ઈસુ કેમ આવ્યા? (ડૉ. ફાધર આરસકુમાર)

અંગ્રેજીમાં એક ભક્તિ ગીત છે Every tiny star જેનો ટેક છે “God still loves the world” (ઈશ્વર હજુ પણ દુનિયાને / આપણને પ્રેમ કરે છે). માત્ર ચંદ્ર-તારા કે નદી-નાળાં આપણને આ આશાસભર સંદેશ આપે છે એવું નથી. હકીકતમાં તો આ દુનિયામાં જન્મ લેતું દરેક બાળક આપણા માટે આ સંદેશ લઈ આવે છે. એનો પુરાવો એ જ છે કે પ્રસૂતિની વેદનાથી ગભરાતી ને રડતી સ્ત્રી પણ પોતાના બાળકને જોતાંવેંત આનંદ-ઉલ્લાસમાં આવી જાય છે. એટલું જ નહિ પણ એવા એક શિશુને જોનાર કોઈ પણ નિરાશ થયેલી વ્યક્તિને આશા મળી જાય છે. એના પર નજર નાખનાર કોઈપણ દુઃખી માણસ હસતો થઈ જાય છે. કોઈપણ સામાન્ય બાળક આ રીતે ઈશ્વરના પ્રેમનો સંદેશ લઈને આવતું હોય છે. તો જ્યારે ઈશ્વર ખુદ પોતે બાળકરૂપે આવે ત્યારે કેટકેટલાનાં સ્વપ્નોને સાર્થક બનાવતા હોય!

દરેક બાળક પોતપોતાના માબાપની આશાની પ્રતિરૂપે અને તેમનાં સ્વપ્નના પરિણામે આ દુનિયામાં આવે છે. એ પોતે પણ પોતાના સ્વપ્ન સાથે આવે છે. પણ સાથે સાથે ઈશ્વરની કોઈ ઇચ્છા કે યોજના પૂરી પાડવા આવે છે. ઈસુ તો સંખ્યાબંધ લોકોનું સ્વપ્ન હતા અને અસંખ્ય લોકોની આશા તરીકે પોતાના પિતાની માનવજાત માટેની પ્રેમની યોજનાને પાર પાડવા આપણી વચ્ચે અવતર્યા હતા. જે પ્રજા નાસીપાસ થઈ ગઈ હતી, જે લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા થઈ ગયા હતા (એટલે કે સાચા માર્ગદર્શકો વિહોણા બની ગયા હતા). જે માણસો ‘મારા જીવનનો હવે કોઈ અર્થ રહ્યો નથી’ એમ વિચારતા થઈ ગયા હતા, એવા બધાને આશા તથા જીવનનો અર્થ આપવા સત્ય, માર્ગ ને જીવન તરીકે ઈસુ આ દુનિયામાં અવતર્યા હતા.

કદાચ મારાં માબાપ પાસેથી મને પૂરતો પ્રેમ મળ્યો નથી અથવા તેઓ મને સારી રીતે ભણાવી નથી શક્યા; અન્યાયી રીતે મારે નોકરી ગુમાવવી પડી અને હવે સારી નોકરી મને નથી મળતી; મારું લગ્ન જીવન ખૂબ જ ટૂંકું રહ્યું ને એમાં પણ મને સફળતા ન મળી; મારાથી મોટી ભૂલ કે પાપ થઈ ગયું ને મારાં માબાપ કે મારી પત્ની સુદ્ધાં મને સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. આવી કપરી પરિસ્થિતિમાં શું હું દારૂ પીવાનું શરૂ કરું? મારો જીવ લઈ લઉં? ચોક્ક્સ નહિ! એવું તો કાયર કરે કે અશ્રદ્ધાળુ કરે. બાઇબલ સાક્ષી પૂરે છે કે ઈસુ તો ખાસ આવી પરિસ્થિતિમાં જીવનારા માટે જ અવતર્યા હતા.

