“હે ઈસુભક્ત, તું છે આ ધરતી કરને રક્ષણ તારું” (ફાધર આનંદ, એસ. જે.)

“ક્યાં કશુંયે મેં માગ્યું તું તારી પાસે
ને તોયે ઊગતા સુર્યે હંમેશા પૂછી છે મારી ખબર,
પવને ઝુલાવ્યા છે મારા આંગણાના ફૂલછોડ,
ને નદીઓના પાણીએ ભીંજ્વ્યો છે મને અંતસ્ત્લ સુધી.
પર્વતોના શિખરોએ મને ખભે ઊંચકીને રમાડ્યો છે
ને ક્યાં સુધી મળ્યો મારા હઠિલા પ્રેમનો પ્રતિશબ્દ?”

ઉપરના શબ્દો રજુ કરે છે ઈશ્વરનો કુદરત દ્વારા મનુષ્ય પ્રત્યે રજૂ થતો પ્રેમ. તો બીજી તરફ આ પ્રેમની વિરુદ્ધમાં “પર્યાવરણમાં અ‍સંતુલન” ટેલીવિઝન અને સમાચારપત્રોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. પ્રશ્નો જેવા કે ગ્લોબલ વોર્મિગ, જંગલોનો વિનાશ, ઋતુચક્રમાં ફેરફાર, નામશેષ થતી વિવિધ જાતિઓ, અને ન્યુક્લીઅર અકસ્માત, પર્યાવરણ એ જાણે કોઈ બીજા ગ્રહનો મુદ્દો હોય અથવા આધુનિક યુગનો ફકત એક ચર્ચાનો વિષય હોય તે રીતે જોવામાં આવે છે. આપણો ખ્રિસ્તી સમુદાય પણ આ વિવિધ પ્રશ્નોથી જાણે અપરિચિત છે. એક ખ્રિસ્તી તરીકે કુદરત દ્વારા મળતા પ્રેમને પારખવા, ધરતીમાતા અ‍ને તેમાં રહેલા વિવિધ સજીવો પ્રત્યે આપણી જવાબદારીને સમજવામાં આપણે નિષ્ફળ ગયાં છીએ.

મહાશ્રી પોપ બેનેદિક્ત સોળમા ‘કેરીતાસ વેરીટી’ નામના પત્રમાં જણાવે છે કે “પર્યાવરણ એ ઈશ્વરે મનુષ્યને આપેલી ઉત્તમ ભેટ છે. તેનો યોગ્ય ઉપયોગ એ આપણી ગરીબો પ્રત્યે, ભવિષ્યની પેઢી પ્રત્યે તથા સમગ્ર માનવ જાત પ્રત્યેની જવાબદારી બને છે.” કુદરતી સાધન-સંપતિને સરખા ભાગે વહેંચવી જેથી બીજાના હકને માન મળે, જોખમી પદ્ધતિનો ઉપયોગ કરતાં પહેલાં ભવિષ્યની પેઢી વિશે વિચાર કરવો અને અંતે સૃષ્ટિના સર્જક સાથે સુમેળ સધાય તે ખૂબ જરૂરી છે. જો આમ થશે તો, જે રીતે વ્યક્તિ પોતાની માંદગીમાંથી સાજાપણું મેળવે છે તે રીતે અસ્તવ્યસ્ત બનેલ પર્યાવરણ પોતાનું સાજાપણું મેળવશે.

જે પ્રુથ્વીનું સર્જન સાત દિવસમાં વર્ણવવામાં આવ્યું છે તે જ પ્રુથ્વી સાત અધ:પતનમાંથી પસાર થઈ રહી છે.

1. બિન-ઉપજાવ જમીન ખેતીલાયક જમીનમાં ફેરવવામાં આવી. આજે આ જમીનો ઔદ્યોગિકરણ અને શહેરીકરણને નામે ફરીથી સિમેન્ટીકરણમાં ફેરવાઈ રહી છે.

