્ય, જેઓમાંના મોટાભાગના માછીમાર હતા – કરતાં અલગ હતો. તે કલમનો ઉપયોગ જાણતો હતો એટલે સૌ પ્રથમવાર, હિબ્રૂ ભાષામાં ભગવાન ઈસુના શિક્ષણનાં લેખાંજોખાં પ્રસિદ્ધ કર્યા હતાં. તત્કાલીન જમાનાના તિરસ્ક્રૃત જકાતદારે ખ્રિસ્તીધર્મ પર કરેલ ઉપકારનો અંદાજ કાઢવો ખરેખર અશક્ય છે, પણ પ્રભુ માટે બધું જ શક્ય છે. ઈસુના શિક્ષણને કલમબદ્ધ કરવાનું પ્રથમ શ્રેય માથ્થીને ફાળે જાય છે. માથ્થી શુભસંદેશના પ્રચાર-પ્રસારનો મિશનરી હતો જેણે પોતાનું જીવન પોતાના માલિક પરની આસ્થામાં ન્યોચ્છાવર કર્યું. ઈસુની હાકલ પહેલાં માથ્થી જકાતદાર હતો તેની યાદગીરી સમાન તેનું પ્રૈષિતિક પ્રતીક ‘ત્રણ નાણાં કોથળી’ છે.

8. થોમસ જોડિયો : ગાલીલનો રહેવાસી હતો. પરંપરાગત માન્યતા પ્રમાણે તેણે પાર્થ, પારસ અને ભારતમાં શુભસંદેશના પ્રચાર માટે હાડતોડ મહેનત કરી હતી. છેવટમાં ઈસુને કારણે ભારે વેદના સહન કરી, મદ્રાસ નજીકના પર્વત પર શહાદત વહોરી હતી. થોમસ તેનું હિબ્રૂ નામ અને દિદીમુસ તેનું ગ્રીક નામ હતું. માથ્થી, માર્ક અને લૂક તેના નામના ઉલ્લેખ સિવાય વધારે કોઈ માહિતી આપતા નથી, જો કે યોહાન પોતાના શુભસંદેશમાં તેના વિશે સ્પષ્ટ વાત કરે છે, લાઝરસને સજીવન કર્યો (યોહાન 11: 2-16) એ ચમત્કાર વેળાએ થોમા અર્થાત ‘જોડિયો’ની હાજરી હતી. ’પ્રભુ આપ ક્યાં જવાના છો, તે અમે જાણતા નથી, પછી અમને રસ્તાની ખબર શી રીતે હોય?’ એવો પ્રશ્ન થોમા (યોહાન 14:1-6) એ ઉપલી મેડી પર કર્યો હતો. ‘જ્યાં સુધી હું તેમના હાથે ખીલાનાં ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું ત્યાં સુધી – પ્રભુ સજીવન થયા છે એમ – હું કદી માનું નહિ.’ (યોહાન 20-15) એવી શંકા પણ થોમાએ દર્શાવી હતી અને એટલે જ થોમાને અશ્રદ્ધાળુ શિષ્ય તરીકે ઓળખાયો હતો.

સ્વભાવગત થોમા નિરાશાવાદી હતો. સતત મુંઝવણમાં રહેતો માણસ હતો. તેમ છતાંયે તે હિંમતવાન વ્યકિત હતો. જોયા વિના ભરોસો ન કરનાર શિષ્ય હતો. ઈસુનાં દર્શન પછી તેનામાં શ્રદ્ધા અને ભકિતનો ઉછાળો જોવા મળ્યો હતો. સજીવન થયેલા ઈસુ, શિષ્યોને બીજીવાર દર્શન આપે છે ત્યારે ઈસુ જ સામેથી તેની શંકા દૂર કરવા આમંત્રણ આપે છે. ‘તારી આંગળી અહીં લાવ, આ રહ્યા મારા હાથ અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ, અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ.’ (યોહાન 20:27) ત્યારે થોમા પોતાની ભૂલની કબૂલાત કરે છે અને શ્રદ્ધાનો એકરાર પણ કરે છે. ‘ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર.’ (યોહાન 20:24) થોમાની અશ્રદ્ધા શ્રદ્ધામાં પરિવર્તિત થઈ. આ ઘટનાથી થોમાની શ્રદ્ધા મહાન, ઉત્કટ અને પ્રતીતિજનક બની. એમ કહેવામાં આવે છે કે ભારતમાં મહેલ ચણવા માટે રાજાએ તેને આદેશ કર્યો હતો પણ અંતે ભાલાથી વીંધાઈને તે શહીદ થયો હતો. ભાલાઓ, બાણો અને પથ્થરોનો ઢગલો તેનું પ્રૈષિતિક પ્રતીક છે.