ઈસુ આપણને એમ કહેવા આવ્યા છે કે God still loves the world; God still loves you (ઈશ્વર હજુ પણ તમને પ્રેમ કરે છે) કારણ, મારી જેમ અને મારા દ્વારા તમે પણ ઈશ્વરનાં બાળકો છો. પોતે પ્રેમસ્વરૂપ ને દયાસાગર હોવાથી ઈશ્વરે સર્જેલી આ વિશાળ દુનિયામાં ઈશ્વરે અપાર તક ને માર્ગની જોગવાઈ પણ કરેલી છે. એટલે એમાં એકાદી તક ને એકાદો રસ્તો ચૂકી જવાય અર્થ એ નથી કે આપણું જીવન સમાપ્ત થઈ ગયું. નિરાશ થયા વગર આપણે આંખો ખુલ્લી રાખીને ચારેય બાજુ નજર નાખવી પડે તો જ આપણને બીજી તક ને બીજા માર્ગ દેખાય. આ સત્ય સમજ્યા વગર જો આપઘાતના માર્ગે જવાનું વિચારીએ અથવા દારૂ કે અન્ય વ્યસનોનો ગુલામ બની જઈએ તો એ મૂર્ખાઈ જ કહેવાય. એ તો ભક્તિ અને શિસ્ત વિહોણા કાયરોનો રસ્તો છે.

ઈસુ જે પ્રેમ અને આનંદનો સંદેશ લઈને આવ્યા એના પરિણામે એમના સંપર્કમાં આવનાર પાપી પુણ્યશાળી ઠરે છે (લૂક 19:1-10); શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક બીમારીથી કંટાળી ગયેલા સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરે છે (માર્ક 2‌:1-12); વર્ષોથી અન્યાયી અસામાજિક તત્ત્વોથી દબાયેલી ‘આબ્રાહામની દીકરી’ (એટલે કે સ્વતંત્રતાનો હક્ક ધરાવનાર) છૂટકારાનો અનુભવ કરે છે; સમાજથી તિરસ્કાર કરવામાં આવેલાને સ્વર્ગમાં સ્થાન આપવામાં આવે છે (લૂક 13:10-13). પોતાનો રસ્તો ગુમાવી ‘હું નાલાયક છું’ એમ વિચારનારને પોતાના જ કુટુંબમાં ફરી વાર સ્વીકાર મળે છે (લૂક 15:11-24); લોકોની શરમ કે બીકને કારણે છૂપાઈને જીવન ગાળનાર, નીડરપણે જાહેરમાં શુભસંદેશની ઘોષણા કરીને ઘણા બધા લોકોનો ઉદ્ધાર કરાવે છે (યોહાન 4:5-39). આવા અનેક દાખલાઓ આપી શકાય. પણ અગત્યની વાત એ છે કે આ બધી વ્યક્તિઓ ઈશ્વરે આપેલી બુદ્ધિનો ઉપયોગ કરે છે ને સમજદારીથી નિરાશાની વચ્ચે પણ આશાનાં કિરણો જુએ છે અને કપરી પરિસ્થિતિમાં પણ શ્રદ્ધા અને શિસ્તને વળગી રહીને પોતાને માટે નવો માર્ગ ને નવી તક શોધી કાઢે છે.

આ દુનિયા સંપૂર્ણ નથી અને આપણાં માબાપથી માંડી કોઈ પણ વ્યકિત બધી બાબતોમાં સંપૂર્ણ હોતી નથી – દરેકમાં કોઈ ને કોઈ ત્રુટી રહેવાની જ. ઈશ્વર સિવાય કોઈ સર્વાગ સંપૂર્ણ હોઈ ન શકે. એટલે જ્યાં સુધી આપણે આ દુનિયામાં રહિશું ત્યાં સુધી, આપણને જેની સદાય ઝંખના રહે છે એ સુખ, પ્રેમ, ન્યાય કે સમાનતા જેવાં મૂલ્યોની સાથે દુ‌‌‌:ખ, અન્યાય, અસમાનતા, ગેરસમજ, અસ્વીકાર, તિરસ્કાર, ધિક્કાર વગેરેનો પણ અનુભવ થવાનો જ છે. કોઈની પણ પાસેથી અને ક્યાંય પણ સર્વાગ સંપૂર્ણતાની અપેક્ષા રાખવી એ મૂર્ખાઈ છે. જેટલી ઊંચી આપણી અપેક્ષા તેટલી જ ઊંડી હશે આપણી નિરાશા. થાઇલેન્ડની સંસ્કૃતિમાં એક રિવાજ છે કે કોઈ પણ કાર્યમાં જાણીજોઈને કોઈ નજીવી ખામી રહેવા દેવી કેમકે તેઓ માને છે કે ફકત ઈશ્વર જ ખામીમુક્ત હોઈ શકે, માનવી નહિં.