2. રાસાયણિક દવાઓ અને ખાતરોના બહોળા ઉપયોગને લીધે જમીન પોતાની ગુણવત્તા ગુમાવી રહી છે. ડી.ડી.ટી. કે જેના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અરે તેનાથી પણ વિપરીત અસર કરનારી રાસાયણિક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

3. ઝેરી અને રાસાયણિક કચરો કાં તો જમીનમાં કે પછી નદીઓ અને સમુદ્રમાં છોડી દેવામાં આવે છે.

4. આ પ્રુથ્વી જે આપણું એક સાચું ઘર છે તે એક ઉકરડામાં ફેરવાઈ રહ્યું છે. આ ઉકરડો છેક એન્ટાર્કટિકા ધ્રુવ સુધી વિસ્તરી ગયો છે.

5. અશ્મિબળતણનો વ્યાપ વધતા ઉત્પન્ન થતાં કાર્બન ડાયોકસાઇડે ગરમીમાં વધારો કરીને વાતાવરણમાં અસ્થિરતા લાવી દીધી છે.

6. દરરોજ આશરે ત્રણ જાતિ નામશેષ થતાં તે માનવ ઇતિહાસમાંથી લુપ્ત થઈ રહી છે.

7. કુદરત સાથેનો સુમેળ અને મનમેળ ન જળવાતાં આપણે આપણી સંસ્કૃતિ પણ ગુમાવી રહ્યાં છીએ.

વડાધર્મગુરુ બેનેદિત સોળમા દ્વારા મનુષ્ય મારફતે કરાતા પાપોની વ્યાખ્યાને બહોળી કરવામાં આવી, કે જેમાં સાત પાપો પૈકી ચોથા નંબરે વાતાવરણને દુષિત કરવું તે એક પાપ છે તે રીતે ઉમેરવામા આવ્યું.

સાચો કારભારી

માથ્થીક્રૃત શુભસંદેશમાં અધ્યાય 25માં સોનામહોરની સુંદર દ્રષ્ટાંત કથા આપવામાં આવી છે. માલિક પોતાનું ધન કારભારને આપીને વિદેશ ચાલ્યો જાય છે. કારભારી પોતાની સોનામહર ખોવાઈ જશે તે બીકે તેને જમીનમાં દાટી દે છે. પરંતુ કથાને અંતે માલિક પરત ફરતા કારભારીને શિક્ષા થાય છે. જ્યારે ઈશ્વર પિતા આપણને સોંપાયેલી ધરતીમાં થયેલો દૂરપયોગ જોશે, જ્યાં ધરા ગંદી, કટાઈ ગયેલી અને ક્દરૂપી હશે, ત્યારે ચોક્ક્સ દુ‌:ખી થશે.

ઉત્પતિના ગ્રંથમાં આદમ અને હેવાને પ્રુથ્વી એક કુશળ કારભારીઓ તરીકે સોંપાઈ હતી. ઈશ્વરે મનુષ્યને પોતાની પ્રતિમૂર્તિરૂપે ઘડયો નથી. અ‍ને તેથી જ પ્રતિમૂર્તિરૂપ હોવાને કારણે મનુષ્યને પ્રુથ્વી ઉપર કારભારી કે કાળજી રાખનાર તરીકે સત્તા આપવામાં આવેલ છે. નહીં કે બેપરવાઈથી તેનો દુરપયોગ કરવા.

વિજ્ઞાન અને ટેકનોલોજી કુદરતની જટિલતા સમજી વસ્તુનો સદ્દ્પયોગ કેવી રીતે કરવો તે શીખવે છે. સ્વાર્થી મનુષ્યે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત અને ફ્કત ધરતીનું શોષણ કરવા માટે જ કર્યો. પર્યાવરણનું સંતુલન જાળવવાના બદલે પર્યાવરણ સાથે હંમેશા ખોટો વ્યવહાર થયો છે. પર્યાવરણની અધોગતિ એ મનુષ્યની લાલચ અને સ્વાર્થનું પરિણામ છે. મનુષ્ય દરેક વસ્તુના ઉપયોગમાં પોતાની જાતને કેન્દ્રસ્થાને બનાવે છે. જૂના કરારમાં, આપણા પૂર્વજોના સમયથી, પશુ-પક્ષી અને વન્ય જીવન પ્રત્યે કેવો આદર રાખવો તેની વાત થઈ છે. (અનુસંહિતા 22:1-12) ઈસુ પણ પોતાનાં દ્રષ્ટાંતમાં જણાવે છે કે ઈશ્વરપિતા નાની ચકલીઓ પ્રત્યે પણ કેટલી કાળજી રાખે છે (માથ્થી 10:29). પરંતુ આ સર્વે જાણે ભૂલાઈ ગયેલી બાબત સમાન છે.