9. યાકોબ અલ્ફી(મોટા) : બને-રગેસ, ઝબદી અને સાલોમીનો પુત્ર, પ્રેષિત યોહાનનો ભાઈ, એક માછીમાર જેમણે બેથસૈદા, કફરનહૂમ અને યરુશાલેમમાં વસવાટ કર્યો હતો. તેણે યરુશાલેમ અને યહુદિયામાં સંદેશ સંભળાવ્યો હતો અને હેરોદ દ્વારા તેનો ઈ.સ. 44માં વધ કરવામાં આવ્યો હતો. (પ્રેષિતોનાં ચરિતો 12‌:1-2) તે ઈસુનો અંતેવાસી હતો અને એટલા જ કારણથી વિશેષ સવલત તેને મળી હતી, નવો કરાર યાકોબ વિશે ખૂબ ઓછી માહિતી આપે છે. તેનું નામ ક્યારેય એકલું આવ્યું નથી, તેના ભાઈ યોહાન સાથે જ તેની વાત થઈ છે. યાકોબ અને યોહાન, અલગ ન કરી શકાય તેવી જોડ હતી (માર્ક 1:19-20, માથ્થી 4:21, લૂક 5:1-11).

તે હિંમતવાન અને ક્ષમાદાન કરનાર વીર હતો, તેનામાં લગીરેય ઈર્ષા ન હતી. તે હંમેશા યોહાનનો પડછાયો બની જીવતો હતો, તેનામાં અસાધારણ શ્રદ્ધા હતી. બાર પ્રેષિતોની શહાદત વહોરવાનું માન સૌ પ્રથમ યાકોબને મળ્યું હતું. દરિયાઈ માર્ગે મુસાફરી કરી હોવાથી તેનું પ્રતીક ત્રણ છીપલાં છે.

10. જહાલ સિમોન : બહુ જ ઓછા પરિચિત શિષ્ય સિમોન, કાના ગામનો વતની હતો અને ગાલીલમાં રહેતો હતો. તેને ક્રૂસે ચડાવવામાં આવ્યો હતો એમ પરંપરા જણાવે છે.

‘કિંગ જેમ્સ વર્ઝન’ પ્રમાણે તેને કનાની (માથ્થી 10:4 અને માર્ક 3”18) અને અન્ય વર્ણનમાં તેને જહાલ સિમોન (લૂક 6:15 અને પ્રેષિતોનાં ચરિતો 1:16) તરીકે ઓળખવામાં આવે છે.

સિમોન જહાલ હતો. એ સિવાય વ્યવહારિક ધોરણે નવા કરારમાં સિમોન વિશે વ્યક્તિગત કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જહાલ યહુદીઓ ધર્માંધ રાષ્ટ્રવાદી હતા, જેમના મનમાં યાતનામાં સહભાગી બનવું ભારોભાર ઉપેક્ષિત બાબત હતી, વિશેષમાં કઠિન પરિસ્થિતિને તેઓ શ્રદ્ધાની શુદ્ધતાની પરીક્ષા માનતા હતા. પાગલપણાની હદે, જહાલ યહુદીઓ રોમનો પ્રત્યે ધ્રુણા દર્શાવતા હતા. રોમનો પ્રત્યેની નફરતને કારણે જ યરુશાલેમ નગરનો નાશ થયો હતો. યોસેફસના મતે જહાલ યહુદીઓ સાહસિક અને ઉત્સાહી હતા પરંતુ નિરર્થક બાબતોમાં બેપરવા અને અવિચારી પણ હતા.