સર્વાંગ સંપૂર્ણતા તો આપણો ઘ્યેય હોઈ શકે અને એ ધ્યેય તરફ આપણને લઈ જવા માટે જ ઈસુ બાળ રૂપમાં પધારે છે અને તેઓ પોતાની વાણી, કાર્ય તથા જીવન દ્વારા આપણે એ ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે શક્ય બને એમ શીખવાડે છે. દુ‌:ખની વાત એ છે કે ઈસુનું આ જીવનસંદેશ આપવાનું કામ કરનાર આજે ખૂબ જ ઓછા છે. આ કાર્ય માટે અલગ તારવવામાં આવેલા (ઇર્મિયા 1:5) પણ પ્રેષિતોની વાતને ભૂલી ગયા છે કે ઈશ્વરની વાણીને પડી મૂકીને ભાણાંની ચિંતા કરવી એ ઠીક નથી (પ્રે.ચ. 6:2). તેમ છતાં આપણે બાઇબલ ઉપર આધાર રાખી એમાંથી આ જીવનસંદેશ મેળવી શકીએ છીએ.

ઈસુ પાસેથી આ બધી બાબતમાં નમ્રપણે ને વિવેકબુદ્ધિથી પ્રેરણા તથા શિખામણ મેળવનાર સંત એટલે સંત પાઉલ. આ ક્ષણભંગુર અને અપૂર્ણ દુનિયાની અને આપણને ઈસુ દ્વારા મળનાર શાશ્વત ને સંપૂર્ણ જીવનની વાત કરતાં પાઉલ કહે છે: જે મહિમાનો આપણને સાક્ષાત્કાર થવાનો છે તેની આગળ અત્યારનાં દુ‌:ખો કંઈ વિસાતમાં નથી. સૃષ્ટિ પોતે જ આતુર ઉત્કંઠાથી ઈશ્વરપુત્રના પ્રગટ થવાની રાહ જોઈ રહી છે... આ સૃષ્ટિ પોતે જ નશ્વરતાની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં સંતાનોની મહિમાવંત મુક્તિની ભાગીદાર થશે (રોમ 8:18-21). શ્રદ્ધાળુઓનું ખૂન કરી મોટું પાપ આચરનાર આ સાઉલને ઈસુનો અનુભવ થતાં, એ મોટો સંત ને ધર્મસભાનો પાયો બને છે. મૂર્ખાઈથી ભરેલા પાપમય ભૂતકાળના વિચારમાં એ ભાંગી નથી પડતો, નિરાશ નથી થતો ને દારૂ કે કોઈ વ્યસનનો આશરો લઈ એનો ગુલામ નથી બનતો. બલકે, હિંમતથી કહે છે:... જે પાછળ છે તેને ભૂલી જઈને જે આગળ છે તેને પ્રાપ્ત કરવા મથી રહ્યો છું: ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વરે જે ઇનામ મેળવવાનું સ્વર્ગમાંથી આહવાન કર્યું છે તે મેળવવા, ધ્યેયને લક્ષમાં રાખીને, હું આગળ ધપી રહ્યો છું (ફિલિપ્પી 3:12-14).

ઈસુ આપણને જે આત્મા આપવા આવ્યા છે તે આપણને કાયર કે ગુલામ બનાવતો નથી બલકે તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે (2 તિમોથી 1:7, ગલાતિ 4:7). તે પ્રેરણા મુજબ જીવીશું તો પાઉલની જેમ આપણે પણ કહી શકીએ કે હું મંગલ શરતમાં ઝઝૂમ્યો છું. પૂરું અંતર દોડ્યો છું... હવે તો વિજમાળા મારી રાહ જોઈ રહી છે (2 તિમોથી 4:7-8). ઊઠો ને જાગો, યુવા મિત્રો, ધ્યેય પ્રાપ્તિ સુધી, વણથંભ્યા આગળ વધો!

Changed On: 01-07-2020
Next Change: 16-07-2020
Copyright@ Fr. Aaraskumar

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.