પર્યાવરણના મુદ્દાને દરેક જ્ગ્યાએ સરખું સમર્થન મળતું નથી. સામાજિક અને ધાર્મિક બાબતો કરતાં આર્થિક લાભની અગત્યતા ઉપર વધુ ભાર મૂકાય છે. આપણે આ પ્રુથ્વીના સાચા માલિક નથી તો તેના શોષણ કરનાર પણ નથી. એક વપરાશ કરનાર તરીકે ભવિષ્યની પેઢીને આપણે હિસાબ આપવો પડશે. એક સુંદર વાર્તા છે, જેમાં બે ધમાલિયા મિત્રો એક ગામમાં રહેતા હોય છે. તે જ ગામમાં એક સંત પણ રહેતા હોય છે. એક વખતે આ સંતની પરીક્ષા કરવા આ બન્ને મિત્રો પોતાની મુઠીમાં એક પતંગિયું પકડીને લઈ ગયા, અને પૂછ્યું કે તે પતંગિયું જીવતું છે કે મરેલું. સંતને તેમની દુષ્ટતાનો ખ્યાલ આવી ગયો. તે સમજી ગયા કે જો તે એમ કહેશે કે પતંગિયુ મરેલું છે તો પતંગિયું ઉડાડી કહેશે કે તમે ખોટા છો. અને જો એમ કહેશે કે તમે ખોટા છો. અને જો એમ કહેશે કે પતંગિયું જીવતું છે તો પતંગિયાને મુઠીમાં મસળી નાખી કહેશે તમે ખોટા છો, તે સંતે બન્ને મિત્રોને કહ્યું, પતંગિયું જીવતું કે મરેલું છે તે તમારા હાથમાં છે. આજ રીતે પર્યાવરણ બચાવવું કે તેનો નાશ કરવો તે આપણા હાથમાં જ છે, કારણ પર્યાવરણ અને આપણે એક જ છીએ.

અંતે મારું માનવું છે કે આ ધરાની કાળજી રાખવી તે આપણી પવિત્ર ફરજ છે અને તે માટે આપણે જવાબદાર પણ છીએ. આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીથી સભાન બનીએ. આપણે દુનિયા અને દુનિયા આપણામાં છે. જો આપણે આપણા જીવનમાં ડોકિયું કરીએ અને જે રીતે જીવન જીવી રહ્યા છે તે ઉપર વિચાર કરીએ તો પર્યાવરણની સમસ્યાનો ઉકેલ આપણામાં જ રહેલો છે. લાલચ અને વધુ ને વધુ મેળવવાની પ્રબળ ઇચ્છા આપણને દુ‌‌:ખી જ કરે છે, ભૌતિક વસ્તુને મેળવવાની ઘેલછા ક્યારેય પૂર્ણ થતી નથી. આપણી ઇચ્છાઓ સંતોષવા આ પ્રુથ્વી પણ નાની લાગે છે. આપણે દરેકે વ્યકિતગત રીતે ભૌતિક સુખની ગુલામીમાંથી છૂટકારો મેળવવો જ પડશે. તો ચાલો આપણે પણ વડાધર્મગુરુ માન્ય પ્રાર્થના હેતુમાં સામેલ થઈએ અને પ્રાર્થીએ કે પર્યાવરણ પ્રત્યે આદર-સન્માન વધતો જાય. માનવજાતને આપેલ પર્યાવરણની જાળવણી દરેક માનવી સમજે અને કુદરત એ પ્રભુનું જ સર્જન છે તેવી સભાનતા કેળવાય.

Changed On: 16-06-2020
Next Change: 01-07-2020
Copyright@ Fr. Anand, S.J.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.