આ પશ્ચાત ભૂમિકામાં સિમોન પણ જહાલ રાષ્ટ્રવાદી હતો, કાયદા-કાનૂન પ્રત્યે નિષ્ઠાવાન અને રોમ સાથે કોઈપણ વાતે સમાધાન કરનાર પ્રત્યે ભારે ઝેરીલો પણ હતો; છતાં એક શ્રદ્ધાવાન શિષ્ય તરીકે તે ઉભરી આવ્યો હતો. તેણે પોતાની ધ્રુણા, શ્રદ્ધામાં તબદીલ કરી હતી, જે પોતાના માલિક પ્રત્યે વ્યકત થઈ હતી. વિશેષમાં રોમન જકાતદાર માથ્થી અને બાકીના શિષ્યગણ પ્રત્યે પ્રેમ દર્શવવામાં પણ તેણે ક્યાંય ઉણપ આવવા દીધી ન હતી.

સિમોન જહાલ, એક વખત ઈસ્રાયલ પ્રત્યેની વફાદારીને કારણે માર્યો ગયો હોત, પણ પ્રભુને જોયા બાદ તેણે સમર્પિત સેવામાં જીવન ખર્ચી નાખ્યું હતું. પરંપરા પ્રમાણે તે શહીદ બન્યો હતો. પૂર્વ જીવનનો માછીમાર, હવે માણસ પકડનાર પ્રેષિત બન્યો હતો તેથી તેની સ્મ્રુતિમાં તેનું પ્રૈષિતિક પ્રતીક બાઈબલ પર અંકિત માછલીનું ચિત્ર છે.

11. પ્રેષિત યહૂદા (જૂડ) અથવા થદેયુસ (થદી) : આલ્ફેયુસ અથવા ક્લેયોફાસ અને મરિયમનો પુત્ર તે થદેયુસ અથવા લેબેયુસ. તે નાના યાકોબનો ભાઈ હતો. અણ્ જાણીતા શિષ્યમાંનો તે એક છે જે ગાલીલનો રહેવાસી હતો. પરંપરા પ્રમાણે તેણે અશૂર અને પારસમાં શુભસંદેશની ઘોષણા કરી હતી અને પારસમાં શહીદ થયો હતો, યહૂદા, જૂડને ‘ત્રિનોમિઅસ’ તરીકે ઓળખાવે છે, જેનો અર્થ થાય છે, ત્રણ નામવાળો માણસ. માર્ક (3:18) તેને થદી તરીકે, માથ્થી (10:3) તેને લીબ્બેયુસ તરીકે ઓળખાવે છે. તેની અટનક થદી હતી. લૂક (6:16) અને પ્રેષિતોનાં ચરિતો (1‌:13)માં યહૂદાને યાકોબના ભાઈ તરીકે દર્શાવ્યો છે. યહૂદા થદી, યહૂદા, જેહાલ તરીકે પણ ઓળખાતો. વ્યક્તિ તરીકે તે અત્યંત લાગણીશીલ અને ઝનૂની રાષ્ટ્રપ્રેમી હતો. પસંદગીના લોકો પર વર્ચસ્વ અને સતા જમાવવાનું તેનું સ્વપ્ન હતું. નવા કરાર (યોહાન 14:22)માં, છેલ્લા ભોજનના સમયે યહૂદાએ ઈસુને પૂછયું હતું ‘પ્રભુ, એવું શું બન્યું છે કે આપ અમને સાક્ષાત્કાર કરાવશો પણ જગતને નહિ કરાવો?’ દુનિયાને ઈસુની જાણ થાય એવી યહૂદાની ઈચ્છા હતી. પીડા ભોગવનાર તારણહાર તરીકે નહિ પણ શાસક રાજા તરીકે! પ્રેમની અવેજીમાં સત્તા કારગર ન બને તે ઈસુના જવાબમાં સ્પષ્ટ હતું. યહુદાએ યુફાત નદીના પ્રદેશ-એડેસ્સામાં શુભસંદેશનો પ્રચાર કર્યો હતો. ત્યાં તેણે ઘણા બીમારને સાજા કર્યા હતા અને ઘણા ઈસુ પર શ્રદ્ધા રાખતા થયા હતા. યહુદા ત્યાંથી અનેક જ્ગ્યાએ શુભસંદેશના પ્રચાર માટે ગયો હતો. અરતાતમાં બાણ વડે તેની જ્ગ્યાએ શુભસંદેશના પ્રચાર માટે ગયો હતો. અરાતમાં બાણ વડે તેની હત્યા થઈ હતી. તેનું પ્રૈષિતિક પ્રતીક જહાજ છે, કારણ તે એક માછીમાર હોવા સાથે તે એક મિશનરી પણ બન્યો હતો.

યહૂદા ઈશ્કરિયોત, વિશ્વાસઘાતી : જે સિમોનનો પુત્ર હતો અને યહૂદિયામાં નિવાસ કરતો હતો. જેણે ચાંદીના ત્રીસ સિક્કા ખાતર ઈસુને દગો દીધો હતો અને પાછળથી પોતાની જાતે ગળે ફાંસો ખાધો હતો. (માથ્થી 26: 14, 16).

યહૂદા, એ માણસ જે વિશ્વાસઘાતી નીવડ્યો, તે નવા કરારનું સર્વોપરિ ગૂઢ પાત્ર છે, કારણ, એ માનવું મુશ્કેલ છે, જે ઈસુની નજીક હતો, જેણે ઘણા ચમત્કાર જોયા હતા અને ગુરુજીની શાશ્વત વાણી સાંભળી હતી; તે જ આખરે દગો કરીને પોતાના માલિકને દુશ્મનોના હાથમાં સોંપી દે છે! ત્રણ શુભસંદેકારોની શિષ્યગણની નામાવલિમાં તેનું નામ જોવા મળે છે. (માથ્થી 10:4, માર્ક 3‌:19, લૂક 6:19) એમ કહેવામાં આવે છે કે યહૂદા, યેરિખો નજીકના યહૂદામાંથી આવતો હતો. તે યહૂદી હતો અને બાકીના બધા શિષ્ય ગાલીલના હતા. તે શિષ્યસંઘનો ખજાનચી હતો અને છટાદાર બોલનાર આગેવાનોમાં તેની ગણના થતી હતી. યહૂદા રાષ્ટ્રવાદી હિંસક યહુદી હતો. પોતાની રાષ્ટ્રીય ભાવના અને સ્વપ્નો ફળીભૂત થશે એવી આશાએ તે ઈસુનો અનુયાયી બન્યો હતો. યહુદા લોભી માણસ હતો અને વખતોવખત શિષ્યસંઘના ખજાનચી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરનારો, સામાન્ય ભંડોળમાંથી નાની મોટી ચોરી કરનારો લાલચુ હતો, જેનો ભાગ્યે જ કોઈ ઇન્કાર કરી શકે. યહૂદાએ પોતાના માલિકનો દગો કેન કર્યો તેનું કોઈ નિશ્ચિત કારણ નથી, એટલું જ નહીં કેવળ તેના વિશ્વાસઘાતે ઈસુને ક્રૂસે ચડાવ્યા એમાં તથ્ય નથી, આપણાં પાપને કારણે ઈસુએ ક્રૂસનું મરણ સહન કર્યુ. ફાંસીનો ગાળિયો અથવા ચાંદીના સિક્કા વેરાતા હોય એવી ગાંઠડી, યહૂદાનું પ્રૈષિતક પ્રતીક છે.

12. પ્રેષિત મથ્થિયા : યહુદા ઈશ્કરિયોતની જગ્યા કોણે લીધી? એવો પ્રશ્ન કોઈને પણ થાય. પ્રેષિતોનાં ચરિતોમાં જણાવ્યા અનુ્સાર (1‌: 15-26) મથ્થિયાની, યહુદાની જગ્યાએ પસંદગી કરવામાં આવી હતી. તેની સાથે અન્ય નામ પણ હતું બાર્સાબાસ તરીકે ઓળખાતો યોસેફ ઉર્ફે યુસુફ (પ્રેષિતોનાં ચરિતો 1‌: 24-26). આ બેમાંથી એકની પસંદગી માટે તેમણે પ્રાર્થના કરી હતી. મથ્થિયા અંગે બાઈબલમાં આછી પાતળી માહિતી મળે છે. ઈસુના પુનરુત્થાન પછી સ્નાનસંસ્કાર અંગીકાર કરનાર મથ્થિયા, ઈસુ સાથે હતો એવો કોઈ પુરાવો બાઈબલમાં મળતો નથી. મથ્થિયાનું મરણ ઈ.સ. 80માં થયું હતું, એવી ઐતિહાસિક માહિતી મળે છે. તેણે કાસ્પિયન અને કપ્પાદોકિયાના કિનારાના પ્રદેશમાં શુભસંદેશની ઘોષણા કરી હતી.

Changed On: 16-03-2020
Next Change: 01-04-2020
Copyright@ Jashvant Macwan

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.